૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં તે પહેલાં કેટલાક લોકો ગંભીરતાથી નહીં, પણ વિરોધની અભિવ્યક્તિ તરીકે કહેતા હતા, 'નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો અમે અમેરિકા જતા રહીશું.’ પરંતુ થોડા વખત પછી ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા, ત્યારે ‘અમે અમેરિકા જતા રહીશું’--એવું કહેનારા પાસેથી અમેરિકા પણ છીનવાઈ ગયું. કારણ કે ટ્રમ્પ તો બધાને ટપે એવી ધોરાજી હંકારવા લાગ્યા. અમેરિકાનાં ઉદાર મતવાદી પ્રસાર માધ્યમોથી માંડીને કાર્ટૂનિસ્ટો અને સ્ટેન્ડ અપ કૉમેડિયનો સુધીના સૌ કોઈની ટીકા અને હાંસી પછી પણ ટ્રમ્પ આટલું ખેંચી ગયા.
અમેરિકા જેવા લોકશાહી મૂલ્યોની કદર અને ખુલ્લાપણા માટે, બેરોકટોક અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જાણીતા દેશમાં ટ્રમ્પ જેવો લોકશાહી મિજાજથી વિરોધી વલણ ધરાવતો માણસ પ્રમુખ બની જાય, એને ફક્ત લોકશાહીની નહીં, બદલાયેલા સમયની પણ તાસીર ગણવી રહી. આ સમય એવો છે, જેમાં લોકોની અસલામતી ભડકાવીને, સારપોને બદલે શંકાકુશંકાઓ-દ્વેષ-ધીક્કાર જગાડીને તેમને પોતાની તરફ ખેંચી શકાય છે. સોશ્યલ મિડીયા તેમાં અઢળક ફાળો આપે છે. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી પર 'ફેસબુક' થકી રશિયા અસર પાડી શકે, એવી અસંભવ લાગતી વાત પણ ટૅક્નોલોજીએ અને આગળ લખેલાં પરિબળોએ શક્ય કરી બતાવી છે. રાષ્ટ્રવાદના (‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’) દેખાવ સાથે, દેશભક્તિના નામે ટ્રમ્પ દેશના સામાજિક-ધાર્મિક-લોકશાહી-સહિષ્ણુ પોતને વીંખી શકે છે--અને આ લશ્કરના જોરે ચડી બેઠેલા કોઈ કિમ જોંગ પ્રકારના સરમુખત્યારની વાત નથી, અમેરિકા જેવી ઊંડાં મૂળીયાં ધરાવતી લોકશાહીએ આટલા વર્ષે આપેલા નમૂનાની વાત છે.
ટ્રમ્પવિજયથી ઘણા નાના પાયે, પણ કંઈક એ જ પ્રકારનો અહેસાસ આપે એવી ઘટના ગયા અઠવાડિયે બની. ટ્રમ્પની ટીકામાં અગ્રસર ગણાતા અને લોકશાહી મૂલ્યોમાં-ધીક્કારવિરોધી રાજકારણમાં માનનાર તરીકે પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂ યોર્ક ટાઇમ્સે' નિર્ણય કર્યો કે તે હવે રાજકીય કાર્ટૂન પ્રગટ નહીં કરે. ઉત્તમ ગુણવત્તા અને ટ્રમ્પની ટીકાના મામલે નિર્ભિકતા માટે જાણીતા 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ને આવો નિર્ણય શા માટે લેવો પડ્યો? કારણ કે થોડા સમય પહેલાં તેની આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં એક કાર્ટૂન છપાયું હતું, જેમાં માથે યહુદી ટોપી પહેરેલા અંધ ટ્રમ્પને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ દોરી રહ્યા છે. તેમને શ્વાન સ્વરૂપે દર્શાવાયા હતા, જેની દોરી ટ્રમ્પના હાથમાં હતી. આ કાર્ટૂનથી ભારે ઉહાપોહ થયો. અખબારે દિલગીરી વ્યક્ત કરવી પડી અને સંભવતઃ તેના લાંબા ગાળાના પરિણામ તરીકે, રાજકીય કાર્ટૂનનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
એ મુદ્દે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ની ટીકામાં જતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે તેણે પહેલેથી રાજકીય કાર્ટૂનની પરેજી પાળી છે. તેના રાજકીય કાર્ટૂનિસ્ટ પેટ્રિક શપેતે/Chappatte (ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી) તેની વેબસાઇટ પર આ સમાચાર સાથે મૂકેલી નોંધમાં લખ્યું છે કે 'ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં રાજકીય કાર્ટૂન શરૂ કરાવતાં તેને કેટલી મહેનત પડી. ‘આપણે ત્યાં રાજકીય કાર્ટૂન આવતાં નથી’ એવા ચોખ્ખા જવાબ છતાં પેટ્રિકે પ્રયાસ ચાલુ રાખ્યા. છેવટે અખબારની અમેરિકાની પ્રિન્ટ આવૃત્તિ સિવાય આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં અને તેની વેબસાઇટ પર રાજકીય કાર્ટૂન શરૂ કરાવવામાં પેટ્રિકને સફળતા મળી. વિવાદાસ્પદ બનેલું કાર્ટૂન જોકે પેટ્રિકનું નહીં, અખબારને સિન્ડિકેટેડ સર્વિસમાંથી મળેલું હતું. એટલે કે એ તેના સ્ટાફ કાર્ટૂનિસ્ટે દોર્યું ન હતું કે તંત્રીઓમાંથી કોઈએ દોરાવ્યું ન હતું.
વિવાદ જગાડનાર કાર્ટૂનની ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના ધોરણ પ્રમાણે, તેના જ એક કટારલેખકે ટીકા કરી હતી. પરંતુ કાર્ટૂનની ટીકા કરતી વખતે પ્રત્યાઘાતનું માપ ન રહે ત્યારે ગંભીર સ્થિતિ સર્જાય છે. ભારતમાં એક કાર્ટૂનિસ્ટે નકામાં કાર્ટૂન બનાવ્યાં, ત્યારે યુપીએ સરકારના રાજમાં તેની પર રાજદ્રોહનો કેસ ફટકારી દેવાયો હતો. એ કાર્ટૂન બેશક સ્થૂળ, ભદ્દાં અને કળાતત્ત્વ વગરનાં હતાં. પરંતુ તેના કારણે તે રાજદ્રોહના કેસને લાયક નથી બની જતાં. ફ્રેન્ચ વ્યંગપત્ર ‘શાર્લી એબ્દો’ના કાર્ટૂનિસ્ટોને ધાર્મિક લાગણી દુભાવવા બદલ મારી નાખવામાં આવે, ત્યારે અપ્રમાણસરના પ્રત્યાઘાતની કરુણતાનો વરવો પરચો મળ્યો. મમતા બેનરજી પણ એ યાદીમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યાં છે. તેમના વિશેનું એકંદરે નિર્દોષ કહેવાય એવું કાર્ટૂન ફોરવર્ડ કરવા બદલ એક અધ્યાપક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આવા પ્રસંગો બને ત્યારે તેને 'કાર્ટૂનિસ્ટોની સ્વતંત્રતા પર તરાપ' તરીકે જોવામાં આવે છે. પણ ન્યૂ યોર્ક ટાઇમ્સના રાજકીય કાર્ટૂનિસ્ટ તરીકે હમણાં સુધી કામ કરનારા પેટ્રિકે 'ટેડ ટોક’માં કહ્યું હતું તેમ, આ સવાલ કાર્ટૂનિસ્ટોની નહીં, આપણી સૌની-નાગરિકોની અભિવ્યક્તિ પર તરાપનો હોય છે. કેમ કે, ઘણા લેખકોની અને ખાસ તો કાર્ટૂનિસ્ટો અભિવ્યક્તિ સ્વતંત્રતા કેવળ 'કળા ખાતર કળા' માટે નથી હોતી. તેમની વિરોધ અભિવ્યક્તિ પ્રવાહ સાથે તણાતા લોકોને વિચારતા કરવા માટેની હોય છે.
એ ખરું કે રાજકીય છાવણીઓના જમાનામાં કાર્ટૂન જેવી લોકશાહી ચીજનો ઉપયોગ લોકશાહી મૂલ્યોને પરાસ્ત કરવાના અને ધીક્કાર ફેલાવવાના હેતુ માટે પણ કરી શકાય છે. લેખકોની જેમ કાર્ટૂનિસ્ટો પણ સત્તાધીશોનાં ચાવીવાળાં રમકડાં બની શકે છે. એ બાબતમાં ભારતની સ્થિતિ હજુ સુધી તો સારી રહી છે. આર. કે. લક્ષ્મણ જેવી સર્વવ્યાપી નામના ધરાવતા કાર્ટૂનિસ્ટ અત્યારે ભલે કોઈ ન હોય (તેમની એવી નામના માટે ગુણવત્તા ઉપરાંત બીજાં પણ કારણ જવાબદાર હતાં), છતાં હેમંત મોરપરિયા, સતીશ આચાર્ય, મંજુલ, કેશવ, સુરેન્દ્ર જેવા બીજા ઘણા કાર્ટૂનિસ્ટો ઉત્તમ અને ધારદાર રાજકીય કાર્ટૂન બેરોકટોક આપી રહ્યા છે. તેમની મુશ્કેલીઓ હશે જ, છતાં બહારની વ્યક્તિ તરીકે-કાર્ટૂનના ભાવક તરીકે એનડીએ સરકારમાં કાર્ટૂનિસ્ટો પર ધોંસ ઉતરી હોય એવું જણાતું નથી. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે લક્ષ્મણનાં નિર્દોષ લાગે તેવાં કાર્ટૂન પણ સેન્સરની અડફેટે ચડી જતાં હતાં અને એ જ અરસામાં અબુ અબ્રાહમે કેટલાંક યાદગાર કટોકટીવિરોધી કાર્ટૂન પણ દોર્યાં હતાં.
સામાન્ય રીતે એવું મનાય કે બ્રિટન-અમેરિકાની સરખામણીમાં ભારત કાર્ટૂનક્ષેત્રે પછાત છે. અમેરિકામાં જે પ્રકારે હાસ્યવ્યંગના અનેક પ્રકારો અને મોટો પટ છે, એવું ભારતમાં નથી. ‘મૅડ’ જેવા તોફાની, પરંપરાભંજક અને બેફામ છતાં મૌલિક સામયિકની કલ્પના ભારતમાં ન થઈ શકે. તેમ છતાં, અમેરિકામાં અને તે પણ 'ન્યૂ યોર્ક ટાઇમ્સ' જેવા અખબારમાં રાજકીય કાર્ટૂન બંધ કરવાનો નિર્ણય જાહેર થાય, ત્યારે ભારતમાં રાજકીય કાર્ટૂનોની તેજી ચાલતી હોય તે હકીકત, ટ્રમ્પના અમેરિકાએ ભારત માટે પુરા પાડેલાં (સરખામણી કરીને) રાજી થવાનાં કારણોમાં વધુ એકનો ઉમેરો કરે છે.

No comments:
Post a Comment