શરદી-તાવ જેવી બિમારી લાગુ પડ્યા પછી, બિમારી જેટલું જ કે તેના કરતાં ખરાબ બીજું શું હોઈ શકે? જવાબ છેઃ બિમારી દૂર કરવાને લગતાં સૂચનો--દુનિયાની તમામ ઉપચારપદ્ધતિઓના નીચોડ જેવાં ઘરગથ્થુ, અનુભવસિદ્ધ, મૌલિક સૂચનો.
આવાં સૂચન કરનારાનાં માથાં પર શીંગડાં ઉગેલાં નથી હોતાં. તે આપણા જેવાં જ સીધાસાદાં માણસો હોય છે. તેમાંથી ઘણાં તો પ્રેમાળ અને સાચી લાગણીવાળાં પણ ખરાં. છતાં, તે સૂચનકર્તાની ભૂમિકામાં આવે એટલે ડોક્ટર જેકિલ અને મિસ્ટર હાઇડની પ્રખ્યાત કથાની જેમ તેમનું નવું સ્વરૂપ પ્રગટ થાય છે, જે ન થયું હોત તો તેમના માટે અને આપણા માટે પણ સારું, એવું બિમાર જણને લાગે છે.
‘પથ્થર એટલા પૂજે દેવ’—ની જેમ, સૂચનકર્તાઓનો એક વર્ગ એવો હોય છે કે જેમણે દર્દીને જોયો નથી કે સૂચનનો વરસાદ ચાલુ. અપચાથી એઇડ્સ સુધીના તમામ રોગમાં શું કરવું જોઈએ, એનાં સૂચનો તેમની વાણી થકી ધાણીફૂટ નીકળવા માંડે છે. ‘એક કામ કરો...’થી શરૂ થતી તેમની સૂચનસંહિતા સાંભળીને લાગે, જાણે સાક્ષાત્ ધન્વંતરિ પ્રગટ થયા છે અથવા તો મેડિકલ સાયન્સનાં બધાં પુસ્તકોના સરવાળાનું માનવસ્વરૂપ આવી પહોંચ્યું છે.
તેમનાં સૂચનોમાં સૌથી પ્રભાવશાળી બાબત તેમનું જ્ઞાન નહીં, તેમનો આત્મવિશ્વાસ હોય છે. વ્યાવસાયિક ડોક્ટરો બને ત્યાં સુધી ગેરન્ટી આપતા નથી—અને ગેરન્ટી માગવાનો આગ્રહ રાખે છે (‘ગેરન્ટી આપો કે તમારી સારવાર કરતાં તમને કશું થઈ ગયું તો તેના માટે તમે જ જવાબદાર હશો.’) સૂચનકારો એમ મોળા પડતા નથી. વાતની શરૂઆત જ તે ગેરન્ટીથી કરે છે. ‘મારું કહ્યું માનો... અકસીર ઇલાજ છે. અમુકતમુક ઉપાય કરવાથી તમારો રોગ ઊભી પૂંછડીએ નાસી ન જાય તો કહેજો.’ આવું બોલતી વખતે તેમને અને દર્દીને પણ ખાતરી હોય છે કે તેમના સૂચનનો અમલ કર્યા પછી રોગને પૂંછડી ન ઉગે અને તે ઊભી પૂંછડીએ ન ભાગે તો પણ, સૂચનકર્તા સામે કશાં પગલાં લઈ શકાવાનાં નથી ને તેમને કશું કહી શકાવાનું પણ નથી.
સૂચનકર્તાઓનું કાર્યક્ષેત્ર જ્યોતિષીઓ જેવું હોય છે. તેમની સાચી વાત દાયકાઓ સુધી ગણાવાય છે, પણ તેમની ખોટી પુરવાર થયેલી વાતો ભૂલી જવાની હોય છે. કેમ કે, તે લોકકલ્યાણાર્થે કહેવાયેલી હોય છે. ખોટી પડે તો પડે. તેની ફરિયાદ થોડી મંડાય? એમ આવી નાની નાની બાબતોને વિશ્વસનિયતા સાથે સાંકળવામાં આવે તો આ દુનિયામાં કોઈને કોઈની ઉપર વિશ્વાસ જ ન રહે. એટલે, બીજું કંઈ નહીં તો દુનિયાનું સત્ ટકાવી રાખવા માટે પણ, ખોટી પડેલી આગાહીઓની જેમ અકસીર ન નીવડેલાં સૂચનો યાદ રાખવાં હિતાવહ નથી.
સૂચનકર્તાઓના આત્મવિશ્વાસ માટે કશો આધાર હોવો જરાય જરૂરી નથી. છતાં, અભ્યાસના રસ ખાતર કહી શકાય કે તેમની વાતમાં મુખ્ય બે આધાર હોઈ શકે છેઃ સ્વાનુભવ અને પરાનુભવ. આ બંને શબ્દોને પણ તેના મૂળ અર્થમાં લઈ શકાય નહીં. કારણ કે, બંનેમાં ઉદારતાપૂર્વક કલ્પનાશીલતાનો વઘાર કરાયેલો હોય છે. તેમાંથી એવું આબાદ મિશ્રણ નીપજે છે કે પછી અનુભવ અને કલ્પના વચ્ચે દીવાલ ઊભી કરવાનું અશક્ય બની જાય છે.
સ્વાનુભવસિદ્ધ સૂચનકાર શરદીથી દદડતા જણ પર સૂચનો વરસાવતી વખતે ‘મને પણ એક વાર, તમારી જેમ જ, બહુ શરદી થઈ હતી’—એવી રીતે શરૂઆત કરે છે. ભૂમિકાના સ્તરે તેમાં એવું સૂચવાય છે કે ‘જુઓને, આપણે બંને સરખા.’ પણ બહુ ઝડપથી બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી નાખતાં તે કહે છે, ‘જેવી મને શરદી થઈ કે તરત, બીજું કંઈ પણ કર્યા વિના, મેં ફલાણું લીધું કે ઢીકણું સૂંઘ્યું કે અમુક ક્રિયા કરી કે તમુક ઉકાળો પીધો. અને સાહેબ, અડધો કલાકમાં શરદી ગાયબ.’
ચાલુ વર્તમાનકાળમાં શરદીથી હેરાનપરેશાન જણને સૂચનકર્તાનો દાવો વ્રતકથાઓમાં આવતા પરચા જેવો લાગે છે. એવી કથાઓમાં છેલ્લે એક વાક્ય આવે છે, ‘અમુક ભગવાન કે માતા જેવા ઢીકણાને ફળ્યા એવા તમને પણ ફળજો.’ સૂચનકર્તાઓ આશાઅપેક્ષા નહીં, ખાતરી જ આપે છે કે ‘અમુક ઉપાય જેવો અમને ફળ્યો એવો તમને પણ ફળશે જ.’ પરોપકાર્થે સ્વાનુભવની કથા માંડીને બેઠા હોય એવા સૂચનકર્તાઓનો ભાવ એવો હોય છે કે ‘જુઓ, મેં તો તમને લાખેણો ઉપાય બતાવી દીધો. તમારે સ્વીકારવો હોય તો સ્વીકારો. પણ તમારામાં જ વેતા ન હોય તો પછી હું શું કરું ને શરદી પણ શું કરે?’
વાત સ્વાનુભવ કથાની હોય ત્યારે બીજો સવાલ વિશ્વાસનો આવીને ઊભો રહે છે. દરદી કુતૂહલ અને જિજ્ઞાસાથી પૂછી બેસે કે ‘શું વાત કરો છો? અમુકતમુક કરવાથી તમારી શરદી મટી ગઈ?’ ત્યારે સૂચનાકર્તાની લાગણી દુભાઈ શકે છે. તે છંછેડાઈને કહી શકે છે, ‘આ તો તમારા માટે લાગણી હતી એટલે કહ્યું. ન માનવું હોય તો ન માનશો.’ પછી અસંતોષ રહી જતાં ઉમેરી શકે છે, ‘તમે તો ભાઈ મોટા વિદ્વાન રહ્યાને. અમારા જેવાનું ક્યાંથી માનો?’ પોતાનું નાક વહેતું અટકાવવાના ચક્કરમાં ક્યાંક સામેવાળાની આંખ વહેવા ન લાગે, એ બીકે દર્દી બિચારો દબાણમાં આવી જાય છે. કેટલાક આગ્રહી સ્વાનુભવવાળા નિકટના કુટુંબી કે સ્નેહી હોય ત્યારે દર્દી તેમની હાજરીમાં જ, તેમણે સૂચવેલો ઉપચાર અપનાવી જુએ, એવો આગ્રહ રાખે છે. ત્યારે દર્દીને શરદી કરતાં સૂચન વધારે કારમાં લાગે છે.
Nice article with humor. My general feeling is we, Indians are very generous in giving advice anytime to anyone on almost every subject.
ReplyDeleteMany times these clues (as you have noted) are not even self-implemented or experienced; simply overheard.
અમે કાઠીયાવાડીઓ 1)લાઘવમાં અને 2) લાંઘણમાં માનીએ છીએ. એટલે
ReplyDelete1) 'એક કામ કરો' ની જગ્યાએ 'કામ કરો' બોલીએ છીએ.
2) 'ત્રણ દિ' માત્ર મગના પાણી ઉપર રહો, ઘોડા જેવા નો થઈ જાઓ તો તમારો જોડો ને મારું માથું!' આવી પ્રેમાળ સલાહ આપનારા ઘણા હિતેચ્છુઓ અમારા સ્ટોકમાં છે.