કાશ્મીરમાં હિંદુ પંડિતો પર થયેલો અત્યાચાર, દિલ્હીમાં શીખો પર થયેલો અત્યાચાર, ગુજરાતમાં મુસ્લિમો પર થયેલો અત્યાચાર અને આવા બીજા બધા જ અત્યાચારોને એકબીજાની સામે મૂકીને, તેમના સામસામા છેદ ઉડાડી શકાય નહીં.
એક અત્યાચારની વાત થાય ત્યારે, નાગરિક તરીકે આપણે તેની સામે બીજા અત્યાચારનું પત્તું ઉતરીને, પહેલા અત્યાચારને નકારી શકીએ નહીં.
જેમ કે, કોઈ કાશ્મીરની વાત કરે ત્યારે 'તમે 2002માં ક્યાં હતા?' અને કોઈ 2002ની વાત કરે ત્યારે 'તમે પંજાબમાં ક્યાં હતા?' એવું નાગરિકો તરીકે ન પૂછાય. એ ધંધો રાજકીય પક્ષોનો છે. કારણ કે, તેમને ન્યાય અપાવવામાં નહીં, મત અંકે કરવામાં રસ હોય છે.
નાગરિકો પર સામુહિક કે સામુદાયિક ધોરણે થયેલા અત્યાચારના કિસ્સામાં ન્યાયની માગણી માટે, તમામ ન્યાયપ્રેમી નાગરિક સમુદાયોએ હાથ મિલાવવા પડે. બધા લોકો દરેક વખતે સક્રિય કે બોલકું સમર્થન આપી ન શકે તો કમ સે કમ, મૂક સમર્થન તો આપી જ શકે. તેની પાછળનો આશય એટલો કે કોઈ અત્યાચારને ઢાંકવા માટે બીજા અત્યાચારોનો ઉપયોગ ન થાય.
***
જુદા જુદા પ્રકારના અત્યાચારનો વિરોધ કરનારા પંજા લડાવવાને બદલે હાથ મિલાવે તો?
હું કાશ્મીરી પંડિતોને ન્યાય મળવો જોઈએ એ વાતમાં સંપૂર્ણપણે સંમત છું અને તે માટે બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને તેમની નિષ્ફળતાઓ પછી મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું.
હું 2002માં જે લોકોની હત્યા થઈ તેમના માટે ન્યાયની માગણીમાં સામેલ છું. અને તે માટે તત્કાલીન રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ત્યાર પછીની બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું. (આ બે પ્રસંગ તો જાણીતાં ઉદાહરણ તરીકે.)
મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે કાશ્મીરી પંડિતો માટે ન્યાય માગનારા આખી વાતમાં ભાજપની ભૂમિકા, જવાબદારી અને નિષ્ક્રિયતા પ્રત્યે આંખ આડા કાન કરે. 2002 માટે ન્યાય માગનારા કોંગ્રેસની ભૂમિકા, જવાબદારીની અને નિષ્ક્રિયતા બાજુ પર રાખીને જ વાત કરવા ઇચ્છે.
આ લક્ષણ ન્યાયપ્રિય નાગરિકોનાં નહીં, પક્ષના 'વફાદાર' કાર્યકરોનાં અથવા આખી કરુણતાની રાજકીય કે બીજી રીતે રોકડી કરી લેનારાનાં છે. (અહીં વફાદારનું વિશેષણ હકારાત્મક અર્થમાં નથી. ) એવા અભિગમથી પીડિતોને ન્યાય નથી મળતો, પણ તેમની પીડાનો વેપાર થઈ જાય છે.
***
સામુદાયિક અત્યાચાર દર્શાવતી ફિલ્મોની વાત આવે ત્યારે, તે ફિલ્મ બનાવનારનો આશય શો છે, તે સૌથી અગત્યનું છે. આશય ફિલ્મ પરથી નક્કી કરી શકાય છે. દા.ત.
- સંવેદન જગાડતી ફિલ્મઃ તેનો આશય દર્શકોને એક પ્રકારનો અત્યાચાર બતાવીને, એવા તમામ પ્રકારના અત્યાચારો સામે લોકોને સંવેદનશીલ બનાવવાનો હોઈ શકે. તેવી ફિલ્મ તમામ પ્રકારના અત્યાચારો સામે મક્કમતાથી લડવાની પ્રેરણા આપી શકે. 'શિન્ડલર્સ લીસ્ટ' આવી એક ફિલ્મ છે, જેમાં ક્રૂરતમ વાતાવરણમાં પણ બે સમુદાયોને બ્લેક એન્ડ વ્હાઇટમાં વહેંચી દેવાયા નથી. તે ફિલ્મમાં બધેબધા યહુદી પીડિત નથી અને બધા જર્મન વિલન નથી. સંવેદના જગાડવા માટે બનાવાયેલી ફિલ્મની એ ખાસિયત હોય છે.
- દસ્તાવેજીકરણ ધરાવતી ફિલ્મઃ તેમાં અન્યાય સામે ન્યાયની લડત જીવંત રાખવા માટે ઘટનાઓનું યથાતથ આલેખન કરાયું હોય છે. આખા ઘટનાક્રમનાં શક્ય એટલાં વધુ પાસાં રજૂ કરવામાં આવે છે. રજનીશ વિશેની સિરીઝ 'વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ' (નેટફ્લિક્સ) તેનું ઉત્તમ ઉદાહરણ છે.
- ધિક્કારકેન્દ્રી ફિલ્મઃ કેટલાક મુસલમાન ધર્મગુરુઓ મુસલમાનવિરોધી હિંસાનાં ચુનંદાં દૃશ્યોનો ઉપયોગ મુસલમાન યુવાનોને તમામ હિંદુઓ સામે ઉશ્કેરવા માટે કરતા હોવાનું જાણ્યું છે. એવી જ રીતે, હિંદુવિરોધી હિંસાનાં દૃશ્યો બતાવીને હિંદુઓને બધા મુસલમાનો સામે ઉશ્કેરવાનો ધંધો પણ થાય છે. આ પ્રકારની ફિલ્મોનો આશય ન્યાયનો કે દસ્તાવેજીકરણનો નહીં, ધાર્મિક કે રાજકીય નેતાગીરીના લાભાર્થે સમાજમાં ધિક્કારની બોલબાલા કરવાનો હોય છે. આવી ફિલ્મ બનાવનારા દાવો તો પહેલા બે પ્રકારનો કરે છે, પણ તે પ્રકારોની મૂળભૂત શરતોનું તેમાં પાલન થતું નથી. આવી ફિલ્મોનો આશય ઘાની દવા કરવાનો નહીં, ઘા વકરાવવાનો હોય છે, જેથી રાજકીય, ધાર્મિક અને આર્થિક સહિતનાં અનેક સ્થાપિત હિતોનું કામ થઈ જાય.
***
વિશ્લેષણ માટે 'કાશ્મીર ફાઇલ્સ' ને કોઈ અલગ નિયમ કે માપદંડથી માપવાની જરૂર નથી. ઉપર જણાવેલા સામાન્ય નિયમો પૂરતા છે.
શાંતિથી વાંચજો, વિચારજો અને યોગ્ય લાગે તો શેર કરજો.
Wednesday, March 16, 2022
સામુદાયિક અત્યાચારો, નાગરિકધર્મ અને ફિલ્મની ભૂમિકા
Thursday, March 10, 2022
આજનાં પરિણામ પછીઃ એક સંવાદ
આજનાં પરિણામથી તમને દુઃખ તો બહુ થયું હશે, નહીં? કોંગ્રેસ ક્યાંય જીતી નહીં...
ભાજપના ટીકાકારો કોંગ્રેસી કે આપવાળા જ હોય, એવું સમીકરણ તમને બહુ
ફાવે એવું છે. તમનેય અંદરથી ખબર છે કે એ બધે લાગુ પડતું નથી. પણ તમેય શું કરો? તમારે તો વફાદારીપૂર્વક લાઇન ચલાવવી પડે ને.
હકીકતમાં, કોંગ્રેસ સહિતના કોઈ પણ પક્ષની જીતથી ખુશી થાય એવો પ્રશ્ન જ નથી. દેશને સડસડાટ નીચે લઈ જતી ભાજપી નેતાગીરી જીતી તેનું દુઃખ છે. એને તો હવે જાણે દેશને વધારે નીચે લઈ જવાનો પરવાનો મળી ગયો હોય એવું લાગશે.
અને સમાજવાદી પાર્ટી જીતી હોત તો દેશ ઊંચો ચડત?
ના, વધુ નીચો ઉતરતો અટકત અને ભાજપી નેતાગીરીની બિનધાસ્ત બેશરમી પર થોડો અંકુશ આવત. હાથરસ-લખમીપુર જેવાં ઠેકાણે પણ જીતી ગયા પછી બાકી શું રહ્યું?
તમને ભાજપ અને મોદી સામે આટલો બધો વાંધો કેમ છે?
તેમની કાર્યપદ્ધતિ, બિનલોકશાહી વલણ, વહીવટી આવડતના નામે લોચાલાપશી અને સત્તાના સંપૂર્ણપણે કેન્દ્રીકરણને કારણે. પણ એ તમને અત્યાર સુધી ન સમજાયું હોય તો હવે સમજાવું મુશ્કેલ છે. કોરોનામાં બધા પ્રકારની અગવડો વેઠ્યા પછી પણ લોકોને એ ન સમજાતું હોય, તો હવે ક્યારે સમજાશે?
તો શું ભાજપને મત આપનારા બધા મૂરખ છે?
ના, મૂરખ શબ્દ યોગ્ય નથી. ભાજપને મત આપનારામાંથી ઘણા એવા હશે, જેમને ધર્મના નામે અને/અથવા મુસ્લિમો પ્રત્યે ધિક્કારના નામે ઊઠાં ભણાવી શકાય-તેમનામાં રહેલા નકારાત્મક ભાવોને સુદૃઢ કરીને તેને પક્ષના ફાયદા માટે વાળી શકાય. ભાજપી નેતાગીરીને એ કામ બરાબર ફાવે છે અને એ કામ માટે તેમની પાસે અઢળક સંસાધનો, સંગઠન, શક્તિ તથા વૃત્તિ છે.
અને વિપક્ષોની ભૂમિકા?
બેશક, વિપક્ષો તો જવાબદાર ખરા જ. કેમ કે, હજુ તે પોતપોતાના વ્યક્તિકેન્દ્રી વર્તુળમાંથી બહાર આવી શકતા નથી. મારા જેવા ઘણા લોકોને ખેદ અને ચિંતા એ વાતનાં છે કે ભાજપ સરકાર થકી સમાજ અને દેશને લાંબા ગાળાનું નુકસાન થઈ ચૂક્યું છે-હજુ થઈ રહ્યું છે. પણ વિપક્ષોને તેમની સત્તા અને કારકિર્દી સિવાય બીજી કશી ચિંતા નથી. સમાજ અને દેશ માટે ઊભાં થયેલા જોખમોની ગંભીરતા વિપક્ષોને અડતી નથી. એટલે તે અહમ્ મૂકીને ભાજપ સામે એક થઈ શકતા નથી.
પણ ઘણા વિશ્લેષકો કહે છે કે ભાજપને ધિક્કારના રાજકારણનો નહીં, તળીયાના સ્તરે કરેલી કામગીરીનો બદલો મળ્યો છે.
આવાં કારણો જીત પછી શોધવાનું વધારે સહેલું પડે છે. પણ ઉત્તર પ્રદેશમાં અને યોગીરાજમાં દેખીતા ધિક્કાર, ભય તથા કુશાસનના વાતાવરણને ઠંડા કલેજે નજરઅંદાજ કરીને, "તળીયાના સ્તરે કરેલી કામગીરી"ના વખાણ કરવા જેટલી 'સ્થિતિસ્થાપકતા' મારામાં નથી અને તેનો આનંદ છે.
તો તમે હવે શું કરશો?
એ જ, જે 2002થી કરતો આવ્યો છું. સાચું લાગે તે લખવાનું, તક મળ્યે તેના વિશે વાત કરવાની અને સ્વસ્થતાની સાથોસાથ જુસ્સો ટકાવી રાખતા જીવનના બીજા આનંદો માણવાનું ચાલુ રાખવાનું.
ટૂંકમાં, તમે નહીં સુધરો, એમ ને?
સુધરવું એ તો બહુ મહત્ત્વનું કામ છે. મારા જેવા સામાન્ય નાગરિકને બદલે દેશના વડાપ્રધાન એ બાબતમાં પહેલ કરે તો દેશને બહુ ફાયદો થાય.
Saturday, March 05, 2022
ઉડતું મચ્છર જોઈને
‘તમે ઉડતું મચ્છર જોયું છે?’— આ એવો સવાલ છે કે ‘કાશ્મીરમાં હિંદુવિરોધી/દિલ્હીમાં શીખવિરોધી હિંસા વખતે તમે ક્યાં હતા?’ મતલબ, આ એવો પ્રશ્નપથ્થર છે, જે જવાબ મેળવવા માટે નહીં, પ્રશ્ન ફેંકવા માટે પૂછાય છે. ઉડતું મચ્છર તમે જોયું હોય તો રાજી થવાની જરૂર નથી ને ન જોયું હોય તો દુઃખી થવાની જરૂર નથી. અંગ્રેજીમાં કહેણી છે કે કેકના અસ્તિત્વનો પુરાવો તેને ખાઈને જ મેળવી શકાય. એવી રીતે, ઉડતું મચ્છર જોયું હોય કે ન જોયું હોય, તેના હોવાનો પુરાવો તેના ચટકા થકી મેળવી શકાય.
તમે ઉડતો હાથી જોયો હોય તો બરાબર છે. બાકી, ઉડતું મચ્છર જોવામાં શી ધાડ મારવાની? હા, મચ્છરને ઉડતાં પહેલાં ડ્રાઇવિંગ (એટલે કે ફ્લાઇંગ) લાઇસન્સ લેવું પડતું હોય અને તેના માટે હવામાં આઠડો પાડવો પડતો હોય તો થાય કે તમે જોયેલું મચ્છર સાયબર સેલનું કોઈ ઉપદ્રવી મચ્છર નથી, પણ ‘સ્કીલ ઇન્ડિયા’ જેવી કોઈ સ્કીમ હેઠળ ઉડ્ડયનનો પરવાનો મેળવ્યા પછી, આત્મનિર્ભરતાની રાષ્ટ્રિય ઝુંબેશના ભાગરૂપે બહાર પડેલું, ભણેલું તો નહીં પણ ગણગણેલું, મચ્છર છે.
ઘણા મચ્છરદ્વેષીઓ એવું માને છે કે મચ્છરને માણસજાત સાથે જૂની અદાવત છે. એટલે તે માણસને ડંખ મારીને, શબ્દાર્થમાં માણસનું લોહી પીને બદલો છે. પરંતુ એ વાત રાજકીય પક્ષો દ્વારા બે જૂથો વચ્ચેની ખાઈ પહોળી કરવા માટે અપનાવાતી તરકીબ જેવી છે. હકીકતમાં મચ્છર મનુષ્ય સિવાયનાં પ્રાણીઓને પણ કરડે છે. પરંતુ તે પ્રાણીઓ માણસની જેમ (આવો લેખ) લખી કે બોલી શકતાં નહીં હોવાથી તેમની માણસદ્વેષી તરીકેની છાપ દૃઢ બને છે અને ઇમેજ મેનેજમેન્ટ માટે એજન્સી રોકવાનો મચ્છરોમાં હજુ રિવાજ પડ્યો લાગતો નથી.
ઓફિસમાં કે ઘરમાં બેઠકની આસપાસ ઉડતાં મચ્છરો જોઈને કોઈ પરંપરાપ્રેમીને થાય છે કે તે કેટલું અંતર કાપીને આવ્યાં હશે? તેમને અતિથી ગણીને ‘આવો,બેસો, ચાપાણી કરો’—એવો કોઈ વિવેક કર્યા વગર તેમની હત્યાના પ્રયાસોમાં લાગી જવું કેટલું શોભાસ્પદ કહેવાય? આપણી સંસ્કૃતિનો જરાય વિચાર નહીં કરવાનો? મચ્છરો ગમે ત્યાં જઈ શકે છે- ભલભલા સત્તાધીશોની આસપાસ ઉડી શકે છે. સત્તાધીશોની આસપાસ બણબણતા ઘણા લોકો પણ વિશ્લેષણની દૃષ્ટિથી જોતાં મચ્છર જેવા લાગી શકે એ જુદી વાત છે.
વીવીઆઇપીઓની ઝેડ પ્લસ સુરક્ષા પણ મહાનુભાવોની આસપાસ ફરતાં મચ્છરોનું શું ઉખાડી લેવાની હતી?
સાંસ્કૃતિક અસ્મિતાના રાજકીય ઘૂંટડા પીનારાં મચ્છર એવો દાવો કરી શકે છે કે તેમને ફુદાં ટાઇપ ન સમજી લેવાં. એ તો ખરેખર ગરુડનાં વંશજ છે. ઉત્ક્રાંતિ થયા પછી ધીમે ધીમે તેમના પૂર્વજો ઘસાતા ગયા અને છેવટે આ સ્થિતિ આવી. અલબત્ત, આવી હળવી અવસ્થાને કારણે જ તે ટકી ગયાં અને ટકી રહ્યાં છે.—આવું કોઈએ કહ્યું નથી, પણ વોટ્સએપના સંસારમાં આવું અવતરણ ડાર્વિનથી માંડીને ડમડમબાબા સુધીના કોઈ પણ નામે ચડાવી શકાય છે.
ભક્તિની જેમ મચ્છરના ઉડ્ડયનના બે પ્રકાર હોય છેઃ સકામ અને નિષ્કામ. સકામ ઉડ્ડયન કરનારાં મચ્છરો ઘણુંખરું સામાજિક હોય છે. તે જાણે છે કે તે માણસને નહીં કરડે તો તેમને સમાજમાં મોં બતાવવા જેવું નહીં રહે. એટલે તે ઉડતાં દેખાય તેની થોડી વારમાં માણસના શરીરના કોઈ ભાગ પર ખંજવાળ શરૂ થાય છે. ત્યાં હાથ ફેરવતાં માલૂમ પડે છે કે આ તો કોઈ મોરલો (કે મચ્છર) કળા કરી ગયો. નિષ્કામ ઉડ્ડયન કરનારાં મચ્છર જરા વધારે ઊંચી આધ્યાત્મિક ભૂમિકા ધરાવે છે. નિરંજન ભગતની કવિતા ‘હું તો બસ ફરવા આવ્યો છું’ની જેમ, તેમની ફિલસૂફી હોય છેઃ હું ક્યાં આને કે તેને કરડવા આવ્યો છું? હું તો બસ ઉડવા આવ્યો છું.
મચ્છર આસપાસ ઉડતું હોય ત્યારે માણસની પહેલી વૃત્તિ તેને અવગણવાની થાય છે. માણસ વિચારે છે કે ‘આ તો મચ્છર છે—શબ્દાર્થમાં મચ્છર. એમ કંઈ તેને ભાવ થોડો અપાય? આવા કંઈક માનવમચ્છરોને હું ગણકારતો નથી તો આ મચ્છરની શી વિસાત?’ પણ ધીમે ધીમે મચ્છર નજીક આવે છે અને બોમ્બ નાખતાં પહેલાં શહેર પર એક ચકરાવો મારી લેતા બોમ્બર વિમાનની જેમ, તે કશું પણ કર્યા વિના કાનની નજીકથી પસાર થઈ જાય છે. તેનાથી માણસને ખીજ ચડે છે અને થાય છે કે આને તો હું મચ્છરની જેમ મસળી નાખું. (કારણ કે એ મચ્છર જ છે) પણ આવાં મચ્છરોની સામે હાથ ઉઠાવવો એ શાનકે ખિલાફ ન કહેવાય?
પ્રચંડ ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો એમ પણ માની શકે છે કે સામાન્ય રીતે ગુરુઓ ગુરુમંત્ર આવી રીતે કાનમાં આપતા હોય છે. તો શું મચ્છર માનવજાતને કોઈ ગુરુમંત્ર તો આપવા માગતું નથી ને? ક્યાંક એવું ન થાય કે તે કોઈ ઉપયોગી જીવનદર્શન મંત્ર તરીકે આપવા માગતું હોય અને માણસને તેની ભાષા ન સમજાતી હોય. પરંતુ થોડી વારમાં સ્પષ્ટ થઈ જાય છે કે મચ્છરને શરૂઆતમાં અવગણવામાં ભૂલ થઈ હતી. તેનું એ જ વખતે ઠંડા કલેજે એન્કાઉન્ટર કરી નાખ્યું હોત તો કદાચ...
આ એવો વળાંક છે કે જ્યાંથી કેટલાક પોલીસકર્મીઓએ સાહેબોને ખુશ કરવા માટે કરેલાં એન્કાઉન્ટરને વાજબી ઠરાવવાની દિશામાં હોંશભેર આગળ વધી શકાય છે.