Kanaiyalal Munshi / કનૈયાલાલ મુનશી (courtesy : Life) |
ભારતીય વિદ્યા ભવનના કુલપતિ મુનશીને ૧૯૫૨માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે અલાહાબાદ જવાનું થયું. ત્યાંથી ભવનના વિદ્યાર્થીઓ-સાથીઓને ઉદ્દેશીને અંગ્રેજીમાં પત્રો લખવાનો સિલસિલો તેમણે શરૂ કર્યો. ૧૯૬૧માં ‘સમર્પણ’ શરૂ થતાં કુલપતિના પત્રો ગુજરાતીમાં પણ છપાવા લાગ્યા. મોટા ભાગના પત્રોનો અનુવાદ ‘સમર્પણ’ના તત્કાલીન તંત્રી હરીન્દ્ર દવેએ કર્યો હોવાની નોંધ ઘનશ્યામ દેસાઇલિખિત પ્રસ્તાવનામાં છે. મુનશીના જાહેર પત્રોનું આ દળદાર પુસ્તક ૭૨૦ પાનાંમાં પથરાયેલું છે અને તેમાં ફક્ત આઠ વર્ષના (૧ ફેબ્રુઆરી, ૧૯૬૨થી ૧૧ ઓક્ટોબર, ૧૯૭૦)ગાળામાં મુનશીએ લખેલા ૧૬૦ પત્રો સમાવવામાં આવ્યા છે. મુનશીની વયના હિસાબે ગણીએ તો, તેમણે ૭૪ વર્ષથી ૮૨ વર્ષ સુધીની અવસ્થાએ લખેલા પત્રો. આ ઉંમર ભલભલા લોકો માટે જોખમી હોઈ શકે છે. કારણ કે નાનાભાઈ ભટ્ટ જેવા કેટલાક અપવાદોને બાદ કરતાં આ ઉંમરે વૈચારિક સ્પષ્ટતાઓમાં ગોટાળા વળે અને જીવનભરના રસ્તા કરતાં જુદા માર્ગે દોરવાઈ જવાય, એવા ઘણા કિસ્સા જોવા મળે છે.
મુનશીના કિસ્સામાં એવું બન્યું નથી. પરંતુ અગાઉ તેમનામાં જોવા મળેલાં કેટલાંક વલણ વધારે દૃઢ બન્યાં છે. પુસ્તકમાં રહેલાં સત્તાવાર લખાણોની ઓળખ પત્રો તરીકેની છે, પણ એ જાહેર પત્રો છે. એટલે સંબોધન-લિખિતંગ સિવાયની બાબતમાં એ તત્ત્વતઃ લેખ છે - એક કુલપતિએ વિદ્યાર્થીઓને-સંસ્થાના સાથીઓને સંબોધીને લખેલા લેખ. તેમાં પત્રોમાં અપેક્ષિત હોય એવી અંગતતા, ઉષ્મા કે અનૌપચારિકતા નથી. મનન, મતપ્રચાર અને ઉપદેશનો ખાસ્સો ભાર છે. આ પ્રકારમાં પત્ર લખનાર પોતે વ્યાસપીઠ પર હોય છે અને દરેક પત્ર દ્વારા તે સામે રહેલા અદૃશ્ય વાચકવર્ગ પર ચોક્કસ માન્યતાઓ-મૂલ્યોની છાપ પાડવા કોશિશ કરે છે.
ગ્રંથસ્થ પત્રોમાં વિષયનાં અને ઘણી વાર તો મુદ્દા-પેટામુદ્દાનાં પુનરાવર્તનનો પાર નથી. ઘણા પત્રોમાં અભ્યાસીના સ્વાધ્યાય કે વિશ્લેષકના નીરક્ષીરવિવેકને બદલે મઠાધીશનો મતપ્રચારોત્સાહ વધારે દેખાય છે. પત્રોમાં વારંવાર આવતા મુનશીના કેટલાક પ્રિય વિષય છેઃ ઇતિહાસપુરૂષ તરીકે શ્રીકૃષ્ણ, ગાંધીજીનું આધ્યાત્મિક દૃષ્ટિકોણથી નિરૂપણ, સનાતન ધર્મ, વર્ણાશ્રમનો મહિમા, મુસ્લિમ આક્રમણના સંદર્ભે જ્ઞાતિપ્રથા દ્વારા સંસ્કૃતિનું રક્ષણ, રાષ્ટ્ર કયા ઘટકોથી બને છે, પાશ્ચાત્ય સમાજની સરખામણીએ ભારતીય કુટુંબસંસ્થા-લગ્નસંસ્થાનો જયજયકાર, શ્રી અરવિંદ પ્રત્યેનો અહોભાવ, સત્ય સાંઇબાબા પ્રકારનાં વ્યક્તિત્વો વિશે ભરપૂર આદર, અંધશ્રદ્ધા ન લાગે એવી સભાનતાથી વ્યક્ત કરાતો ચમત્કારોનો સ્વીકાર-પુરસ્કાર, ‘નક્કર વિગતો’ના આધારે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની ઉત્તમતા સિદ્ધ કરવાનો પ્રયાસ, (જેમાં વિગતોની પસંદગી અને તેની ‘નક્કરતા’નો ખ્યાલ મુનશીનો પોતીકો હોય), ભારતમાં અહિંસાની નહીં પણ યુદ્ધની લાંબી-ઉજ્જવળ પરંપરા, ભાષાવાર વિભાજનને કારણે દેશની અખંડિતતા સામે ઊભો થયેલો ખતરો, દેશના રાજકીય તંત્રના પ્રશ્નો, બંધારણ અને સંસદીય લોકશાહીની આંટીઘૂંટી, બંધારણમાં કરાયેલા ફેરફાર, સામ્યવાદ અને સામ્યવાદીઓનો તીવ્ર વિરોધ, નાસ્તિકતાના પર્યાય જેવી બિનસાંપ્રદાયિકતા સામેનો વાંધો...
આ વિષયોમાં મુનશીના ઘણા વિચાર ચર્ચાસ્પદ છે, તેની સરખામણીમાં મુંબઈનાં અદાલતી જીવનનાં સંભારણાં, નવલકથાકાર તરીકેની કેફિયત- માન્યતાઓ તથા કેટલાંક વ્યક્તિચિત્રો અત્યંત રસપ્રદ છે. અલબત્ત, નર્મદના શબ્દચિત્ર જેવાં નિરાંત, સઘનતા અને વિશ્લેષણયુક્ત અવલોકનો બીજાં વ્યક્તિચિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. જેમ કે, ‘નર્મદે પોતાને ભવ્ય લાગ્યા એવા પ્રસંગો અને વિષયોને ગાવા પ્રયત્ન કર્યો, પરંતુ કલાત્મક સૌંદર્ય હંમેશાં તેની પકડમાંથી છૂટી જતું અને તેનો અહંકેન્દ્રિત મિજાજ તેને કૃત્રિમ વીરત્વનાં વલણો ભણી દોરી જતો.,’ રાજગોપાલાચારી કે રાજેન્દ્રબાબુ જેવા સાથીદારો વિશે લખતી વખતે મુનશી પાસે જે પ્રકારની આંતર્દૃષ્ટિની અને અંદરની વાતોની અપેક્ષા હોય એ સંતોષાતી નથી. મૃતકોને અંજલિ તરીકે લખાયેલાં ઘણાં શબ્દચિત્રોમાં ઔપચારિકતાનો રંગ ઘાટો છે.
બાકી, મુનશી થોડા લસરકામાં પણ કેવું ચિત્ર ખડું કરી શકે એનો ખ્યાલ ભરૂચની હાઇસ્કૂલના આસિસ્ટન્ટ ઉત્તમરામ માસ્તરની વાત પરથી આવે છે. (જુલાઇ ૫, ૧૯૭૦) ઉત્તમરામ માસ્તરનો તકિયાકલામ ‘લે ભાઇ લે’, વિદ્યાર્થીની કાનની બૂટ પકડવાની તેમની રીત અને બાળક કનૈયાના વિકાસમાં તેમણે લીધેલો રસ મુનશીએ એવી રીતે આલેખ્યાં છે કે ઉત્તમરામ માસ્તરને પ્રત્યક્ષ મળ્યાનો અહેસાસ થાય. મુંબઇના ન્યાયાધીશો-વકીલોની લાક્ષણિકતા અને અદાલતી કાર્યવાહી વિશેનાં મુનશીનાં વર્ણન તેમની આત્મકથાના વાચન જેવો આનંદ આપે છે.
ગાંધીજીને ભલે ગમે તેટલી સાચી રીતે, પણ કેવળ અધ્યાત્મના ચોકઠામાં બેસાડવાનો તેમનો વારંવારનો ઉદ્યમ ગાંધીજીના બહુઆયામી વ્યક્તિત્વનો વ્યાપ ઓછો કરનારો લાગે છે. ગાંધીજીના મૃત્યુપ્રસંગનું તેમણે પહેલા પુરૂષ એકવચનમાં કરેલું વર્ણન (ફેબ્રુઆરી ૨, ૧૯૬૯) ઝીણી ઝીણી વિગતોથી સભર છે. તેમાં વાચકને એ પણ જાણવા મળે છે કે ગાંધીહત્યા પછી બિરલાહાઉસમાં કુટુંબનો કોઇ સભ્ય હાજર ન હોવાથી મુનશી ‘જાતે નિયુક્ત કરેલા વ્યવસ્થાપક’ બન્યા, ભવિષ્યમાં સ્મારક રચી શકાય એવું અગ્નિસંસ્કાર માટેનું સ્થળ પસંદ કરવા પણ એચ.એમ.પટેલ અને એક લશ્કરી અધિકારી સાથે એ ગયા હતા અને ‘અમે ગાંધીજીના દેહને ટ્રકમાં મૂક્યો.’
સરદાર સાથે મુનશીની નિકટતા બહુ જાણીતી હતી. છતાં, સરદાર વિશેના તેમના લખાણોમાં એવી એક પણ વધારાની કે અંતરંગ વાત જાણવા મળતી નથી, જે સરદારનું ચરિત્ર વાંચનાર ન જાણતા હોય. આ પ્રકારના લેખોમાં જાણીતી વિગતોની બાહ્યરેખાઓ મળે છે, પણ નવલકથાકાર મુનશીની ખાસિયત ગણાતું સબળ પાત્રાલેખન અને તેને ઉપસાવનારા ઓછા જાણીતા-અજાણ્યા પ્રસંગો-ઘટનાઓ મોટે ભાગે ગેરહાજર છે. એ માટે ઉંમર અને સમયની પ્રતિકૂળતાથી માંડીને ઘણાં પરિબળો કારણભૂત હોઈ શકે. તેમ છતાં, ભક્તિભાવપૂર્વક નહીં, પણ ખુલ્લા મને વાંચવાની અને એ અવસ્થાના મુનશીને જાણવાની સામગ્રી તરીકે આ પત્રસંગ્રહ વિશિષ્ટ છે. તેમાંથી મુનશીની ઉત્તરાવસ્થાના નહીં લખાયેલા જીવનચરિત્રના કેટલાક છેડા મળી રહે છે.
No comments:
Post a Comment