‘તમે ઉડતું મચ્છર જોયું છે?’— આ એવો સવાલ છે કે ‘કાશ્મીરમાં હિંદુવિરોધી/દિલ્હીમાં શીખવિરોધી હિંસા વખતે તમે ક્યાં હતા?’ મતલબ, આ એવો પ્રશ્નપથ્થર છે, જે જવાબ મેળવવા માટે નહીં, પ્રશ્ન ફેંકવા માટે પૂછાય છે. ઉડતું મચ્છર તમે જોયું હોય તો રાજી થવાની જરૂર નથી ને ન જોયું હોય તો દુઃખી થવાની જરૂર નથી. અંગ્રેજીમાં કહેણી છે કે કેકના અસ્તિત્વનો પુરાવો તેને ખાઈને જ મેળવી શકાય. એવી રીતે, ઉડતું મચ્છર જોયું હોય કે ન જોયું હોય, તેના હોવાનો પુરાવો તેના ચટકા થકી મેળવી શકાય.
તમે ઉડતો હાથી જોયો હોય તો બરાબર છે. બાકી, ઉડતું મચ્છર જોવામાં શી ધાડ મારવાની? હા, મચ્છરને ઉડતાં પહેલાં ડ્રાઇવિંગ (એટલે કે ફ્લાઇંગ) લાઇસન્સ લેવું પડતું હોય અને તેના માટે હવામાં આઠડો પાડવો પડતો હોય તો થાય કે તમે જોયેલું મચ્છર સાયબર સેલનું કોઈ ઉપદ્રવી મચ્છર નથી, પણ ‘સ્કીલ ઇન્ડિયા’ જેવી કોઈ સ્કીમ હેઠળ ઉડ્ડયનનો પરવાનો મેળવ્યા પછી, આત્મનિર્ભરતાની રાષ્ટ્રિય ઝુંબેશના ભાગરૂપે બહાર પડેલું, ભણેલું તો નહીં પણ ગણગણેલું, મચ્છર છે.
ઘણા મચ્છરદ્વેષીઓ એવું માને છે કે મચ્છરને માણસજાત સાથે જૂની અદાવત છે. એટલે તે માણસને ડંખ મારીને, શબ્દાર્થમાં માણસનું લોહી પીને બદલો છે. પરંતુ એ વાત રાજકીય પક્ષો દ્વારા બે જૂથો વચ્ચેની ખાઈ પહોળી કરવા માટે અપનાવાતી તરકીબ જેવી છે. હકીકતમાં મચ્છર મનુષ્ય સિવાયનાં પ્રાણીઓને પણ કરડે છે. પરંતુ તે પ્રાણીઓ માણસની જેમ (આવો લેખ) લખી કે બોલી શકતાં નહીં હોવાથી તેમની માણસદ્વેષી તરીકેની છાપ દૃઢ બને છે અને ઇમેજ મેનેજમેન્ટ માટે એજન્સી રોકવાનો મચ્છરોમાં હજુ રિવાજ પડ્યો લાગતો નથી.
ઓફિસમાં કે ઘરમાં બેઠકની આસપાસ ઉડતાં મચ્છરો જોઈને કોઈ પરંપરાપ્રેમીને થાય છે કે તે કેટલું અંતર કાપીને આવ્યાં હશે? તેમને અતિથી ગણીને ‘આવો,બેસો, ચાપાણી કરો’—એવો કોઈ વિવેક કર્યા વગર તેમની હત્યાના પ્રયાસોમાં લાગી જવું કેટલું શોભાસ્પદ કહેવાય? આપણી સંસ્કૃતિનો જરાય વિચાર નહીં કરવાનો? મચ્છરો ગમે ત્યાં જઈ શકે છે- ભલભલા સત્તાધીશોની આસપાસ ઉડી શકે છે. સત્તાધીશોની આસપાસ બણબણતા ઘણા લોકો પણ વિશ્લેષણની દૃષ્ટિથી જોતાં મચ્છર જેવા લાગી શકે એ જુદી વાત છે.
વીવીઆઇપીઓની ઝેડ પ્લસ સુરક્ષા પણ મહાનુભાવોની આસપાસ ફરતાં મચ્છરોનું શું ઉખાડી લેવાની હતી?
સાંસ્કૃતિક અસ્મિતાના રાજકીય ઘૂંટડા પીનારાં મચ્છર એવો દાવો કરી શકે છે કે તેમને ફુદાં ટાઇપ ન સમજી લેવાં. એ તો ખરેખર ગરુડનાં વંશજ છે. ઉત્ક્રાંતિ થયા પછી ધીમે ધીમે તેમના પૂર્વજો ઘસાતા ગયા અને છેવટે આ સ્થિતિ આવી. અલબત્ત, આવી હળવી અવસ્થાને કારણે જ તે ટકી ગયાં અને ટકી રહ્યાં છે.—આવું કોઈએ કહ્યું નથી, પણ વોટ્સએપના સંસારમાં આવું અવતરણ ડાર્વિનથી માંડીને ડમડમબાબા સુધીના કોઈ પણ નામે ચડાવી શકાય છે.
ભક્તિની જેમ મચ્છરના ઉડ્ડયનના બે પ્રકાર હોય છેઃ સકામ અને નિષ્કામ. સકામ ઉડ્ડયન કરનારાં મચ્છરો ઘણુંખરું સામાજિક હોય છે. તે જાણે છે કે તે માણસને નહીં કરડે તો તેમને સમાજમાં મોં બતાવવા જેવું નહીં રહે. એટલે તે ઉડતાં દેખાય તેની થોડી વારમાં માણસના શરીરના કોઈ ભાગ પર ખંજવાળ શરૂ થાય છે. ત્યાં હાથ ફેરવતાં માલૂમ પડે છે કે આ તો કોઈ મોરલો (કે મચ્છર) કળા કરી ગયો. નિષ્કામ ઉડ્ડયન કરનારાં મચ્છર જરા વધારે ઊંચી આધ્યાત્મિક ભૂમિકા ધરાવે છે. નિરંજન ભગતની કવિતા ‘હું તો બસ ફરવા આવ્યો છું’ની જેમ, તેમની ફિલસૂફી હોય છેઃ હું ક્યાં આને કે તેને કરડવા આવ્યો છું? હું તો બસ ઉડવા આવ્યો છું.
મચ્છર આસપાસ ઉડતું હોય ત્યારે માણસની પહેલી વૃત્તિ તેને અવગણવાની થાય છે. માણસ વિચારે છે કે ‘આ તો મચ્છર છે—શબ્દાર્થમાં મચ્છર. એમ કંઈ તેને ભાવ થોડો અપાય? આવા કંઈક માનવમચ્છરોને હું ગણકારતો નથી તો આ મચ્છરની શી વિસાત?’ પણ ધીમે ધીમે મચ્છર નજીક આવે છે અને બોમ્બ નાખતાં પહેલાં શહેર પર એક ચકરાવો મારી લેતા બોમ્બર વિમાનની જેમ, તે કશું પણ કર્યા વિના કાનની નજીકથી પસાર થઈ જાય છે. તેનાથી માણસને ખીજ ચડે છે અને થાય છે કે આને તો હું મચ્છરની જેમ મસળી નાખું. (કારણ કે એ મચ્છર જ છે) પણ આવાં મચ્છરોની સામે હાથ ઉઠાવવો એ શાનકે ખિલાફ ન કહેવાય?
પ્રચંડ ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો એમ પણ માની શકે છે કે સામાન્ય રીતે ગુરુઓ ગુરુમંત્ર આવી રીતે કાનમાં આપતા હોય છે. તો શું મચ્છર માનવજાતને કોઈ ગુરુમંત્ર તો આપવા માગતું નથી ને? ક્યાંક એવું ન થાય કે તે કોઈ ઉપયોગી જીવનદર્શન મંત્ર તરીકે આપવા માગતું હોય અને માણસને તેની ભાષા ન સમજાતી હોય. પરંતુ થોડી વારમાં સ્પષ્ટ થઈ જાય છે કે મચ્છરને શરૂઆતમાં અવગણવામાં ભૂલ થઈ હતી. તેનું એ જ વખતે ઠંડા કલેજે એન્કાઉન્ટર કરી નાખ્યું હોત તો કદાચ...
આ એવો વળાંક છે કે જ્યાંથી કેટલાક પોલીસકર્મીઓએ સાહેબોને ખુશ કરવા માટે કરેલાં એન્કાઉન્ટરને વાજબી ઠરાવવાની દિશામાં હોંશભેર આગળ વધી શકાય છે.
No comments:
Post a Comment