વયમાં ત્રણ-ચાર દાયકા મોટા હોય એવા મિત્રો માટે મનના છાના ખૂણે કાયમ એવો ભાવ રહેતો હોય છે કે તે આપણાથી પહેલા જવાના. આશિષ કક્કડ જેવા કોઈ લાઇન તોડીને અણધાર્યો આંચકો આપી જાય, એ જુદી વાત. એટલે જયંતભાઈ મેઘાણીની ૮૨ની ઉંમર જોતાં તેમના જવાની માનસિક તૈયારી હોવી જોઈતી હતી. પણ હકીકત એ છે કે તેમની સક્રિયતા અને પ્રસન્નતાને કારણે એવું થઈ શક્યું નહીં--અને આજે સવારે પરમ મિત્ર હેતલ દેસાઇએ સમાચાર આપ્યા કે જયંતભાઈ ગયા. મારી જેમ તેમને પણ ઉંઘતા ઝડપાયાનો આંચકો લાગ્યો હતો. દીપક (સોલિયા) થોડા દિવસથી ભાવનગર હતા. છેલ્લા બે દિવસ તેમણે અને મહેન્દ્રસિંહ પરમારે જયંતભાઈ સાથે બહુ આનંદ કર્યો અને આજે સવારે, તેમના ભત્રીજા પીનાકી મેઘાણીના જણાવ્યા પ્રમાણે, કમ્પ્યુટર સામેની ખુરશીમાં બેઠાં બેઠાં, ઢળી પડ્યા વિના, જાણે કમ્પ્યુટર પર કામ કરતાં વચ્ચે એક ઝોકું ખાતા હોય તેમ, જયંતભાઈ મળી આવ્યા. પણ ઝોકું નહીં ચિર નિદ્રા હતી. (તેમના પુત્રો નીરજભાઈ-નિહારભાઈ સાથેની વાતચીત પરથી જાણવા મળ્યું કે તે દિવસે ભાવનગરમાં સવારથી બપોર સુધી વીજકાપ હતો. એટલે જયંતભાઈ કમ્પ્યૂટર પર કશુંક કામ કરતા હોય એ સંભવિત નથી. શક્ય છે કે તે બીજા કોઈ કામ માટે તે ખુરશી પર બેઠા હોય. પરંતુ તે જરાય ઢળી પડ્યા ન હતા. તેમના બંને હાથ ખુરશીના હાથા પર હતા. ચહેરા પર પ્રસ્વેદ કે પીડાનાં કોઈ ચિહ્ન ન હતાં.)
|
જયંત મેઘાણી/Jayant Meghani (૧૦-૦૮-૧૯૩૮, ૦૪-૧૨-૨૦૨૦)
|
જયંતભાઈ જે રીતે કમ્પ્યુટર સાથે સહેલાઈથી કામ પાડતા હતા, એ જોવાની બહુ મઝા આવતી. થોડાં વર્ષ પહેલાં સુધી ભાવનગરમાં 'પ્રસાર' પર તેમને મળવા જઈએ ત્યારે એક તંતોતંત પુસ્તકપ્રેમીનો અડ્ડો કેવો હોઈ શકે તે સમજાતું. બહારનું કાઉન્ટર અને પેસેજ પાર કર્યા પછી, તેમના પુત્રો સાથે હાય-હેલો કર્યા પછી, અંદર જતાં તેમની નાનકડી ઓફિસ આવે. પાછળ નાનકડું એસી, કમ્પ્યુટર અને ચોતરફ પુસ્તકો-ચિત્રો વચ્ચે જયંતભાઈ બેઠા હોય. ત્યાં હોવાની જ મઝા આવી જાય--વાતોની અને સોબતની તો અલગ.
|
જયંત મેઘાણી, તેમની 'પ્રસાર'ની ઑફિસમાં
|
જયંતભાઈ સાથે પરિચય પ્રમાણમાં ઘણો મોડો થયો. સંજય ભાવે પાસેથી તેમના વિશે વાંચવા-સાંભળવા મળતું. પણ જયંતભાઈ રહે ભાવનગર ને મારે સૌરાષ્ટ્ર તરફ ભાગ્યે જ જવાનું થાય. એ આ તરફ કોઈ કાર્યક્રમમાં આવ્યા હોય તો તેમને જોવા-સાંભળવાનું કે અલપઝલપ મળવાનું થાય. મહેન્દ્રભાઈ (મેઘાણી) સાથેના જૂના પરિચય પછી અનૌપચારિક દોસ્તી જેવો સંબંધ નાનકભાઈ મેઘાણી સાથે થયો. વર્ષ ૨૦૦૯માં વિનોદ મેઘાણીનું અવસાન થયું ત્યારે સંજય ભાવે-સૌમ્ય જોશી અને બીજા કેટલાક પ્રેમીઓએ તેમને યાદ કરવા માટે સ્મૃતિસભા રાખી હતી. તેમાં જયંતભાઈ આવ્યા હતા.
(સ્મૃતિસભાનો અહેવાલ) |
વિનોદ મેઘાણીની સ્મૃતિસભાઃ આગળની હરોળમાં ઇલાબહેન ભટ્ટ, તેમની પાછળ થોડો ઢંકાયેલો ચહેરો નાનકભાઈ મેઘાણીનો છે. પાછળ જયંતભાઈ અને મંજરીબહેન મેઘાણી,૨૦૦૯
|
|
સૂચિ વિશેના સેમિનારમાં બોલતા જયંત મેઘાણી, ૨૦૦૯
|
આગલા દિવસે સાહિત્ય પરિષદમાં સૂચિઓ વિશેના સેમિનારમાં જયંતભાઈ હાજર રહીને બોલ્યા હતા. ભાવનગર 'ગાંધીસ્મૃતિ'માં તેમણે લાયબ્રેરિયન તરીકે જે સક્રિય રસથી સેવાઓ આપી હતી, તેના દાખલા દેવાતા હતા. પણ જયંતભાઈ પોતે જાહેરમાં બોલવાનું ઓછું પસંદ કરતા અને બને ત્યાં સુધી ટાળતા. આ વર્ષના આરંભે મહેન્દ્રભાઈ (મેઘાણી)ની દીર્ઘ મુલાકાતના પ્રાગટ્ય નિમિત્તે અમે ભાવનગર જવાના હતા. મિત્ર-પત્રકાર શૈલી ભટ્ટની એવી ઇચ્છા હતી કે મહેન્દ્રભાઈના વિડીયો ડોક્યુમેન્ટેશન માટે તેમનો ઇન્ટરવ્યૂ કરી લેવો અને તેમની સાથે વાતચીત મારે કરવી.તે સંદર્ભે જયંતભાઈ સાથે પણ વાતચીત કરવી જોઈએ, એમ મેં સૂચવ્યું અને જયંતભાઈને એ વિશે લખ્યું. ત્યારે તેમનો જવાબ હતો,
"ભાઈ, રાહ જ જોઉં છું. પણ હું જે માટે જરાય કામનો નહિ એમાં મને ક્યાં નાખો? અનુભવે કહું છું, 'ફ્લોપ શો' રહેવા દ્યો. દીપકભાઇ હોય એ પછી બીજાની શી જરૂર? તમે આવો. ફ્લેટનો ઉપયોગ થઈ જ શકે. રાતવાસાની સગવડ પણ છે. શૈલીબહેન સાથે એકવાર ફોન પર પરિચય થયો છે." (જાન્યુઆરી ૨૩,૨૦૦૦). પણ તેમને આગ્રહ કરાય એટલી નિકટતા-દોસ્તી તેમની સાથે થઈ હતી. તે નાતે તેમને કહ્યું, એટલે તેમનો ચાર શબ્દોનો વળતો મેઇલ આવ્યો, "ભલે, મારું પારખું કરો!"
પરંતુ એક વાર વાતચીત શરૂ થયા પછી કૅમેરાની સભાનતા જતી રહી અને તે એવા ખીલ્યા હતા કે એકાદ કલાકની વાત થયા પછી તેમને પણ લાગ્યું કે હજુ આગળ ચાલ્યું હોત તો વાંધો ન હતો. અમારી પાસે સમયનાં બંધનો હતાં. છતાં તે રેકોર્ડિંગ સરસ રીતે થઈ શક્યું તેનો સંતોષ થયો. એ સવારે પુસ્તકનો સીધોસાદો કાર્યક્રમ પૂરો થયા પછી જમતી વખતે મહેન્દ્રભાઈ જે રીતે જયંતભાઈને આગ્રહ કરીને પીરસાવતા હતા, તે જોઈને મઝા આવતી હતી.
|
જયંત મેઘાણી-મહેન્દ્ર મેઘાણી,જાન્યુઆરી ૨૦૨૦
|
જયંતભાઈ સાથેનો પરિચય દોસ્તી કહી શકાય એવા સંબંધમાં પરિણમ્યો તેના માટે બે મિત્રોનો ખાસ આભારઃ દીપક સોલિયા અને મહેન્દ્રસિંહ પરમાર. દીપકનાં મમ્મી-પપ્પા ભાવનગર રહે. એટલે તેમને અવારનવાર ભાવનગર જવાનું થાય. એટલે ઘણી વાર હું પણ એકાદ રાત માટે ભાવનગર ઉપડું. મહેન્દ્રસિંહ પરમાર અત્યંત પ્રેમી મિત્ર. તે, દીપક અને હું--અમે જયંતભાઈને ત્યાં મળીએ. પછી ક્યાંક બહાર ફરવા અને જમવા જઈએ. અમારી સાથે ક્યારેક સુભાષભાઈ ભટ્ટ કે વિક્રમભાઈ ભટ્ટ હોય. ક્યાંક દૂરના સ્થળે જઈએ, થોડું ચાલીએ, એક વાર કોળિયાક બીચ પર ગયા હતા. આ બધી મહેફિલોમાં અનૌપચારિક ઢબે અવનવી વાતો થતી હોય. સાથે એક પ્રખર જાણકાર વડીલ પણ છે, એવો ભાર જયંતભાઈની હાજરીથી ન લાગે. તે પણ અમારી સાથે મસ્તી-મઝા કરતા હોય, ખડખડાટ હસતા હોય.
|
(ડાબેથી) દીપક સોલિયા, જયંત મેઘાણી, મહેન્દ્રસિંહ પરમાર,ભાવનગર
|
|
મહેન્દ્રસિંહ પરમાર, સુભાષભાઈ ભટ્ટ, દીપક સોલિયા, જયંતભાઈ મેઘાણી, કોળિયાક બીચ,
|
મહેન્દ્રભાઈના 'લોકમિલાપ'ની જેમ જયંતભાઈનું 'પ્રસાર' ભાવનગરનું સંસ્કારકેન્દ્ર ગણાય એવું ઠેકાણું હતું. જયંતભાઈનો પુસ્તકરસ એવો ભારે કે ચૂંટેલાં પુસ્તક મંગાવે, વાંચનારની પસંદગી જાણીને તેને બતાવે. તેમને હળવામળવાથી રુચિ પોસાવા ઉપરાંત ઘડાય અને ખીલે પણ ખરી. અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ લાયબ્રેરી ઑફ કૉંગ્રેસના સંગ્રહ માટે ગુજરાતી પુસ્તકો પસંદ કરવાનું કામ તેમણે વચ્ચે નાનકડા બ્રેક સાથે ઘણાં વર્ષ સુધી કર્યું. 'પ્રસાર' પર તેમને અવનવા અભ્યાસીઓ-પુસ્તકપ્રેમીઓ મળવા આવે. અમે મળવા જઈએ ત્યારે તે ખાસ પ્રકારનું શરબત પોતે ટ્રેમાં લઈને આવે. અમને સંકોચ થાય, પણ તે તેમના પરિચિત હાસ્ય સાથે 'એમાં કશો વાંધો નહીં'ની મુદ્રામાં હોય. 'પ્રસાર' તેની મૂળ જગ્યાએથી સંકેલવાનું થયું, તેના છેલ્લા દિવસોમાં પણ અમે ભાવનગર ગયા હતા. એ વખતની આ યાદગીરી.
|
'પ્રસાર'ની છેલ્લી યાદગીરીઃ (ડાબેથી) મહેન્દ્રસિંહ પરમાર, ઉર્વીશ કોઠારી, વિક્રમભાઈ ભટ્ટ, જયંતભાઈ મેઘાણી, દીપક સોલિયા
|
'સાર્થક જલસો' શરૂ થયા પછી તેની પર જયંતભાઈ અત્યંત પ્રસન્ન રહેતા હતા. 'પ્રસાર'ના નોટિસ બોર્ડ પર 'સાર્થક જલસો' માટે 'જેનું એકેએક પાનું વાંચવું પડે એવું સામયિક' એવી નોંધ મુકતા. અમે તેમને 'જલસો'માં લખવા માટે આગ્રહ કરતા હતા, પણ તે 'જલસોના બરનું કંઈક સૂઝશે તો કહીશ' એવું કહેતા. ખાણીપીણી, તેનાં પુસ્તકો અને ફરવાનાં અવનવાં-અજાણ્યાં સ્થળોમાં તેમને પ્રચંડ રસ પડતો હતો. એ વિષયો વિશે વાત કરતી વખતે તેમના ચહેરા પર જુદી ચમક દેખાતી. તેમની વાતમાંથી અમે એવા એકાદ-બે વિષયો પણ સૂચવી જોયા. છેવટે 'લા મિઝરાબ્લ'ની પ્રકાશનકથા તેમણે 'જલસો' માટે લખી.
ગયા વર્ષે અમારા બંનેના નિકટના મિત્ર હસિત મહેતા પાસેથી જાણવા મળ્યું કે જયંતભાઈ પાસે વિશ્વવિખ્યાત હાસ્યનવલ 'ડોન ક્વિકઝોટ'ની જૂની આવૃત્તિ વિશેની કંઈક સરસ વાત છે. મેં તેમને મેઇલ લખ્યો. તેનો જયંતભાઈએ આપેલો જવાબ તેમની ભાષાની પ્રાસાદિકતા, લખાણના પ્રવાહ અને તેમાં રહેલા ભાવ-ઉમળકાના નમૂના લેખે અહીં આખો મુકું છું.
પ્રિય ઉર્વીશભાઇ,
આપણને રોમાંચ થાય એવી ઘટનામાળા હમણા ચાલી રહી છે! રૂબરૂ કહેવા રાખી હતી.
દ્રેગોમીર દીમીત્રોવ (સ્લોવાક નામ) નામે જર્મન અભ્યાસી 1888 આસપાસ મુંબઈથી પ્રકાશિત 'ડોન ક્વીઝોટ' નામે ગુજરાતી અનુવાદની શોધમાં છે તેની જાણ સાવ અકસ્માત્ થઈ. જહાંંગીર કરાણી નામે મુદ્ર્ક-વિક્રેતા-પ્રકાશકે બહાર પાડેલું 753 પાનાંંનું થોથું એમના પરમ રસનો વિષય બની ગયું હતું. એમને આ ગ્રંથ ક્યાંયથી નહોતો મળતો. પશ્ચિમની લાઇબ્રેરીઓના કૅટલોગ ફેંદી વળ્યા, મુંબઇમાં જ્યાં હોવાની સંભાવના હોય એ બધી જગ્યાઓ તપાસી વળેલા. અને, બન્યું એવું કે મારે એમને લખવાનું આવ્યું કે 'આ પુસ્તક તો મારી પાસે છે'! અને એ ભાઇના રોમાંચનો પાર નહીં. કહે, કદાચ દુનિયામાં જળવાયેલી એક જ નકલ તમારી પાસે છે! મેં થોડાં જૂનાં પુસ્તકો સસ્તામાં મળે ત્યારે વસાવેલાં એમાં આ હતું. અનુવાદક્નું નામ નહીં, પ્રકાશન-સાલ નહીં. પણ સુંદર છાપકામ, 128 તો રેખાંકનો. જર્મનીની માર્બુર્ગ યુનિવર્સિટીમાં ઇંડોલૉજી અને તિબેટોલોજીના પ્રોફેસર આ મિત્ર ગુજરાતી સુધ્ધાં ભારતીય ભાષાઓ જાણે છે, નેપાલના પણ નિષ્ણાત, નેપાલીય જાણે! જુઓ તો ખરા, મારા વાલીડાને આ ગુજરાતી થોથું યથાવત્ પણ નવેસર કમ્પોઝ કરાવીને બહાર પાડવું છે! કહે, 'પણ આબેહૂબ એવું જ કમ્પોઝ કોણ કરી આપે?' મેં કહ્યું, કેમ ન કરી આપે, જાણણહાર અહીં જ બેઠો છે! ને અમારા પત્રવ્યવહારમાં અપૂર્વભાઇ પણ જોડાયા; એ એના જોડીદાર હોય તેમ એમણે તો રાતોરાત એક પાનું આબેહૂબ એવું જ તૈયાર કરીને મોકલ્યું! પેલો ભાઇ તો રાજીનો રેડ! ન માની શકાય એવા ચમત્કાર થવા લાગેલા જાણે. આ પુસ્તક વિશે દીપક મહેતાએ લખેલા બે લેખ મેં એને મોકલ્યા, એમ કહીને કે કોઇ ગુજરાતી જાણનાર હોય તો તમને તરજુમો કરી દેશે, નહીં તો મને કહેજો, સાર લખી મોકલીશ. અરે, હોય, ગુજરાતી એવું જાણે કે લેખના સૂક્ષ્મ મુદ્દાઓ પકડીને ચર્ચા કરે, પ્રતિવાદ પણ કરે. અને અમારી વિમર્શ-મંડળીમાંં દીપકભાઇ પણ જોડાયા. ટાંકણે ભારત આવ્યા છે, આ બે દિવસ મંંબઈ છે. મિત્રભાવે ભીનો યુવાન લાગે છે. અમદાવાદની મુલાકાત સમયને અભાવે ફરી આવે ત્યાર પર રાખી છે. આ બાજુ અપૂર્વભાઇએ 753 પાનાંં 'સ્કૅન' કરવા માટે મોંઘું 'પોર્ટેબલ' સ્કૅનર વસાવી લીધું! એ ગ્રંથમણિ અત્યારે નવજીવનમાં છે.
સમજે એવા મિત્રોને આ ઘટનાની વાત હોંશે કરું. 'જલસો'ના બરની વાત જરૂર થઇ શકે. વધુ તમે આવો ત્યારે. (ફેબ્રુઆરી ૨૬,૨૦૧૯)
જયંતભાઈની ભાષાની માફક તેમની સૌંદર્યદૃષ્ટિ પણ અત્યંત ઉમદા અને ભારે કળાત્મક હતી. તેમના નવા ફ્લેટમાં જ્યારે જવાનું થાય ત્યારે હું હંમેશાં કહેતો કે 'કોઈ પુસ્તકોની આર્ટ ગૅલેરીમાં આવી ગયા હોઈએ એવું લાગે છે.' કળાકૃતિઓ ઉપરાંત કેટલાંક મોટાં કદનાં કે નાનાં પુસ્તકોને પણ તે કળાકૃતિની જેમ રાખતા હતા. તેમની એ જ દૃષ્ટિ તેમના ગયા વર્ષે પ્રગટ થયેલા ચાર અનુવાદોના લે-આઉટ-ડીઝાઇનમાં પણ જોવા મળી હતી. 'ગુર્જર' દ્વારા પ્રકાશિત એ તમામ પુસ્તકો રવીન્દ્રનાથની કૃતિઓના અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ હતાઃ રવીન્દ્ર પત્ર-મધુ (રવીન્દ્રનાથના પત્રો), તણખલાં (રવીન્દ્રનાથની કબિતિકાઓ), સપ્તપર્ણી ('તણખલાં'નો બંધુ-સંગ્રહ, રવીન્દ્રનાથની કબિતિકાઓ), રવીન્દ્રસાન્નિધ્યે અને અનુકૃતિ (રવીન્દ્રનાથનાં ૫૧ કાવ્યો). એ પુસ્તકોની ટાઇપોગ્રાફી, તેનો લે-આઉટ, સ્પેસિંગ, વચ્ચે વચ્ચે ચિત્રોનો વિવેકપૂર્વકનો ઉપયોગ..આ બધું જોઈને મેં ફેસબુક પર પરમ મિત્ર અને ઉત્તમ કળાકાર અપૂર્વ આશરને અભિનંદન આપ્યાં. ત્યારે તેમણે કહ્યું કે આ બધો જશ જયંતભાઈનો છે. મોટાં પુસ્તકો ઉપરાંત ચુનંદા અવતરણોની પુસ્તિકા 'વિચારોની વસંત'ની કળાત્મકતા પણ એવી કે પુસ્તક પડ્યું હોય તો તરત ઉપાડીને પાનાં ફેરવવાનું મન થાય. પુસ્તકો ઉપરાંત પ્રસારનાં બુકમાર્ક કે મહાન ચિત્રકારોનાં પુસ્તક-વિષયક ચિત્રોનાં પોસ્ટકાર્ડ કે પછી સરનામું કરવા માટેની પટ્ટી--એ દરેકમાં જયંતભાઈની કળાસૂઝ જણાયા વિના ન રહે.
|
ગાંધીવિદ્વાન દક્ષાબહેન પટ્ટણીનાં પુસ્તકોના નવેસરથી થતા પ્રાગટ્યની આગળ ભૂમિકા જેવું કંઈક લખી આપવાનો જયંતભાઈનો ભારે આગ્રહ હતો. દક્ષાબહેનની સરખામણીમાં મારો ગાંધીજી વિશેનો અભ્યાસ ઘણો ઓછો. એટલે અત્યંત આનાકાની પછી, તેમના આગ્રહને વશ થઈને છેવટે ગાંધીપ્રેમી-વિદ્યાર્થીની ભૂમિકાએ લખી આપવાનું સ્વીકાર્યું. એ માટે તેમણે આશ્રમના સરનામે મોકલેલાં દક્ષાબહેનનાં પુસ્તકોની ઉપર સરનામાનું કાર્ડ પણ સાચવી રાખવું ગમે એવું હતું.
|
શબ્દ અને કળા જેટલો જ અનુરાગ તેમને ભોજન પ્રત્યે હતો. તે ઘણા પ્રયોગશીલ હતા. એક વાર તેમની મુલાકાત દરમિયાન તેમણે ઘરે બનાવેલું પીનટ બટર ઘરે લઈ જવા માટે પૅક કરીને આપ્યું હતું. નવા ફ્લેટ પર તે ચા બનાવતા હતા ત્યારે તેમનો ફોટો મેં મારી 'ટી સિરીઝ' (વિશિષ્ટ વ્યક્તિઓ ચા બનાવતી હોય એવી તસવીરોની શ્રેણી) માટે પાડી લીધો હતો.
|
જયંતભાઈના ફ્લેટમાં પિતા-માતા ઝવેરચંદ અને ચિત્રાદેવીની આ તસવીર રહેતી હતી
|
ગયા વર્ષે ગાંધીજયંતિ નિમિત્તે હસિત મહેતાએ મહેન્દ્રભાઈ-જયંતભાઈને અમદાવાદથી નડિયાદ બોલાવ્યા. પહેલાં મહિલા આર્ટ્સ કોલેજ અને સાંજે તેમના ઘરે મિત્રોની મહેફિલ રાખી. તેમાં નેવું વટાવી ગયેલા બે જણ હતાઃ મહેન્દ્ર મેઘાણી અને કુલીનચંદ્ર યાજ્ઞિક. સાથે જયંતભાઈ પણ હતા. અલકમલકની વાતો થઈ અને આખો દિવસ યાદગાર બની ગયો. તેની કેટલીક સ્મૃતિઓ
|
વ્હીલચેરમાં મહેન્દ્ર મેઘાણીને લઇને ચાલતા જયંત મેઘાણી, સાથે હસિત મહેતા, નડિયાદ, ૨૦૧૯
|
|
નડિયાદની મહિલા આર્ટ્સ કોલેજ અને પત્રકારત્વની કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરતા જયંતભાઈ, પાછળ મહેન્દ્ર મેઘાણી, હસિત મહેતા, નડિયાદ, ૨૦૧૦
|
|
હસિત મહેતાના ઘરે મહેન્દ્ર મેઘાણી, જયંત મેઘાણી, નડિયાદ ,૨૦૧૯
|
|
હસિત મહેતાના ઘરે મહેન્દ્ર મેઘાણી, કુલીનચંદ્ર યાજ્ઞિક, જયંત મેઘાણી, નડિયાદ ,૨૦૧૯ |
|
હસિત મહેતાના ઘરેથી બહાર નીકળતી વખતે નીચા નમીને મહેન્દ્રભાઈના પગમાં બુટ પહેરાવતા જયંતભાઈની વિશિષ્ટ તસવીર, આગળ લિમિષા હસિત મહેતા
|
માર્ચ, ૨૦૨૦માં કોરોના ત્રાટક્યો ન હતો, ત્યારે તેમની પાસે લેખની ઉઘરાણી કરી. એટલે તેમનો જવાબઃ "ઊંંઘતા ઝડપાવું એટલે શું એ સમજાયું! 'હા, હા, લખીશ' એમ તે દિવસે કહી તો દીધેલું, પણ તમારી ઉઘરાણી આવીને ઊભી રહી ત્યારે ખ્યાલ આવ્યો કે કાળ મારો સગો થતો નથી કે થોભે! હવે, એમ કરો, મુદત વધારી આપો : 3/5 એપ્રિલ? હવે કમર કસુંં કારણ કે તમને ખબર નથી, લખવું એ મારા જેવા માટે કેવુ કઠિન.
મળવાનું ને? તમે કહો ત્યાં ને ત્યારે." (માર્ચ ૧૨, ૨૦૨૦)
છેલ્લે નવેમ્બરમાં આશિષ કક્કડે અણધારી આંચકાજનક વિદાય લીધી, ત્યારે જયંતભાઈનો એક અત્યંત ભાવસભર મેઇલ આવ્યો હતો. તે પણ એક વાર કક્કડના ઘરે થતી અમારી લંચકમિટીની મહેફિલમાં સામેલ થયા હતા. એ યાદ કરીને તેમણે જે લખ્યું હતું, તે જયંતભાઈની સંવેદનશીલતા, રસોઈપ્રેમ અને અભિવ્યક્તિને અંજલિ તરીકે અહીં મુકું છું.
"દસેક વાગ્યે તો સામાન્ય રીતે ઢાળિયો થઇ જાય મારો, પણ કોણ જાણે અધરાતે આશિષ કક્કડ સાથે તમે મુલાકાત કરાવવા રોક્યો અને અત્યારે દોઢ થયો છે, ને તમારા અને આરતીનાં લખાણ વાંચ્યા પછી અજંપ મન તમારી પાસે ઠાલવું એવી ઈચ્છાથી પથારી છોડીને કમ્પ્યૂટર પાસે આવ્યો છું. બાર પછી પ્રદીપ્ત થતી ક્ષુધાનો અનુભવ કરું તો છું, પણ થયું કેફ છે ત્યાં જ આ અક્ષરો પાડી લઉં.
શું કહું? જેની વિદાયની ગ્લાનિ મન પર સવાર છે એ ભુલવાડી દેતી વાતો તમે કરી -- એવી શૈલીમાં કરી -- તો પણ હું ઈચ્છિત પણ ચૂકી જવાયેલા અતીતના ઝુરાપામાં સરી પડ્યો. જેની અતિ ઝંખના હોય તેનાથી વંચિત રહ્યાની તીવ્ર લાગણી થઇ એમ કહું તો એને અતિરેક ન ગણી લેતા. એકવાર તમારી સોબતમાં એમને ઘેર હતો તો પણ પરિચય વધે તેના પ્રયાસ મે કેમ ન કર્યા તેનો ઘેરો અફસોસ છે. એમણે પ્રબોધ્યું છે એવું સજ્જ રસોડું મેં સ્વપ્ન થકી સાકાર કર્યું છે, અને મને થાય છે કે 'ઓહો, એમના જેવા પેશનેટ રસોઈપ્રેમી કેમ ન થવાયું!' તમને પણ રસ પડે એવા એક અમેરિકન રસોઈવીર વિષે એમને વાત કરત તો પણ એક સેતુ રચાઈ જાત! ખેર, આશિષભાઈ જેવા એક અસાધારણ મિત્ર વિષે તમે કહેલી અને આરતીબહેને ક્થેલી વાતો વાંચીને થોડો દિલાસો મેળવું છું. લાગે છે કે એમને વિષે તમે અને આરતીએ આલેખેલી વાતો પણ એક લહાવો છે.
ગુડ નાઈટ!" (નવેમ્બર ૬, ૨૦૨૦)
પરંતુ જેમની સાથે જિંદગીનો આનંદસભર સમય વીતાવ્યો અને જેમણે પૂરું જીવન જીવીને, શાંતિપૂર્વક, આપણને ન ગમે, પણ તેમના માટે ઉત્તમ કહેવાય એવી રીતે વિદાય લીધી, તે વડીલ મિત્ર જયંતભાઈને વિદાય મારે ગમગીન થઈને નથી આપવી. એટલે આ પોસ્ટના છેલ્લા સ્મરણ તરીકે તો આ તસવીર જ રાખવી છે.
|
અમારા સંયુક્ત પરમ મિત્ર અપૂર્વ આશરની પહેલ 'ઇ-શબ્દ'ના આરંભ સમારંભ પછીઃ ઉર્વીશ કોઠારી, જયંત મેઘાણી, પ્રકાશ ન.શાહ, મનુભાઈ શાહ (ગુર્જર), પાછળ શિલ્પા દેસાઈ
|
દીવાળીમાં દીપકભાઈ સાથે વાત થઈ ત્યારે સહજ જ કોરોના ઉપરાંત વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોની વિદાય વિશે થઈ. નગીનદાસ સંઘવી અને આશિષ કક્કડ સાથેનાં સંબંધો યાદો વિશે દીપકભાઈએ વિશેષ કહી શકાય એવું શેરિંગ કર્યું. અને છેલ્લે ઉમેર્યું કે દર વરસે મહાનુભાવો વિદાય લેતાં જ હોય છે પણ આ વરસે આપણે ઘરમાં બેઠાં છીએ, જોવા, વાંચવા, વિચારવાનો સારો એવો વખત પણ મળે છે એટલે વિદાય વધુ વસમી લાગે છે એવું ય બનવાજોગ છે.
ReplyDeleteવિનોદ મેઘાણી વિશે થોડું મેં હિમાંશી શેલતની આત્મકથા મુક્તિવૃતાંતમાં વાંચ્યું હતું.
મહેન્દ્રદાદાની દીર્ઘ મુલાકાતો યુટ્યુબ પર જોઈ અને અડધી સદીની વાચનયાત્રા જેવું કશુંક વાંચ્યું એટલે તેમના વિશે પણ થોડું જાણતો.
આ ત્રીજા બંધુ અને એમના કાર્યો વિશે કશી જ માહિતી નહોતી. જલસોમાં લેખ વાંચ્યો હતો એટલું જ.
તમારી આ પોસ્ટ એમના વિશે થોડું કહી ગઈ.
તમને લખેલ પત્ર કે ફોન પર થયેલ વાત જે શબ્દશઃ તમે લખી છે એ સ્પર્શી ગઈ. ઉમળકો, ભાવ, લાગણી શબ્દેશબ્દમાંથી ટપકે છે.
એમના વિશે નહીંવત જાણવા છતાં આ પોસ્ટ વાંચી ગમગીનીની ટીસ ઊઠી છે.
જલસો-14 હજુ ગઈકાલે જ પૂરો વંચાયો. એમાં પણ ચંદુભાઈની તબિયત વિશે વાંચી ચિંતા થઈ. લેખ સમાપનનાં ત્રણ વાક્યો વતકલીફદાયક હતા. એમના સ્વાસ્થ્યલાભ માટે મનોમન દુઆ કરી છે.
'જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ' ભલે કહેવાતું હોય પણ આવી જીવનથી ભરીભરી, સમાજને કશુંક આપનારી વ્યક્તિ વિદાય લે ત્યારે એ સમજ કામ આવતી નથી.
જયંતભાઈની ચેતનાને નમન.
પોસ્ટ વાંચ્યા બાદ Don Quixote સર્ચ કરી જાણ્યું કે એ શું છે.
આ લખવા અને યાદગાર ફોટા માટે ખૂબ ખૂબ આભાર.
ReplyDeleteVery touching article and memoir Urvishbhai.I listen sagar meghani on our local radio station( he is Washigton correspondent of AP) is he related to mahendrabhai/jayantbhai or their other brothers?
ReplyDeleteઆવા લોકોના સમયમાં જન્મવાનું, એમને હરતા-ફરતા-કામ કરતા જોવાનું અને ક્યારેક એમની સાથે વાત કરવાની તક સાંપડવાનું સદભાગ્ય માણવું રહ્યું. 'સમકાલીન' હોવાનો અત્યંત આનંદ.
ReplyDeleteતમે કેવી રીતે આટલું બધું ને તેય આટલું સારું લખી શકો છો એનું મને પારાવાર આશ્ચર્ય થાય. જયન્તભાઈનો બહુ સુંદર સ્મરણરેખ. તમારી આર્કાઇવલ સેન્સ પણ અફલાતૂન...
ReplyDeleteખુબ સરસ, ઉર્વીશભાઈ. જયંતભાઈ ની યાદાંજલી વાંચી, તેમના વિશે વધુ જાણવું ગમ્યું. દિપકભાઈ પાસેથી તેઓની છેલ્લી મુલાકાત ની વાતો સાંભળેલી. સાચે જ આવી વ્યક્તિઓ કોઈ પણ ઘોંઘાટ વગર સમાજ માટે ઘણું કરી જતી હોય છે, તેની નોંધ "સાર્થક" મિત્રો લે છે અને અમારા સુધી પહોંચાડે છે, તેનો આનંદ છે. તમારું લખાણ અને ફોટોગ્રાફ્સ ખુબ ગમ્યા.
ReplyDelete