Pooja Marwaha / પૂજા મારવાહા
પ્રાણીચિકિત્સા (વેટરિનરી)માં માસ્ટર્સના અભ્યાસ માટે હું આસામ આવી, ત્યારે મને ખ્યાલ નહીં કે માનવજાત માટે સદીની સૌથી મોટી આફત ગણાવાયેલા કોવિડ-૧૯નો સામનો મારે ઘરેથી દૂર રહીને કરવાનો આવશે. છેલ્લા દોઢેક મહિનાથી હું દેશના એક ખૂણે ગૌહત્તીમાં આવેલી મારી હૉસ્ટેલના રૂમમાં સહીસલામત બેઠી છું. સલામત જ વળી. કેમ કે, ઇશાન ભારતનાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાતમાંથી ચાર રાજ્યો કોવિડ-૧૯ મુક્ત છે—અને કેમ ન હોય? કાતિલ સચ્ચાઈ ધરાવતી એક ટિપ્પણી વાંચી હતીઃ ‘બાકીના દેશે તો ઇશાન ભારત સાથે પહેલેથી જ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખ્યું?’
મારું ઘર ત્રણેક હજાર કિ.મી. દૂર મુંબઈમાં છે—વધારે ચોક્સાઈથી કહું તો દક્ષિણ મુંબઈમાં. હાલમાં હું દેશના સૌથી સલામત ખૂણે છું, જ્યારે મારો પરિવાર બરાબર ‘તોફાનના કેન્દ્રમાં’ છે. તેથી તેમના વિશે સતત ચિંતા રહે તે સ્વાભાવિક છે. ‘સોબો’ (સાઉથ બોમ્બે) તરીકે વિખ્યાત દક્ષિણ મુંબઈમાં ભદ્ર, વગદાર, ભણેલાગણેલા—ટૂંકમાં, સમાજના સૌથી ઉપલા વર્ગના કહેવાય એવા લોકો રહે છે. (ભણતરને સમજ કે નૈતિકતા સાથે સાંકળવાની ભૂલ આપણે હંમેશાં કરતાં હોઈએ છીએ.) એક ઉદાહરણ પરથી ખ્યાલ આવી જશેઃ અમારા બિલ્ડિંગથી ચાર-પાંચ બિલ્ડિંગ છોડીને મુકેશ અંબાણીનું ‘એન્ટિલા’ છે.
તેના આધારે એવું માની લેવાનું મન થાય કે દક્ષિણ મુંબઈના લોકો વર્તમાન ખતરા સાથે અને તેનાથી થનારા નુકસાન સાથે પનારો પાડવા માટે એક કરતાં વધારે અર્થમાં સજ્જ હશે. સીધી વાત છેઃ સમાજ તરીકે આપણે સત્તા, સામાજિક મોભો અને સંપત્તિને બુદ્ધિ, સમાનુભૂતિ અને વ્યવહારુપણા સાથે સાંકળતાં હોઈએ છીએ. પણ ત્યાંનું વાસ્તવિક ચિત્ર કંઈક જુદું જ છે. અમારા બિલ્ડિંગની કો-ઑપરેટિવ સોસાઇટીમાં એક યુરોલૉજિસ્ટનું દવાખાનું છે. આરોગ્ય સેવાઓને ‘આવશ્યક’ જાહેર કરવામાં આવી છે એ ખરું, પણ આરોગ્ય એટલે કોનું આરોગ્ય, એની ચોખવટ કરવાની રહી ગઈ. એટલે આરોગ્યની ચિંતાઓ વચ્ચે સામસામી ટક્કર થાય છે.
આવા સમયે ડૉક્ટરો સામાન્ય રીતે અનિવાર્ય હોય એવા દર્દીઓ સિવાય બીજા લોકોને તપાસતા નથી. તેમાં અપવાદ હશેઃ ઓળખીતાં કે ઓળખીતાંનાં ઓળખીતાં. છતાં, એક ડૉક્ટર દર્દીને તપાસે તેમાં શો વાંધો હોઈ શકે? પણ, લોકોની વાત થાય?
એક દિવસ અમારી સોસાઇટીના ડૉક્ટરે દર્દીઓને જોવા માટે દવાખાનું ખોલ્યું. તેમની પાસે આવેલા દર્દીઓ કોવિડ-૧૯ના ન હતા. છતાં અમારા બિલ્ડિંગમાં રહેતા કેટલાકને લાગ્યું કે આવું કેવી રીતે ચાલે? ડૉક્ટરે તેમની પરવાનગી લેવી જોઈએ. કેટલાકે તો બિલ્ડિંગના ચોકીદારને બોલાવીને દર્દીઓને રોકવાનું સૂચવ્યું. વાત તો પોતાની સંકુચિતતાને સાવચેતીનું મહોરું પહેરાવીને રજૂ કરવાની હતી. થોડું બૂમરાણ મચ્યું, ચર્ચા ને વાદવિવાદ થયાં. છેવટે મૅનેજિંગ કમિટીએ કાનૂની મુદ્દો આગળ કરીને વિવાદનો વીંટો વાળવો પડ્યો.
ઘરે વાત થઈ ત્યારે મને આ કિસ્સો જાણવા મળ્યો. પણ એ જાણ્યા પછી મારી પિન ત્યાં અટકી ગઈ છે. જેમ સમય વીતે, તેમ મને એ વધુ ને વધુ વિચિત્ર લાગતું જાય છે. આ લોકો એટલું કેમ નહીં સમજતાં હોય કે તબિયતના પ્રશ્નો પેદા થવાના જ છે, મહામારી હોય કે ન હોય. રોગો કંઈ પિત્ઝા પરના ટૉપિંગ જેવા નથી કે આપણે તેની પસંદગી કરી શકીએ. કોરોનાની સમાંતરે બીજા રોગો અને તેની સાથે સંકળાયેલું જીવન-મૃત્યુનું ચક્કર પણ ચાલુ જ રહેવાનું છે. શું આ બધું એ લોકોને તે પોતે કે તેમનાં કોઈ સ્વજન આ સ્થિતિમાં મૂકાય ત્યારે જ સમજાશે? હું તો એટલું જ ઇચ્છું કે એવું થાય ત્યારે પણ એ લોકો સાથે કોઈ એવો વ્યવહાર ન કરે, જેવો તેમણે બીજા દર્દીઓ સાથે કર્યો હતો.
અને એ પણ કહી દઉં કે ડૉક્ટર દર્દીઓને તપાસે તેનો વિરોધ કરનારામાંથી ઘણા લોકો એવા હતા, જે વડાપ્રધાનની અપીલ પ્રમાણે ડૉક્ટરોને બિરદાવવા તાળીઓ-થાળીઓ વગાડવામાં જોડાયા હતા.પોતીકી સુખસુવિધાને ઘસરકો સરખો પડવા દીધા વિના તમે કહો તેવું માન આપીએ. શરત એટલી કે આરોગ્યનું કામ કરનારા બીજે ક્યાંક, કમ સે કમ અમારી નજરથી દૂર હોવા જોઈએ.
મને આઘાત એ વાતનો લાગે છે કે આવી ચિંતા કરનારા લોકો કોણ છે? આ રહી તેમની બીજી કેટલીક ચિંતાઓઃ કામવાળાં ક્યારે પાછાં આવશે ને ક્યાં સુધી આપણે (આપણા જ) ઘરનું કામ ઢસડવું પડશે? આજકાલ નેટફ્લિક્સ પર સડસડાટ જોઈ પાડવા જેવી કઈ સિરીઝ છે? જિમ ક્યારથી શરૂ થશે? શરાબની દુકાનો ફરી ક્યારથી ખુલશે?... અને આ લોકો પોતાના બિલ્ડિંગમાં એક ડૉક્ટર અનિવાર્ય હોય એવા કોવિડ-૧૯ સિવાયના દર્દીઓને તપાસે, તેનો પણ વિરોધ કરે છે. આ વિચારે મને ત્રાસ પડે છે ને રોષ ચઢે છે. સાથોસાથ, ઊંડે ઊંડે એવી આશા પણ જાગે છે કે આ લોકોમાં ક્યારેક, નજીકના ભવિષ્યમાં, સમાનુભૂતિ જેવી કોઈ લાગણી જાગે. દયા, ઉદારતા કે આર્થિક સહાય નહીં, સમાનુભૂતિ.
આવું કંઈ થાય ત્યારે મને હંમેશાં લાગે છે કે આપણે ‘અભણ’ શબ્દને ફક્ત અક્ષરજ્ઞાનના અભાવ સાથે જ સાંકળવો જોઈએ અને તેને વ્યાપક નકારાત્મક અર્થમાં વાપરવાનું બંધ કરી દેવું જોઈએ અને તેનાથી વ્યક્તિનું માપ કાઢવાનું પણ છોડી દેવું જોઈએ. કહેવાતા ભણેલા લોકોની આવી માનસિકતા સૂચવે છે કે તેમણે જ હજુ કેટલું બધું શીખવાનું બાકી છે.
છેલ્લી વાતઃ મહામારીના સમયમાં ‘ફિઝિકલ ડિસ્ટન્સિંગ’ શબ્દ કેટલો યોગ્ય છે ને ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ અનેક રીતે કેટલો અનર્થકારી છે, તે પણ સમજાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ—સામાજિક રીતે અંતર—રાખવાનું મન તો જરૂર થાય છે, પણ એ કોરોનાગ્રસ્તોથી નહીં, પેલા કહેવાતા ભણેલાઓની માનસિકતાથી. કેમ કે, કોરોના કરતાં આવી માનસિકતાનો વાઇરસ વધારે ખતરનાક છે.
(સગપણમાં પિતરાઈ અને એકદમ નજીકનાં મિત્રો એવાં પૌલા અને કપિલ મારવાહાની દીકરી પૂજાના અંગ્રેજી લેખનો અનુવાદ અને તે વધારે લખે તેવી આશા-અપેક્ષા)
very nice thoughts, yesterday we saw in news that so many educated were crazy behind alcohol and no physical distancing.
ReplyDeleteManhar Sutaria