વર્તમાન મહામારીમાં સરકારની ફરજનાં મુખ્યત્વે આટલાં ક્ષેત્રો ગણાય.
૧) આગોતરું આયોજન અને તૈયારી કરવાં.
૨) આવી મહામારી સંપૂર્ણપણે ટળી ન હોય ત્યાં સુધી નિષ્ણાતોને સાથે રાખવા, તેમની સલાહ સાંભળવી અને રાજકીય અનુકૂળતા પ્રમાણે નહીં, લોકોના હિતમાં જરૂરી હોય તે બધાનો અમલ કરવો.
૩) વાઇરસ ફરી ત્રાટકે ત્યારે તેનો ફેલાવો ઘટાડવાના પ્રયાસ કરવા.
૪) મેળાવડા ટાળવા-નિયમો પાળવા-ધાર્મિક લાગણીઓ પંપાળવાની લાલચ ટાળવી-ચૂંટણીઓ પાછી ઠેલવી.
૫) ટેસ્ટિંગ માટેની શક્ય એટલી વધુ સુવિધા અને ક્ષમતા ઊભાં કરવાં.
૬) લોકોને સાચી માહિતી અને સાચું માર્ગદર્શન મળી રહે તે માટેનાં ઠેકઠેકાણે કેન્દ્રો, હેલ્પલાઇન, સોશિયલ મિડીયા કે બીજી ટૅક્નોલોજીની મદદથી સંવાદ સાધવો.
૭) સરકારે હાથ ઊંચા નથી કરી દીધા, પણ તે લોકોની સાથે છે—અને કેવળ પ્રસિદ્ધિ મેળવવા કે પોતે કેવાં મહાન પગલાં લીધાં તેના દાવા કરવા માટે નહીં, લોકોને વાસ્તવિક રીતે મદદરૂપ થવા માટે—તેનો અહેસાસ કરાવવો.
૮) બીમારોને યોગ્ય સારવાર મળી રહે તે માટેની અસરકારક વ્યવસ્થા ગોઠવવી.
૯) જરૂરી દવાઓ, ઑક્સિજન અને મૅડિકલ સાધનોની અછત ન સર્જાય અને તે દર્દીઓને મળી રહે તે જોવું. મોટાં શહેરોમાં તે લેવા માટે બહુ દૂર દૂર સુધી ન જવું પડે તેવું ગોઠવવું.
૧૦) તેનાં કાળાં બજાર ન થાય તે જોવું અને શક્ય હોય તો દર્દીને તે રાહત ભાવે આપવા પ્રયત્ન કરવો.
૧૧) આટલી મોટી આફતમાં પહોંચી વળવા માટે શક્ય એટલી સંસ્થાઓ-સંગઠનો-લોકોને જોતરવા પ્રયાસ કરવો. એ માટે પોતાનો અહંકાર બાજુ પર મુકવો અને વિચારધારાના વિરોધી હોય તેમની પણ મદદ માગવી.
૧૨) જૂઠાણાં ફેલાવવાં નહીં. ગૌરવ લેવાના અને પ્રસિદ્ધિ ખાટવાના ઉધામા થોડા સમય માટે બંધ કરવા. દરેક બાબતને વડાપ્રધાન-મુખ્ય મંત્રીના જયજયકારમાં ઝબકોળીને રજૂ કરવી નહીં.
***
આ યાદી હજુ ઘણી લંબાઈ શકે. તેમાં પેટામુદ્દા ઉમેરી શકાય. પરંતુ સરકારની કામગીરીના વ્યાપનો અંદાજ આપવા માટે આટલું પૂરતું છે.
કોઈ પણ સરકાર આટલું કરે ત્યાં સુધી એ કશી ધાડ નથી મારતી. આ બધું તેની ફરજમાં આવે છે. સરકાર પ્રત્યે ભક્તિભાવ ન હોય એવી કોઈ પણ વ્યક્તિને સમજાઈ જશે કે ઉપરની લગભગ તમામ બાબતોમાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે.
ફક્ત બે જ ઉદાહરણઃ એક મહિના પછી પણ હજુ રેમડેસિવિરનાં ઇન્જેક્શન સહેલાઈથી મળતાં થયાં નથી અને હજુ પણ ઑક્સિજનના અભાવે લોકો મૃત્યુ પામે છે.
***
સરકારી તંત્રમાં થયેલો વ્યક્તિગત સારો અનુભવ કોઈ શૅર કરે કે તે બાબતનો આનંદ કરે, તે સરકારની ભક્તિ નથી. પરંતુ એ વ્યક્તિ પોતાના અનુભવનું સામાન્યીકરણ કરીને, સરકારની એકંદર કામગીરીને બિરદાવવા બેસી જાય ત્યારે તે ભક્તિ બની જાય છે. કારણ કે, તેમાં બીજા અસંખ્ય લોકોની પીડા-વેદના-સ્વજનમૃત્યુની કારમી વાસ્તવિકતાનો ઇન્કાર કે અસ્વીકાર થાય છે.
ઉપરની યાદીમાંથી સરકાર કશુંક, થોડુંઘણું કરે કે તરત તેનાં ગીતડાં ગાવા બેસી જવું કે પછી સરકારનું ઉપરાણું તાણીને ‘ઓચિંતી આફત આવે તો સરકાર પણ બિચારી શું કરે’—એમ કહેવું, એ ભક્તિનો પોઝિટિવ ટેસ્ટ છે. સરકારની મુશ્કેલી સમજવા માટે પારાવાર ઉત્સુક અને સરકારના ટીકાકારોને ઉપદેશ આપવા તલપાપડ લોકો પોતાની જાતને 'તટસ્થ', 'પોઝિટિવ', ‘બંને બાજુનું જોનાર’ કે બીજું જે ગણતા હોય તે, પણ સાદા શબ્દોમાં તે ભક્તિમાર્ગી ગણાય. સામાન્ય રીતે આ માર્ગે કોઈ ભૂલથી ચઢતું નથી. છતાં, જેને એવું લાગતું હોય કે ભૂલથી કુંડાળામાં પગ પડી ગયો, તેમના માટે પાછા ફરવાનો સહેલો રસ્તો છેઃ સરકારની ટીકાને બદલે નાગરિકોની મુશ્કેલીઓ અંગે વધુ જીવ બાળવો-વધુ દુઃખી થવું.
જે ભક્તો કહેતા હોય કે 'અણધારી આફત આવી પડી, તેમાં સરકાર શું કરે' અને 'આવી તો કોઈને કલ્પના પણ નહીં' તેમને અહીં આપેલી લિન્ક અથવા ગુગલ પર શોધીને એ પ્રકારની બીજી લિન્ક આપવી. તેમાં ચોખ્ખું લખ્યું છે કે નવેમ્બર 2020માં સંસદીય સમિતિએ કેવી ચિંતા કરી હતી અને ઑક્સિજનના ઉત્પાદન અંગે પણ કેવી ભલામણ કરી હતી. શોધતાં આવા બીજા પણ ઘણા પુરાવા મળશે.
ઑક્સિજનના ઉત્પાદન અંગેની તૈયારીમાં સરકારી ગેરવહીવટ કેવો હતો તેનો ખ્યાલ આપતી આ લિન્ક પણ સાથે આપી શકાય.
https://www.barandbench.com/columns/10-things-to-know-about-oxygen-regulation-in-india
***
વાઇરસનો ચેપ આટલો વકર્યો તેના માટે લોકોની બેદરકારી બેશક એક મોટું પરિબળ છે. સાથોસાથ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી માંડીને નેતાઓની ફાંકાફોજદારી સુધી સરકાર પક્ષે લોકોને કયો સંદેશો આપ્યો છે? વડપ્રધાન લાખ-લાખ માણસની રેલીઓ કાઢતા હોય, રાજ્યના પક્ષપ્રમુખ માસ્ક વગર દાદા થઈને ફરતા હોય...
તેમ છતાં, બે ખોટાનો સામસામો છેદ નથી ઉડાડી શકાતો. લોકોની ભૂલ છે તે છે જ. પરંતુ તે વાઇરસનો ચેપ ફેલાવાના તબક્કા સુધી. (ઉપરની યાદીમાં તબક્કો ૩ અને ૪) એ સિવાયના બધા જ તબક્કામાં લોકો નથી આવતા. એટલે, જવાબદારીનો આળિયોગાળિયો લોકોના માથે નાખીને સરકારને બેકસૂર ઠરાવવાની અથવા સરકારનો દોષ ઓછો કરવાની ભરમાવું નહીં.
**
આ ઉપરાંત બીજા બે જવાબદારો છેઃ અફસરશાહી અને નફાખોરો-કાળાં બજારિયા-કૌભાંડીઓ-સંઘરાખોરો. બીજો વર્ગ મહદ્ અંશે સામજિક દૂષણ છે. તેમાં કોઈ સત્તાધીશની સામેલગીરી ન હોય તો તે સરકારનો દોષ નથી.
બાકી રહી અફસરશાહી. કોરોના જેવી પરિસ્થિતિમાં અફસરો શું કરી શકે? સરકારને ઢંઢોળી શકે, આગોતરું આયોજન કરી શકે, તેને અણગમતી વાસ્તવિકતા બતાવી શકે, તેનો મુકાબલો કરવાનું આયોજન રજૂ કરી શકે, તેમાં આવતી અડચણોના પોતાની આવડતથી ઉકેલ કાઢી શકે, આયોજનને અમલી બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે. આઇ.એ.એસ. થયેલા લોકોની આવડત ધ્યાનમાં રાખતાં, તેમની પાસેથી આટલી અપેક્ષા રાખવાનું જરાય વધુ પડતું નથી.
તેમણે કમ સે કમ શું ન કરવું જોઈએ? સરકારને છાવરવી ન જોઈએ, તેના વતી જૂઠું ન બોલવું જોઈએ, તેના ઇમેજ મૅનેજમૅન્ટ અને હેડલાઇન મૅનેજમૅન્ટની લોકવિરોધી કામગીરી કરવી ન જોઈએ. ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા અહીં લખવાની જરૂર નથી. એ તો કાયમી છે.
બીજા વેવના ખતરનાક સ્વરૂપના એક મહિના પછી પણ જે ભયંકર સ્થિતિ છે, તે ધ્યાનમાં રાખતાં કરવા જેવાં કામમાંથી બહુ ઓછાં થઈ શક્યાં હશે, એવું સહેજે માની શકાય. અફસરોનાં સારાં કામનો જશ સરકાર લે છે-તે પોતાની દેખરેખ-સૂચના-આગેવાની તળે થયેલાં ગણાવે છે. માટે જે કંઈ ન થયું તેની નિષ્ફળતાનો અપજશ પણ સરકારનો જ ગણાય.
મોટા ભાગના અફસરો નેતાઓની મરજીથી ઉપરવટ જઈને કંઈ કરતા નથી અથવા કરી શકતા નથી. એટલા માટે પણ અફસરશાહીના અપજશની સંપૂર્ણ જવાબદારી સરકારની ગણાય. એને બદલે સરકાર 'સિસ્ટમ' કહેતાં અફસરશાહીના માથે દોષનો ટોપલો ઢોળીને પોતે સાફ છટકી જવાની ફિરાકમાં રહે છે.
***
જાહેર-ખાનગી, સેવાભાવી-વ્યાવસાયિક, એમ હોસ્પિટલના તમામ પ્રકારના સ્ટાફથી માંડીને સ્વૈચ્છિક પ્રયત્નો દ્વારા દર્દીઓને મદદરૂપ થનારા તબીબી કર્મીઓ પોતપોતાની આવડત અને મર્યાદા પ્રમાણે કામ કરતા રહ્યા છે. બધાં માણસ સરખાં ન હોય—અને ખાસ કરીને આવા સંજોગોમાં ભલભલાની કસોટી થઈ જાય. તેમ છતાં જે કંઈ થઈ શક્યું તેમાં તબીબી સેવાકર્મીઓની કામગીરીનો મોટો ફાળો છે. આવા કપરા સંજોગોમાં કામ કરનારાં સૌ કોઈ તબીબી કર્મીઓને સલામ.
ખૂબ જ તલસ્પર્શી, સવિસ્તર, સચોટ.. અતિ સુંદર
ReplyDelete