મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (નાગપુર)- RSS તરફથી લેખિતમાં જાહેર કરવામાં આવ્યું કે સંઘના ૮૫ વર્ષના એક સ્વંયસેવકે ૪૦ વર્ષના એક દર્દીને જગ્યા મળે એ માટે પોતાનો બેડ ખાલી કરી આપ્યો. ત્રણ દિવસ પછી એ વડીલનું ઘરે અવસાન થયું.
RSS ના લેખિત દાવા પ્રમાણે, વડીલની હાલત ગંભીર હતી. તેમનાં સંતાનો રડતાં હતાં. પણ વડીલે હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે તે ૮૫ના થયા. પૂરું આયખું જીવી ચૂક્યા છે. એટલે (હોસ્પિટલમાં આવેલા) ૪૦ વર્ષના માણસને તેમનો બેડ આપી દેવામાં આવે. વગેરે.
RSS ના લેખિત દાવા પ્રમાણે, ડોક્ટરે અને વડીલના જમાઈએ તેમને સમજાવ્યા કે તેમની સારવાર હોસ્પિટલમાં થવી બહુ જરૂરી છે. પણ તે માન્યા નહીં. દીકરી આવી. તે પિતાની લાગણી સમજતી હતી. તે કબૂલ થઈ. વડીલે સંમતિપત્ર પર સહી કરી આપી, ઘરે ગયા અને ત્રણ દિવસ પછી તેમનું અવસાન થયું.
***
આ સ્ટોરી RSS દ્વારા જારી કરવામાં આવી. દેશભરમાં તે ખૂબ પ્રસાર પામી. પછી બુધવારના રોજ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના પત્રકાર વિવેક દેશપાંડેએ જાતતપાસ કરતાં આટલી વિગત જાણવા મળી.
- મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલનાં ઇન ચાર્જ ડો. શીલુ ચિમુરકરે કહ્યું કે વડીલને એપ્રિલ ૨૨ની સાંજે ૫.૫૫ વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઓક્સિજનની સુવિધા ધરાવતા કેઝ્યુઅલ્ટી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. અમે તેમનાં કુટુંબીજનોને કહ્યું હતું કે તેમની પરિસ્થિતિ કથળશે તો તેમને વધુ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલમાં ખસેડવા પડશે.
- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, સાંજે ૭.૫૫ વાગ્યે તેમનાં કુટુંબીઓ આવ્યાં અને તેમને રજા આપવાની માગણી કરી. કારણ અમે જાણતાં નથી. અમે તેમને વધુ સારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેમના જમાઈએ તબીબી સલાહથી ઉપરવટ જઈને રજા લેવા માટેના સંમતિ પત્ર પર સહી કરી. પછી અમે તેમને રજા આપી.
- ડો. ચિમુરકરે કહ્યું કે (RSS દ્વારા જેવો દાવો કરવામાં આવ્યો છે) એવી કોઈ વાત દર્દીને અમારા સ્ટાફ સાથે થઈ નથી કે તે સમયે ડ્યુટી પર રહેલો કોઈ સ્ટાફ, બીજા માણસ માટે બેડ ખાલી કરી આપવા જેવી કોઈ ઘટના બની હોય એવું જાણતો નથી.
- તે દિવસે કેટલા બેડ ખાલી હતી? એવું પૂછતાં ડોક્ટરે કહ્યું કે તે દિવસે ચાર-પાંચ બેડ ખાલી હતા.
***
'ધ ક્વિન્ટે' વડીલનાં દીકરીને ટાંકીને લખ્યું છે કે હૉસ્પિટલના કૉરિડોરમાં ઘોંઘાટ અને બેડ માટે જરૂરતમંદ લોકોને જોઈને તેમનાથી રહેવાયું નહીં. વડીલે કહ્યું કે તેમણે પૂરું જીવી લીધું છે અને તે બીજાને તક આપવા માગે છે. દીકરીએ કહ્યું કે બીજા માટે બેડ ખાલી કરી આપવાની ઇચ્છા વિશે તેમણે ફક્ત અંગત સ્વજનોને જ કહ્યું હતું.
***
'ઇન્ડિયન એક્સપ્રેસ'ની સ્ટોરી એપ્રિલ ૨૮ની છે ડેટલાઇનની છે અને ક્વિન્ટની સ્ટોરી એપ્રિલ ૩૦ની. 'ઇન્ડિયન એક્સપ્રેસ'ની સ્ટોરી આવ્યા પછી RSS તરફથી સ્થાનિક સ્તરે ડૅમેજ કન્ટ્રોલ ન થયો હોય અને વડીલનાં દીકરી સંપૂર્ણ સત્ય કહેતાં હોય એવું માની લઈએ તો, વડીલની લાગણી સમજી શકાય એવી છે અને તેમનો નિર્ણય માન પેદા કરે એવો છે.કોની જરૂર વધારે? એ સવાલ બધાં આ રીતે સમજે તો દુનિયામાંં સમસ્યા જ ન રહે. બધાં નહીં ને થોડાં સમજે તો પણ મોટું કામ થાય. માટે, દીકરીની વાત સાચી હોય તો એ વડીલને સલામ.
તેમનાં દીકરીની વાત પૂરેપૂરી સાચી માનીએ ત્યાર પછી પણ,
(૧) ૪૦ વર્ષના દર્દી માટે વડીલે બેડ ખાલી કરી આપ્યો, એવો RSS.નો દાવો ખોટો પુરવાર થાય છે.
(૨) વડીલે ડોક્ટર સાથે વાત કરીને બેડ ખાલી કરી આપ્યો, એવો RSS નો દાવો પણ ખોટો નીવડે છે.
(૩) એ દિવસે હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી ન હતો. એટલે વડીલે બેડના અભાવે પીડાતા કોઈ માણસ માટે પોતાનો બેડ ખાલી કરી આપ્યો અને પેલા માણસની જિંદગી બચાવી લીધી, એવો RSS નો દાવો પણ ખોટો પુરવાર થાય છે.
(૪) ઉપરના તમામ ખોટા પુરવાર થયેલા દાવા RSS ના છે. 'ધ ક્વિન્ટ'ના અહેવાલમાં વડીલની દીકરીનો આવો કોઈ દાવો નોંધાયો નથી.
(૫) મૃત વ્યક્તિના કિસ્સામાં મીઠુંમરચું ભભરાવીને, જૂઠાણું ઉમેરીને, તેના થકી RSS નો મહિમા કરવામાં મૃત વ્યક્તિનું અપમાન નથી? કોઈનું મૃત્યુ પોતાના લાભ માટે વટાવી ખાવાની ચેષ્ટા નથી?
***
વિચારજો. જાતે વિચારજો. જાતે વિચારવાનું શરૂ નહીં કરો, તો આનાથી પણ કપરો સમય આવશે અને ભક્તોની સરકાર દેશની ખાનાખરાબી પૂરી કરશે.
No comments:
Post a Comment