આસ્તિકો માને છે કે ‘દાંત આપનાર ચાવણું (ચવાણું નહીં) પણ
આપશે.’ તે વિશે
મતમતાંતર હોઈ શકે છે, પણ એક વાત નક્કી છેઃ દાંત આપનાર દાંતનો દુખાવો પણ આપે છે. (દાંતમાં
દાઢનો પણ સમાવેશ ગણી લેવો)
એવી કથા સાંભળેલી કે ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે લઈ જતા હતા, ત્યારે એક માણસને તેના દુખતા દાંતની પરવા હતી. આ વાત ભલે તે માણસની અસંવેદનશીલતાની ટીકા માટે હોય, પણ એક વાત નકકી છેઃ તે કથા રચનારને પોતાને કદી દાંતનો દુખાવો નહીં થયો હોય. બાકી, તેને સમજાયું હોત કે દાંતના દુખાવાની પીડા ઉપડ્યા પછી માણસને ઇસુ ખ્રિસ્તના નહીં, પોતાના વધસ્તંભની પીડા પણ ગૌણ લાગી શકે. કારણ કે, તે પીડા અભૂતપૂર્વ હોય છે.
મહાન સર્જકો પરકાયાપ્રવેશ કરીને બીજાનાં મનોજગત આલેખી શકે છે, પણ સ્વાનુભવ વિના બીજાના દાંતની પીડાનું આલેખન લગભગ અશક્ય છે. તે સચ્ચાઈ પહેલી વાર દાંતની પીડા ઉપડે ત્યારે જ સમજાય છે. સાથે એ પણ ખ્યાલ આવે છે કે આપમુઆ વિના સ્વર્ગે ભલે ન જવાય, પણ નરકે તો જઈ શકાય છે. કેમ કે, દાંતમાં ઉપડેલી ભયંકર પીડા સદેહે નરકનો અનુભવ કરાવે એવી હોય છે.
દાંતનો દુખાવો ઉપડવાનું કોઈ તત્કાળ કારણ હોય એવું જરૂરી નથી. માણસ હસતો-રમતો હોય અને અચાનક તેની મુખરેખાઓ વંકાઈ જાય છે, મોંમાંથી હળવો સીસકારો નીકળી જાય છે. તેને થાય છે કે અચાનક મોંમાં જઈને કોણ પીડાબોમ્બ ફોડી આવ્યું. જડબું આમતેમ હલાવીને, તે પીડા પર કાબૂ મેળવવા પ્રયાસ કરે છે. ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે યે તો અભી ઝાંકી હૈ.
ઘણા કિસ્સામાં પીડા બેસી જાય છે, પણ કેટલીક વાર સમય જતાં દુખાવાની માત્રા વધવા લાગે છે અને માણસને સમજાતું નથી કે તેની સાથે આ શું અને શા માટે થઈ રહ્યું છે. પહેલી વાર પ્રેમમાં પડનાર જેવી વિશિષ્ટ, મૂંઝવણભરી અનુભૂતિ તેને થાય છે. ન બેસવાથી સારું લાગે, ન ચાલવાથી, ન સુવાથી સારું લાગે, ન જાગવાથી, પણ આ પીડા મીઠી નહીં, અસહ્ય હોય છે. કર્મફળમાં માનતા લોકોને થાય છે કે નક્કી ગયા જન્મનાં કર્મો આ જન્મે આંટી ગયાં લાગે છે. પ્રામાણિક માણસો પોતાનાં આ જન્મનાં કર્મો વિશે વિચારતા થઈ જાય છે.
સામાન્ય માણસોને દાંતના ડોક્ટરની જરૂર પડતી નથી. એટલે ફેમિલી ડોક્ટર હોય, તેમ દાંતના ફેમિલી ડોક્ટર, કમ સે કમ અમુક ઉંમર સુધી, હોતા નથી. બીજી તરફ દુખાવાગ્રસ્તની પીડા એવા અસહ્ય સ્તરે પહોંચે છે કે તેને પકડ, સાણસી, હથોડી જેવાં ઘરગથ્થુ ઓજારો વડે દુખતા દાંતનું ઉચ્છેદન કરી નાખવાના વિચાર આવે છે. પહેલાં દુખાવો કાબૂમાં રાખવા અને પછી તેની માત્રા ખૂબ વધી જતાં, દુખાવો સહી શકાય તે માટે તે મોમાં લવિંગ રાખે છે, પાણી ભરેલું રાખે છે, દુખતો ભાગ બહારથી ને અંદરથી દબાવી જોવા પ્રયાસ કરે છે, એ તરફ બરફનો ગાંગડો રાખે છે—પરંતુ દુખતો દાંત ગાંઠતો નથી.
પરિવારજનોમાંથી કોઈને દાંતના દુખાવાનો અનુભવ ન હોય તો તેમને નવાઈ લાગે છે કે આને અચાનક શું થઈ ગયું? આટલી બધી હાયવોય કેમ કરે છે? દાંતની અસર મગજ પર થાય કે કેમ, એ વિશે પણ તે ઇન્ટરનેટ પર સર્ચ કરી જુએ છે. પરંતુ ઘરમાં એકાદ અનુભવી હોય તો તે તરત સમજી જાય છે અને દાંતના ડોક્ટરને ફોન કરે છે. દુખાવાનો પ્રકાર જાણ્યા પછી, દર્દીને તપાસતાં પહેલાં તે દુખાવાશામક ગોળી આપે, ત્યારે દર્દીને પહેલાં તો શંકા જાય છે. તેને લાગે છે કે આટલી અમથી ગોળીથી મરણતોલ લાગતો દુખાવો શી રીતે મટશે? પણ તેને બંદૂકની ગોળીની અસર યાદ આવતાં, તે ગોળીના કદને બદલે તેની અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ‘હવે મારાં દુઃખોનો અંત હાથવેંતમાં છે’ એવી હાશ અનુભવે છે. તેના દુઃખનો ઇન્ટરવલ પડ્યો છે અને ધ એન્ડ તો હજુ ઘણો દૂર છે—એ કઠોર વાસ્તવિકતાથી તે અજાણ હોય છે.
ગોળીઓથી દુખાવો શમી ગયા પછી દર્દીને આવતો પહેલો વિચાર એ હોય છે કે ‘હવે ડોક્ટરને ત્યાં જવાની શી જરૂર?’ પણ ભારે ગોળીઓની ઓસરતી અસર અને સંભવિત આડઅસરથી તેની સાન ઠેકાણે આવે છે અને કાશીએ કરવત મુકાવવા જતો હોય એવી ગંભીર તૈયારી સાથે તે ડોક્ટર પાસે જવા તૈયાર થાય છે. ઘણા લોકોએ દાંતના ડોક્ટરની કામગીરી જોઈ નથી હોતી. એટલે તેમના મનમાં અવનવાં કલ્પનાચિત્રો રચાય છે, જેમાં તે દોડતો હોય અને દાંતના ડોક્ટર પક્કડ હાથમાં લઈને તેની પાછળ દોડતા હોય, પાછળ તેમનો આખો સ્ટાફ પણ ધસી આવતો હોય અથવા દવાખાનાનો યુનિફોર્મ પહેરેલા ચાર લોકોએ તેને પકડ્યો હોય અને દાંતના ડોક્ટર હાથમાં હથોડી ને ડિસમિસ લઈને, તેમના દાંત દેખાય એવું અટ્ટહાસ્ય કરતા હોય. દાંતના ડોક્ટરો ને દવાખાનાં વિશે સાંભળેલી રમૂજો યાદ આવી જાય છે અને ‘ડોક્ટર મારી ચીસ સાંભળીને નાસી ગયેલા લોકોનું બિલ મારી પાસેથી વસૂલ નહીં કરે ને’—એવો વિચાર પણ આવી જાય છે.
આવી મનોસ્થિતિમાં દાંતના દવાખાને
પહોંચ્યા પછી શરૂ થતા નવા અનુભવની વાત આવતા અઠવાડિયે.
Superb
ReplyDeleteEnjoyed it.