કવિઓએ ભ્રમરના ડંખ વિશે ઘણું લખ્યું છે, પરંતુ તેમના સાહિત્યમાં બીજી ઘણી વાસ્તવિકતાઓની જેમ મચ્છરડંખના ઉલ્લેખની ગેરહાજરી નોંધપાત્ર છે. પહેલાં તો એવો વિચાર આવે કે સંસ્કૃત કવિઓના જમાનામાં મચ્છર નહીં હોય? ડાયનોસોર ક્યારે હતાં અને ક્યારે ન હતાં, તેના વિશે આધારભૂત માહિતી મળે છે, પણ મચ્છરો વિશે એવી કોઈ વિગત કમ સે કમ સામાન્ય જનતાની જાણકારીમાં તો નથી.
પરશુમરામની કથામાં એવો ઉલ્લેખ આવે છે કે પરશુરામ તેમના પ્રિય શિષ્ય કર્ણના ખોળામાં માથું મૂકીને સુતા હતા ત્યારે કર્ણને ભમરાએ ડંખ માર્યો, લોહી નીકળ્યું અને કર્ણ ચૂપચાપ પીડા સહન કરતો રહ્યો. તેનાથી પરશુરામને કર્ણના કુળ વિશે શંકા ગઈ. ધારો કે કર્ણને ભમરાને બદલે મચ્છર કરડ્યું કે કરડ્યાં હોત તો?
મચ્છરડંખપીડિતોને આ મૂંઝવણ સમજાઈ શકશેઃ વારંવાર મચ્છર કરડતું હોય તો, કરડનાર ઇસમ, એટલે કે મચ્છર, એક જ છે કે અનેક, એવી કેમ ખબર પડે? એકનું એક મચ્છર વારે ઘડીએ કરડતું હોય એવું પણ ન બને? કેટલાંક પશુપક્ષીઓને રેડિયો ફ્રિકવન્સીવાળાં ટેગ લગાડવામાં આવે છે, એવું હજુ સુધી મચ્છરોના કિસ્સામાં બન્યું નથી. માણસોની આંખ પણ મચ્છરને ‘ચહેરો’ જોઈને ઓળખવા માટે ટેવાયેલી નથી હોતી. ઘણા માણસો બીજા માણસોનો ચહેરો પણ માંડ યાદ રાખી શકતા હોય ત્યાં તે મચ્છરને ઓળખે એવી અપેક્ષા શી રીતે રાખી શકાય?
શક્ય છે કે કેટલાક મચ્છરપીડિતોએ રાત્રે સુતી વખતે મચ્છર દ્વારા થતા આક્રમણ વિશે લખ્યું હોય. કારણ કે તે વખતે મચ્છરોનો હુમલો ફક્ત શરીર પર જ નહી, ઉંઘ પર પણ થતો હોવાથી તેની ગંભીરતા બેવડાઈ જાય છે. તેના કારણે, દિવસે મચ્છરો દ્વારા થતી છાપામારીને અવગણવા જેવી કે હળવાશથી લેવા જેવી નથી. સામાન્ય રીતે આસ્તિકો એવું વિચારતા હોય છે કે ઇશ્વરની મરજી આગળ માણસનું કંઈ ચાલતું નથી. પણ જીવ અને શિવ વચ્ચે ફરક ન કરતા લોકો જાણે છે કે ફક્ત ઇશ્વરની નહીં, ઘણી વાર તો મચ્છરની મરજી આગળ પણ માણસનું કશું ઉપજતું નથી. માણસ ખુરશીમાં પગ લાંબા કરીને બેઠો હોય અને અચાનક પગે ચટકો ભરાયાનો અહેસાસ થાય છે.
ગામમાં તોફાન થાય તો અમુક લોકો પર સૌથી પહેલી શંકા જાય, એવી જ રીતે દિવસે પગમાં કંઈક સળવળાટ કે કરડાટ અનુભવાય તો પ્રાથમિક શકમંદ કીડી કે ચોમાસામાં મંકોડા હોય. નેતાઓ નિવેદનો ફટકારીને સમસ્યાઓ ઉકલી જશે એવો દેખાવ કરે છે તેમ, માણસ ચટકો લાગ્યો હોય ત્યાં હાથથી એકાદ હળવી થપાય મારીને સમસ્યા ઉકલી જશે એવી આશા રાખે છે. ફરક એટલો કે નેતા જેના વિશે નિવેદન ઠપકારે છે એ સમસ્યા તેમની નહીં, દેશની હોય છે. એટલે એ ન ઉકલે તો તેમને કશો ફરક પડતો નથી અને ઘણા કિસ્સામાં ફાયદો પણ થાય છે. જ્યારે ચટકાગ્રસ્તને તેના હાથ કે પગ પર થયેલા હુમલાનો નીવેડો લાવવાનો હોય છે.
પહેલા ચટકા પછી માણસ તેના સગડ શોધવાનો પ્રયાસ કરે અને તેની પર કોઈનું ધ્યાન પડતાં, તે સહજ પૂછે કે ‘શું થયું?’ ત્યારે ઘડીક ડંખનો ડંખ ભૂલીને માણસ વડાપ્રધાનની ‘ન કોઈ ઘુસા થા, ન કોઈ ઘુસા હૈ’ મુદ્રામાં ‘કંઈ નહીં, કંઈ નહીં’ કરવા લાગે છે. તેનાથી મચ્છરને (અને ચીનને પણ) ફાવતું જડે છે. પરંતુ મચ્છર ફરી કરડે ત્યારે માણસની ધીરજ ખૂટે છે. તે રાજનેતા નથી. તેને દેશને તમાચો વાગવા દઈને પોતાનો ગાલ લાલ રાખવાનો નથી હોતો. એટલે તે મચ્છરના હુમલાના પ્રતિકાર માટે વિકલ્પો વિચારે છે.
‘પોલીસમાં ફરિયાદ થઈ શકે?’ તે વિચારે છે. પછી તેને યાદ આવે છે કે પોલીસમાં માણસો સામેની ફરિયાદ માંડ નોંધાતી હોય ત્યાં સેમી-અદૃશ્ય એવા મચ્છર સામેની ફરિયાદ ક્યાંથી નોંધાવાની? અને ધારો કે કોઈની ઓળખાણથી નોંધાઈ પણ ગઈ, તો અજ્ઞાત મચ્છર સામે એફઆઈઆર નોંધાવીને શા કાંદા કાઢી લેવાના? બીજો એ પણ ખ્યાલ આવે છે કે મચ્છરે કોઈ રીતે મારી ધાર્મિક લાગણી દુભાવી છે એવી ફરિયાદ ઊભી થાય તો પોલીસને રસ પડે. પણ મચ્છરે હાથે કે પગે મારેલા ડંખમાં ધાર્મિક લાગણીનું આરોપણ શી રીતે કરવું? તેના માટે લાગણીદુભાવ સ્પેશ્યલિસ્ટોની મદદ લેવા જતાં ઓડનું ચોડ થાય, એમ માનીને એ વિકલ્પ પડતો મુકાય છે.
પોલીસમાં છેક ઉપરની ઓળખાણ હોય તો મચ્છરના એન્કાઉન્ટરનો વિકલ્પ રહે છે, પણ આજકાલ ગુજરાતમાં એન્કાઉન્ટરનું ચલણ રહ્યું નથી. અને આટલા નાના કામમાં પોલીસનો સહકાર મેળવવા માટે છેક સહકાર મંત્રી અમિત શાહ પાસે ફોન કરાવવો પડે, તેમાં મચ્છરને વધુ પડતું મહત્ત્વ આપી દીધા જેવું થાય, એમ વિચારીને તે વિકલ્પ પર ચોકડી મુકાય છે.
સોશિયલ મિડીયાના ખેલંદાઓને વિચાર આવે છે કે આ મચ્છરનું ફેસબુક-ટ્વિટર પર એકાઉન્ટ હોત તો તેને ખબર પાડી દેત. સાયબર સેલમાંથી તેનું એવું ટ્રોલિંગ કરાવત કે તે ફરી વાર મને કરડવાની ખો ભૂલી જાત. પરંતુ મચ્છરોને લોહી પીવા માટે ફેસબુક પર હોવાની જરૂર પડતી નથી. એ બાબતમાં તે આત્મનિર્ભર હોય છે. છેવટે, માણસ એકાદ મચ્છર અગરબત્તી કે મચ્છર ભગાડતા પ્રવાહીનો પ્રયોગ કરીને, પોતે તો બનતું કર્યું, એવો સંતોષ માને છે અને દુનિયા મચ્છરમુક્ત થાય એવા અચ્છે દિનની રાહ જુએ છે.
No comments:
Post a Comment