ભારતીય સંસ્કૃતિમાં ડોર બેલ ન હતા. ડેલીએ સાંકળો ખખડાવવાનો રિવાજ હતો અને જેમને ડેલીબંધ મકાનો ન હોય, ત્યાં મોટે ભાગે દરવાજા વિના કામ ચાલી જતું. દરેક જૂની બાબતની પાછળ મહાન વૈજ્ઞાનિક રહસ્ય છૂપાયેલું હોય છે, એવું માનતા અને બીજાને મનાવવા સતત પ્રયત્નશીલ રહેતા લોકો કહી શકે છે,’ડેલીએ સાંકળ ખખડાવવાથી હાથના અને ખભાના સ્નાયુઓને કસરત મળતી હતી, બાવડાંના ગોટલા સુદૃઢ બનતા હતા-તેના માટે રૂપિયા ખર્ચીને જિમમાં જવાની જરૂર પડતી નહીં. સાંકળ ઝડપથી સંભળાય નહીં ને દરવાજો ખોલવામાં વાર લાગે તો દરવાજે ઉભેલા માણસમાં ધીરજનો ગુણ ખીલતો હતો. સાંકળ ડેલીના કમાડ પર પછાડવાથી હાથ ઉપરાંત કમાડ અને સાંકળની મજબૂતીની પણ ચકાસણી થઈ જતી. પણ આ બધું સમજે કોણ? લોકોને તો ઝટ ચાંપ દબાવી ને પટ બેલ વાગ્યો, એવું જ ફાવે. એમાં ને એમાં આપણી ભવ્ય, ગૌરવવંતી સંસ્કૃતિનું સત્યાનાશ નીકળી ગયું.’
સંસ્કૃતિચર્ચામાંથી બહાર નીકળીને જોતાં ડોર બેલનાં બીજાં પાસાં ભણી ધ્યાન જાય. જેમ કે, ડોર બેલનો અવાજ. પહેલાં ડોર બેલનો પણ એક જ પ્રકારનો રણકાર સાંભળવા મળતો હતો—સીધોસાદો, શુષ્ક બઝર જેવો. તે સાંભળીને એવું લાગે, જાણે કોઈ બેસૂરો માણસ ખરજભર્યા કંઠે ગાવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો છે. પરંતુ કેટલાક નેતાઓની ન્યૂસન્સ વેલ્યુ એ જ તેમની વિશેષતા હોય છે, તેમ એ પ્રકારના ડોર બેલની કર્કશતાનો જ મહિમા હતો. તેમનો કર્કશ અવાજ અવગણી શકાય એવો ન હતો. એટલે ‘અમને તો બેલ સંભળાયો જ નહીં’—એવા બહાના માટે જગ્યા રહેતી ન હતી. તેમ છતાં કોઈ એવું કહે તેમણે ‘ખરા ઉંઘણશી તમે તો’—એવા હળવા ઠપકા માટે તૈયાર રહેવું પડતું હતું.
ધીમે ધીમે ડોર બેલના રણકારમાં વૈવિધ્ય આવવા લાગ્યું. કોઈનો અવાજ પંખીના ટહુકા જેવો, તો કોઈનો સંગીતની સુરાવલિ જેવો. પરંતુ ડોર બેલ સંગીતની સૌથી મોટી મર્યાદા એ હતી કે તેમાં વોલ્યુમ કન્ટ્રોલનું બટન ન હતું. એટલે એક વાર મોટા અવાજવાળો ડોર બેલ ઘરમાં ફીટ થઈ ગયો, પછી તેની સાથે પડ્યું પાનું નિભાવવું પડે. તે પ્રેક્ટિસ દાંપત્યજીવનમાં ખપ લાગી કે નહીં, તેનાં સમાજશાસ્ત્રીય સંશોધનો થયાં નથી. છતાં, કહી શકાય કે ડોર બેલનો અવાજ નિભાવી લેવામાંથી ખીલેલી ક્ષમતાના જોરે કંઈક દાંપત્યજીવનો નભી ગયાં હશે.
ડોર બેલનો અવાજ કેટલો મોટો આવે છે એના કરતાં, એ કેટલો મોટો લાગે છે, તે બાબત વધારે અગત્યની બની રહેતી હતી. દિવસના વ્યસ્ત સમયે, વાહનોની આવનજાવન વખતે સામાન્ય અવાજવાળો લાગતો ડોર બેલ બપોરના કે રાતના સન્નાટામાં એકાંતનો ગેરલાભ લઈને બરાડા પાડતો હોય એટલો મોટો સંભળાતો હતો. તેના અવાજથી પડોશના ઘરનાં લોકો પણ ઉઠી જશે, એવી શંકા જતી હતી.
ડોર બેલ રોજિંદા જીવનનો ભાગ બન્યો, એટલે તેની સાથે આચારસંહિતા અને સભ્યતા-એટિકેટ જોડાયાં. ડોર બેલ કેવી રીતે વગાડાય અને કેવી રીતે ન વગાડાય તેના વણલખ્યા નિયમ બન્યા. ડોર બેલની એટિકેટ બાબતે કેટલાક લોકોનું કડક વલણ જોતાં એવું લાગતું કે તેમનું ચાલ્યું હોત તો ડોર બેલના નિયમભંગનો ગુનો તેમણે ઇન્ડિયન પીનલ કોડમાં સામેલ કરાવ્યો હોત. સાથોસાથ, કેટલાક લોકો ડોર બેલ પર અને સરવાળે અંદર રહેતા લોકોના કાન પર જે અત્યાચાર કરતા હતા, તેને ધ્યાનમાં લેતાં ડોર બેલ વિશેની આઇપીસીની કલમો આવકારદાયક પણ લાગી હોત.
કેટલાક લોકો ડોર બેલ જોઈને ભૂરાંટા થતા હતા. ક્યાંક ગયા પછી તે બારણાનું સર્વેક્ષણ કરતા અને જેવી ઘંટ દોરેલી સ્વિચ તેમની નજરે પડે કે તરત તેમની આંખો ચમકી ઉઠતી. તેમાં એવો ભાવ ઝબકી જતો કે ‘હવે ખબર પાડી દઉં છું બારણાં બંધ કરીને અંદર ભરાઈ બેટ્ટમજીઓને’ તે ડોર બેલની સ્વિચ એવી રીતે દબાવતા, જાણે તેના સળંગ સૂરમાંથી આખું ગીત બનાવી કાઢવાનું હોય. એક વાર, બે વાર, ત્રણ વાર... દરવાજો ન ખુલે ત્યાં સુધી તે બેલ દબાવવાનું ચાલુ રાખતા. તેમના સારા નસીબે બારણું બંધ હોવાથી અંદર રહેલા અને બેલના ઉપરાછાપરી અવાજથી ઉશ્કેરાઈને બારણું ખોલવા આવતા લોકોના ચહેરાના હાવભાવ કે મનમાં ઉગતાં સ્વસ્તિવચનો તેમને દેખાતાં-સંભળાતાં નહીં. ઘરમાલિક બારણે પ્રગટ થાય ત્યારે બેલમારક સમજતા કે યજમાન દરવાજો ખોલવા આવ્યા છે. પરંતુ ઘણા કિસ્સામાં યજમાન મુઠ્ઠી વાળીને, દાંત ભીંસીને ‘કોણ મંડ્યો છે?’ તેની તપાસ કરવા આવતા હતા અને પરિચિત ચહેરો જોઈને મનમાં ઉઠેલા લાગણીના તરંગો પર અંકુશ મેળવી લેતા. તેના લીધે સામાજિક સંબંધોનું પોત અને કાયદોવ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતાં.
કેટલાક લોકો બારણે બેલ રાખતા, પણ બારણની સાથે બેલ પણ બંધ રહેતો. તે દબાવ્યા પછી વાગ્યો કે નહીં, તેના વિશે વગાડનારને અવઢવ રહેતી. બીજી વખત બેલ મારવામાં ક્ષોભ થાય, પણ પહેલી વારનો બેલ વાગ્યો કે નહીં, તેની અવઢવ ચાલુ હોય. ત્યારે વારેઘડીએ બેલ દબાવી જોયા પછી, બારણે ટકોરા મારી જોયા પછી દરવાજો ન ખુલતાં પાછું જવું પડ્યું હોય એવા કિસ્સા પણ અશક્ય ન હતા. એવી સ્થિતિમાં ‘હું બેલ મારું છું’ એવો માણસનો કર્તાભાવ ઓગળી જતો અને ‘બેલ વગાડનાર હું કોણ? એ તો ઇશ્વરેચ્છા હશે તો જ વાગશે’ એવી આધ્યાત્મિક ભૂમિકા તે પ્રાપ્ત કરતો હતો.
No comments:
Post a Comment