સ્ત્રીના અધિકારોની, ખાસ કરીને શરીરને લગતા અધિકારની વાત કરતી કોઈ પણ કૃતિ ચર્ચાસ્પદ બને છે-- પછી તે ફિલ્મ હોય, નવલકથા હોય કે કવિતા. ‘આપણી સંસ્કૃતિ’માં સ્ત્રીને કેટલી મહાન- લગભગ દેવીસ્વરૂપ ગણવામાં આવી છે એની વાતો હોંશેહોંશે થાય છે ને તેની 'પવિત્રતા'ની છબીમાં ઘસરકો સરખો પડે, ત્યારે કકળાટ મચે છે. એ જ સમીકરણ પ્રમાણે, સ્ત્રી પર બળાત્કાર થાય ત્યારે તેનું 'સર્વસ્વ' લૂંટાઈ ગયું, એવું કહેવાય છે. તેમાં શરમ અને કલંકનો બધો ભાર સ્ત્રી પર આવે છે. છતાં, સમાજના બહુમતી વર્ગને તેમાં કશો વિરોધાભાસ લાગતો નથી. બળાત્કારની ચર્ચા વખતે માહોલ એવો ઉભો થાય છે, જાણે સ્ત્રીએ પોતાની કોઈ કિમતી ચીજને કાયમ માટે અને ભરપાઈ ન થઈ શકે એ રીતે ખોઈ નાખી.
બીજી તરફ, પુરુષો દ્વારા નાના છોકરાઓથી માંડીને યુવાનોના જાતીય શોષણના કિસ્સા વખતોવખત જાહેર થતા રહે છે. કેટલીક ખ્રિસ્તી ધર્મસંસ્થાઓમાં આવા શોષણ અને માફીનો સિલસિલો વિશ્વસ્તરે ગવાયેલો છે. કોઈ એક ધર્મને તેમાં અલગ પાડવાનો સવાલ નથી. કેમ કે, મુદ્દો ધર્મનો નહીં, પ્રાકૃતિક વૃત્તિના દમન અને બમણા વેગે તેના ઉછાળાનો વધારે હોય છે. પરંતુ આવા સમાચાર આવે ત્યારે કોઈ એમ નથી કહેતું કે એ ભાઈનું (પુરુષનું) સર્વસ્વ લૂંટાઈ ગયું. શારીરિક બળજબરી ને બળાત્કાર અત્યંત ગંભીર ગુના હોવાનું મુખ્ય કારણ એ છે કે તે વ્યક્તિના શરીર પર તેની પોતાની માલિકીના મૂળભૂત અધિકારનો હિંસક રીતે ભંગ કરે છે. આ સમજ પ્રમાણે જોતાં, ભોગ બનનાર સ્ત્રી હોય કે પુરુષ, ગુનો એકસરખો ગંભીર ગણાય.
પરંતુ આપણે જાણીએ છીએ કે પુરુષપ્રધાન સમાજની વાસ્તવિકતા જુદી છે. સ્ત્રી પર થતા બળાત્કાર કે શારીરિક અત્યાચારના કિસ્સામાં તથાકથિત સમાજને અડતો મુદ્દો સ્ત્રીના ગૌરવભંગનો કે તેના અધિકારભંગનો નથી. આખી ઘટનાને એ રીતે જોવા-તપાસવામાં આવે છે, જાણે સ્ત્રીએ ગુમાવેલી 'ચીજ' તેની પોતાની નહીં, પણ બીજા કોઈની (તેના પતિની) મહામૂલી અમાનત હતી અને સ્ત્રી તેનું રક્ષણ કરી શકી નહીં. સ્ત્રીને કેવા માનસિક ત્રાસમાંથી પસાર થવું પડ્યું તેની થોડીઘણી વાત થાય છે, પણ ઇજ્જત, આબરૂ, સર્વસ્વ જેવા ભારેખમ શબ્દો તેની સાથે જોડી દેવાથી આખરે શું સિદ્ધ થાય છે? એ જ કે સ્ત્રીની ઇજ્જત-આબરૂ-સર્વસ્વ તેના આખેઆખા વ્યક્તિત્વની બીજી કોઈ બાબત સાથે નહીં, ફક્ત તેના શરીર સાથે જ સંબંધિત છે. ખરાબ લાગે એવા, પણ સાચા શબ્દોમાં આ વાતનો અનુવાદ થાયઃ સ્ત્રી બરાબર એનું શરીર, બસ.
ગામડાની કે શહેરની, દેશી કે વિદેશી, ભણેલી હોય કે અભણ,--સ્ત્રી કોઈ પણ હોય, તે શરીરને પોતાનું સર્વસ્વ નહીં માનતી હોય. સિવાય કે એ પુરુષપ્રધાન સમાજના ચોકઠામાં બરાબર ગોઠવાઈને એવી જ માનસિકતા ધરાવતી બની ગઈ હોય. (હા, સ્ત્રીઓ પણ પુરુષપ્રધાન માનસિકતાવાળી હોઈ શકે છે.) પરંતુ સ્ત્રીઓ શરીરને બીજા કોઈની નહીં, પોતાની માલિકીનું ગણતી થઈ જાય, એ પુરુષસત્તાક માનસિકતાને શી રીતે પરવડે?
શરીર સ્ત્રીનું સર્વસ્વ છે એ માન્યતા પરાધીનતા પ્રેરનારી છે. તો પછી સ્ત્રીઓ આવી ગુલામીપૂર્ણ માનસિકતા ફગાવી ન દે તેના માટે શું કરવું? તેના એક ઉપાય તરીકે સ્ત્રીની પવિત્રતાનો ખ્યાલ વહેતો મુકાયો હશે. બાકી, ઈશ્વરમાં માનતા લોકો માટે સ્ત્રી હોય કે પુરુષ, બંને ઈશ્વરનાં જ સંતાન ગણાય. તો પછી સ્ત્રી વધારે પવિત્ર એવું શી રીતે બને? પરંતુ સ્ત્રીઓ વિશે લખવાનું-બોલવાનું આવે ત્યારે તેમને પવિત્ર અને દેવીસમાન ગણાવ્યા કરવાની. એટલે ગુલામી ગૌરવમાં ખપી જાય. અને સ્ત્રીઓ સાથે વર્તન કરવાનું આવે ત્યારે તેમને માણસને બદલે ફક્ત શરીર તરીકે લેખવાની. જાણે, શરીર અને તે પણ જાતીયતા સિવાય સ્ત્રીની કશી હસ્તી જ નથી. એ જ તેનું 'સર્વસ્વ' છે.
પુરુષસત્તાક સમાજમાં પુરુષો જેની પર માલિકીહક કરી શકે અને વખત આવ્યે જેને તાળાચાવીમાં પણ રાખી શકે, એ જ સ્ત્રીનું 'સર્વસ્વ'. એનો ભંગ થાય એટલે અત્યાચાર વેઠનારનું જે થવું હોય તે થાય, પણ 'માલિક' નારાજ થઈ જાય. 'માલિક'ને એ સ્ત્રી અપવિત્ર લાગવા માંડે. સ્ત્રી માટેની માલિકીનો આ ભાવ 'ખાનદાનકી ઇજ્જત' જેવા રૂપાળા શબ્દપ્રયોગો દ્વારા પણ વ્યક્ત થતો રહે છે. એ જ કારણથી હુલ્લડો હોય કે યુદ્ધો, તેમાં સ્ત્રીઓને મહત્તમ વેઠવાનું આવે છે. આક્રમણકારીઓ કેવળ જાતીય હેતુ માટે નહીં, પણ સામેના પક્ષની કે દેશની મિલકત લૂંટવાના ઝનૂનથી સ્ત્રીઓ પર અત્યાચારો ગુજારે છે. એ વખતે તેમના માટે સ્ત્રી માણસ નથી હોતી, સામેના પક્ષની મિલકત હોય છે. અને એ એક બાબતે શત્રુપક્ષો પણ એકબીજા સાથે સંમત હોય છે.
સ્ત્રીશરીરને તેના પતિની માલિકીનું ગણવાના 'સંસ્કાર'ને આદર્શ લેખવામાં આવે છે. એટલે ભૂતકાળમાં જ્યારે પણ લગ્ન પછી પતિ દ્વારા થતા બળાત્કારનો મુદ્દો છેડાય, ત્યારે તેના ઝાઝા લેવાલ મળતા નથી. સ્ત્રીનાં કુટુંબીજનોથી માંડીને ઘણા કિસ્સામાં સ્ત્રી પોતે પણ એવું માની બેસે છે કે તેનું શરીર સંપૂર્ણપણે તેના પતિની માલિકીનું છે. વાસ્તવમાં શરીર પર બીજા કોઈની નહીં, તેમની માલિકી છે, એવું સ્ત્રીને કદી કહેવામાં આવતું નથી. 'પારકી થાપણ' જેવા કરુણમધુર શબ્દપ્રયોગોથી માંડીને બીજા અનેક શબ્દપ્રયોગો અને સતીત્વનો મહિમા કરતી પરંપરાઓ સ્ત્રીને એવું જ સૂચવે છે કે તેમણે ભાવિ પતિ માટે જાતને જાળવી રાખવાની છે-- લગ્ન પહેલાં પ્રતીક્ષામાં અને લગ્ન પછી ફરજપાલનમાં.
તો શું છોકરીઓએ સ્વચ્છંદ થઈ જવાનું? પોતાનું શરીર ગમે ત્યાં ફેંકતા ફરવાનું? ગમે તેની સાથે સંબંધો બાંધવાના?-- એવા સવાલ ઉગ્રતાપૂર્વક પૂછી શકાય. તેનો જવાબ બહુ સાદો છે. છોકરીઓને કેટલીક પાયાની બાબતો સમજાવવાનું ખાસ જરૂરી છેઃ તેમના શરીર પર તેમની માલિકીની છે. તેમનું શરીર કોઈની અમાનત નથી. તે પવિત્ર પણ નથી ને અપવિત્ર પણ નથી. તેમણે શરીરનું ધ્યાન બીજા કોઈના માટે નહીં, પોતાના ગૌરવ અને સ્વમાન માટે રાખવાનું છે. અને હા, શરીર તેમનું સર્વસ્વ તો નથી, નથી અને નથી જ.

A very different perspective and thinking.Much likable central idea of this discussion.Thank you!
ReplyDelete