દિલ તૂટવા વિશે દરેક ભાષામાં અઢળક સાહિત્ય સર્જાયું છે. કેટલાયનો તો કારોબાર જ બીજાનાં દિલના તૂટવા પર ચાલ્યો છે. તેની સરખામણીમાં સ્લીપર-ચપ્પલની પટ્ટી તૂટવા વિશે કોઈ ગદ્ય કે પદ્ય કૃતિ ભાગ્યે જ વાંચવા મળશે. સાહિત્યસર્જકો પર વાસ્તવિકતાથી દૂર હોવાનો આરોપ કંઈ અમસ્તો મુકાતો હશે? માણસ જેવો માણસ તેની સ્લીપર જેવી સ્લીપર કે ચપ્પલ જેવી ચપ્પલ પહેરીને રસ્તા જેવા રસ્તા પર સરેઆમ ચાલતો હોય અને અચાનક, દિલની જેમ જ, ‘કટ’ કે ‘ફટ’ અવાજ આવ્યા વિના પગરખાંની પટ્ટી તૂટી જાય, તે શું નાનોસૂનો ધક્કો છે? આધુનિક મહાકાવ્યોની રચના માટે કવિઓ વાલ્મિકીની જેમ ક્રૌંચ વધ જોવા ક્યાં મળવાનો? ડિસ્કવરી પર કે યુ ટ્યુબ પર? એને બદલે, ચાલતાં ચાલતાં પગરખાંની પટ્ટી તૂટી જાય ત્યારે સર્જાતી કારુણી ‘કલાપી’ની કવિતાને ટક્કર મારે એવું વિષાદકાવ્ય નીપજાવવાની પ્રેરણા આપી શકે છે. તેના માટે કવિએ સમાનુભૂતિનો અહેસાસ કરવો પડે.
ગમે તેટલા ઉદાર જણને પણ પટ્ટીતૂટ્યા સ્લીપર સાથે સમાનુભૂતિ અનુભવવાનું—'એ સ્લીપર એ સ્લીપર નહીં, હું જ છું’- એવું કલ્પવાનું અઘરું પડે છે, પણ સ્લીપર પહેરનારની પીડાનો અહેસાસ કરી શકાય કે નહીં? સેંકડો લોકો રોજ પગરખાં પહેરીને બહાર નીકળે છે. તેમાંથી કોની સ્લીપર વિધાતાની વક્ર દૃષ્ટિનો ભોગ બનવાની છે, તેની કોઈને ખબર નથી હોતી. યક્ષના પ્રશ્નના જવાબમાં સૌથી મોટા આશ્ચર્યનું વર્ણન કરતાં યુધિષ્ઠિરે કહ્યું હતું કે મૃત્યુ નિશ્ચિત છે તે જાણવા છતાં માણસ એવી રીતે વર્તે છે, જાણે તે કદી મૃત્યુ પામવાનો નથી. એવી જ રીતે, મોટા ભાગના પગરખાંપહેરકો એવી રીતે વર્તે છે, જાણે ફક્ત તે પોતે જ નહીં, તેમનાં પગરખાં પણ અમરપટો લખાવીને આવ્યાં હોય.
કેટલાંક લોકો પગરખાંને જેટલાં લાડ લડાવે છે, એટલું જતન ઘણા લોકો પોતાની જાતનું પણ નહીં કરતા હોય. રોજ પગરખાંને બરાબર લૂછવાં, ધોવાં, ગુંજાશ હોય ત્યાં પોલીશ કરીને કે કરાવીને તેમને ચકચકાટ કરવાં...આવી રીતે તૈયાર થયેલાં પગરખાં પર ગૌરવભરી નજર નાખતાં તેમનું શેર લોહી ચડે છે. એવા વખતે તેમને કહેવામાં આવે કે આટલો મોહ સારો નહીં, પગથિયાં ગમે ત્યારે, આગોતરો અણસાર આપ્યા વિના, સાથ છોડી દેશે અને પહેરનારને અધવચ્ચે મૂંઝવણભરી સ્થિતિમાં મુકશે. એ વખતે પહેરનારે પગરખાં-દેવદાસ બનવાનો વારો આવશે. તેને થશે કે અરેરે, આ પગરખાં, મને અડધે રસ્તે રઝળતો મૂકીને તૂટી ગયેલાં પગરખાં માટે મેં આટલી આસક્તિ રાખી? આટલાં વાનાં કર્યાં?
પગરખાં-અને ખાસ કરીને સારાં પગરખાં પહેરનાર માને છે કે તેનાથી ફક્ત પગની નહીં, પગ ઉપર રહેલા માથાની પણ શોભા વધે છે. પરંતુ રસ્તા વચ્ચે સ્લીપર-ચપ્પલની પટ્ટી તૂટે, ત્યારે બધી શોભા અવળી નીકળી શકે છે. કેમ કે, પહેરનારના ચિત્તમાં તે વખતે મજબૂરીનું વાવાઝોડું ફુંકાય છે. કવેળા, અધરસ્તે તૂટેલી પટ્ટીને કારણે માણસનું બધું ધ્યાન પગરખાંના તૂટેલા ભાગ પર કેન્દ્રિત થાય છે. અચાનક ચાલવામાં પડવા લાગેલી તકલીફને કારણે, આકરા પાણીએ હોય એવા લોકોને સૌથી પહેલો વિચાર તૂટેલાં પગરખાં ફગાવી દેવાનો આવે છે. તેની પાછળ ‘એ મને શું છોડતી’તી? હું જ એને તજી દઉં છું.’—એવી ઘવાયેલા સ્વમાનની લાગણી જવાબદાર હોય છે. પરંતુ એ વિચારના અમલ પહેલાં તરત બીજા, વધારે વ્યવહારુ વિચારો આવવા માંડે છે. જેમ કે, હું તૂટેલી સ્લીપર પર ગુસ્સે થઈને તેને ફેંકી દઉં, તો તેની જોડીદાર એવી બીજી સ્લીપરનું શું?
એ ખરું કે માણસોની જેમ સ્લીપરને ફેંકી દેતાં પહેલાં પણ કશી ભૂમિકા બાંધવાનું આવશ્યક નથી. મોટા ભાગની કંપનીઓ માણસો પાસે એ મતલબના કરાર કરાવી જ લેતી હોય છે, સ્લીપર સાથે તો એવા કરારની પણ જરૂર નથી હોતી. છતાં, ઉગ્ર પ્રતિક્રિયાનો-રોષનો તબક્કો પૂરો થયા પછી માણસને યાદ આવે છે કે ટાયરમાં પંક્ચર થાય તો ટાયર ફેંકી દેવામાં આવતું નથી—તેનું પંક્ચર કરાવવામાં આવે છે. એવી જ રીતે, સ્લીપરની તૂટેલી પટ્ટી પણ સંધાવવી જોઈએ..
વિચાર તો પવિત્ર છે, પણ મોટા ભાગના પવિત્ર વિચારોની જેમ, તેના અમલીકરણમાં ખરી મુશ્કેલી હોય છે. તૂટેલી સ્લીપર સંધાવવી ક્યાં? અને ખાસ તો, તેનો કોઈ સાંધણહાર ન મળે ત્યાં સુધી ખેંચવું શી રીતે? એ લગ્નજીવન તો છે નહીં કે જેમતેમ કરીને, ઘસડમપટ્ટી કરીને પણ ખેંચ્યે રાખવું પડે. તૂટેલી સ્લીપરને પહેરેલી રાખતાં માણસની ચાલવાની ગતિ પર અને એના કરતાં પણ વધારે, તેની ચાલવાની સલામતી પર ગંભીર અસર પડી શકે છે. બીજો વિકલ્પ લોકલાજ તજીને તૂટેલી સ્લીપરને હાથમાં પકડવાનો છે. પરંતુ ‘કુછ તો લોગ કહેંગે, લોગોંકા કામ હૈ કહના’—એ ગાવું જેટલું સહેલું છે, એટલું જ સાકાર કરવું અઘરું. સમાજમાં પોતાની ધારી લીધેલી પ્રતિષ્ઠાને કારણે વ્યક્તિને થાય છે કે હું? અને સ્લીપર હાથમાં પકડીને ચાલું? એના કરતાં તો સ્લીપરને ગૌરવભેર ફગાવીને ઉઘાડપગો ચાલું, તો મારું સ્વમાન વધારે સચવાય.
પગરખાની પટ્ટી ઓચિંતી તૂટવાની ઘટના
જાગ્રત માણસ માટે બુદ્ધત્વની ક્ષણ બની શકે છે. તેને વિચાર આવી શકે છે કે જેમ
પગરખાંની તેમ જીવનની પટ્ટી પણ સંધાવી ન સંધાય એવી રીતે એક દિવસ તૂટી જશે. પછી?
એ જુદી વાત છે કે એવું બુદ્ધત્વ
પગરખાં સાંધી આપનાર મળે ત્યાં સુધી જ ટકે એવું હોય છે.
No comments:
Post a Comment