સામાન્ય લોકોને મન છત્રી એટલે વરસાદથી પલળતાં બચાવતું સાધન. વધારે તૈયાર લોકો છત્રીના ‘સ્વરક્ષણ કમ, આક્રમણ જ્યાદા’વાળા ઉપયોગ પણ (કરી) જાણતા હશે. પરંતુ છત્રીના સમાજશાસ્ત્રીય મહત્ત્વ વિશે કેટલા લોકો જાણતા હશે? બીજાને તો ઠીક, સમાજશાસ્ત્રીઓને પણ ભારતીય કુટુંબવ્યવસ્થા સાથે છત્રીના સંબંધ વિશે પૂછવામાં આવે તો માથું ખંજવાળી શકે છે.
જૂના સમયની છત્રીઓનો ઘેરાવો યાદ કરો. તે સમયની લગભગ દરેક ચીજની જેમ, છત્રી પણ મોટી હતી. એટલી મોટી કે શિરછત્ર જેવી લાગે. રાજાઓના માથે રહેલું શિરછત્ર સોનાનું ને મોંઘું હોય, જ્યારે સામાન્ય માણસના શિર પર ધારણ કરાતું છત્રી-છત્ર કાળું અને સીધુંસાદું હોય. પણ બંનેથી મળતા રક્ષણમાં કોઈ ફરક નહીં. ઘણાં ઘરમાં દાદાજીની લાકડીમાંથી બનેલી છત્રીઓ પણ જોવા મળતી. એવી છત્રી ખુલે ત્યારે માથે કુટુંબના વડાનું છત્ર હોય એવો સલામતીભર્યો અહેસાસ થતો હતો.
સમાજશાસ્ત્રની રીતે વિચારતાં કહી શકાય કે તે છત્રીઓ સંયુક્ત પરિવારનું પ્રતિક હતી. પરિવાર મોટો. છત્રીઓ પણ મોટી. નાનાં બાળકોને એવી છત્રીઓ ઝટ ખોલ-વાસ કરતાં ફાવે નહીં. ચપટી ભરાવાની બીક લાગે. તે ખોલવા માટે પણ જોર લગાડવું પડે. વડીલો બાળકોને સલામત રીતે છત્રી ખોલતા શીખવાડીને આગામી પેઢીનો જીવનપથ પ્રશસ્ત કરે. બાળકને મોટી છત્રી બરાબર ખોલતાં-બંધ કરતાં આવડી જાય, ત્યારે તે મોટું થયું ગણાય અને વડીલને સંતાન પ્રત્યેનું એક કર્તવ્ય અદા કર્યાનો સંતોષ થાય.
દેશમાં કુટુંબના વિસ્તારની સાથે છત્રીઓનો વિસ્તાર સંકોચાતો ગયો કે પછી, છત્રીઓના વિસ્તારની સાથે કુટુંબોનો વિસ્તાર સંકોચાતો ગયો, તે ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ બંનેના વિસ્તાર સંકોચાયા એ હકીકત છે. ‘પ્રેમગલી અતિ સાંકરી, તામેં દો ના સમાયે’ એવું કબીરજીનું વચન જુદી રીતે નવી છત્રીઓને બરાબર લાગુ પડ્યું. તે છત્રીઓ એટલી સાંકડી હતી કે તેમાં બે તો ઠીક, એક જણ માંડ સમાઈ શકે. વિભક્ત પરિવારોમાં માણસો ઇન, મીન ને તીન હોવા છતાં, તે પણ પોતાની ‘સ્પેસ’ માટે ફાંફાં મારતાં હોય છે. એવી જ રીતે, નવા જમાનાની છત્રી ધારણ કરનાર એકલો હોવા છતાં, તે છત્રી નીચે વરસાદથી બચવા માટે સંઘર્ષ કરતો જોઈ શકાય છે.
નવી છત્રીઓ ગાંધીજીએ ચીંધેલાં ‘સુધારા’નાં—એટલે કે ‘કુધારા’નાં—લક્ષણોવાળી નીકળી. ચાંપ દબાવો એટલે ભફ્ફ અવાજ સાથે ઓચિંતી ખુલી જાય. ખોલનાર સાવધ ન હોય તો આજુબાજુના કોઈને તે વગાડી બેસે. જેમ ઝડપ એ સુધારાનું લક્ષણ છે તેમ, બીજાના હિત કરતાં પોતાની સુવિધાને પ્રાધાન્ય આપવું એ પણ સુધારાની ખાસિયત છે. તેમાં પોતાની સુવિધા વધારવા માટે બીજાના હિતનો ભોગ લેવાનો પણ છોછ હોતો નથી. બલ્કે, તેને અનિવાર્ય અનિષ્ટ અથવા આવડત ગણવામાં આવે છે.
જૂની છત્રીઓ વર્ષો સુધી અને કેટલાક કિસ્સામાં પેઢી દર પેઢી ચાલતી હતી. છત્રી કરતાં છત્રી વાપરનારની જીવનલીલા વહેલી સંકેલાઈ જાય એવું ઘણી વાર બન્યું હશે. એકની એક છત્રીને થીંગડું મરાવીને વાપરનારા લોકો પણ હતા. તે છત્રી વરસાદ સિવાયની ઋતુઓમાં ટેકણલાકડીથી માંડીને પોશાકના અભિન્ન અંગ તરીકે ખપમાં લેવાતી હતી. તારક મહેતાએ સર્જેલું કાંડે છત્રી ઝુલાવતા તેમના જમાનાના પત્રકાર પોપટલાલનું પાત્ર એ હકીકતનો પુરાવો છે. ઘરની બહાર બંધ છત્રી ઊભી ટેકવેલી હોય તે વડીલની હાજરીની નિશાની ગણાતી હતી અને બાળવર્ગમાં તે છત્રીનાં દર્શનમાત્રથી અનુશાસન પર્વ વ્યાપી જતું હતું.
હવે વડીલની છત્રી અને વડીલની ધાક બંને ઘણી હદે, શહેરોમાં તો ખાસ, લુપ્ત થયાં છે. નવી છત્રીઓના વરસાદમાં જૂની છત્રી જાણે તણાઈ ગઈ. ટકાઉપણાને પરિવર્તનવિરોધી અને જૂનવાણી ગણતા યુગમાં જૂની છત્રીઓનું ઉઠમણું ન થાય તો જ નવાઈ. તેમની સરખામણીમાં સ્વિચવાળી છત્રીનું તકલાદીપણું તેની કમનીયતામાં અને સુવિધામાં ખપવા લાગ્યું. ત્યાર પછી છત્રી બગડે તે આપત્તિ નહીં, પણ અવસર ગણાવા લાગ્યો. ‘નાની બચત’ પછીના, રીફીલ પૂરી થાય ત્યારે આખેઆખી પેન જ ખરીદવી પડે એ યુગમાં જન્મેલા લોકો કહે છે, ‘સારું થયું, હવે નવી છત્રી આવશે. બે વર્ષથી એકનું એક છત્રું વાપરીને કંટાળો આવ્યો હતો’.
સ્વિચવાળી છત્રીઓ થોડો વખત વપરાયા પછી સરળતાથી બંધ થવાનો ઇન્કાર કરે, તેના એકાદબે સળીયા આઘાપાછા થઈ જાય, સ્વિચ બગડી જાય અને એવું કશું ન થાય તો એકાદ તોફાની વરસાદમાં છત્રી કાગડો થઈ જાય--જેમ લોકશાહીના રક્ષણ માટે રહેલી ઘણીખરી બંધારણીય સંસ્થાઓની છત્રી અત્યારે કાગડો થઈ ચૂકી છે. પરંતુ બધા પાસે એ પ્રકારની છત્રી હોવાને કારણે અને બધાની છત્રીઓ કાગડો થઈ હોવાને કારણે, કોણ કોને શરમાવે? ત્યાર પછી છત્રીની કાગડો અવસ્થાને ‘ન્યૂ નોર્મલ’ જાહેર કરવાનું જ બાકી રહે છે.
દાદાજીના જમાનામાં છત્રીઓ સામે કટોકટી આવતી હતી. તોફાની હવામાં ક્યારેક તે છત્રી છત્રીધારકને પોતાની સાથે તાણી જતી હતી. પણ તે કાયમ માટે નકામી થઈ જાય એવી કાગડાવસ્થાને પામતી ન હતી. તેનું સમારકામ કરી શકાતું હતું અને બીજા ચોમાસે તે એવું રક્ષણ આપતી હતી, જાણે અગાઉ કશું થયું જ ન હોય. હવે કાગડો થઈ ગયેલી છત્રીઓ અને સંસ્થાઓ માટે એવી આશા રાખવી કે એવો આશાવાદ સેવવો અઘરો છે. કાશ, કાગડો થયેલી છત્રી જેટલી સહેલાઈથી કાગડો થયેલી સંસ્થાઓ સમારી-સુધારી શકાતી હોત.
No comments:
Post a Comment