મુંબઈની ટિકિટને 'શ્રી મોહમયીની મૂલ્યપત્રિકા' અને સ્ટેશનને 'અગ્નિરથવિરામસ્થાન' જેવા 'શુદ્ધ' શબ્દોના આગ્રહી પાત્ર તરીકે ભદ્રંભદ્ર ગુજરાતી વાચકોમાં વિખ્યાત છે. ભદ્રંભદ્ર માટે યવન-આંગ્લ (અંગ્રેજી) ભાષાના શબ્દો ત્યાજ્ય હતા. એટલે પરભાષાના શબ્દો ગમે તેટલા પ્રચલિત હોય તો પણ એ તેના સંસ્કૃતમય પર્યાય નીપજાવીને જ રહે –- ભલે એ બોલતાં જીભનો ગોટો કેમ ન વળી જાય.
ભદ્રંભદ્ર (મુખપૃષ્ઠ ચિત્રાંકન : રવિશંકર રાવળ) |
Ramanbhai Neelkanth / રમણભાઈ નીલકંઠ |
આવાં ઘણાં કારણસર પુસ્તક પ્રગટ થયું ત્યારે જેટલો આવકાર એટલી જ ટીકા પણ પામ્યું. ગુજરાતી પહેલી હાસ્યનવલકથા તરીકે તે પોંખાયું, તો વ્યક્તિલક્ષી ટીકાઓને કારણે પીંખાયું પણ ખરું. રમણભાઈ નીલકંઠની પછીની પેઢીના હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેએ ઉપોદઘાતમાં નોંધ્યું છે તેમ, આનંદશંકર ધ્રુવે 'ભદ્રંભદ્ર'ને છેક ઉતરતી પંક્તિનું ગણી કાઢ્યું હતું.
'ભદ્રંભદ્ર'ના આગમનથી સુધારાની અને પરંપરાની છાવણીઓ વચ્ચેના યુદ્ધનો નવો રાઉન્ડ શરૂ થયો. તેમાં માધ્યમ તો શબ્દોનું જ હતું, પણ તેનું સ્વરૂપ ચર્ચાપત્ર કે લેખનું નહીં, આખેઆખા પુસ્તકનું હતું. તેના લેખક હતા ત્રવાડી અંબાલાલ નરસિંહલાલ, જે 'વિદ્યાર્થી જીવન' સામયિકના પ્રકાશક પણ હતા. તેમણે ૧૯૦૨માં 'ભ્રમણચંદ્ર : ભદ્રંભદ્રનો ભેદ અથવા આંધળાનો ગોળી બહાર' એ નામે ૨૩૬ પાનાંનું પુસ્તક ફટકારી દીધું. તેમાં 'ભદ્રંભદ્ર'ના લેખક રમણભાઈના નામની પૅરડી 'ભ્રમણચંદ્ર' તરીકે અને 'ભદ્રંભદ્ર'ની કથા કહેનાર રા. અંબારામને બદલે 'રા. અંધારામ' કરવામાં આવ્યું. તેની પ્રસ્તાવનામાં એવી ચીમકી પણ આપવામાં આવી હતી કે વાચકોને આ પસંદ પડશે તો તેના એક પછી એક પુસ્તકો બહાર પડશે.
આ પુસ્તકમાં રમણભાઈ નીલકંઠ પર વ્યક્તિગત પ્રહાર કરવાના જોશમાં તેમનાં વિદૂષી પત્ની વિદ્યાગૌરી નીલકંઠને પણ ભેળાં લઈ લેવાયાં. પુસ્તકમાં તેમનું નામ 'નિવેદ્યા' રખાયું હતું. આ દંપતિને અંગ્રેજઘેલું દર્શાવાયું હતું અને રમણભાઈને અંગ્રેજીમિશ્રીત ગુજરાતી બોલતા બતાવાયા. જેમ કે, રમણભાઈને વિદ્યાબહેનને 'માય લવ' તરીકે સંબોધતા હોય, નિવેદ્યા તેમને દારૂ પીવા માટે આગ્રહ કરતાં હોય અને પોતે પણ દારૂ પીતાં હોય તથા ભ્રમણચંદ્ર દારૂ પીને બેભાન તઈ જતા હોય એવાં દૃશ્યો પહેલા જ પ્રકરણમાં રચવામાં આવ્યાં હતાં. સાથોસાથ, 'ભદ્રંભદ્ર'ની કથા કહેનાર અંબારામ કેવળરામ મોદકીયા રમણભાઈ જ છે, એ રહસ્ય ખોલવાનો દાવો પણ પુસ્તકમાં કરાયો હતો.
દેખીતી રીતે જ, આ પુસ્તકના લખનાર પાસે રમણભાઈ નીલકંઠ જેવી લેખનપ્રતિભા, હાસ્યશક્તિ કે બૌદ્ધિકતાના ચમકારા ન હોવાથી તેમનું પુસ્તક અંગત પ્રહારોમાં રાચનારું અને અશોભનીય-ગરિમાહીનના અર્થમાં અશ્લીલ-ભદ્દું બનીને રહી ગયું. પરંતુ વાત ત્યાં પૂરી ન થઈ. ભદ્રંભદ્રવિરોધી પુસ્તકથી ઉશ્કેરાઈને એ જ વર્ષે મોતીલાલ છોટાલાલ વ્યાસે વળતા પ્રહાર તરીકે એક પુસ્તક ધમધમાવી દીધું. તેનું નામ રાખ્યું : ‘ભદ્રંભદ્રના ભેદુનો ભવાડો અને સુધારાની ફત્તેહ'. તેના આરંભે જ લેખકે ચોખવટ કરી દીધી કે આ પુસ્તક શુષ્ક-નીરસ, નીતવિરુદ્ધ કે અશુદ્ધ-અસભ્ય હોય તો પણ તે યોગ્ય જ છે. કારણ કે આ પ્રસંગ એવો છે. ૧૭૦ પાનાંના આ પુસ્તકના લેખક મોતીલાલે વેરની વસૂલાતના ધોરણે અગાઉના પુસ્તકના લેખક ત્રવાડી અંબાલાલ નરસિંહલાલ પરથી પાત્રનું નામ 'ત્રવાડી પંપાલાલ વાનરસિંહ' પાડ્યું. (એ વખતે અટક નામની પહેલાં બોલવી કે છેલ્લે, એ પણ તકરારનો મુદ્દો હતો. પરંપરાવાળા અટક પહેલી બોલે ને અંગ્રેજી સુધારાવાળા છેલ્લે. ) તેમનાં પત્નીનું પાત્ર લઈ આવ્યા અને પત્નીના મોઢે પતિની ખોદણી કરાવી.
ભદ્રંભદ્રના અનુકરણ તરીકે અને તેના આઘાત-પ્રત્યાઘાતમાં લખાયેલાં બંને પુસ્તકોમાં પણ વખાણ દ્વારા ટીકાની શૈલી (વ્યાજસ્તુતિ) વપરાઈ હતી. પરંતુ ભદ્રંભદ્રના લેખક પર અંગત પ્રહારો કરવા માટે લખાયેલું અને એવું પ્રહારાત્મક લખનારની અભદ્ર ટીકા કરવા માટે લખાયેલું પુસ્તક —એ બંનેમાં 'ભદ્રભદ્ર'ની એકેય ખૂબી ન હતી અને તેની મર્યાદાઓ અનેક ગણી વધીને-વકરીને આવી હતી. તેથી 'ભદ્રભદ્ર' તેના બધી મર્યાદાઓ છતાં સર્જનની એક સદી પછી ફક્ત વાચકોને જ નહીં, હાસ્યલેખકોને પણ આકર્ષતું રહ્યું છે. તેની પરથી છેલ્લા બે-એક દાયકામાં ઓછામાં ઓછાં ત્રણ અનુસર્જનો થયાં છે, જેમાં ભદ્રંભદ્રના પાત્રને વર્તમાન સમયમાં ઉતારાયું હોય. આ પુસ્તકની કેટલીક મર્યાદાઓની વાત કરતાં જ્યોતીન્દ્ર દવેએ તેમની માર્મિક શૈલીમાં નોંધ્યું છે તેમ, ' ભદ્રંભદ્ર દ્વારા રમણભાઈ નીલકંઠે એક કાંકરે બે પંખી મારવાનો પ્રયાસ કર્યો છે. તે હાસ્યસર્જનની સાથે સુધારાની પ્રવૃત્તિને પણ વેગ આપવા ઇચ્છે છે. પણ એમ કરવા જતાં કેટલીક વાર એ બેમાંનું એક પક્ષી ઊડી જાય છે ને ઘણી વાર એ ઊડી જનાર તે ચકોર વિનોદપંખી હોય છે.’
આટલું કહ્યા પછી પણ જ્યોતીન્દ્ર દવેએ લખ્યું છે તેમ, 'મહાનુભાવ ભદ્રંભદ્ર ડોન ક્વિકઝોટ, પિક્વિક્, ફૉલસ્ટાફ જેવા અમરજનોની પંગતમાં વિરાજે છે’, જ્યારે તેમના પગલે લખાયેલાં પુસ્તકો ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં 'ભદ્રંભદ્ર'ના પડછાયામાં ફુદડીવત્ બનીને રહી ગયાં છે.
આ બંને પુસ્તકો બાબતે સાવ અજાણ હતો. હવે વાંચવાની ઈચ્છા થઈ ગઈ. જો કે એ ઈચ્છા ખણખોદિયાપણાની સૂચક છે, કુતુહલની નહીં.
ReplyDeletesome thing new to know about Bhadrmbhadra and post bhadrambhadra show.those two books are lost in the long span of time, but Bhadrambhadra is still very much alive, that shows it's greatness and popularity.
ReplyDelete