ઘણાખરા લોકોને પોતપોતાની મૈત્રીકથાઓ હશે. તેમાંથી મોટા ભાગનાને એવું લાગતું હશે કે ‘બીજાં બધાં ગ્રુપ સારાં છે, પણ અમારા ગ્રુપની વાત જ જુદી છે.’ આવું ગૌરવ નિર્દોષ અને બિનહાનિકારક હોય છે. એટલે તેના વિશે કશા વાદવિવાદ કે દલીલ-પ્રતિદલીલ વિના, સૌ પોતપોતાના ગૌરવ સાથે આનંદપૂર્વક જીવે છે. આવાં મિત્રમંડળોમાં અમારા મિત્રમંડળનો પણ સમાવેશ થાય. અમારું એટલે બીરેનનું અને કાળક્રમે મારું મહેમદાવાદનું મિત્રમંડળ.
તેનું નામ ઇન્ટેલિજન્ટ યુથ ક્લબ (IYC) અત્યારે જૂનવાણી અને રમૂજી લાગે. ત્રણ-ચાર દાયકા પહેલાં તે નામકરણ થયું ત્યારે પણ તેમાં કશો ગંભીર દાવો ન હતો. ઔપચારિકતા ખાતર એ નામ પડાયું હતું અને તેનો એક સિક્કો બન્યો-બેન્ક ખાતું ખૂલ્યું, એટલે તે સત્તાવાર બન્યું. સ્કૂલકાળમાં સાથે ભણતા બીરેન અને તેના મિત્રોનું એ જૂથ. સ્કૂલ-કોલેજમાં ભણી રહ્યા પછી, કામધંધે લાગ્યા પછી, પરણીને સામાજિક રીતે સ્થિર થયા પછી, કેટલાક મિત્રો પરદેશ ગયા પછી, મિત્રસંતાનો પરણવાલાયક થયાં અને ગયા અઠવાડિયે વિપુલ રાવલના પુત્ર—અમારા લાડકા ભત્રીજા નીલનું યેશા સાથે લગ્ન થયું ત્યાં સુધી, લગભગ ચાર દાયકાના સમયગાળામાં IYCના મિત્રો સતત એકબીજા સાથે સંકળાયેલા રહ્યા છે.
|
નીલ અને યેશા,19-12-21, વડોદરા
|
|
નીલનાં લગ્નના આગલા દિવસે વિધિ વખતે વિપુલ-બિંદુ
|
આટલા લાંબા ગાળામાં એવા ઘણા વળાંક આવે, જ્યાં કશી કડવાશ વિના કે કશા પ્રયાસ વિના સાથ છૂટી જવાની સંભાવના રહે. ભૌગોલિક રીતે તો બધા જ અલગ પડી ગયાં હતાઃ બીરેન-કામિની વડોદરા, વિપુલ-બિંદુ રાવલ વિદ્યાનગર, અજય-રશ્મિકા પરીખ મણિનગર, મનીષ (મંટુ)-યત્ના શાહ વડોદરા, પ્રદીપ-જયશ્રી પંડ્યા અમેરિકા, તુષાર-અપર્ણા પટેલ અમેરિકા, મયુર-હેતલ પટેલ ઓસ્ટ્રેલિયા, વિજય-શેફાલી પટેલ કેનેડા. એક મિત્ર મુકેશ પટેલ દિવંગત થયા. તેમનાં પત્ની ગીતા વડોદરા. આ ઉપરાંત, નિકટના સંપર્કમાં નહીં રહેલા છતાં ગ્રુપના એક સમયના સભ્યની રૂએ પિયુષ-ભાવશ્રી શાહ અમદાવાદ. છતાં, એવા કેટલાક પ્રસંગ સભાનપણે ટાળવાને કારણે, અમુક રૂઢિઓ કંઈ નહીં તો રૂઢિ લેખે પણ ચાલુ રાખવાને કારણે, IYC ચારેક દાયકા પછી પણ અસ્તિત્વ ધરાવે છે.
આ મિત્રમંડળમાં બે-અઢી દાયકાથી હું જોડાયેલો છું—એ બધાથી છ-સાત વર્ષ નાનો હોવા છતાં. વિપુલ મહેમદાવાદ રહેતા હતા ત્યારે તેમનું 17, નારાયણ સોસાયટીનું ઘર IYCનું બિનસત્તાવાર હેડક્વાર્ટર હતું. રોજ રાત્રે ત્યાં જવાનો નિત્યક્રમ. શિયાળામાં શાલ ઓઢીને, ચોમાસામાં છત્રી લઈને પણ જવાનું ખરું. હું ત્યાં જતો થયો અને ધીમે ધીમે તેમની સાથે-તેમનામાં ભળ્યો. વિપુલની બહેન મનીષા (ટીની) મારાથી ત્રણેક વર્ષે નાની. તે પણ ઘરમાં બધા મિત્રોની અવરજવરને કારણે તેમની સાથે ભળતી. સમય જતાં મહેમદાવાદમાં હું એક જ રહ્યો. અજય પરીખ (ચોક્સી)ની દુકાન મહેમદાવાદમાં. એટલે તે મણિનગરથી અપ-ડાઉન કરે અને દિવસે મહેમદાવાદમાં હોય. તહેવારોમાં બીરેન પરિવાર, વિપુલ પરિવાર, ચોક્સી પરિવાર, મંટુ પરિવાર આ બધા મહેમદાવાદ આવે. સાથે વિપુલના મિત્રમાંથી અમારા એકદમ નિકટના મિત્ર બનેલા પૈલેશ શાહ (પહેલાં ખેડા, પછી નડિયાદ)નો પરિવાર પણ હોય. અમે 17, નારાયણ સોસાયટીના બંગલે મળીએ. સાથે બેસીએ. ત્યારે જ દિવાળી પૂરી થઈ હોય એવું લાગે. વચ્ચે વચ્ચે ક્યારેક કિર્તી-પારુલ પટેલ (અમેરિકા) જેવાં મિત્રો પણ આવી જાય અને તેમના નિમિત્તે શક્ય એટલી મિત્રમંડળીનું મિલન થાય.
|
દિવાળીના દિવસોમાં 17, નારાયણ સોસાયટીની અંદરનો માહોલઃ શચિએ પાડેલું સેલ્ફી. ફોટોમાં (ડાબેથી) બીરેન, વિપુલ, બિંદુ, ઉર્વીશ, આસ્થા, સોનલ, કામિની, જય, અર્પ, અજય, રશ્મિકા
|
|
...અને બહારનો માહોલઃ (ડાબેથી) રશ્મિકા, ફાલ્ગુની, બિંદુ, સોનલ, શચિ, નીલ, કવન, અર્પ
|
IYCના મિત્રોમાં પ્રકૃતિગત સામ્ય ખાસ નહીં. જૂના વખતમાં તેમણે કરેલાં એવાં મોટાં-યાદગાર પરાક્રમ કે તોફાનો પણ નહીં. (મુકેશ પટેલ અને અમુક અંશે તુષાર પટેલને બાદ કરતાં) એકંદરે નિરૂપદ્રવી, સીધી લીટીમાં કહેવાય એવી તેમની ગતિ. અમુકની મસ્તી ને અવળચંડાઈ હોય, પણ એથી વિશેષ નહીં. સાથે બેસીને નિરાંતે કોઈ મુદ્દા વિશે કે એકબીજાના કામકાજ વિશે કે જીવનસંઘર્ષ-જીવનપ્રસંગો વિશે ઠરીને વાત કરવાનો રિવાજ પણ નહીં. બધાં ભેગાં થાય એટલે જૂની શૈલીની ખેંચતાણ ચાલે. રમુજોમાંથી પણ ઘણી તો વીસ-પચીસ વર્ષથી ચાલતી હોય. નવી પેઢીને તેમાં ભાગ્યે જ રસ પડે. લોક ડાઉન દરમિયાન બીરેને IYCનાં જૂનાં સંભારણાં ઓડિયો સ્વરૂપે ગ્રુપમાં મુક્યાં ત્યારે મિત્રો કરતાં પણ ઘણો વધારે રસ તેમાં મિત્રોનાં સંતાનોને પડ્યો હતો. બાકી, IYC-મિત્રોનાં સંભારણાંની જૂની મૂડીમાં નવો ઉમેરો ઘણો ઓછો. પણ સારી કંપનીના જૂના શેર થોડા હોય તો પણ લાંબા ગાળે સ્થિર સમૃદ્ધિ ઊભી કરે, એવું IYCના કિસ્સામાં થયું.
બધા મિત્રોના પરિવારોમાં IYC મિત્રમંડળીનો મહિમા સ્વીકારાયેલો. ભૂતકાળમાં પ્રસંગોના આયોજનના કોન્ટ્રાક્ટ અપાતા ન હતા અને હાથ પણ છૂટો ન હોય, ત્યારે બધા મિત્રોએ એકબીજાને ત્યાં દિલથી-મહેનતપૂર્વક, સરસ રીતે આયોજનો પાર પાડ્યાં હોય. એ સિવાય પણ જરૂર પડે ત્યારે આ મિત્રોની હૂંફની હૈયાધારણ મનમાં હોય. તેમાંથી પૈલેશ શાહ જેવા લાગણીગત ઉપરાંત પ્રકૃતિગત રીતે પણ ખાંખતવાળા હોય. એટલે તેમનો લાભ બધાને વધારે પ્રમાણમાં અને સામાન્ય સંજોગોમાં પણ મળે. વર્ષો બલ્કે દાયકાઓ સુધી અજય પરીખ (ચોક્સી)નો એવો લાભ બધાને મળ્યો હોય.
હવે બધા મિત્રો પંચાવન વટાવી ચૂક્યા છે અને ત્રણેક વર્ષમાં સાઠ પાર કરી જશે. ઘણાંખરાં સંતાનો લગ્નવયમાં પ્રવેશી ચૂક્યાં છે અને કેટલાંકનાં લગ્ન થઈ ગયાં છે. તે પ્રસંગોમાં પણ IYCનું સ્થાન અને દરજ્જો પરિવાર જેવાં રહ્યાં છે. લગ્નપ્રસંગોમાં કડાકૂટભર્યાં આયોજનો કરવાનો સમય જમાનાની રીતે અને ઉંમરની રીતે પણ વીતી ચૂક્યો છે. ત્યારે લગ્નોમાં અને બીજા પ્રસંગોમાં IYCના સભ્યોને પછીની પેઢીની સેવાનો લાભ મળવા માંડ્યો છે અને તે બહુ મીઠો લાગે છે.
IYCની દંતકથામિશ્રિત સત્યકથા વિશે વર્ષોથી દાખલા દેવાતા રહ્યા છે અને આદરમાન વ્યક્ત થતાં રહ્યાં છે, પણ આ પોસ્ટનો આશય નવી પેઢી વચ્ચેના મજબૂત જોડાણ વિશે આનંદ અને પોરસ વ્યક્ત કરવાનો છે. તેમને જુનિયર-IYC નહીં કહું. કારણ કે એ તેમની સાવ પ્રાથમિક ઓળખાણ ગણાય. તે બધાંને સાંકળતો મૂળભૂત દોર તેમના પપ્પાઓની દોસ્તીનો અને પછી પારિવારિક સંબંધોનો છે. પણ નવી પેઢી માટે એટલું કદી પૂરતું નથી હોતું. તેમણે પરસ્પર દોસ્તીનાં નવાં સમીકરણ તેમની રીતે નીપજાવ્યાં છે. તે એવાં ઉમળકાસભર, સમજદારીપૂર્વકનાં અને હળવાશભર્યાં છે કે આંખ ઠરે-મનમાં ટાઢક પહોંચે. નીલના લગ્ન નિમિત્તે સાથે રહેવાથી આ અહેસાસ વધારે દૃઢ થયો.
બીરેનની દીકરી શચિ લગ્નમાં આવી શકે તેમ ન હતી. પણ એ અને નીલ પહેલેથી બધાં સાથે સરસ રીતે સંકળાયેલાં રહ્યાં છે. લગ્ન પછી અને નીલના કિસ્સામાં અમેરિકા ગયા પછી પણ તેમણે વડીલો સાથે અને તેમનાથી નાનાં લોકો સાથે નાતો જાળવી રાખ્યો છે. પરંતુ નીલના લગ્નપ્રસંગે બીરેન-કામિનીનો પુત્ર ઇશાન, પૈલેશ-ફાલ્ગુનીના પુત્ર કવન- આકાશ, મંટુ-યત્નાની (પરણીને હૈદરાબાદ સ્થાયી થયેલી) મોટી પુત્રી ઊર્મિ, અજય-રશ્મિકાના પુત્રો (કેનેડાસ્થિત) અર્પ અને જય તથા અમારી (મારી-સોનલની) પુત્રી આસ્થા—આ બધાંએ તેમની વચ્ચેની નવેસરની આત્મીયતાનો પરિચય આપ્યો. ઉંમરનો તફાવત ભૂલાવીને તે જે રીતે સાથે રહ્યાં-આનંદ કર્યો, તેનાથી દોસ્તીનું નવું પ્રકરણ નહીં, તેમની દોસ્તીનો નવો ખંડ શરૂ થયો હોય એવું લાગ્યું. બધાં અઢાર વટાવી ચૂક્યાં હોવાથી અને તેમની વચ્ચે ઉંમરના તફાવત ભૂંસાઈ ગયા હોવાથી. જૂનાં વખતમાં એકમેક સાથે બહુ ફાવતું હોય એવાં પિતરાઈઓ ભેગા થઈને જેવી મઝા કરે, એવી ને એટલી મઝા તેમણે કરી. પુખ્ત વયનાં ને પોતપોતાનાં મિત્રવર્તુળો ધરાવતાં સંતાનો વચ્ચે આવી આત્મીયતા સહજ રીતે નીપજી આવી, તે નીલના લગ્નની (યેશા પછીની) સૌથી મોટી ઉપલબ્ધિ લાગે છે. એ પ્રસંગની અમારા માટે બીજી ઉપલબ્ધિ એટલે મનિષા (ટીની)ના પતિ વિજલભાઈ (ડો. વિજલ કાકા, વડોદરા) સાથેની નવેસરની દોસ્તી અને નિકટતા.
|
(L to R) કવન, જય, અર્પ, ઊર્મિ, નીલ, ઇશાન, આસ્થા, આકાશ, 19-12-21, વડોદરા |
|
ઉપરની ગેંગના કેટલાક સભ્યો, 2006માં, અમારા જૂના ઘરેઃ (ડાબેથી) અર્પ, જય, નીલ, આસ્થા, કલ્પ (મયુર પટેલ), દીતિ (નીલેશ પટેલ), ઇશાન, આસ્થા
|
|
નીલના લગ્ન વખતે IYC 1.0ના ફોટા લેતા IYC 2.0 : (ડાબેથી) ડોલી (મુકેશ પટેલ), હર્ષ (પૈલેશનો ભત્રીજો), હર્ષનાં મમ્મી, ઊર્મિ, કવન, અર્પ, જય, ઇશાન, આસ્થા
|
નીલના લગ્નમાં જે છોકરાંઓની મંડળી જોઈને અમને મઝા આવી, એ લોકો જુનિયર-IYC નથી, ખરેખર તો તે IYCનું અપડેટેડ વર્ઝન IYC 2.0 છે. તે IYC મિત્રમંડળની સૌથી મોટી મૂડી છે અને બની રહેશે એવું લાગે છે. IYC 2.0નાં મિત્રો દેશદુનિયામાં ગમે ત્યાં રહે, પણ તેમની વચ્ચેનો સંપર્ક અને લાગણીનો સંબંધ સદા જળવાયેલી રહે-તેમની દોસ્તીનાં વર્ઝન સતત અપડેટ થતાં રહે એવી શુભેચ્છા.
અને રહી વાત સ્કૂલકાળથી દોસ્તી નિભાવીને છેક નિવૃત્તિના આરે આવેલા મૂળ IYCની. તે IYC 1.0માંથી અપગ્રેડ થઈને IYC 1.1 વર્ઝન સુધી પહોંચે એ હવે પછીનું લક્ષ્ય રાખવા જેવું છે. લખનાર તરીકે તે શુભેચ્છા છે અને IYC 1.0ના ભાગ તરીકે તે લાગણી પણ છે.
|
નીલના લગ્નમાં (ડાબેથી): અજય-રશ્મિકા, પિયુષ-ભાવશ્રી, બીરેન-કામિની, મનીષ (મંટુ)-યત્ના, વિપુલ, પૈલેશ-ફાલ્ગુની, ઉર્વીશ-સોનલ, ગીતા મુકેશ પટેલ, કિર્તી-પારૂલ
|
|
નીલ-યેશાની લગ્નવિધિ પૂરી થયા પછી(ડાબેથી):પારુલ પટેલ, યત્ના શાહ, ગીતા પટેલ, ભાવશ્રી શાહ, ફાલ્ગુની શાહ, કામિની કોઠારી, બિંદુ રાવલ, યેશા-નીલ, વિપુલ રાવલ, મનીષ શાહ, અજય પરીખ, પૈલેશ શાહ, ઉર્વીશ કોઠારી, બીરેન કોઠારી, પિયુષ શાહ, કિર્તી પટેલ (બેઠેલાં, ડાબેથી) રશ્મિકા પરીખ, સોનલ કોઠારી, ઊર્મિ શાહ, આસ્થા કોઠારી, કવન શાહ, જય પરીખ, ઇશાન કોઠારી, અર્પ પરીખ
|
સંતોષ, ઉમંગ અને અરમાન વ્યક્ત કરતા આ જાનદાર બયાનમાં વગર કહ્યે મને એવું પણ સંભળાયું કે આવા તાંતણા માણસને વિખેરાઇ જવામાંથી બચાવવામાં ઠીક ઠીક ભૂમિકા ભજવે છે.
ReplyDelete