ભારત આધ્યાત્મિક દેશ છે. કમ સે કમ પશ્ચિમી દેશોમાં ઘણા લોકો એવું માને છે. પશ્ચિમવાળા ટીકા ન કરે ત્યાં સુધી, તે લોકો આપણા વિશે જે કંઈ માને તે આપણને બહુ ગમતું હોય છે. કેટલાક લોકો માને છે કે ભારતમાં અધ્યાત્મ—એટલે કે તેનું બજાર—ખાડે ગયું છે. પરંતુ ખાડા અધ્યાત્મે ગયા છે કે નહીં? તે પણ ચર્ચવા જેવું છે. તેના માટે પાયાનો સવાલ એ છે કે આધ્યાત્મિક એટલે શું?
ભારતીય અધ્યાત્મના જેટલા શેડ છે, એટલા તો કોઈ રંગની કંપનીના શેડકાર્ડમાં પણ નહીં હોય. તેમાંથી કયા શેડનું અધ્યાત્મ સાચું? આ સવાલના જવાબથી અધ્યાત્મની શરૂઆત થાય છે. કારણ કે ખરો આધ્યાત્મિક જણ કહેશે, ’કયું સાચું ને કયું ખોટું, એ નક્કી કરનારો હું કોણ? જેને જે સાચું લાગે તે સાચું.’ આવા ઉચ્ચ વલણને કારણે, નામીચા બદમાશ અને ગુંડા પુરવાર થઈ ચૂકેલા કથિત ધાર્મિક-આધ્યાત્મિક નેતાઓનો પણ વિશાળ અનુયાયી વર્ગ હોય છે.
કેટલાક ઉત્સાહીઓ પોતપોતાના ધર્મ વિશે કહેતા ફરે છે, ’અમારો ધર્મ એ કંઈ નકરો ધર્મ નથી. એ તો જીવન જીવવાની રીત છે.’ મતલબ, ધર્મ અને અધ્યાત્મ જીવનની દરેક બાબતમાં લાગુ પાડી શકાય—અને જો એમ જ હોય તો પછી રસ્તા પર પડતા ખાડાની ચર્ચામાં પણ તેને કેમ ન સાંકળી શકાય? અધ્યાત્મમાં કહ્યું છે કે કોઈ પણ કર્મ થાય, એ સાથે જ તેનું કર્મફળ પેદા થાય છે. એ રીતે જોતાં, ખાડાને રસ્તાનું કર્મફળ ગણી શકાય. જેમ જન્મ એ મૃત્યુનું કારણ છે, તેમ નવા રોડ બનવા એ ખાડા પડવાનું મૂળ કારણ છે. પાકો રસ્તો જ ન હોત અને આખો રસ્તો ખાડાખૈયાવાળો હોત, તો ‘ખાડો પડ્યો’ એવું કોણ કહી શકત? એવા સંજોગોમાં રસ્તા પરનો ખાડો પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત ગણાત—અનાદિ કાળથી પડેલો અને અનંત કાળ સુધી રહેનારો. તેમાં કશો ફેરફાર કરવો—એટલે કે પાકો રસ્તો બનાવવો—એ સૃષ્ટિના ક્રમમાં, અથવા ચિંતનખોરો કહે છે તેમ કૉસ્મિક લયમાં, ભંગ પાડવા જેવું ગણાત.
સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે કંઈ ડામરના કે આરસીસીના રસ્તા હતા? કદી સાંભળ્યું કે તોફાને ચડેલાં ડાયનોસોરોએ દોઢ-બે કિલોમીટરનો પાકો રસ્તો તેમનાં શીંગડાં-ભીંગડાંથી તહસનહસ નાખ્યો? ક્યારેય એવું વાંચવામાં આવ્યું કે પૃથ્વી પર એક લઘુગ્રહ ખાબકતાં દસ કિલોમીટરના વ્યાસમાં આવેલા બધા પાકા રોડ ખાડામાં ફેરવાઈ ગયા? પૃથ્વીનું સૌથી પ્રાકૃત કહો કે પ્રાકૃતિક, તે સ્વરૂપ ખાડાવાળું છે. રસ્તા તો ‘સુધારા’નું પરિણામ છે અને રસ્તા પર પડેલા ખાડા વિશે ફરિયાદ કરવી, એ દુષ્ટ સુધારાવાળાઓનું લક્ષણ છે. આવું ભદ્રંભદ્રે પહેલાં ભલે ન કહ્યું, પણ તે અત્યારે વિદ્યમાન હોત તો જરૂર કહેત.
ખાણીપીણીથી માંડીને સૌંદર્યલક્ષી ચીજવસ્તુઓની બાબતમાં ઘણા લોકો ‘ઑર્ગેનિક’નો આગ્રહ રાખતા હોય છે, એટલે કે, જેમાં કશી અકુદરતી-રાસાયણિક પદાર્થોની ભેળસેળ ન હોય. એ દૃષ્ટિએ જોતાં, થોડું સાહસ એકઠું કરીને કહી શકાય કે ખાડા એ રસ્તાનું ઑર્ગેનિક સ્વરૂપ છે. ઑર્ગેનિક ચીજવસ્તુઓના પ્રેમીઓને આ વાત સૈદ્ધાંતિક રીતે તરત સમજાઈ જશે. જોકે, સિદ્ધાંત સમજ્યા પછી પણ, તેનો જાહેરમાં ખુલ્લા મને સ્વીકાર કરવો-રસ્તાની ‘ઑર્ગેનિક અવસ્થા’ વિશે ફરિયાદ-તકરાર ન કરવી, એ સાવ અલગ બાબત છે. તેના માટે ઉપદેશ અને આચરણ વચ્ચેની એકરૂપતા જેવા, કહેવાતી આધ્યાત્મિક પરંપરામાંથી લગભગ ગાયબ એવા ગુણની જરૂર પડે. તે ગુણની ગેરહાજરીને કારણે દેશની સરેરાશ જનતા અધ્યાત્મવાદી હોવા છતાં અને સંભવતઃ રસ્તા પરના ખાડાનો આધ્યાત્મિક, પૌરાણિક મહિમા સમજતી હોવા છતાં, તેમના વિશે કકળાટ કરી શકે છે. જેમ જેમ માણસની ભૂમિકા ઉચ્ચ થતી જાય અને તે ‘ભક્ત’, ‘પરમ ભક્ત’ જેવાં પગથિયાં ચડતો જાય, તેમ તેને રસ્તાના ખાડામાં આધ્યાત્મિક સંદેશ અને ‘બૅક ટુ નેચર—કુદરત ભણી પાછા વળો’નું આહ્વાન દેખાતું થાય છે. ત્યાર પછી તે ખાડાને તિરસ્કારથી નહીં, કુદરતની લીલા અને પૃથ્વીના આદિ સ્વરૂપ તરીકે જોવાનું શરૂ કરે છે.
કેટલાક અસંતુષ્ટો એવી ફરિયાદ કરે છે કે સરકાર રોડનું બરાબર ધ્યાન રાખતી નથી. બધા જાણે છે કે આ વાત સદંતર ખોટી છે. હકીકતમાં દર વર્ષે સરકારો એકથી વધારે વાર રસ્તા પરના ખાડાનાં સમારકામના લાખો-કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કાઢે છે અને દર વર્ષે નિયમિત રીતે ખાડા પુરાવે છે. ‘સરકાર દર વર્ષે રસ્તાનો જીર્ણોદ્ધાર કરાવે છે કે ખાડાનો?’ એવો સવાલ પણ કંઈક ભાળી ગયેલા જીવોને થઈ શકે છે.
પરંતુ સરકારની આધ્યાત્મિક વૃત્તિ સતેજ છે અને નાગરિકોની આધ્યાત્મિક વૃત્તિની ચિંતા પણ તેના હૈયે વસેલી હોય છે. એટલે ખાડા જેવી આધ્યાત્મિક ઘટનાથી નાગરિકોને વંચિત રાખવાનું પાપ તે વહોરતી નથી. તેના બદલામાં ખાડા પુરવાના અને તેમની ઉપર નવા રસ્તાનું આવરણ કરાવવાના કામમાં કરોડો રૂપિયા ખર્ચવાનું અને લોકનિંદા વેઠવાનું તેને મંજૂર છે. આ કામ કરાવતી વખતે ખર્ચાયેલા રૂપિયાના અભિમાનમાં સરકારો ખાડાની મહત્તા અવગણતી નથી અને એટલી સાવધાની રાખે છે કે બે-ચાર વરસાદી ઝાપટાંમાં ખાડાખૈયાવાળા રોડ પર બનાવેલું નવું આવરણ ઉખડી જાય અને રસ્તો ફરી તેના અસલ, ઑર્ગેનિક સ્વરૂપે આવી જાય એટલે કે તેની પર ઠેરઠેર ઠેકઠેકાણે ખાડા ખીલી ઉઠે.
Urvishbhai,
ReplyDeleteચિંતનખોરો કહે છે તેમ કૉસ્મિક લયમાં, ભંગ પાડવા જેવું ગણાત.
Master stroke.
Manhar Sutaria