મોબાઇલ કે ટીવીના સ્ક્રીન વગરના બાળપણમાં રસ્તો શોધવો એ સસલાને ગાજર સુધી કે બાળકને ચોકલેટ સુધી પહોંચાડવાની રમત હતી. એવા અટપટા રસ્તા હોય કે શરૂઆતથી અંત સુધી એક ઘાએ પહોંચાય નહીં. ત્યારે એ રમત બહુ અઘરી લાગતી. મોટપણે સમજાયું કે ઘણા ખરા લોકોને બે ટંકના સારા ભોજન સુધી પહોંચવાનું ને બાકીના થોડાને સુખ સુધી પહોંચવાનું આનાથી પણ ઘણું વધારે અઘરું પડે છે—અને એ તો રમત પણ નથી કે ‘નથી રમતા’ કહીને ઊભા થઈ જવાય.
ગુગલ મેપ્સ પહેલાંના યુગમાં ધારેલા સરનામે પહોંચવાની પ્રક્રિયા ખરેખર અઘરી હતી અને હજુ પણ તે પૂરેપૂરી આસાન થઈ નથી. ઘણા લોકો એવા હોય છે કે તેમને એવરેસ્ટ જવાનું કહીએ તો, ત્યાં પહોંચવાનો રસ્તો શી રીતે શોધીશું, એવો જરાય વિચાર ન કરે. તેમને એવું ન થાય કે એવરેસ્ટ એટલે કંઈ સોસાયટીના નાકે પડ્યું છે? ત્યાં પહોંચાય શી રીતે? એ તો ફિલ્મ જોવા જવાનું હોય એટલી સહેલાઈથી તૈયાર થઈ જાય. બીજી બાજુ કેટલાક આત્માઓ એવા હોય, જેમને એવરેસ્ટ જવાની વાત સાંભળીને સૌથી પહેલો વિચાર એવો આવે કે ‘આપણે કેટલા વાગ્યે નીકળવું પડશે? શું છે કે અમારા ઘરની બહારથી રાત્રે નવથી સવારના સાત સુધી રિક્ષા મળતી નથી.’ ટૂંકમાં, તે જીવોની ચિંતાની શરૂઆત એવરેસ્ટની ઊંચાઈએ કેવી રીતે પહોંચીશું તેનાથી નહીં, પણ ઘરની બહારથી રેલવે કે બસ સ્ટેશને જવા રિક્ષા સુધી શી રીતે પહોંચીશું, તેનાથી શરૂ થાય. તેમને તમે વાસ્તવવાદી કહી શકો કે ચિંતાખોર. પણ મૂળે ભૂગોળ સાથેનો તેમનો સંબંધ સારો નહીં એટલી જ હકીકત.
દરેક તબક્કાના સવાલોના સંતોષકારક જવાબ મળ્યા પછી તેમને આખરી તબક્કાના સવાલો જાગેઃ ‘એવરેસ્ટ તો કેટલું મોટું છે. ત્યાં 360 ડિગ્રીમાંથી કોઈ પણ ડિગ્રીએ જઈ શકાય. તો આપણે કઈ ડિગ્રીએથી ચઢાઈ કરવાની છે, તેની શી રીતે ખબર પડે? એક વાર હિમાલયમાં પહોંચી ગયા પછી, આપણને જે દેખાય છે તે એવરેસ્ટ જ છે અને કાંચનજંઘા શીખર નથી, એની શી ખાતરી? તમને થશે કે આ ખોટી ચૂંથ કરે છે, પણ ભઈ, પૂછી લીધેલું સારું. એક વાર ભૂજ જતી વખતે મેં ટિકીટ સ્વામિનારાયણ ટ્રાવેલની લીધેલી ને બેસી ગયો સહજાનંદમાં. મને એમ કે બધું એકનું એક જ ને? એ તો ઠીક છે, બીજા મુસાફરે આવીને વેળાસર ખબર પાડી. પણ એવરેસ્ટ-કાંચનજંઘા છેવટે તો હિમાલય જ. ત્યાં એવું થાય તો ક્યાં જવું? અને મેં પૂરતો અભ્યાસ કર્યો છે. તેમાં ક્યાંય એવું જોવા મળ્યું નથી કે કાંચનજંઘા કે એવરેસ્ટ પર તેમનાં નામનાં બોર્ડ માર્યાં હોય.’
આવા સવાલો મનમાં ઉઠે તે દર્શાવે છે કે પૂછનારનો કશો વાંક નથી. બસ, તેમના મનમાં ભૂગોળનો સોફ્ટવેર બરાબર લોડ થયેલો નથી. એવા લોકોને એવરેસ્ટ-કાંચનજંઘા તો દૂર, કોઈને મળવા ઑફિસની કૅબિનમાં દાખલ થયાના અડધા કલાક પછી બહાર નીકળતી વખતે કૅબિનનું કાચનું બારણું કઈ તરફ હતું, એ પણ યાદ રહેતું નથી. તેમાં તે નિર્દોષ છે. દોષ તો ભૂગોળનો અને બરાબર લોડ નહીં થયેલા ભૂગોળના સોફ્ટવેરનો છે. એવા લોકો પાછા બીજી બાબતમાં સાવ નૉર્મલ હોય અને કેટલાક તો વળી અભ્યાસી પણ હોય. એટલે, તે જેટલું વધારે જાણે એટલા વધારે ગુંચવાય. તેમને એવું પણ થાય કે ‘એવરેસ્ટ પર પહોંચી તો ગયા, વાવટો-બાવટો ફરકાવી દીધો, પણ પછી પાછા ક્યાંથી ઉતરવાનું? અહીં તો ઑફિસમાં દાખલ થયાના કલાક પછી બહાર નીકળવાનો રસ્તો યાદ રહેતો નથી, તો એવરેસ્ટથી પાછા ઉતરવાના ઘણા રસ્તા હોય. તેમાં આપણો કયો, એ કેમ ખબર પડે?’
આવા લોકોમાંથી કેટલાક પોતાની ભૌગોલિક મર્યાદાનો સ્વીકાર કરીને પ્રામાણિકતાપૂર્વક જાહેર કરી દે છે અને ભૂગોળસજ્જ સાથી હોય તો જ અજાણી જગ્યાએ જાય છે. ખતરનાક પ્રજાતિ એ હોય છે, જેમને ભૂગોળ સાથે સુમેળ ન હોવા છતાં, પોતાને તો રસ્તામાં બરાબર ખબર પડે છે, એવો દેખાવ તે ચાલુ રાખે છે. કોઈ રસ્તે બે-ત્રણ ફાંટા આવે ત્યારે આવા લોકો ખાતરીપૂર્વક જાહેર કરે છે, ’ડાબી બાજુ.’ તેમની વાત પર વિશ્વાસ મુકવો કે નહીં, તે ચાલક વિચારી રહે એ પહેલાં તો વિધાન બદલાય છે, ’જોકે, હું એક વાર આવ્યો ત્યારે પાનનો ગલ્લો ડાબેથી બીજી બાજુના રસ્તે હતો.’ ચાલક વધુ ગુંચવાય છે, ત્યાં ત્રીજું નિવેદન આવે છે, ‘આમ તો જમણી બાજુએ વળીએ તો પણ પહોંચી જવાય.’
ચાલક વિચાર કરે છે કે આટલી ઝડપથી તો વડાપ્રધાન પણ નિવેદનો નથી બદલતા. પછી તે પરિસ્થિતિની નજાકત સમજીને, રાજકીય ચિંતન છોડીને અથડાતા-કૂટાતા, ફરી ફરીને સાચા રસ્તે પહોંચે છે. ત્યારે પેલા જાણકાર બોલી ઉઠે છે, ’મેં નહોતું કહ્યું?’ તેમની વાત ખોટી નથી હોતી. કારણ કે, તેમણે એક પછી એક બધા રસ્તા વિશે કહ્યું જ હોય છે.
આવા લોકો વાહનમાં સવાર હોય, ત્યારે વાહનચાલકના મનમાં કેટલીક વાર ખૂન કે આત્મહત્યા, એ બે જ વિકલ્પ ઉભરતા હોય છે. પણ માણસ કેટલીક બાબતોમાં ગુફાયુગમાંથી આધુનિક યુગમાં પ્રવેશ્યો છે. એટલે તે બંને વિકલ્પ ટાળીને ચૂપચાપ વાહન ચલાવ્યે રાખે છે.
No comments:
Post a Comment