(પ્રકાશ ન. શાહ / વ્યંગચિત્રઃ અશોક અદેપાલ Prakash N. Shah, Caricature : Ashok Adepal) |
પરંતુ વીસમી જુલાઈએ પ્રકાશભાઈના સન્માન સમારંભ નિમિત્તે તેમનું સન્માન જ થયું, તેમની ગરીમાને ઝાંખપ તો ઠીક, ઘસરકો પણ લગાડે તેવું કશું ન બન્યું, આખા ઉપક્રમ સાથે સન્માનનિધિ સ્વરૂપે રૂપિયાપૈસા સંકળાયેલા હોવા છતાં, પ્રકાશોત્સવ પ્રકાશભાઈના જીવન-કાર્યને તેમની ઉપસ્થિતિમાં ઉમળકાથી ઉજવવાનો જ ઉત્સવ બની રહ્યો.
***
'સાર્થક સંવાદ શ્રેણી' અંતર્ગત પ્રકાશભાઈ સાથેના સવાલજવાબની પુસ્તિકાનું કામ ઘણા સમયથી ચાલતું હતું. જુલાઇમાં પ્રકાશભાઈનાં પુત્રી ઋતા શાહ આઠ-દસ દિવસ માટે ભારત આવવાનાં હતાં. એ જાણ્યું, એટલે નક્કી થયું કે તે અહીં હોય ત્યારે પુસ્તક પ્રગટ કરી દેવું. એ માટે પૂરતો સમય પણ હતો.
ઘણા વખતથી પ્રકાશભાઈની મોક કોર્ટ યોજવાની વાત મારા મનમાં હતી. ૨૦૦૮માં મારી મોક કોર્ટને અનેક પ્રિયજનો-ગુરુજનોએ મારા માટેનું આજીવન સંભારણું બનાવી દીધી. ત્યારથી એ સ્વરૂપ વિશે-તેમાં રહેલી મઝા વિશે મને ખ્યાલ આવ્યો હતો. પરંતુ મોક કોર્ટમાં જેની પર કેસ ચાલે, તે વ્યક્તિ જાતને જરા હળવાશથી લઈ શકે એવી હોવી જોઈએ. ઉપરાંત મજબૂત પ્રકારની સેન્સ ઓફ હ્યુમર પણ જરૂરી. એ બંને લક્ષણ ન હોય તો મોક કોર્ટ રમુજી-તોફાનીને બદલે હાસ્યાસ્પદ કે બીજા કોઈ પણ ચાલુ અભિવાદન કાર્યક્રમ જેવી ઔપચારિક બની રહે. પ્રકાશભાઈમાં આવું નહીં થાય તેની પૂરી ખાતરી હતી. બલ્કે, મને લાગતું હતું કે પ્રકાશભાઈ મોક કોર્ટ માટેના સૌથી લાયક 'ઉમેદવાર' હતા. વખાણનાં ગાડાંને બદલે તોફાની આરોપબાજીથી રાજીપો અનુભવવા જેટલી આંતરિક સ્વસ્થતા અને રમુજવૃત્તિ પ્રકાશભાઈ ધરાવે છે.
પુસ્તકનું નક્કી થયું એટલે મોક કોર્ટનો વિચાર તાજો કર્યો. સાર્થક પ્રકાશનના સંચાલનના આધારસ્તંભ સમા સાથીદાર કાર્તિકભાઈને વાત કરી. સામાન્ય રીતે સાર્થક પ્રકાશન નિમિત્તે સમારંભો ન કરવા એવું નક્કી કર્યું છે. કારણ કે તેમાં મઝા તો આવે, પણ ખર્ચ ઘણો થાય છે અને સાર્થક પ્રકાશન પાસે એવા વધારાના કે 'ઉપરના' રૂપિયા નથી હોતા. પરંતુ પ્રકાશભાઈની મોક-કોર્ટની વાત જુદી હતી. એ માટે અમે નક્કી કર્યું કે આમથી-તેમથી સહકાર મેળવીને પણ આ કાર્યક્રમ કરવો. પ્રકાશભાઈનાં દીકરીના રોકાણ પ્રમાણે કાર્યક્રમની તારીખ નક્કી કરીઃ ૨૦ જુલાઈ ૨૦૧૯. શનિવાર.
મોક કોર્ટના તોફાન અંગે પ્રકાશભાઈની ઉત્સાહભરી સંમતિ મેળવ્યા પછી સૌથી પહેલો સંપર્ક ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ શાહનો કર્યો. પ્રકાશભાઈ પ્રત્યે ભરપૂર આદર અને લાગણી ધરાવતા અનામિકભાઈએ ધારાધોરણ પ્રમાણે આપી શકાય એટલું કન્સેશન અને કેટલીક અંગત મદદ કરી. એવી રીતે વિદ્યાપીઠનો હીરક મહોત્સવ સભાખંડ બુક કરાવ્યો. ત્યાં સુધી, એટલે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી, ફક્ત મોક કોર્ટ અને પુસ્તક પ્રકાશનનો જ ખ્યાલ હતો. કાર્યક્રમ પાંચ વાગ્યે શરૂ થાય, સાત વાગ્યે પૂરો થાય ને સૌ પોતપોતાના ઘરભેગા.
પરંતુ હોલ નક્કી થઈ ગયા પછી મનમાં આવતા અનેક વિચારોની જેમ વિચાર આવ્યોઃ આટલું કરીએ જ છીએ, તો પ્રકાશભાઈનું સન્માનનિધિ અર્પણ ન કરવો જોઈએ? બીજા સન્માન ઉપરાંત એ નક્કર સન્માન બની રહે.
આ પહેલાં સન્માનનિધિ એકત્ર કરવાના કોઈ પ્રસંગનો જરાસરખો પણ અનુભવ ન હતો. એટલે થોડું વિચારીને એ વિચાર અવ્યવહારુ ગણીને મનોમન ફાઇલ કરી દીધો. બીજા દિવસે કાર્તિકભાઈ સાથેની વાતચીતમાં સહજ તેનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે આ તો કરવું જ જોઈએ.
અગાઉ બીજા કેટલાક વડીલ મિત્રોએ પ્રકાશભાઈનું આ રીતે સન્માન કરવાનું વિચાર્યું હતું. વાત થોડી આગળ પણ વધી હતી. પરંતુ છેવટના અંજામ સુધી પહોંચી શકી નહીં. એ વખતે છેલ્લા તબક્કામાં એક વાર મારી હાજરીમાં પણ વાત થઈ હતી. ત્યારે રૂપિયા કયા નામે એકત્ર કરવા અને તેનો ટેક્સ સહિત બીજી કેવી-કેટલી ટેકનિકલ બાબતોની ગુંચ આવી શકે, તેની ઘણી ચર્ચા થઈ હતી. છેવટે કશો સંતોષકારક નીવેડો ન આવતાં એ વાત વિખેરાઈ ગઈ. આ વખતે કાર્તિકભાઈએ કહ્યું કે રૂપિયા સાર્થક પ્રકાશનના નામે લઈશું. એની ચિંતા ન કરો.
મને તેમાં સૈદ્ધાંતિક રીતે કશો વાંધો લાગતો ન હતો. પણ મજબૂત સેકન્ડ ઓપિનિયન માટે કાર્તિકભાઈને ત્યાંથી જ મેં ચંદુભાઈ મહેરિયાને ફોન કર્યો. તે પરમ મિત્ર. સાચા મિત્ર. આવી બાબતમાં તેમના અભિપ્રાય જરાય શેહશરમ વગરના હોય. કરવા જેવું લાગે તો જ એ હા પાડે. ને આ બાબતમાં તે લીલી ઝંડી આપે તો બીજાના સંભવિત વાંધાની કે કથિત સિદ્ધાંતપિંજણોની હું કશી દરકાર ન કરું.
ચંદુભાઈએ તત્કાળ હા પાડી અને કહ્યું કે આ કરવું જોઈએ. ત્યારથી પ્રકાશોત્સવમાં એક નવું પરિમાણ ઉમેરાયુંઃ સન્માનનિધિ.
***
રૂપિયાપૈસાની વાત આવી, એટલે અમે સાવધ થઈ ગયા. કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી બની. તે પછીથી અમે લેખિતમાં પણ કરી. સૌથી પહેલી સ્પષ્ટતા સાર્થક પ્રકાશનની ભૂમિકા અંગેની. પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટ સાર્થક પ્રકાશનના કાર્યક્રમ હતા, જ્યારે સન્માનનિધિમાં સાર્થકે ફક્ત હિસાબકિતાબની જવાબદારી સંભાળવાની હતી. (એ 'ફક્ત'માં સમાય એટલું ન હતું, એ તો પછીથી કાર્તિકભાઈને ધંધે લાગેલા જોયા ત્યારે વધારે ખ્યાલ આવ્યો) આર્થિક અજ્ઞાનવશ મેં કાર્તિકભાઈને એવો સવાલ પણ પૂછ્યો હતો કે 'જે રૂપિયા સાર્થકના ખાતામાં જમા થાય, તેનું વ્યાજ આવે તેનું શું? આપણે એ ન લઈ શકીએ.’
ત્યારે કાર્તિકભાઈએ હસતાં હસતાં સમજાવ્યું કે 'રૂપિયા સાર્થકના ચાલુ ખાતામાં (કરન્ટ અકાઉન્ટમાં) જમા થશે. તેમાં વ્યાજ ન મળે.’ પણ એ તબક્કે બધી સ્પષ્ટતા જરૂરી હતી. સાર્થક પ્રકાશન આખા ઉપક્રમમાં કશી ખટપટ કે કર્તાભાવ વિના હિસાબ રાખે ને છેવટે પ્રકાશભાઈને તથા સૌ કોઈને હિસાબ આપી દે, એટલે તેનું કામ પૂરું. સન્માનનિધિના મામલે સાર્થકને પારદર્શક-કાર્યક્ષમ વહીવટ સિવાય બીજો કોઈ જશ ન ખપે. નિધિનો ચેક અર્પણ થાય ત્યારે નાગરિક સમાજના સભ્યો પ્રકાશભાઈ સાથે મંચ પર હોય. તેમાં પણ સાર્થક પ્રકાશનના સાથીદારો ન હોય. આટલી સ્પષ્ટતા મનમાં પાકી હતી.
***
સન્માનનિધિ એકત્ર કરવાનો થાય ત્યારે સામાન્ય રિવાજ એવો છે કે સમિતિ બને, તેની મિટિંગો થાય, વધુ મિટિંગો થાય, તેમાં વાંધા પણ પડે, વાતો આડીઅવળી ફંટાય, લોકોના અહમ્ સાચવવા પડે, કાર્યક્ષમતાને બદલે સિનિયોરિટીના ખ્યાલ કરવા પડે...અને એ પછી પણ સંઘ કાશીએ પહોંચે ત્યારે ખરો.
અમારી રાબેતા મુજબની પદ્ધતિ પ્રમાણે, આખા આયોજનમાં શું ન કરવું એ નક્કી હતું. એટલે ધીમે ધીમે ચંદુભાઈના બરાબર મદદ-માર્ગદર્શન-સાથ અને ભરપૂર સક્રિયતાથી એક પછી એક પગલાં શરૂ કર્યાં. સૌથી પહેલાં સન્માનનિધિ માટેની અપીલ તૈયાર કરી. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે વ્યાપક નાગરિકસમાજ દ્વારા ઋણઅદાયગીના નાનકડા પ્રયાસ તરીકે સન્માન નિધિ અર્પણ થવાનો હતો અને સન્માન નિધિ તરીકે કોઈ ચોક્કસ રકમનું લક્ષ્ય નથી. મહત્તમ રકમ એકઠી થાય તેવો આપણો પ્રયાસ રહેશે.
અપીલની નીચે જૂનાં અને જાણીતાં નામ મૂકવાનું ટાળ્યું. એ બધાં આદરણીય વ્યક્તિત્વો છે. તેમનો સહકાર મળશે એવી ખાતરી જ હોય. પરંતુ અમુક ઉંમર પછી એનાં એ જ વૃક્ષોનો કોઠે પડી ગયેલો છાંયડો છોડીને નવી વાવણી કરવાનું જરૂરી હોય છે--વ્યક્તિગત રીતે તેમ જ જાહેર જીવન માટે પણ. બીજી સ્પષ્ટતા એ વાતની પણ હતી કે લોકો સન્માનરાશિ પ્રકાશભાઈ માટેના ભાવથી આપવાના છે. ત્રીજી સ્પષ્ટતા એ કે પ્રકાશભાઈના ખરા પ્રેમીઓ આ કામમાં મદદરૂપ થવા માટે અપીલમાં નીચે પોતાનું નામ નહીં શોધે. કારણ કે એ કંઈ મંત્રીમંડળની યાદી નથી. એ તો પોતાના ભાવથી જ સક્રિય થશે, પોતપોતાના વર્તુળમાં વાત મૂકશે અને તે વાત વધુ લોકો સુધી પહોંચાડશે. અપીલમાં પણ અમે સ્પષ્ટ કર્યું હતું કે અહીં જે થોડાં નામો છે તે આપણાં વ્યાપક નાગરિક સમાજ અને ચાહકોના પ્રતિનિધિત્વનો નાનકડો હિસ્સો છે.
વિવિધ પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને મુકાયેલાં નામ હતાંઃ હસમુખ પટેલ (વિરમપુર), મંદા પટેલ (અમદાવાદ), ચંદુ મહેરિયા (ગાંધીનગર), ઉત્તમ પરમાર (કીમ), વિપુલ કલ્યાણી (બ્રિટન), એ. ટી. સિંધી (પાલનપુર), રમેશ ઓઝા (મુંબઈ), દ્વારકાનાથ રથ (અમદાવાદ), રજની દવે (અમદાવાદ), બિપિન શ્રોફ (મહેમદાવાદ), સંજય શ્રીપાદ ભાવે (અમદાવાદ), સારાબહેન બાલદીવાલા (અમદાવાદ), દીપક સોલિયા (મુંબઈ), મહેન્દ્રસિંહ પરમાર (ભાવનગર), ભરત મહેતા (વડોદરા), ઉર્વીશ કોઠારી (મહેમદાવાદ)
અમારી ભૂમિકા આટલી જ હતીઃ પ્રકાશભાઈથી પરિચિત લોકો સુધી સન્માનનિધિ વિશેની વાત પહોંચાડવી. 'નિરીક્ષક' ઉપરાંત ઇન્દુકુમાર જાનીએ 'નયા માર્ગ'માં અને રજનીભાઈ દવેએ 'ભૂમિપુત્ર'માં પહેલાં અપીલ અને પછીના અંકમાં જાહેર નિમંત્રણ છાપ્યાં. પરંતુ સન્માનનિધિનો મામલો કેવળ જાહેર અપીલથી શક્ય ન બને. એટલે ચંદુભાઈએ, હસમુખભાઈ પટેલે, ઉત્તમભાઈ પરમારે, લંડન બેઠેલા વિપુલભાઈ કલ્યાણીએ, (અપીલની નીચે જેમનું નામ ન હતું એ) હસિત મહેતાએ અને મેં વ્યક્તિગત સંબોધન સાથે વ્યક્તિગત પત્રો, મેઇલ ને ફેસબુક મેસેજથી લોકોને જાણ કરી. અપીલ સાથે હું ફક્ત એટલું જ લખતો હતોઃ 'વાંચીને યથાયોગ્ય કરવા માટે...’ આવો મેસેજ કર્યા પછી કોઈને ફરી યાદ ન કરાવવું એ નક્કી હતું. કેમ કે, આ તો કૃતજ્ઞતા કે આદર કે પ્રેમ વ્યક્ત કરવાની વાત હતી. તેમાં આગ્રહ કે ઉઘરાણી ન હોય.
***
સન્માનનિધિનું નક્કી થયા પછી નક્કી થયેલી અને છેવટ સુધી પાળવામાં આવેલી કેટલીક બાબતોઃ
- જેમને અપીલ મોકલતાં ખચકાટ થાય, પ્રકાશભાઈ પ્રત્યે તેમને ભાવ હશે કે નહીં એવી અવઢવ થાય, તેમને અપીલ ન જ મોકલવી.
- પહેલા ક્રમે પ્રકાશભાઈના સ્વમાનનો-ગરિમાનો-ગૌરવનો અને પછીના ક્રમે આપણા સ્વમાનનો પૂરેપૂરો ખ્યાલ કરવો. માથું કે હાથ નીચાં થાય એવી રીતે કશું જ માગવું નહીં કે લેવું પણ નહીં. કેમ કે, આ નિધિ પ્રકાશભાઈને મદદ કરવાના આશયથી નહીં, જાહેર જીવનમાં તેમના પ્રદાનની કદરના આશયથી છે.
- પ્રકાશભાઈનું નામ પણ ન સાંભળ્યું હોય એવા, 'દાતાઓ'ને મળવું જ નહીં. તેમની પાસેથી રકમ મેળવવાનો તો સવાલ જ નહીં.
- વ્યક્તિગત પત્ર કે મેઇલ મોકલ્યા હોય તેમને પણ ફરી યાદ કરાવીને શરમમાં નાખવાં નહીં.
આ કવાયત શરૂ કરી, ત્યારે એક-બે નજીકના મિત્રોએ પૂછ્યું, 'કેટલું ટાર્ગેટ છે?’ ત્યારે મારો જવાબ હતો, ‘એવું કશું વિચાર્યું નથી ને મનમાં એવો કોઈ આંકડો કે લક્ષ્યાંક પણ નથી. પણ ગૌરવભેર થાય એટલો મહત્તમ પ્રયાસ કરવાનો છે.’ શરૂઆતથી જ કાર્તિકભાઈ સાથે એવી સમજૂતી કરી કે 'છેવટ સુધી હું તમને આંકડો નહીં પૂછું.’ તેમણે કહ્યું, 'તમે પૂછશો તો પણ હું નહીં કહું.’ આ શરત પણ અમે પાળી. જે શનિવારે કાર્યક્રમ હતો તેના ચાર દિવસ પહેલાં, મંગળવારે સવારે કાર્તિકભાઈનો ફોન આવ્યો. તેમણે ફક્ત એટલું જ કહ્યુંઃ સેવન ડિજિટ. (સાત આંકડા)
***
આવો કોઈ પણ ઉપક્રમ હોય, તેમાં અવનવા અનુભવો તો થાય ને થયા પણ ખરા. પરંતુ ચંદુભાઈ સાથે લગભગ રોજ સાંજે-રાત્રે થતી વાતમાં આદાનપ્રદાન થાય, ઘણી ગમ્મત કરીએ, ક્યારેક ખીજ પણ ચડે, લોકોની અવનવી વર્તણૂંકોથી રમુજ થાય ને નવાઈ પણ લાગે. થોડા સમય પછી કોઈ વળી પૂછે કે 'રકમ થઈ ગઈ? ન થઈ હોય તો અમે આપીએ.’ તેમને અમે પોતપોતાની રીતે કહેતા કે આમાં 'રકમ' ને 'થઈ ગઈ' જેવું કશું નથી. તમને ભાવ હોય તો તમને જે ઠીક લાગે તે રકમ આપવાની છે. અપીલમાં અમે સૂચવેલું કે આર્થિક રીતે સ્થિર હોય એવા ઘણા મિત્રો રૂ. પાંચ હજાર આપે છે. એ ઇશારો એવા લોકો માટે હતો, જેમને આર્થિક પ્રશ્ન ન હોય, પણ આંકડો સૂઝતો ન હોય. બાકી, સન્માનનિધિમાં સો રૂપિયા પણ આવ્યા ને અમે બહુ ભાવથી અને આદરથી સ્વીકાર્યા.
થોડા મિત્રો એવા પણ હોય, જેમને અવઢવ હોય કે 'પ્રકાશભાઈને વળી રૂપિયાની શી જરૂર? તેમનો તો નવરંગપુરામાં કરોડોનો બંગલો છે ને લાખોની મિલકત હશે.’ આવું કોઈ પ્રત્યક્ષ પૂછે તો અમે કહેતા હતા કે આ રકમ પ્રકાશભાઈને આર્થિક સહાયનો કાર્યક્રમ નથી. તમને તેમના પ્રત્યે ભાવ હોય, આર્થિક સુવિધા હોય તો તમારો ભાવ નક્કર રકમ આપીને વ્યક્ત કરી શકો છો. તેમાં પ્રકાશભાઈની આર્થિક સ્થિતિ એ કોઈ મુદ્દો જ નથી.
અને ફોર ધ રેકોર્ડ, બંગલો પ્રકાશભાઈના સમૃદ્ધ પિતાએ દાયકાઓ પહેલાં બનાવેલો. પ્રકાશભાઈ સંપત્તિના સર્જનમાં કે વૈભવી જીવનમાં તો ઠીક, આર્થિક સ્થિરતાના ફરજરૂપ લાગે એવા મોહથી પણ તે દૂર રહ્યા છે.
છતાં એકંદર પ્રતિભાવ બહુ સારો હતો, એવું પત્રો-મેઇલના પ્રતિભાવ પરથી અને કાર્તિકભાઈની વાત પરથી લાગતું હતું. કેટલા બધા લોકોએ ઉપરથી અમારો આભાર માન્યો કે તમે પ્રકાશભાઈ પ્રત્યે ભાવ વ્યક્ત કરવાની તક આપી. આખા આયોજનની એ મોટી ઉપલબ્ધિ હતી. પ્રકાશભાઈ પ્રત્યે ભાવ ધરાવતા-તેમની કદર જાણનારા લોકો કેટલી મોટી સંખ્યામાં છે એનો અહેસાસ બહુ આનંદ આપનારો હતો--અત્યારે તો વિશેષ.
(કાર્યક્રમની તૈયારીઓ અને તેની ગતિવિધિનું વર્ણન ધરાવતો ઉત્તરાર્ધ આવતી કાલે)
વાહ
ReplyDelete