રસ્તે પડેલી વસ્તુની કિંમત નથી હોતી અથવા નકામી વસ્તુને ‘રસ્તે પડેલી’ તરીકે ઓળખવામાં આવે છે. પણ રસ્તો પોતે રસ્તામાં નથી પડ્યો. તે કિમતી ચીજ છે. રસ્તા બનાવવાની કામગીરી કેટલા બધા લોકો માટે સમૃદ્ધિ સુધી પહોંચવાનો રસ્તો બની હશે, તે ઠેકઠેકાણે અને છાશવારે થતી રસ્તાની અવદશાથી કલ્પી શકાય. ફિલસૂફો અને ચિંતકોએ રસ્તાનો બહુ મહીમા કર્યો છે. (‘ખરું મહત્ત્વ મંઝિલનું નહીં, પણ ત્યાં સુધી પહોંચવાના રસ્તાનું છે.’ વગેરે) છતાં, રસ્તાની વાસ્તવિક-વ્યાવહારિક કિંમત કરવાની બાબતમાં ચિંતકો અને ફિલસૂફો કરતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઘણા આગળ નીકળી ગયા છે.
રસ્તા એ વિકાસની નિશાની છે. ભાંગેલાતૂટેલા રસ્તા તો વિશેષ. કેમ કે, સમજુ નાગરિકો એવા રસ્તા જોઈને કલ્પી શકે છે કે રસ્તા બનાવવાના અને તેનું સમારકામ કરવાના કામમાં સંકળાયેલા લોકોનો કેટલો બધો વિકાસ થઈ ગયો હશે. છેવટે, વ્યક્તિનો અને પરિવારોનો વિકાસ એ જ દેશનો વિકાસ નથી? રસ્તા માળખાકીય સુવિધામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, એવું અર્થશાસ્ત્રમાં આવે છે, પણ રસ્તાનું વાસ્તવિક અર્થશાસ્ત્ર વધારે મહત્ત્વનું છે અને બીજી ઘણીખરી મહત્ત્વની બાબતોની જેમ તે પણ અભ્યાસક્રમમાં આવતું નથી.
જૂની કહેવત હતી કે હાથી જીવતો લાખનો અને મરેલો સવા લાખનો. એવી જ રીતે કહી શકાય કે રસ્તો નવો લાખોનો અને તૂટેલો લાખ્ખોનો. ફિલસૂફો કહે છે કે જન્મ એ મૃત્યુનું સૌથી મોટું કારણ છે, પણ ફિલસૂફી એ અવતરણ તરીકે ટાંકવાની ચીજ બની ચૂકી હોવાથી, તેની પર તાળીઓ ઉઘરાવવા-પાડવાથી વિશેષ ધ્યાન લોકો આપતા નથી. બાકી, તેમના મનમાં ‘રસ્તા વારંવાર તૂટી કેમ જાય છે?’ એવો સંકુચિત સવાલ થતો ન હોત. તે સમજતા હોત કે રસ્તા છે એટલે તૂટે છે. સરકારશ્રીએ રસ્તા બનાવ્યા ન હોત તો તે તૂટત પણ નહીં. તેને બદલે ગાળો ખાવાનું-અપજશ વહોરવાનું જોખમ ખેડીને પણ વહીવટી તંત્રે રસ્તા બનાવ્યા છે, તો આ સાહસિક અને હિંમતભર્યા પગલા બદલ તેનાં ઓવારણાં લેવાં જોઈએ કે તેમના માથે માછલાં ધોવાં જોઈએ? વહીવટી તંત્ર એટલું સંવેદનશીલ છે કે ચોમાસામાં પાકા રસ્તા પર ઠેર ઠેર નાનાં તળાવની સાઇઝનાં ખાબોચિયાં ભરાઈ શકે તેવી પણ વ્યવસ્થા રાખે છે, જેથી ત્યાં માછલાં આવી શકે અને તંત્રના માથે ધોવા માટેનાં માછલાં લેવા પણ બહાર લેવા જવું ન પડે.
પહેલાં વરસાદ ફક્ત ચોમાસામાં પડતો હતો. હવે ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે તે ગમે ત્યારે પડે છે. એવી જ રીતે, પહેલાં રસ્તા ફક્ત ચોમાસામાં તૂટતા હતા. હવે તે વર્ષમાં ગમે ત્યારે તૂટતા હોય છે. તેના માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવવા જેટલી વૈજ્ઞાનિક સમજ પ્રજામાં હજુ કેળવાઈ નથી—નવી શિક્ષણનીતિમાં તે કેળવાઈ જશે એવી આશા રાખી શકાય—પરંતુ લોકનિંદાથી ડગ્યા વિના વહીવટી તંત્રના કેટલાક અફસરો અને કોન્ટ્રાક્ટરો તેમના કર્તવ્યના રસ્તેથી વિમુખ થતા નથી અને સહેજમાં તૂટી જાય એવા રસ્તા બનાવવાનું નિષ્ઠાપૂર્વક ચાલુ રાખે છે.
ડામરના પાકા રસ્તાની બોલબાલા પછી નવા સંશોધન તરીકે આરસીસીના રસ્તા બનવાના શરૂ થયા, ત્યારે રસ્તાને અમરફળ મળી ગયું હોય એવો આનંદ અબુધ પ્રજામાં ફેલાયો હતો. આરસીસીના રસ્તાની લાંબી આવરદા અને મજબૂતી વિશે દંતકથાઓ ચાલી હતી. પરંતુ આટલાં વર્ષોમાં તેમને સમજાયું છે કે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોના સંબંધો આરસીસી કરતાં પણ વધારે મજબૂત હોય છે. તેના કારણે આરસીસીના ઘણા રસ્તા ડામરના રસ્તા જેટલા જ કે તેથી પણ વધારે બેહાલ જોવા મળે છે. તે જોઈને અહેસાસ થાય છે કે ડામર-આરસીસી એ તો બધી માયા છે. અસલી ચીજ અધિકારી-કોન્ટ્રાક્ટર વચ્ચેનો સંબંધ છે. ખોળીયાં બદલાયા કરે, પણ આત્મા મરતો નથી. એવી રીતે, આ સંબંધ પણ ખોળીયાં બદલીને નીતનવા સ્વરૂપે સતત પુનરાવતાર પામતો રહે છે.
રસ્તા કેવા હોવા જોઈએ? લોકોને નવા, સુંવાળા, અડચણ વગરના રસ્તા જોઈએ છે, જેની પરથી પસાર થતી વખતે વાહન પાણીના રેલાની જેમ સરકતું રહે. તેમને એ ખ્યાલ નથી કે એવા રસ્તા કોઈ વ્યસનની જેમ, કામચલાઉ આનંદ અને લાંબા ગાળે જીવનું જોખમ ઊભું કરનારા નીવડી શકે છે. ચાલક સહેજ ગાફેલ રહે તો, રસ્તા તરફથી કોઈ સંઘર્ષ ન હોવાને કારણે, ચાલકને ઝોકું આવી શકે છે. એટલા સુંવાળા-સમથળ રસ્તાને મોતના કૂવા ન ગણવા જોઈએ? ‘સારા રસ્તા નાગરિકોની સલામતીની દૃષ્ટિએ જોખમી છે’ એવું સંશોધન હજુ સુધી સરકારે કોઈ સંસ્થા પાસે કે આઇટી સેલ પાસે કરાવ્યું નથી, તે નવાઈની વાત છે. બાકી, સરકારનું આવું સંશોધન માનીને હોંશેહોંશે તેને ફોરવર્ડ કરનારા પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
લોકશાહીની દૃષ્ટિએ વિચાર કરીએ તો પણ, સ્વસ્થ-તંદુરસ્ત લોકશાહી માટે નાગરિકોને જગાડવાનું-જાગતા રાખવાનું જરૂરી છે. તે સ્વીકારીએ તો સમથળ-ખાડામુક્ત રસ્તા બનાવવા એ નાગરિકોની જાગૃતિ સામેનું અને સરવાળે લોકશાહીવિરોધી ષડયંત્ર ન ગણાય? અને વડાપ્રધાન કહે છે કે ભારત લોકશાહીની જનની છે. જનનીના ઘરમાં એટલે કે પિયરમાં લોકશાહી એટલી સુરક્ષિત છે કે વડાપ્રધાનને નવ-નવ વર્ષના શાસનકાળમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરી હોવા છતાં અને દરોડા પાડતી સંસ્થાઓનો બેફામ દુરુપયોગ કર્યો હોવા છતાં લોકશાહીને ઘસરકો સુદ્ધાં પડ્યો નથી. આટલી મજબૂત લોકશાહી સામે સુંવાળા રસ્તા જેવી મામુલી બાબત થકી ખતરો ઊભો ન થાય, તે જોવાની કોન્ટ્રાક્ટરો-અફસરોની પણ ફરજ ખરી કે નહીં?
No comments:
Post a Comment