ભારતીય પરંપરામાં હાથ જોડવાનો મહિમા છે—હાથ મેળવવાનો નહીં. કોરોના કાળ વખતે કેટલાક પુરાતન ગૌરવગ્રસ્તોએ હાથ જોડીને અભિવાદન કરવાની ભારતીય રીતને વૈજ્ઞાનિકતાના મહાન પુરાવા તરીકે રજૂ કરી દીધી. તેમાં તેમનો વાંક નથી—વિજ્ઞાનનો પણ નથી. વાંક હોય તો કહેવાતી નીચલી જ્ઞાતિના લોકોનો છે. આ દેશમાં બધા જ લોકો કથિત ઉપલી જ્ઞાતિના હોત તો? શક્ય છે કે ભારતમાં પણ હાથ જોડવાને બદલે હાથ મેળવવાનો રિવાજ પ્રચલિત હોત—અને ગૌરવગ્રસ્તો ત્યારે પણ કહી શકત કે ‘આ તો પશ્ચિમે ભારતમાંથી કરેલી વધુ એક ચોરી છે.’ કેમ કે, ગૌરવગ્રસ્તોને ગૌરવ સિવાય બીજા કશા જોડે લેવાદેવા હોતી નથી. હકીકતો જોડે તો બિલકુલ નહીં.
કોરોનાકાળમાં હાથ મિલાવવાના બંધ થયા, પણ હસ્તમેળાપ બંધ થયા નહીં. વર-કન્યાના હાથ મેળવ્યા વિના હિંદુ લગ્નવિધિ શક્ય બનતી નથી. માનનારા તો એવું પણ માને છે કે વર-કન્યાના જન્માક્ષર-કુંડળી કે આર્થિક દરજ્જો મેળવ્યા વિના લગ્ન શક્ય બનતાં નથી. છતાં, હસ્તમેળાપ અનિવાર્ય છે. ગમે તેવા રોગચાળામાં એવું સાંભળ્યું કે વર-કન્યા હસ્તમેળાપને બદલે નમસ્કાર કરીને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં?
હાથ મિલાવવાની ક્રિયામાં લોકોને શિષ્ટાચારથી માંડીને અત્યાચાર સુધીનું કંઈ પણ લાગી શકે છે. સામાન્ય રીતે હાથ મેળવવાનો મતલબ ‘હલો, હાઉ ડુ યુ ડુ?’ કે પછી ‘કેમ છો? મઝામાં?’—એવો થતો હોય છે, પણ ઘણા લોકો હાથ મિલાવવાની પ્રક્રિયાને એટલી સીધીસાદી, ઔપચારિક, શુષ્ક, નીરસ બનવા દેતા નથી. તે હાથ લાંબો કરે અને સામેથી ભૂલેચૂકે હાથ લંબાય, એટલે તે મળેલી હથેળીને પોતાની હથેળી વડે એટલી જોરથી વળગી પડે છે કે સામેવાળાને લાગે છે, ‘આ મારો હાથ તેમની સાથે ઘરે તો નહીં લઈ જાય ને?’
આત્મવિશ્વાસ વિશેનાં પુસ્તકો (કે વિડીયો)નું સેવન કર્યા પછી નવા નવા બજારમાં કે વ્યવહારમાં આવેલા લોકોને મનમાં ઠસી ગયું હોય છે કે હાથ જોશથી મેળવવો જોઈએ. તેનાથી સામેવાળા પર એવી છાપ પડે કે માણસ આત્મવિશ્વાસથી છલકાય છે. આ તો, ખેર, થિયરી થઈ, પણ વ્યવહારમાં કેટલાક લોકો આત્મવિશ્વાસુ દેખાવાના ઉત્સાહમાં એટલું જોર કરે છે કે જેમનો હાથ ‘ફસાઈ ગયેલો’ હોય તેમને પાણીની ડંકી ઉખાડી નાખતો સની દેઓલ યાદ આવે છે. પોતાના હથેળીથી બાવડા સુધીનો હાથને સામેનો માણસ સની દેઓલવાળી ડંકી તો સમજતો નહીં હોય ને? એવી આશંકા તેમને જાગે છે. કુસ્તીના દાવમાં પહેલવાનો સામેવાળાનો હાથ પકડીને તેને પટકતા હોય, એવાં દૃશ્યો મનમાં ભજવાવા માંડે છે. તેનાથી ડરી ગયેલો માણસ પોતાનો હાથ ઝટપટ છોડાવીને એવી રીતે પાછો લઈ લે છે કે એનું ચાલે તો હાથને ક્યાંક સલામત જગ્યાએ મુકી આવે.
પહેલવાની હસ્તધૂનનના બીજા છેડે લજામણી છાપ હસ્તધૂનન છે. કેટલાક લોકો મળ્યા પછી અભિવાદન માટે હપતે હપતે હાથ લાંબો કરતા હોય એવું લાગે છે. મ્યાનમાંથી ધીમે રહીને તલવાર કાઢતા હોય કે ગળામાંથી ધીમે રહીને નેકલેસ કાઢતા હોય, એવી ધીરગંભીર અને નિરુત્સાહી રીતે, હાથ આગળ વધારવાના દરેક તબક્કે ઊંડો વિચાર કરીને પછી જ આગળનો નિર્ણય લેતા હોય તેમ, તે હાથ લંબાવે છે. આટલા બધા દાખડા પછી પણ તેમની હથેળી સામેવાળાની હથેળીથી દૂર જ રહી જાય છે. સામેવાળો લજામણી જેવો ન હોય, તો તે પોતાની હથેળી લંબાવીને સામેવાળાની હથેળી પકડવાનો પ્રયાસ કરે છે. એ વખતે લજામણી છાપ હાથ મિલાવનાર હથેળીને બદલે પોતાનાં ચાર આંગળાંનાં ટેરવાંનો ભાગ આગળ કરીને સામેવાળાની હથેળીને સ્પર્શે છે અને હસ્તધૂનન થઈ ગયેલું જાહેર કરે છે. એવા સ્પર્શથી વહેતો કરન્ટ પસાર કરી શકાય, પણ સામાજિક ઉષ્માનું વહન થઈ શકતું નથી. એવી રીતે હસ્તધૂનન થયા પછી સામાન્ય માણસને લાગે છે કે આના કરતાં ‘નમસ્તે’થી પતાવ્યું હોતો તો સારું થાત.
સ્ત્રી-પુરુષોએ સામાન્ય અભિવાદન કે શિષ્ટાચાર માટે હાથ મિલાવવા કે નહીં, તે ભારતીયો માટે સળગતો પ્રશ્ન હતો. પરંતુ પશ્ચિમી ‘સુધારા’ના વાદે ઘણા સમયથી તેનો છોછ નીકળી ગયો છે. અલબત્ત, કેટલીક બહેનોને ભાઈઓ સામે હાથ લંબાવ્યા પછી હાથ પાછો મેળવવામાં કઠણાઈનો સામનો કરવો પડે, એવી સંભાવના રહે છે અને કેટલાક કિસ્સામાં, ઉત્સાહી બહેનો પાસેથી હાથ પાછો મેળવતાં ભાઈઓને પણ અઘરું પડી શકે છે. હસ્તધૂનન પશ્ચિમી છે, એટલે ગમે તેવું તો પણ, તેનું આખું શાસ્ત્ર હશે ને ભલું હશે તો લોકોએ તેના વિશે થોથાં લખ્યાં હશે. તેમાં એ પણ લખ્યું હશે કે હથેળીઓ મિલાવ્યા પછી કેટલી સેકન્ડ સુધી હથેળીઓને એ જ અવસ્થામાં રાખવી. વધારે ચોખ્ખી ભાષામાં કહીએ તો, હાથ લંબાવ્યા પછી ક્યારે-કેટલી સેકન્ડમાં તે પાછો ખેંચી લેવો, જેનાથી ઉભય પક્ષે ખોટો સંકેત ન જાય.
સામાન્ય રીતે એક કે બંને પક્ષ હાથ મિલાવી લીધા પછી સુયોગ્ય સમયે પોતપોતાનો હાથ પાછો ખેંચવાની શરૂઆત કરી દે છે. તેમાં કોઈને ખરાબ લાગતું નથી અને શિષ્ટાચાર જળવાઈ રહે છે. પણ કોઈ એક પક્ષ સહેલાઈથી હાથ છોડવા તૈયાર ન હોય, ત્યારે જાહેર શિસ્તનો અને ક્યારેક જાહેર શાંતિનો ભંગ થવાની નોબત આવે છે. ત્યાર પછી કેવળ હથેળીઓ જ નહીં, આખેઆખો હાથ અને તેના માલિકોને પણ છૂટા પાડવા પડે છે.
🤝
ReplyDelete