ધૂણતા ભૂવા (કે મંત્રી) અંધશ્રદ્ધાના ખાનામાં આવે છે, પણ પડતા ભૂવા શ્રદ્ધાનો કે માન્યતાનો વિષય નથી. તે નક્કર હકીકત છે. એટલી નક્કર હકીકત કે જો રોડ તેના જેટલો નક્કર હોત તો ભૂવા પડતા જ ન હોત. વસંત આવે એટલે ‘ફૂલ ખીલે ડાલી ડાલી’ થઈ જાય છે. એવી જ રીતે, થોડો વરસાદ પડ્યો નથી કે રસ્તો ઠેકઠેકાણે ભૂવા-ચ્છાદિત થઈ જાય છે. સૌંદર્યદૃષ્ટિથી વંચિત લોકો ‘ભૂવા ખીલ્યા’ કહેવાને બદલે ‘ભૂવા પડ્યા’ એમ કહે છે. ‘કલાપી’એ અમથું ગાયું હતું કે ‘સોંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’? કેટલાક ભૂવા આત્મનિર્ભર હોય છે. તે સર્જાવા માટે વરસાદ સુધી રાહ જોવાને બદલે સ્વયંભૂ પ્રગટ થાય છે. તે અર્થમાં ભૂવાને ‘આધ્યાત્મિક ઘટના’ કહી શકાય. ચિંતક જેવા દેખાવું હોય તો તેને ‘કોસ્મિક ઘટના’ પણ કહેવામાં પણ વાંધો નથી. અધ્યાત્મમાં સગવડીયું વિજ્ઞાન ઉમેરીને છાકો પાડવો હોય તો એમ પણ કહેવાય કે ‘તમે જેને બ્લેક હોલ કહો છો, તે બ્રહ્માંડમાં વગર વરસાદે પડેલા ભૂવા નથી, તો બીજું શું છે?’
હજુ સુધી કોઈ શબ્દાળુ બાવાએ, ગુજરાતી ચિંતકે અથવા સંચાલકે ‘ભૂવા’ શબ્દનું મૌલિક અર્થઘટન કર્યું નથી—અથવા કર્યું હોય તો જાણમાં નથી. લોકરંજની માટે લાકડે માંકડું બેસાડવામાં નિષ્ણાત એવી એ પ્રજાતિ કહી શકે કે ‘ભૂવા’ એ સ્વતંત્ર શબ્દ નહીં, પણ બે શબ્દોનું સંયોજન છેઃ ‘ભૂ’ અને ‘વા’. એટલે કે, પાણી અને હવા. આ બે પ્રાકૃતિક તત્ત્વોના મિલનથી સર્જાયેલા ભૂવાને અનિષ્ટ કે અનિચ્છનીય લેખવામાં પ્રકૃતિનું, આપણી પ્રાચિન સંસ્કૃતિનું, ઋષિમુનિઓનું, ધર્મનું—અને ખાસ તો આ બધાના નામે ચરી ખાતા નેતાઓનું અપમાન થઈ શકે છે.
એક વાત તો હકીકત છેઃ બીજી ઘણી અકારી ચીજોની જેમ ભૂવા પણ હવે ‘ન્યૂ નોર્મલ’ છે. ચોમાસામાં કે એ સિવાય પણ ભૂવા ન પડે, તો લોકોને મ્યુનિસિપાલિટીની કાર્યક્ષમતા વિશે શંકા જાગે છે. પહેલો વરસાદ પડે અને ભૂવા ન પડે તો લોકોને જાતજાતના વિચાર આવે છેઃ ‘શું કોન્ટ્રાક્ટરો અને મ્યુનિસિપાલિટીના સંબંધિત લોકો વચ્ચેના સંબંધમાં કડવાશ વ્યાપી હશે? શું તેમની વચ્ચેનો ભાઈ-ભાઈ-ચારો ખતમ થઈ ગયો હશે? એવું થશે તો શહેરના સામાજિક પોતનું શું થશે?’ પરંતુ તેમની શંકાકુશંકાઓ વધે તે પહેલાં જ સમાચાર આવે છે કે શહેરના ફલાણા વિસ્તારમાં ભૂવો પડ્યો અને કોર્પોરેશનની પોલ ખુલી ગઈ અથવા વિકાસ ઉઘાડો પડી ગયો અથવા સ્માર્ટ સીટીના દાવાની અસલિયત સામે આવી.
ભૂવા વિશેના સમાચારોમાં ભલે ગમે તેટલો ટીકાનો ભાવ હોય, પણ સરેરાશ નાગરિક તેનાથી હાશકારો અનુભવે છે. કારણ કે, ભૂવા પડ્યા પછી જ તેને લાગે છે કે ચોમાસું બેઠું. (વડોદરામાં રસ્તા પરથી કે કોઈકના બાથરૂમમાંથી મગર ન પકડાય, ત્યાં સુધી ચોમાસું પૂર્ણ કળાએ બેઠેલું ગણાતું નથી.) સવાલ ભૂવાના બ્રાન્ડિંગનો છે. વડાપ્રધાનને મળી હતી એવી કોઈ બ્રાન્ડિંગ એજન્સી ભૂવા માટે પણ શોધી કાઢવામાં આવે તો ભૂવા પ્રત્યે જોવાના લોકોના દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન આવી શકે. ગુજરાતી ડાયરાબાજો, કટારલેખકો, કથાકારો, સંચાલકો બધા મળીને ભૂવા શરમનો નહીં, પણ અસ્મિતાનો અને ગૌરવનો વિષય છે, એવું પ્રજાને સહેલાઈથી સમજાવી શકે. કેરળના સામ્યવાદી ભૂવાનું, બંગાળના મમતાવાદી ભૂવાનું કે દિલ્હીના આમ ભૂવાનું માપ કાઢીને તેમની સરખામણીમાં ગુજરાતના ભૂવા કેમ વિશિષ્ટ, ચડિયાતા (અને ભલું હોય તો રાષ્ટ્રવાદી) છે, તે સમજાવી શકે.
ભૂવાને ગૌરવ બક્ષવા માટે સારી સડકો પર ભૂવાનાં ચિત્રો મૂકી શકાય, જેથી ભૂવા પર લાગેલું કલંક અને તેની સાથે સંકળાયેલી શરમ દૂર થાય. કલંક અને શરમને ગૌરવમાં શી રીતે ફેરવવાં, એ જોકે આ તંત્રને બીજા કોઈએ શીખવવું પડે તેમ નથી. એટલે, ભૂવાની સામાજિક સ્વીકૃતિની વાત કરીએ. બે અક્ષરના, નવતર પ્રકારનાં, કોઈએ ન પાડ્યાં હોય એવાં નામ માટે ઝંખતા લોકો તેમનાં સંતાનો માટે ‘ભૂવો’ કે ‘ભૂવી’ જેવું વિશિષ્ટ નામ વિચારી શકે. રસ્તો બનાવતા કોન્ટ્રાક્ટરો અને તેમને કોન્ટ્રાક્ટ આપતી સંસ્થાઓના સાહેબોએ તો ખાસ તે નામ રાખવા વિશે વિચારવું જોઈએ. એમ કરવાથી કમ સે કમ, તેમની સમૃદ્ધિમાં ભૂવાની ભૂમિકા અને ભૂવા પડે એવા રોડના પ્રદાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી ગણાશે.
ભૂવા દેશના વિકાસ માટે અત્યંત જરૂરી છે. દર વર્ષે ભૂવા પડે તો રસ્તાના સમારકામ નિમિત્તે નાણાં ખર્ચાય. તે નાણાં છેવટે દેશના અર્થતંત્રમાં જ આવવાનાં છે. દર વર્ષે ઠેકઠેકાણે ભૂવા નહીં પડે તો આ દેશનું અર્થતંત્ર પાંચ-દસ ટ્રિલીયન ડોલરનું શી રીતે થશે? અને એ નહીં થાય, તો આ જ ટીકાકારો ટીકા કરવા બેસશે. એટલે ભૂવાનો વિરોધ કરનારને આર્થિક પ્રગતિના-ટૂંકમાં, વિકાસના વિરોધી ગણીને તેમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ અદાલતે કહ્યું નથી, તેટલું ગનીમત છે.
ભૂવાનું ભવિષ્ય ઉજળું છે તેમાં કોઈ શંકા નથી. દેશનો મોટો હિસ્સો કોમી તનાવના ભૂવામાં પડ્યો હોય, ઘણીખરી બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા ભૂવામાં હોય, અર્થતંત્ર તો ભૂવામાં હોય જ, સતત વધતા ભાવને કારણે દેશના મોટા ભાગના લોકોનાં બજેટની સમતુલા ખોરવાઈને ભૂવામાં ઉતરી ગઈ હોય, પ્રસાર માધ્યમોની વિશ્વસનિયતા ભૂવા હોય... છતાં, કોઈનું રૂંવાડુંય ફરકતું નથી, તો રસ્તા પરના સ્થાનિક ભૂવાઓનું કોણ અને શું ઉખાડી લેવાનું હતું?