મથાળું વાંચીને કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની વાત હોય એવું લાગી શકે છે. એટલે પહેલી સ્પષ્ટતા એ કે આ કોઈ પક્ષની કે ‘સાંસ્કૃતિક સંગઠન’ની જાહેરખબર નથી. ત્યાં તો થિયરીનો નહીં, પ્રૅક્ટિકલનો મહિમા હોય છે. જૂઠું બોલવા માટે તેમને તાલીમ નથી લેવી પડતી કે અભ્યાસ નથી કરવો પડતો. તેમનાં વૈવિધ્યપૂર્ણ, મૌલિક જૂઠાણાં પરથી થિયરીબાજો થિયરી બનાવીને અભ્યાસક્રમ તૈયાર કરી શકે છે. ગાંધીજી જેમ સત્યાગ્રહ થકી નવો ઇતિહાસ રચવાની અભિલાષા સેવતા હતા, તેમ વર્તમાન ભારતીય આગેવાનો અસત્યાચરણ દ્વારા નવો ઇતિહાસ સર્જી રહ્યા છે—અને તેમાં સફળતાના મામલે તેમણે ગાંધીજીને પાછળ છોડી દીધા છે.
સામાન્ય સ્થિતિનો છોકરો કે છોકરી મોટી સફળતા મેળવે, તેનાથી બીજા સેંકડો છોકરા-છોકરીઓના મનમાં પણ એવી સફળતાની ઇચ્છા જાગે છે. એટલું જ નહીં, પહોંચની બહાર લાગતી સફળતાની તેમને આવા કિસ્સા જાણ્યા પછી પહોંચમાં લાગવા માંડે છે. એવું જ રાજકારણમાં થાય તો? અત્યારે રાજકારણમાં કારકિર્દી બનાવવા માટે અઢળક નાણાં વાપરવાની, વાપરવા માટે સંઘરવાની અને સંઘરવા માટે ઉઘરાવવાની-ખંખેરવાની આવડતની જરૂર પડે છે. પરંતુ કેટલાક નેતાઓની સફળતાની કથાઓ સાંભળીને સામાન્ય સ્થિતિનાં છોકરા-છોકરીઓને ચા કે પકોડા કે કેરી વેચતાં વેચતાં ઉપર સુધી પહોંચવાનાં અરમાન જાગે તો શું? તેમની આર્થિક સ્થિતિ એવી હોય નહીં કે તે રૂપિયાનો રાજમાર્ગ બનાવીને આગળ વધી શકે. પરંતુ આસપાસ જોતાં અને થોડો વધુ અભ્યાસ કરતાં તેમને સમજાશે કે અત્યારે જૂઠું બોલવાનો જબરો મહિમા છે. જે રીતે, ઠંડા કલેજે, પેટનું પાણી પણ ન હાલે ને કપાળે કરચલી સરખી ન પડે એ રીતે, ટાંટિયા ઢીલા ન થાય કે ધ્રુજે નહીં એમ, છાતી કાઢીને, મુઠ્ઠી પછાડીને, ગળું ફાડીને જૂઠું બોલાઈ રહ્યું છે, તે જોતાં રાજકારણમાં જવા માટે જૂઠાણામાં માસ્ટરી હોવી એ તેમને અનિવાર્ય શરત પણ લાગે.
જે અભ્યાસક્રમો કર્યા પછી પણ કશો શક્કરવાર વળવાનો નથી, તેમની પ્રવેશપરીક્ષામાં પાસ થવા માટે મોંઘાદાટ ક્લાસ ચાલતા હોય તો, અબજો રૂપિયાનો મામલો જેની સાથે સંકળાયેલો છે એવા રાજકારણના ક્ષેત્રમાં જવા માટે ક્લાસ ન હોવા જોઈએ? ના, એ ક્લાસમાં નાગરિકશાસ્ત્ર કે રાજ્યશાસ્ત્ર શીખવવાની કશી જરૂર નથી. કોઈ પણ ચબરાક વિદ્યાર્થીને તે સમયનો અને શક્તિનો બગાડ લાગશે. ઉત્સુક વિદ્યાર્થીઓની અપેક્ષા એવી જ રહેવાની કે ‘દેશની ટોચની નેતાગીરી જે પ્રકારે, જે માત્રામાં અને જે કક્ષાનું જૂઠું બોલે છે, તે સ્તરે અમારે પહોંચવું છે. ત્યાર પછી બાકીનું અમે ફોડી લઈશું. ત્યાં પહોંચી ગયા પછી ડિગ્રીઓ વિશે પણ જૂઠું ક્યાં નથી બોલી શકાતું?’
જે વિદ્યાર્થીઓ આગળ જણાવ્યા પ્રમાણે જૂઠાણાંનો મહિમા સમજી-સ્વીકારી શકે, તે ઉદારમતવાદીઓ જેવા ચોખલિયા, સરકારવિરોધી, હિંદુવિરોધી, દેશવિરોધી, અર્બન નક્સલ નહીં હોવાના. કેમ કે, દુષ્ટ ઉદારમતવાદીઓ કોઈ પણ મુદ્દાને અવળી રીતે રજૂ કરવામાં માહેર હોય છે. એ ડાબેરી, નક્સલ, રાજદ્રોહના કેસને લાયક દેશવિરોધીઓ પૂછશે, ‘મંત્રી થઈને જૂઠું કેમ બોલો છો?’ આ સવાલમાંથી દેશભક્તિનો હળહળતો અભાવ છલકાય છે. કોઈ પણ રાષ્ટ્રવાદી વ્યક્તિ હશે તે એવી રીતે વિચારશે કે ‘આ નર-નારીઓ કેવાં ઉન્નત, કેવાં ઉમદા, કેવાં લાયક હશે કે તે નરાતળ જૂઠું બોલતાં હોવા છતાં તેમને મંત્રીમંડળમાં સામેલ કરવાં પડ્યાં છે. નક્કી તેમના જૂઠાણા પાછળ પણ એવું કોઈ રહસ્ય હશે, જે દેશહિતમાં જાહેર કરી શકાતું નહીં હોય.’
વર્તમાન બ્રાન્ડનો રાષ્ટ્રવાદ રગેરગમાં, ખાસ કરીને મગજમાં, ચઢી ગયો હોય એ તો વિચારશે, ‘આ કેવા મહાન આત્માઓ છે, જે રાષ્ટ્રના હિતમાં આટલું ઉઘાડેછોગ જૂઠું બોલી રહ્યાં છે. બાકી, આપણને પણ ખબર પડી જાય કે તે જૂઠાણું છે, તો શું તેમને નહીં ખબર પડતી હોય? પણ રાષ્ટ્રના હિતમાં ભવ્ય ત્યાગ કરવાની પરંપરામાં તેમણે સત્યનો ત્યાગ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.’
આમ, સફળતાના રાજમાર્ગ તરીકે અથવા રાષ્ટ્રના સર્વોચ્ચ હિત માટે જૂઠાણું અનિવાર્ય ગણાતાં, તેની પદ્ધતિસરની તાલીમ જરૂરી બની શકે. આ ક્ષેત્રનાં ટોચનાં નામો પાસે ક્લાસ ચલાવવાનો સમય હોય નહીં. તે ક્લાસ ચલાવે કે દેશ? એટલે શિક્ષણની જેમ અહીં પણ ‘જૂઠાણાં-સહાયકો’થી કામ ચલાવવું પડશે. વર્તમાન રિવાજ પ્રમાણે સૌથી પહેલાં કોર્સની સામગ્રી નહીં, પણ તેની ફી નક્કી કરવી પડે અને ક્લાસ જૂઠાણાંના હોવાથી, ફી પહેલેથી લઈ લેવી પડે. બાકી, ક્લાસમાં તેજસ્વી નીવડનારા વિદ્યાર્થીઓ પોતે આવા કોઈ ક્લાસ કર્યા છે તે માનવાનો જ ઇન્કાર કરી દે. બીજા શિક્ષણક્લાસની પરંપરામાં જૂઠાણાના ક્લાસના સંચાલકો પણ વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે જાહેર જીવનના જાણીતા નિષ્ણાતોની પ્રતિભાનો અને ખાસ તો તેમના હોદ્દાનો લાભ લઈ શકે. તે હોર્ડિંગમાં જણાવી શકે કે ‘કોવિડના બીજા વેવમાં ગુજરાતમાં ઑક્સિજનના અભાવે એક પણ મૃત્યુ થયું નથી, એવું જાહેર કરનારા મહાનુભાવ અમારા ક્લાસના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવશે અને ઓછા રસીકરણ માટે રાહુલ ગાંધી જવાબદાર છે, એવું કહેનાર અમારાં વિઝિટિંગ ફૅકલ્ટી છે.’
જૂઠાણાંના ક્લાસને સામાજિક સ્વીકૃતિ મળતાં જરાય વાર નહીં લાગે, એવું વર્તમાન પરિસ્થિતિ જોતાં કહી શકાય. જો આ દિશામાં યોગ્ય કામ થશે તો ભવિષ્યમાં મંત્રીમંડળોની આખેઆખી સમુહ તસવીરને ક્લાસના સંચાલકો ‘અમારા ક્લાસના તેજસ્વી તારલા’ તરીકે ખપમાં લઈ શકશે.
જૂઠાણાંની યુનિવર્સિટી માં કુલપતિ તરીકે તો સાહેબનોજ નંબર આવે! અને એમના માર્ગદર્શન હેઠળ ભારતની જૂઠાણાંની "હાર્વર્ડ" કહેવાય તે ચોક્કસ
ReplyDeleteઉર્વીશ ભાઈ કોઠારી, તમારો 'જૂઠાણાં બોલવાના ક્લાસ'વિષે તમે લખ્યું
ReplyDeleteતે વાત જો સર્વપણે કોઈ માની લે તો સાચી વાત પરંતુ હકીકતમાં એવું નથી. હિન્દુસ્તાન આઝાદ થયો ત્યાર પછીના થોડાએક વર્ષોમાં બધાએ જાણે લાંચરૂશ્વત અને કાળી કમાણી કરતાં રહેવું તેવી જીવન પ્રથા અપનાવી લીધી, જે હજુય ચાલુ છે. જૂઠું બોલવું અને ખોટા વચનો ચુંટણીમાં ચૂંટાવા આપવા તે 'ટ્રેડ માર્ક'બધાએ પક્ષના રાજદ્વારી નેતાઓએ અપનાવી લીધો છે. તેમાં ખૂબજ હરિફાઇ પણ છે.
Urvishbhai,
DeleteNow they can give the name Namo university ( no one can challenge), because they like their name everywhere, so this is a good idea.
Very nice
Thanks,
Manhar Sutaria