(ડિજિટલ સાપ્તાહિક 'નિરીક્ષક')
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નવી શિક્ષણનીતિ વિશેના દસ્તાવેજની ઠીક ઠીક ચર્ચા થઈ. તેમાં બે સૂર સર્વસામાન્ય કહી શકાય એવા હતાઃ કેટલાંક પગલાં ખરેખર અમલી બને તો વર્તમાન સ્થિતિમાં ખાસ્સો સુધારો થાય. જેમ કે, ઔપચારિક શિક્ષણની શરૂઆત પહેલા ધોરણથી નહીં, પણ ત્યાર પહેલાંના જુનિયર-સિનિયર કે.જી.થી કરવી, શક્ય હોય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું, વિદ્યાર્થીને કોઈ એક વિદ્યાશાખાના વિષયોમાં બાંધી રાખવાને બદલે, તેને વિવિધ વિષયોમાંથી રુચિ પ્રમાણે વ્યાપક પસંદગીની તક આપવી, પરીક્ષાની ઔપચારિકતા અને તેના વધુ પડતા મહત્ત્વને બદલે કૌશલ્ય-કેન્દ્રી શિક્ષણ પર ભાર આપવો, જેથી તે ભણીને બહાર પડે ત્યારે શિક્ષિત બેકારની નહીં, પણ પોતાના પગ પર ઊભા રહી શકતા નાગરિકની ગણતરીમાં આવે...આ બધું સાકાર થાય તેવું કોણ ન ઇચ્છે? પરંતુ શિક્ષણ જેવી અત્યંત પાયાની, અટપટી અને દેશવ્યાપી વ્યવસ્થામાં હાલ જે પ્રકારની સુઆાયોજિત અરાજકતાનું વાતાવરણ છે, તે જોતાં નવી શિક્ષણનીતિની વાતો બિલાડીના ગળે ઘંટ બાંધવા મળેલી ઉંદરસભા જેવી લાગે છે. નવી શિક્ષણનીતિને લગતા દસ્તાવેજથી એટલું સમજાય છે કે દસ્તાવેજ તૈયાર કરનાર સમિતિની વિચારવાની દિશા બરાબર છે. પરંતુ શિક્ષણ વિશે ધોરણસરની સમજ ધરાવનાર કોઈને પણ વિચારવાનું કહેવામાં આવે, તો તે પણ લગભગ આવું જ વિચારે. ખરો સવાલ એ વિચારના અમલીકરણ માટેની દાનતનો અને તેની સામે ઊભેલા વાસ્તવિક પડકારોનો છે.
શૈક્ષણિક સજ્જતાને ઉવેખીને પક્ષીય-વિચારાધારાકીય વફાદારી ધરાવતા લોકોની શૈક્ષણિક નિમણૂકોથી માંડીને શિક્ષણના વેપારીકરણ (ખાનગીકરણ નહીં, વેપારીકરણ) અંગે સરકારની ઉદાસીનતા બલકે એ ધંધામાં રાજનેતાઓનું મેળાપીપણું સુધારાના રસ્તામાં ઊભેલો મસમોટો પહાડ છે. બૌદ્ધિકતા અને વિદ્વત્તા સાથે આડવેર વર્તમાન સરકારની બીજી તાસીર છે. તેને બધું ‘જ્ઞાન’ પોતાના કથિત રાષ્ટ્રવાદી એટલે કે એક તરફ કોમવાદના, તો બીજી તરફ સંકુચિત સંસ્કૃતિગૌરવના ઢાંચામાં જ ખપે છે. ત્રીજું, પરદેશનાં મૉડેલ યોગ્ય સમજ, દાનત અને સુવિધા વિના લઈ આવવાથી શું થાય છે, તેની સમજ સૅમેસ્ટર પ્રથાના ધબડકાથી પડી જવી જોઈએ. ‘પ્રાથમિક શિક્ષણ બને ત્યાં સુધી માતૃભાષામાં’ –એ વાતે ફરી અંગ્રેજી વિ. માતૃભાષાની (મૂળ મુદ્દો ચૂકતી) તકરાર અને દક્ષિણનાં રાજ્યો પર હિંદી લાદવાની આશંકા તાજી કરી છે. એ વિશે વિગતે ચર્ચા પછીના અંકોમાં. પણ મેલી મથરાવટી માટે સાચી રીતે પંકાયેલી સરકાર પાસેથી આવેલો શિક્ષણનો સ્વપ્નિલ દસ્તાવેજ, ઉઠી ગયેલી બૅન્કે લખેલા તોતિંગ રકમના ચેક જેવો વધુ લાગે છે.
No comments:
Post a Comment