માર્ચ ૧૩થી ૧૫ દરમિયાન, સુન્ની મુસલમાનોના એક ફાંટા તબલીઘી જમાતનું
મોટું સંમેલન દિલ્હીના નિઝામુદ્દીન મરકઝ (એટલે કે કેન્દ્ર)માં હતું. તેમાં
ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા કોરોનાગ્રસ્ત દેશો સહિત બીજા દેશોમાંથી આવેલા લોકો
સામેલ થયા. સંમેલન પૂરું થયા પછી પણ આ કેન્દ્રમાં ઘણા લોકો રહ્યા, તો ઘણા જુદાં જુદાં રાજ્યોમાં ધર્મપ્રચાર માટે
અથવા પોતપોતાને ઘેર ગયા. સરકારી આંકડા પ્રમાણે, ૨૧ માર્ચના રોજ નિઝામુદ્દીન મરકઝમાં ૧,૭૪૬ લોકો રહેતા હતા, જેમાંથી ૧,૫૩૦ ભારતીયો અને ૨૧૬ વિદેશી હતા. એ તારીખે ૮૨૪
વિદેશીઓ ભારતમાં જુદા જુદા ઠેકાણે ધર્મપ્રચારમાં સક્રિય હતા. સરકારી વિગતો મુજબ,
જાન્યુઆરી ૧, ૨૦૨૦થી આશરે ૨,૧૦૦ વિદેશીઓ તબલીઘની પ્રવૃત્તિ માટે ભારત આવ્યા
હતા અને તે બધા સામાન્ય રીતે નિઝામુદ્દીન મરકઝમાં રીપોર્ટ કર્યા પછી જ નક્કી થયેલા
વિસ્તારોમાં જતા હતા.
સંમેલનમાં મોજુદ લોકોમાંથી ઘણા કોરોનાનો ચેપ
ધરાવતા અને બીજા ઘણા ચેપની સંભાવના ધરાવતા હતા. તે બધા દેશના જુદા જુદા ભાગોમાં
ફેલાયા. આ વાત એકાદ જાહેર થયા પછી
૧) સંમેલનની અને તેના આયોજક તરીકે તબલીઘી
જમાતની યોગ્ય રીતે જ આકરી ટીકા થઈ.
૨) કામચલાઉ કોરોનાને બદલે કાયમી એવો કોમવાદનો
વાઇરસ મેદાનમાં આવી ગયો અને ‘કોરોના જેહાદ’
જેવા
શબ્દપ્રયોગો-ભાવપ્રયોગો સાથે, કોરોના સામેની
લડાઈને કોમવાદનો રંગ ચડાવવાના પ્રયાસ થયા.
આ ઘટનાક્રમને શાંતિથી સમજવા માટે કેટલીક
હકીકતો-કેટલાક મુદ્દાઃ
નિઝામુદ્દીન મરકઝ
ઘટના જાહેર થયા પછી, દિલ્હી સરકારનાં ધારાસભ્ય આતિશીએ દિલ્હી
સરકારનો ૧૩મી માર્ચનો ઓર્ડર તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તે પ્રમાણે
૨૦૦થી વધુ લોકોને સ્પોર્ટ્સ માટે કે સેમિનાર/કોન્ફરન્સ માટે ભેગા થવાની મનાઈ
ફરમાવવામાં આવી હતી.
એ જ દિવસે, ૧૩ માર્ચના રોજ, દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ
આઇપીએલ સહિતના રમતગમતના કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરી અને દિલ્હીમાં
શાળા-કોલેજ, સ્વિમિંગ પુલ અને
સિનેમા હોલ ૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લેવાયો. સિસોદિયાએ કહ્યું હતું કે
‘સોશિયલ ડિસ્ટન્સિંગ
જાળવવા માટે, મોટી સંખ્યામાં
મેદની જમા થાય એવા મોટા કાર્યક્રમો ટાળવા જોઈએ.’ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની દિલ્હી આવૃત્તિ (૧૪ માર્ચ,૨૦૨૦)માં આવેલા અહેવાલમાં સિસોદીયાનું આ નિવેદન
હતું, ‘હું સૌને કહેવા
માગું છું કે લોકો સરકારી ઓર્ડરની રાહ ન જુએ અને પોતાની મેળે જ મોટા કાર્યક્રમોથી
દૂર રહે.’ દક્ષિણ કોરિયામાં
પહેલા ૩૦ કેસ કાબૂમાં આવી ગયા, પણ ૩૧મા દર્દીએ
બીજા હજારોને ચેપ લગાડ્યો, એવો ઉલ્લેખ કરીને
સિસોદીયાએ કહ્યું, ‘એવી પરિસ્થિતિ
અટકાવવા માટે દિલ્હી સરકારે મોટા મેળાવડા ન યોજવાનો હુકમ કાઢ્યો જ છે. છતાં,
તમારા ધ્યાનમાં આવો કોઈ
મેળાવડો આવે જ્યાં લોકો જુદા જુદા ઠેકાણેથી આવ્યાં હોય, તો મહેરબાની કરીને એવી જગ્યાથી દૂર રહેજો.’
છતાં, એ જ દિવસથી ૧૫મી સુધી તબલીઘી જમાતનો કાર્યક્રમ ચાલ્યો, તેમાં પરદેશથી આવેલા તબલીઘી જમાતના લોકો સહિત
સેંકડો લોકો સામેલ થયા. દેખીતી રીતે જ, આ ગુનાઈત બેદરકારીનો મામલો ગણાય. દુનિયાભરમાંથી કોરોનાના સમાચાર આવી રહ્યા હોય
ત્યારે ધાર્મિકથી માંડીને વ્યવહારિક બધી ગણતરીઓ બાજુ પર મૂકીને કે અગાઉથી
કાર્યક્રમ બનાવીને આવેલા લોકોને પડનારી અગવડની ચિંતા કર્યા વિના મેળાવડો રદ કરવો
પડે. બાળકોની પરીક્ષાઓ રદ થઈ શકતી હોય, તો ધાર્મિક મેળાવડા કેમ નહીં? એવું કરવાને બદલે
તબલીઘી જમાતે કાર્યક્રમ ચાલુ રાખ્યો.
માટે, આ કાર્યક્રમના આયોજન બદલ નિઝામુદ્દીન મરકઝના વડા અને બીજા જે જવાબદારો હોય તે
સૌની સામે કાયદાના ધોરણે યથાયોગ્ય કાર્યવાહી થવી જ જોઈએ—અને અહેવાલો મુજબ એ થઈ રહી છે. ઉપરાંત, સામાજિક ધોરણે આ પ્રકારના વર્તનની ટીકા થાય,
આ પ્રકારની ધાર્મિક જડતા
વિશે રોષ વ્યક્ત થાય તે પણ લાજિમ ગણાય.
તબલીઘી જમાતના કાર્યક્રમ પછીના દિવસોમાં,
દેશનાં ઘણાં જાણીતાં
મંદિરોમાં લોકોની મોટા પાયે અવરજવર ને સામુહિક કાર્યક્રમો ચાલુ હતા. જેમ કે,
મુંબઈનું સિદ્ધિવિનાયક
મંદિર, ઉજ્જૈનનું મહાકાળ
મંદિર, શીરડીનું સાંઈધામ, શનિ શીંગણાપુર, વૈષ્ણોદેવી, કાશી વિશ્વનાથ...એવું જ ગુજરાતમાં સોમનાથ જેવા
મંદિર વિશે.
આ હકીકતોને આગળ કરીને તબલીઘી જમાતના મેળાવડાની
ગંભીરતા હળવી દર્શાવવાનું બે કારણસર યોગ્ય નથી.
૧) જે ખોટું છે તે ખોટું જ રહે છે. એક ખોટા
સામે બીજું ખોટું મૂકીને બંનેનો સામસામો છેદ ઉડાડવાનું કે તેની ગંભીરતા ઘટાડવાનું
કામ રાજકીય પક્ષોનું છે—નાગરિકોનું નહીં.
૨) દિલ્હીમાં સરકાર દ્વારા આ પ્રકારનાં
મેળાવડા-સંમેલનો ઉપર ૧૩મીએ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો હતો. તબલીઘી જમાતના
સંમેલનથી સરકારી પ્રતિબંધનો ભંગ થયો. મોટા સમુહો ભેગા ન થાય તે ઇચ્છનીય હોવા છતાં,
બીજાં રાજ્યોમાં આ
પ્રકારની બંધી મુકાઈ હોય અને તેનું ઉલ્લંઘન કરીને ધર્મસ્થાનો ખુલ્લાં રહ્યાં હોય
એવું જણાતું નથી.
ટૂંકમાં, તબલીઘી જમાતનું સંમેલન એકેય ધોરણે વાજબી ન હતું
અને સંમેલનના આયોજકો તથા ભાગ લેનારાએ આખા મામલે ગુનાઈત બેદરકારી દેખાડી છે. તેમની
સામે કેસ નોંધાયા છે અને કાર્યવાહી થઈ રહી છે. છતાં, તેમની આવી ગુનાઈત બેદરકારીને લીધે દેશનાં ઘણા
રાજ્યોમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા વધે, તેનું નુકસાન ભરપાઈ કરવાનું કઠણ છે. ઉપરાંત, આવા કપરા સમયમાં રાજ્યતંત્ર પર સંભવિત
ચેપગ્રસ્તોને શોધવાનો બોજ આવે તે વધારાનું.
મરકઝમાં નિવાસ અને વિઝાના નિયમોનો ભંગ
૧૩થી ૧૫ તારીખ સુધી સરકારની મનાઈ છતાં સંમેલન
ભરાયું. ત્યાર પછી ઘણા લોકો મરકઝમાં જ રહ્યા. જગ્યા ભલે ખાનગી હોય, પણ તેમાં મોટી સંખ્યામાં લોકો ક્વોરન્ટાઇન થયા
વિના રહે, તે જોખમી અને
આત્મઘાતી ગણાય. મરકઝ તરફથી એવી દલીલ થઈ છે કે અવરજવર અટકી પડી હોવાથી, લોકોને મરકઝમાં રાખ્યા વિના છૂટકો ન હતો.
દિલ્હીના વહીવટી તંત્ર અને તેના (કેન્દ્ર સરકાર નીચે આવતા) પોલીસતંત્ર તરફથી
પ્રતિભાવ ન મળ્યો, એવી રજૂઆત પણ
મરકઝ તરફથી થઈ છે. તે સાચી હોય તો પણ, કાર્યક્રમ પહેલાં અને પછીના સમયમાં તકેદારીનાં પગલાં અંગે મરકઝના પ્રયત્નો
સંતોષકારક કે વિશ્વાસ પેદા કરે એવા લાગતા નથી.
વધુ એક આરોપ એવો છે કે મેળાવડામાં ભાગ લેવા
માટે પરદેશથી આવેલા જમાતના લોકોએ વિઝાના નિયમોનો ભંગ કર્યો છે. ધાર્મિક પ્રવૃત્તિ
માટેનો વિઝા અલગ હોય છે અને ટુરિસ્ટ વિઝા પર આવેલા લોકો ધર્મોપદેશ કે ધર્મપ્રચાર
જેવી પ્રવૃત્તિ કરી શકે નહીં, જે તબલીઘી જમાતના
લોકોએ કરી. આ ગુના માટે કાયદામાં જોગવાઈ છે જ અને એ દિશામાં કાર્યવાહી પણ થઈ રહી
છે. અહેવાલો પ્રમાણે, ગઈ કાલે કેન્દ્ર
સરકારે તબલીઘી જમાતના વિદેશથી આવેલા ૯૬૦ લોકોને વિઝાના નિયમોના ભંગ બદલ બ્લેકલિસ્ટ
કરી દીધા છે અને હજી બીજાં પગલાં ભરાશે. ઉપરાંત, રાજ્ય સરકારોને પણ તેમને ત્યાં રહેલા અને
નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડકાઈથી કાર્યવાહી કરવાનું કહી દેવાયું છે.
સરકારઃ દિલ્હીની અને કેન્દ્રની
હવે સવાલ એ આવે કે આખાય ઘટનાક્રમમાં સરકારની શી
ભૂમિકા રહી? તેની કોઈ
જવાબદારી ખરી? અને તેના પક્ષે
કોઈ ચૂક ગણાય કે નહીં?
આગળ સ્પષ્ટ કર્યું છે તેમ, બધાના વાંક અલગ અલગ નક્કી કરવા પડે. એકને મોટું
કરીને તેની નીચે બાકીનું બધું ઢાંકી ન દેવાય કે એકની સામે બીજું ધરીને બંનેનો છેદ
ઉડાડી ન શકાય.
દિલ્હીની પોલીસ કેન્દ્ર સરકારની છે. તેની પર
દિલ્હીની સ્થાનિક સરકારનો કાબૂ નથી. છતાં, આવા સમયમાં સ્થાનિક સરકારે ગૃહ મંત્રાલયની મદદ માગવી પડે. એ ન મળે તો તેનો
અલગથી ધોખો થઈ શકે. તે ફક્ત હુકમો કાઢીને બેસી રહે અને તેના અમલ માટે કે ભંગ બદલ
કશું ન કરે, તે કેટલું યોગ્ય
ગણાય? મનીષ સિસોદીયા ૧૩ માર્ચે
જાહેર કાર્યક્રમો, મેળાવડા ને જાહેર
સ્થળો બંધ કરાવે ત્યારે તેમને કે તેમની સરકારમાંથી કોઈને ખબર નહીં હોય કે તબલીઘી
જમાતનું આવડું મોટું સંમેલન તેમના પ્રતિબંધ છતે શરૂ થઈ ચૂક્યું છે? અને હજુ બે દહાડા ચાલવાનું છે? એવી તે કેવી સરકાર, કે જે ફક્ત હુકમ કાઢીને ફરજ અદાયગી થયેલી જાણી
લે અને આવું કંઈક બહાર આવે ત્યારે એવું કહીને ઊભી રહે કે ‘અમે તો બા, પહેલેથી જ ના પાડી હતી. જુઓ, આ રહ્યો એનો પુરાવો.’
તમારો પુરાવો સાચો, પણ ના પાડ્યા પછી તમે બીજું શું કર્યું આ
સંમેલન અટકાવવા માટે? અને કંઈ ન કર્યું
તો સ્થાનિક સરકાર તરીકે તમારી કોઈ જવાબદારી નહીં? તમારે હુકમનામાનાં કાગળીયાં રજૂ કરીને હાથ
ખંખેરી નાખવાના?
બાકી રહી વાત પોલીસની અને કેન્દ્ર સરકારના ગૃહ
ખાતાની. ગુગલ મૅપમાં જોતાં જણાય છે કે નિઝામુદ્દીન મરકઝથી નિઝામુદ્દીન પોલીસચોકી
વચ્ચેનું અંતર ચાલતાં માંડ એકાદ મિનીટ જેટલું છે. પોલીસ સ્ટેશનની આટલી નજીકમાં
ત્રણ-ત્રણ દિવસ સુધી, દિલ્હીની સરકારની
મનાઈની ઉપરવટ જઈને, સંમેલન ચાલે છે
અને દેશવિદેશમાંથી આવેલા લોકો તેમાં જમા થાય છે, ત્યારે પોલીસ અને કેન્દ્ર સરકારનું ગૃહ ખાતું
શું કરે છે? કેમ તે સંમેલનને
અધવચ્ચેથી અટકાવતું નથી? સંમેલન શરૂ થતાં
પહેલાં દિલ્હીમાં એપિડેમિક ડીસીઝ એક્ટ અંતર્ગત ‘દિલ્હી એપિડેમિક ડીસીઝ,કોવિડ-૧૯, રેગ્યુલેશન્સ,૨૦૨૦’ અમલી બની ચૂક્યાં છે. છતાં તબલીઘી જમાતનું સંમેલન બેરોકટોક ચાલ્યા કરે,
ત્યારે કેન્દ્રની અને
દિલ્હીની સરકારે તેમની નિષ્ફળતા કે ગંભીર ગાફેલિયત માટે આપણને નાગરિકોને જવાબ
આપવાના નથી થતા?
દિલ્હી સરકારે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે
છેક ૨૯ માર્ચના રોજ પગલાં લીધાં અને ખાલી કરાવ્યું. ૩૧મી માર્ચે દિલ્હી પોલીસની
ક્રાઇમ બ્રાન્ચે મરક્ઝના વડા સહિત બીજા સભ્યો સામે સરકારી આદેશના ભંગનો કેસ દાખલ
કર્યો. ત્યાં સુધી દિલ્હીની પોલીસ અને કેન્દ્રના ગૃહખાતામાં રહેલા તેમના સાહેબો
શું કરતા હતા? આ સવાલ મરકઝની
ગુનાઈત બેદરકારી હેઠળ સંતાડી શકાય નહીં. સરકારી બેદરકારીનો ખ્યાલ આ ઘટનાક્રમ ઉપરથી
પણ આવી શકશે. (આ ઘટનાક્રમ scroll.in માં પ્રગટ થયો હતો)
· ૨૮ ફેબ્રુઆરી મલેશિયામાં તબલીઘી જમાતનું સંમેલન. તે
કોવિડ-૧૯ના ફેલાવા માટે કારણભૂત બન્યું.
· ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી માર્ચના
પહેલા અઠવાડિયા દરમિયાન અગ્નિ એશિયા,
દક્ષિણ એશિયા અને યુરોપના
દેશોમાંથી ઘણા લોકો સરકારી વિઝા મેળવીને જમાતના સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી
આવ્યા.
· ૧૨ માર્ચ દિલ્હીની સરકારે જાહેર કર્યું કે કોરોનાગ્રસ્ત
દેશોમાં જઈ આવેલા અને કોરોનાનાં લક્ષણ ધરાવતા લોકોએ સરકારને જાણ કરવી.
· ૧૩ માર્ચ દિલ્હીમાં જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર
થાઇલેન્ડનો એક માણસ બિમારીનાં ચિહ્નો સાથે કોઈમ્બતુરના એરપોર્ટ પર દેખાયો. દરમિયાન,
ભારતમાં એરપોર્ટ પર
મુસાફરોની તપાસ શરૂ થઈ અને દિલ્હી સરકારે ૨૦૦થી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ
મૂકી દીધો.
· ૧૬ માર્ચ દિલ્હી સરકારે પચાસ જણથી વધુ લોકો મળવાના હોય
એવા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો.
· ૧૭ માર્ચ ચેપનો ભોગ બનેલા થાઇલેન્ડવાળા માણસનું અવસાન
થયું. તામિલનાડુમાં તેના જૂથના છ સભ્યોની તપાસ કરવામાં આવી.
· ૧૮ માર્ચ દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લીધો હોય એવા છ
લોકો તેલંગણામાં ચેપગ્રસ્ત જણાયા.
· ૨૧ માર્ચ તામિલનાડુએ જમાતના કાર્યક્રમમાં સામેલ હોય એવા
બે કોરોના પોઝિટિવ લોકોની ઓળખ કરી.
આ દિવસે કેન્દ્રના ગૃહ ખાતાએ દિલ્હીમાં જમાતના
કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોની વિગત રાજ્ય સરકારો સાથે શૅર કરી.
· ૨૨ માર્ચ તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવામાં આવી.
વડાપ્રધાન દ્વારા જનતા કરફ્યુની જાહેરાત
· ૨૪ માર્ચ ૨૧ દિવસના લૉક ડાઉનની શરૂઆત. (કેન્દ્ર સરકારના
તાબામાં આવતી) દિલ્હી પોલીસે જમાતને મરકઝ ખાલી કરાવવા માટે નોટીસ આપી. જમાતે
કહ્યું કે આશરે ૧,૫૦૦ લોકો નીકળી
ચૂક્યા છે અને બાકીના એકાદ હજાર મરકઝમાં છે. જમાતના દાવા પ્રમાણે, આ લોકોને ખાલી કરાવવા માટે તેમણે મદદ માગી,પણ ન મળી.
· ૨૯ માર્ચ પ્રસાર માધ્યમોના અહેવાલ પ્રમાણે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ વહેલી
સવારે મરકઝ જમાતના વહીવટદારોને મળવા પહોંચ્યા.
· ૩૦ માર્ચ દિલ્હીની સ્થાનિક સરકારને નિઝામુદ્દીન
વિસ્તારને કોર્ડન કર્યો.
· ૩૧ માર્ચ જમાતના વહીટવકર્તાઓ સામે પોલીસકેસ દાખલ થયો.
ઉપરનો ઘટનાક્રમ શાંતિથી જોતાં, સરકારપક્ષે થયેલો વિલંબ, ખાસ કરીને ૨૧ માર્ચથી ૩૦ માર્ચ સુધીનો દસ
દિવસનો વિલંબ સમજી શકાય એવો નથી. એવી જ રીતે, પોલીસ સ્ટેશન સાવ પાસે હોવા છતાં કાર્યક્રમમાં
આટલા બધા લોકો ભેગા થાય અને સરકારો કશું જ ન કરી શકે, એ પણ સમજાય એવું નથી. માટે, જમાતની ગુનાઇત બેદરકારીની વાજબી રીતે અને આકરી
ટીકા કર્યા પછી, જો વાંધો આખા
ઘટનાક્રમ સામે હોય અને તેને મુસલમાનો પૂરતો કેન્દ્રિત રાખવામાં રસ ન હોય, તો સરકારપક્ષનાં ગાબડાં પણ ધ્યાને પડવાં જોઈએ
અને જમાતની ટીકા કરી લીધા પછીતે પણ વાંધાનું કારણ બનવાં જોઈએ.
નાગરિકો
સરકારની ભૂમિકા વિશે આગળ જણાવેલા સવાલ ન થાય,
આયોજન વગરના લૉક ડાઉન પછી
માત્ર દિલ્હી જ નહીં, બીજાં રાજ્યોમાં
પણ સેંકડો લોકોએ કરેલા સ્થળાંતરની અસરોની ચર્ચા ફંટાઈ જાય અને ઇવેન્ટ
મેનેજમેન્ટપ્રેમી વડાપ્રધાનની તથા તેમની સરકારના આયોજનની ટીકાઓને ઠેકાણે પાડી શકાય,
એવું ક્યારે બને? ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ જવાબ છેઃ આખો વિવાદ ‘મુસલમાનો તો છે જ એવા’ના રસ્તે વાળી દેવામાં આવે તો.
એટલે, રાબેતા મુજબ સોશિયલ મિડીયા પર ‘કોરોનાજેહાદ’થી માંડીને ‘ભારતને અસ્થિર કરવાનું (મુસલમાનોનું) કાવતરું’
જેવી બેફામ આરોપબાજી ફરતી
કરી દેવામાં આવી. ઇસ્લામદ્વેષને જાણે મોકળું મેદાન મળી ગયું. કેટલીક ટીવી ચેનલો
અને કેટલાંક છાપાં પણ ગુનાઈત બેદરકારીને જેહાદ કે ભયંકર કાવતરાની માફક રજૂ કરવા
લાગ્યાં. તબલીઘી જમાતના સંમેલનની, તેના આયોજકોની
અને તેમાં ભાગ લેનારાની ટીકા થાય, તેમની સામે આકરી
કાર્યવાહની માગણી થાય એ તો બરાબર, પણ આખી વાતને
મુસલમાનદ્વેષના પાટે ચડાવીને લોકોને ઉશ્કેરવામાં આવે અને બાકીની બધી બાબતોને
સલુકાઈથી નજરઅંદાજ કરવામાં આવે, એવું વધુ એક વાર
બન્યું. નવી ફેશન પ્રમાણે, શાહીનબાગને પણ
વચ્ચે ઢસડવામાં આવ્યું અને એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, જાણે ભારતમાં કોરોના વાઇરસ તબલીઘી જમાત લાવી
હોય.
તબલીઘી જમાતના ગુણદોષની ચર્ચા કરવાની આ જગ્યા
કે આ પ્રસંગ નથી. નાગરિક તરીકે આપણે એ વિચારવાનું છે કે—
· મરકઝના કાર્યક્રમ
સિવાય પણ ભારતમાં અને ગુજરાતમાં સુદ્ધાં કોરોના વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો હતો,
એ ભૂલી જઈશું? અને મરકઝની ગુનાઈત બેદરકારીનેા માથે દોષનો
આખેઆખો ટોપલો ઢોળી દઈશું?
· કોમવાદી માનસિકતા
આપણામાં આટલી ઊંડી ઉતરી ગઈ છે કે વાઇરસ સામે મુકાબલા ટાણે પણ આપણે પહેલી તકે
ઝેરીલા કોમી પ્રચારને અપનાવી લઈએ છીએ?
· આવો ઝેરી પ્રચાર
કોણ કરે છે? તેનાથી કોને લાભ
થાય છે? અને આવા કપરા
સમયમાં આવો ઝેરી પ્રચાર થાય તેની સામે સરકારને કશાં પગલાં લેવાપણું લાગતું નથી?
સર્વોચ્ચ અદાલતને કશી
કાર્યવાહી કરવાપણું લાગતું નથી?
વાસ્તવિક દેશહિત
અને ઝેરીલા કોમી પ્રચાર વચ્ચેનો ભેદ ભૂંસીને આપણે દેશની સેવા કરીએ છીએ કે રાજકીય
પક્ષોની?
Very Lovely Songs i enjoyed by listening this songs also enjoyed Jab Deep Jale Aana
ReplyDeleteThanks!