ચૂંટણીનાં પરિણામો દુઃખી ભક્તો કહે છે, ‘ઇવીએમ વિશે વાત કરો.’ ભક્તોનો તો સાવ ગયેલો કેસ હોય છે. તેમને તથ્યો સાથે કે હકીકત સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે, તેમને કશું કહેવાની જરૂર નથી.
બીજું, ઇવીએમ હેક થઈ શકે એ વાતમાં મને કદી વિશ્વાસ પડ્યો નથી. ભૂતકાળમાં એકથી વધારે વાર એ વિશે ચોખ્ખા શબ્દોમાં લખી ચૂક્યો છું. ઘણા વાંચનારને તે યાદ પણ હશે. મોદીના બીજા ટીકાકારો ઇવીએમની વાત લાવે, ત્યારે તેમની સાથે પણ અસંમતિ જ રહી છે. કારણ કે ઇવીએમ હેક કરવા માટે, તેના એકેએક યુનિટમાં રહેલી ચીપ હેક કરવી પડે. તે ચીપ પ્રી-પ્રોગ્રામ કરીને અંદર મુકી શકાય, પણ એકએક ઇવીએમમાં તે કરવું અશક્યની હદે અઘરું છે.
હા, આખેઆખાં ઇવીએમની હેરફેર થઈ શકે. સ્થાનિક વહીવટી તંત્ર ખિસ્સામાં હોય ત્યારે તો ખાસ. અલબત્ત, એ સહેલું જરાય નથી. છતાં, એકથી વધારે વાર વાહનોમાં રેઢો પડેલો ઇવીએમનો જથ્થો શંકા ઉપજાવનારો હતો. અને તેના કદી સંતોષકારક ખુલાસા મળ્યા નથી તે હકીકત છે.
પરંતુ આ વખતે કરવા જેવી વાત ઇવીએમ અને આખી ચૂંટણીનો વહીવટ કરતા ચૂંટણી પંચની છે. આ વખતે આખેઆખું ચૂંટણી પંચ હેક થઈ ગયું હતું. ભક્તોને તો તે ન દેખાય, બલ્કે તેમને તો હેક થયેલું ચૂંટણી પંચ જ સારું લાગે, પણ પરિણામ પછી અત્યારે તેની વાત ખાસ કરવા જેવી છે.
ગયા વર્ષ સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂંક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને વિપક્ષના નેતા—એમ ત્રણ જણની સમિતિ કરતી હતી. તેમાં સંતુલન જળવાયેલું હતું, પણ બધી સત્તા પોતાની પાસે લઈ લેવા હરાયા થયેલા મોદીએ ગયા વર્ષે કાયદામાં ફેરફાર કરીને સમિતિમાંથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કાઢી નાખ્યા. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને મુકી દીધા. એટલે સરકાર ઇચ્છે તે જ અધિકારી ચૂંટણી કમિશનર બની શકે.
આ વર્ષે માર્ચમાં એક ચૂંટણી કમિશનરે વહેલી નિવૃત્તિ લઈ લીધી. એ માટે તેમણે અંગત કારણો આગળ કર્યાં હતાં, પણ ત્યાર પછી ચૂંટણી કમિશનરોનું જે સરકારતરફી વલણ રહ્યું તે જોતાં એવું ધારી શકાય કે પેલા કમિશનરને એ બધું પોતાનાથી નહીં થાય એવું લાગ્યું હશે. એ ધારણા છે, પણ સાવ નિરાધાર નથી.
પછી ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે એવી રીતે સાત તબક્કામાં તેને વહેંચવામાં આવી કે જેથી વડાપ્રધાન બધે પ્રચાર પર પૂરતું ધ્યાન આપી શકે—તેમને પૂરતો સમય મળે અને મહત્ત્વનાં રાજ્યોમાં એક સાથે, એક સમયે ચૂંટણી ન હોય.
ચૂંટણીનું સમયપત્રક તો સૌથી નાનામાં નાનું, ઓછામાં ઓછું અને ક્ષમ્ય ગણાય એવું કારસ્તાન હતું. ત્યાર પછી ચૂંટણી પંચે જે રીતે ચૂંટણીની આચારસંહિતાનો મોદી એન્ડ કંપની દ્વારા મોટા પાયે ભંગ ચૂપચાપ થવા દીધો તે અક્ષમ્ય હતું. નૈતિકતા-ફૈતિકતા છોડો, સાદા કાયદાની-આઇપીસીની દૃષ્ટિએ પણ ઘણી બાબતો ગુનો બને તેમ હતી.
મોદી તેમનાં ભાષણોમાં હડહડતાં જૂઠાણાં ફેલાવતા હતા. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય લખ્યું ન હોય એવું તેમનાં ભાષણોમાં પ્રચારતા હતા. દેશનો વડોપ્રધાન કહે કે કોંગ્રેસના ઢંઢેરામાં આવું લખ્યું છે—અને એ સાવ જૂઠાણું હોય, તો તેની ગંભીરતા કેટલી કહેવાય? પણ ચૂંટણી પંચે કશાં પગલાં ન લીધાં.
મોદી તેમનાં ભાષણોમાં આ દેશના નાગરિક એવા મુસલમાનો વિરુદ્ધ બેફામ બોલતા હતા અને લોકોને ઉશ્કેરતા હતા. આઇપીસીની કલમો પ્રમાણે એ ગુનો થાય, પણ મોદીરાજમાં એ વાત એટલી સામાન્ય થઈ ચૂકી હતી કે ચૂંટણી પંચે પણ તે ચાલવા દીધી.
એ સિવાય સડકછાપ ભાષણો માટે તો મોદી જાણીતા છે જ. તેમાં પણ આ વખતે બધી હદો વટાવી. તેમ છતાં, બહાદુરીના દાવા કરીને મોદીની ભક્તિ કરી લેતા લોકોએ આ બધી બાબતોને ‘એ તો રાજકારણ હોય. તેમાં આવું બધું જ હોય. એ તો આવું જ ચાલે’—એમ કહીને આ બાબતોને છાવરવાનો પ્રયત્ન કર્યો અને હજુ આજે પણ કરે છે.
અગાઉ કોઈ વડાપ્રધાન બંધારણીય હોદ્દે રહીને આટલા લાંબા સમય સુધી (ચૂંટણી પ્રચાર દરમિયાન) આટલી મોટી માત્રામાં, આટલું બેફામ કે આટલું જૂઠું બોલ્યા નથી. પણ પ્રગટ ભક્તો કે સલુકાઈથી સરકારવિરોધી તરીકેની છાપ ઉભી કર્યા પછી મોદીની ભક્તિ કરી લેનારાઓ—તે બધાને તેમાં કશું ખોટું ન લાગ્યું. એ તો ઠીક, પણ ચૂંટણી પંચે પણ મોદીના બેફામ, બેકાબૂ વિષવમનને નજરઅંદાજ કર્યું.
સામાન્ય રીતે ચૂંટણીપ્રચારમાં કોઈ ઉમેદવાર હદ વટાવે તો ચૂંટણી પંચ તેને વ્યક્તિગત નોટીસ આપે. મોદીએ અનેક વાર હદ વટાવી. તેમાંથી એક વાર પગલાં લેવાનું દબાણ ઊભું થયું, ત્યારે ચૂંટણી પંચે શું કર્યું? તેણે નોટીસ તો આપી, પણ મોદીને નહીં, ભાજપના પક્ષપ્રમુખને—અને સાથે કોંગ્રેસના પક્ષપ્રમુખને પણ આપી દીધી. અને કહ્યું કે તમારા સ્ટાર પ્રચારકોને કહો, બોલવામાં ધ્યાન રાખે. બસ, પગલાં લેવાઈ ગયાં.
આટલું ઓછું હોય તેમ, ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતમાં મતગણતરીનો ડેટા જાહેર કરવામાં અખાડા કર્યા. પહેલા બે કે ત્રણ તબક્કામાં જાહેર કરેલી ટકાવારીમાં પાંચ ટકાનો વધારો કેવી રીતે થયો, તેનો ચૂંટણી પંચે કર્યો નહીં. તેમાં કશો ગોટાળો ન હોય ને ગણતરીની ભૂલ હોય તો પણ જવાબ આપવાની ચૂંટણી પંચની ફરજ છે. તેને બદલે ચૂંટણી પંચે પણ મોદીની માફક અકડાઈભર્યું વલણ લીધું. છેવટે સર્વોચ્ચ અદાલતે દરમિયાન થવું પડ્યું.
ચૂંટણી પંચના આવા વલણને કારણે, મતગણતરી વિશ્વસનિય રીતે થશે કે નહીં, તેની વાજબી શંકા ઊભી થઈ. ચૂંટણી પંચે તબક્કા પૂરા થતા જાય તેમ મતદાનના આંકડા આપવાનું રાખ્યું હોત તો આટલી શંકા ન પડત. પણ એક વાર વિશ્વસનિયતા ગઈ એટલે પૂનમ અગ્રવાલ નામનાં એક પત્રકારે અને ત્યાર પછી બીજા ઘણા લોકોએ ફોર્મ 17 (સી)નો મુદ્દો ઊભો કર્યો. મતદાનના દિવસે સાંજે કુલ મત અને પડેલા મતની વિગતો ઇવીએમના નંબર સાથે પોલિંગ એજન્ટોને આપવાની હોય છે. તે વિગતોનો જાહેર થયેલાં પરિણામોના આંકડા સાથે તાળો બેસાડીને ગરબડ થઈ હોય તો જાણી શકાય. એટલે, ઘણા લોકોએ ફોર્મ 17 (સી) ભેગાં કર્યાં. પરંતુ તેમાં કોઈ ગરબડ થયાની ફરિયાદ નથી મળી. એટલે 17 (સી)ની જરૂર ન પડી. પણ ચૂંટણી પંચે ડેટા આપવાનો ઇન્કાર કરીને સામે ચાલીને પોતાની વિશ્વસનિયતા પર કુહાડો માર્યો હતો.
આમ, આ ચૂંટણીમાં મોદીના અહંકારથી પહેલાં ચૂંટણી પંચની વિશ્વસનિયતા ગઈ છે. તે પાછી લાવવા માટે સૌથી પહેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કાયદો પહેલાં જેવો કરવો જોઈએ. તેનાથી કમ સે કમ ઇરાદાની યોગ્યતા વિશે તો ખ્યાલ આવશે.
બાકી, મોદી આમ તો મહાન છે અને નાનીમોટી તકલીફ તો દરેક નેતામાં હોય—એવા જુદા પ્રકારના ભક્ત-આખ્યાનોથી બચજો. મોદીનો અહંકાર, સ્વમોહ અને સત્તાનું ભયંકર કેન્દ્રીકરણ કરવાની તેમની લાલસા તેમને બીજા ખરાબ નેતાઓ કરતાં અનેક ગણા વધારે ખતરનાક બનાવે છે—દેશ માટે અને સમાજ માટે. દેશની બંધારણીય સંસ્થાઓ અને સામાજિક પોતથી માંડીને મિડીયાની તેમણે જે દુર્દશા કરી છે, એ જોઈને પણ તમને સમજાતું ન હોય, તો હજુ તમારે કેટલા પુરાવા જોઈએ? ના, તેનો અર્થ તો એવો છે કે તમને ગમે તેટલા પુરાવા કે હકીકતોથી કશો ફરક નથી પડતો. કારણ કે, તમારા માટે તો તમારો સ્વાર્થ અથવા તમારી ભક્તિ જ સર્વસ્વ છે.
Good information
ReplyDelete