ગપ્પાં શબ્દ વાંચતાં વેંત તમારા મનમાં કોઈ વ્યક્તિવિશેષ કે લેખકવિશેષનાં નામ આવ્યા હોય, તો આગોતરી સ્પષ્ટતાઃ આ લેખ ગપ્પીઓ વિશે નહીં, ગપ્પાં વિશે છે. શાસ્ત્રોના નામે ચાલતાં ગપ્પાંનો ઘણાને અનુભવ હશે, પણ આ લેખ ગપ્પાના શાસ્ત્ર વિશેનો છે. ઘણા લોકો હળવી-અકારણ-સટરપટર વાતચીત માટે પણ ‘ગપ્પાંગોષ્ઠિ કરવી’ અથવા ‘ગપ્પાં મારવાં’ એવો પ્રયોગ કરે છે. વર્ષો પહેલાં એક વડીલ જ્યારે ઘરે આવે ત્યારે કહેતા, ‘ચાલ ને દોસ્ત, થોડાં ગપ્પાં મારીએ.’ અહીં એવાં ગપ્પાંની પણ વાત નથી. કેમ કે, તેમનો સંબંધ ગપશપ સાથે છે. (ગપશપનો ‘ગોસિપ’ સાથે હોય, તો એ વળી જુદી વાત થઈ.)
ચિંતનની જેમ ગપ્પાં હાંકવા માટે પણ કોઈ વિશેષ લાયકાતની જરૂર હોતી નથી. ચિંતનમાં તો જાતે ને જાતે કહેવું પણ પડે કે ‘હું ચિંતક છું’ અથવા બીજા પાસે એવું કહેવડાવવું પડે અથવા ગાલમાં આંગળીઓ ખોસીને ફોટા પડાવવા પડે. પરંતુ ગપ્પાં મારનારને એવી તસ્દી લેવી પડતી નથી. તેના જાહેર કર્યા વિના કે બીજા કોઈને પ્રેરિત કર્યા વિના કે ચોક્કસ મુદ્રામાં તસવીરો પડાવ્યા વિના જ, ઘણા બધાને ખબર પડી જાય છે કે આ ભાઈ (યા બહેન) ગપ્પી છે અને ગપ્પાં મારે છે.
ચૂલામાં જેમ ધુમાડાવાળા અને નિર્ધૂમ એમ બે પ્રકાર હોય છે, તેમ ગપ્પાંમાં પણ નિર્દોષ અને સદોષ એવા જાડા પ્રકાર પાડી શકાય. અલબત્ત, ગપ્પાંનો વ્યાપવિસ્તાર એટલો બહોળો છે કે તેના ભાગ બીજી ઘણી રીતે પણ પાડી શકાય. જેમ કે, અહેતુક અને સહેતુક, રાજકીય અને બિનરાજકીય, સામાજિક અને અસામાજિક, મનોરંજક અને મનોભંજક (દિલ તોડી નાખે એવાં)... ઘણા લોકો ગપ્પાંને જૂઠાણાની સમકક્ષ અને ગપ્પાં હાંકવાની પ્રવૃત્તિને નિંદનીય ગણે છે. એવા ચોખલીયા લોકો ગપ્પાં મારનારામાં રહેલા સર્જકતા, મૌલિકતા, કલ્પનાશીલતા, હિંમત, સાહસ જેવા ગુણોની કદર કરી શકતા નથી. હકીકતમાં ગપ્પાંને સાચજૂઠના ત્રાજવે તોળવાં તે દૂધને ફૂટપટ્ટીથી માપવા જેવું ગણાય.
એ ખરું કે મોટા ભાગનાં ગપ્પાં સ્પષ્ટ ઓળખ સાથે—એટલે કે ગપ્પાં તરીકે રજૂ થતાં નથી. તેને બદલે તે દાવા, વાયદા, ભ્રમ, શાસ્ત્ર, ધર્મ જેવા વિવિધ સ્વાંગ સજીને આવે છે. એટલે, તેમનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ થતું નથી. પરિણામે, લોકો તેમાં વ્યક્ત થતા વિવિધ ગુણોની કદર કરે તો પણ, જેવી તેમને ખબર પડે કે એ ગપ્પું છે, એ સાથે જ તેમનો એ વાત ભણી જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. એ વાત પ્રત્યેનો તેમનો વ્યવહાર બદલાઈ જાય છે. ગપ્પું ગંભીરતાથી માની લીધા બદલ તેમને શરમ લાગે છે કે છેતરાયાની લાગણી થાય છે. ત્યાર પછી ગપ્પામાં રહેલા અને આગળ વર્ણવેલા વિવિધ ગુણો પ્રમાણવા જેટલો સમભાવ કે એટલી સ્વસ્થતા તેમનામાં રહેતાં નથી.
આ તો જૂની વાત. પરંતુ બ્રહ્મની જેમ ગપ્પાં અનાદિ અને અનંત છે. એટલે જીવન સુખેથી જીવવા માટે ગપ્પાં સાથે પનારો પાડવાનું જરૂરી છે અને માણસોએ ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે તે શીખી લીધું છે. ત્યાર પછી જે સમાજ અસ્તિત્વમાં આવ્યો છે તેને અભ્યાસીઓ ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ કહે છે. તેમાં ગપ્પું ગંભીરતાથી માની લીધા પછી વ્યક્તિ કોઈ કાળે એ સ્વીકારવા તૈયાર હોતી નથી કે તેણે જે માની લીધું તે ગપ્પું હતું. સવાલ ગપ્પાની સચ્ચાઈનો નહીં, પોતાની સમજણનો આવે છે: ‘શું હું તમને એવો/એવી લાગું છું કે મને ગપ્પા ને સચ્ચાઈ વચ્ચેનો ભેદ પણ ખબર ન પડે?’ માટે, તેમણે માની લીધેલી વાત ગપ્પું જાહેર થાય, ત્યારે તેમને નથી શરમ આવતી કે નથી છેતરાયાની લાગણી થતી, પણ ગપ્પાને વધારે જોરથી વળગી રહેવાનું-તેના બચાવમાં ઝંપલાવવાનું ઝનૂન ચડે છે. કેમ કે, પછી એ ગપ્પું તેમની સમજનું પ્રતિક બની જાય છે અને તેનો કોઈ પણ ભોગે બચાવ કરવો, એ સ્વમાનનો મામલો બને છે.
ગપ્પાંનું સમાજશાસ્ત્ર આટલી હદે વિકસ્યા અને વકર્યા છતાં ગપ્પાંને તે માટે મળવો જોઈએ એટલો જશ મળતો નથી. ગપ્પાંની જેમ ગુંડાઓનો પણ એક સમયે રાજકારણમાં વ્યાપક ઉપયોગ થતો. ઘણા નેતાઓ છોછ વગર સ્થાનિક કે આયાતી ગુંડાઓની સેવાઓ લેતા અને સજ્જનની જેમ તેનો બદલો પણ પ્રસંગે વાળી આપતા. છતાં, જેમ ગપ્પાંને તેમ ગુંડાઓને જાહેરમાં કદી જશ મળતો નહીં. એ પરિસ્થિતિ વર્ષો સુધી જોયા પછી ગુંડાઓને થયું હશે આપણા જોરે લોકોને નેતા બનાવવાને બદલે આપણે જ નેતા બની જઈએ તો કેવું? ત્યાર પછી વિધાનગૃહોમાં ગુંડાઓનું ને ગંભીર આરોપીઓનું આગમન થયું અને લોકશાહીમાં તેમનું ખૂટતું પ્રતિનિધિત્વ ઉમેરાતાં તે વધારે વૈવિધ્યસભર બની. એવું જ કંઈક ગપ્પાંની બાબતમાં પણ થયું લાગે છે.
ઘણા વખતથી ગપ્પાંનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે. હવે તે ગપ્પાં તરીકે નહીં, પણ ધર્મભાવના, રાષ્ટ્રવાદ, દેશપ્રેમ જેવાં અનેક સ્વરૂપે જાહેર જીવનમાં માનવંતું સ્થાન ધરાવે છે. જેમ ચૂંટાયેલા ગુંડાને ગુંડો કહી શકાતું નથી-માનનીય કહેવું પડે છે, તેમ વિવિધ સ્વાંગમાં, વિવિધ મુખેથી આવતાં ને વહેતાં ગપ્પાંને પણ ગપ્પાં કહી શકાતાં નથી. નહીંતર લાગણીઓ દુભાવાથી માંડીને કાળા કાયદાની કલમો લાગવાની સંભાવના રહે છે. પલટાયેલા યુગનો નવો યુગધર્મ વ્યક્ત કરતું સૂત્ર છેઃ ‘ગર્વ સે કહો હમ ગપ્પી હૈં’.
આટલો કટાક્ષસભર લેખ લખ્યા બદલ આપને ગુંજંરાંતં સાંહિંત્યં અંસ્મિતાં રૂ. પંદર લાખનો જુમલો અર્પણ કરે છે.
ReplyDeleteગપ્પાને અભણ કે ભણેલા, જાગ્રત કે બેહોશ, ગરીબ કે અમીર કે પછી બાળક કે વૃદ્ધ બધા જ એકસરખા ભાવ, પ્રભાવ કે અભાવથી ચલણમાં વહાવી શકે છે. એ ખરેખર જ બિનસાંપ્રદાયિક તત્વ તરીકે પોતાની ઓળખ ઉભી કરી શકે છે. ખરુંને?
ReplyDeleteઉર્વીશ ભાઈ કોઠારી, ગપ્પાં વિશેનો તર્કબધ્ધ વ્યંગ નિબંધ વાંચવાનું ગમ્યું. ગપ મારવી,ખણખોદ કરવી અને ચોવટાઈ કરવી એ એક બહુ જૂની પુરાણી આદત છે આજના જમાનામાં તેનું સ્વરૂપ હવે બદલાઈને 'સોશિયલ મીડિયા'માં ફેરવાઇ ગયું છે!
ReplyDeleteજેને 'fake news ' પણ કહી શકીએ. આજકાલ 'સોશિયલ મીડિયા' પર દરેક વિષય પર આવા ગપગોળા ચાલયાજ રાખે છે.
my nephew, 8 years old, is famous for "Gappa", but now he feels inferiority complex as super "Gappidas" has grab his place,
ReplyDeleteThanks Urvishbhai, very nice article.
Manhar Sutaria