ઉર્વીશ કોઠારી/Urvish Kothari
૧૯૯૫માં પત્રકારત્વ ક્ષેત્રે આવી ચડ્યા પછી ૨૦૦૧માં નક્કી કર્યું હતું કે હવે પત્રકારત્વમાં ફુલટાઇમ કામ નહીં કરું અને આજે માર્ચ ૨૦૧૮માં તમારી સામે ઉભો છું ત્યારે નક્કી કર્યું છે કે હવે મિડીયાની ઓફિસમાં જઈને કામ નહીં કરું. આ નિર્ણય તમારી સામે ઉભા રહીને, પ્રસંગના ઉત્સાહમાં લીધો નથી. એ સંપૂર્ણપણે બિનકેફી અવસ્થામાં, અગાઉ ઘેરથી નક્કી કરીને, ફેસબુક પર લખ્યા પછી તમારી આગળ જાહેર કરું છું. હવે લખીશ ખરો, વધારે લખીશ, પણ મિડીયાની ઓફિસમાં ગયા વિના.મારું પત્રકારત્વ, જેના માટે મને આ સન્માન મળે છે, તે શાનાથી દોરવાયું છે અને તેમાંથી હું શું શીખ્યો તેની થોડી વાત કરવી છે. ૨૩ વર્ષની મારી કારકિર્દીમાં પત્રકાર તરીકે સૌથી વધુ સંતોષ એ વાતનો રહ્યો કે જ્યારે જે કહેવા જેવું હતું, તે મેં કહ્યું છે. અંગ્રેજીમાં જેને 'સ્ટેન્ડ અપ એન્ડ બી કાઉન્ટેડ' કહે છે, તે કરી શક્યો તેનો સંતોષ છે. મારા પત્રકારત્વ માટે મારા મનમાં એવો કોઈ ખ્યાલ નથી કે મેં સમાજસેવા કરી છે. એ મારા માટે વ્યવસાય હતો. મારું ઘર એનાથી ચાલ્યું છે. પણ એન્ટી-એસ્ટાબ્લિશમેન્ટ એ મારી મૂળ વૃત્તિ. અવિનાશ પારેખ અને કેતન સંઘવીના 'અભિયાન'માં તે સંસ્થાગત રીતે દૃઢ થઈ. ગુજરાતના રાજકારણના અને સાંસ્કૃતિક જીવનમાં, દાઢીવાળાં ને દાઢી વગરનાં સ્થાપિત હિતોની દાઢીમાં હાથ નાખ્યા વિના ૨૩ વર્ષ સુધી મારું ચાલી ગયું, છે.
સંસ્થા હોય એટલે એની મર્યાદા હોવાની—ભલે તે ગાંધીજીનો આશ્રમ કેમ ન હોય. તો મિડીયાની ઓફિસો તેમાંથી બાકાત શી રીતે રહે? પણ એક વાત હું બહુ પહેલાં સમજ્યો હતો કે સંસ્થાની મર્યાદા કદી મારી મર્યાદા બનવી ન જોઈએ અને સંસ્થાની મહત્તાને મેં કદી મારી મહત્તા તરીકે ઓઢી નથી. હું જે છું, તે આ જ છું.
ટ્રેન સિવાય બીજા કશાની પાછળ દોડ્યો નથી--મહેમદાવાદથી અમદાવાદ અપડાઉન કરવાનું હોય એટલે ટ્રેન તો પકડવી પડે--પણ એ સિવાય રૂપિયા, હોદ્દો...એ કશાની પાછળ દોડ્યો નથી. એવું નથી કે હું સંતમહાત્મા છું. હું એકદમ નૉર્મલ માણસ છું. પણ મને એનું ખેંચાણ નથી... કે આપણી એક કૅબિન હોય ને આપણા હાથ નીચે આટલા માણસ કામ કરતા હોય. મને એ બધું છોકરાં ઘરઘર રમતાં હોય એવું લાગે છે. એ મારો વિષય છે. બધાને એવું લાગે તે જરૂરી નથી. હું જે છું અને જે નથી તેના વિશે જરાય ભ્રમમાં નથી. મને જે મળ્યું છે તે સહજ ક્રમમાં મળ્યું છે અને એનો સૌથી મોટો આનંદ છે.
બે વસ્તુઓ મને બહુ કામ લાગી છેઃ સંતોષ અને સ્પષ્ટતા. એ મારામાં છે એ મને ખબર છે. બીજો બહુ મોટો સંતોષઃ મેં જે ન ઇચ્છ્યું, એ મારે કદી લખવું પડ્યું નથી. અને આ સંતોષની ક્રેડિટ હું મારા તંત્રીઓને પણ આપવા માગું છું. 'ગુજરાત સમાચાર'માં આઠ વર્ષ શ્રેયાંસભાઈ સાથે કામ કર્યું,પછી 'દિવ્ય ભાસ્કર'ના મિત્રો સાથે કામ કર્યું. તેમણે કદી આવું કહ્યું નથી. પહેલાં ક્યારેક કોઈ લખાણ ન છપાય એવું બને. કોઈ પત્રકારે એવો ફાંકો રાખવાની જરૂર નથી કે આપણે લખીએ તે બધું જ છપાય. પણ એનું એક પ્રમાણ હોય છે. એ તમારે નક્કી કરવું પડે. સોમાંથી નેવુ-પંચાણું લખાણ છપાય તો બરાબર કહેવાય. સો ટકા લખાણ તો આપણું પોતાનું છાપું હોય તો પણ કદાચ ન છપાય. ટૂંકમાં, મને કોઈએ દબાણ કર્યું નથી. કદાચ મારા મોઢા પર લખેલું હશે કે દબાણ ન કરવું.
મારી સમજ માટે મને બીજું કોઈ વિશેષણ મળતું નથી. એટલે હું માનું છું કે મારી સમજ મહેમદાવાદી છે. એ કોઈ વાદમાં બેસતી નથી. હું એકેય વાદી નથી. હું મહેમદાવાદી છું. ડાબેરી-જમણેરી એવું બધું મને ન આવડે. હું એવો પંડિત નથી ને થવા પણ નથી માગતો. દુનિયામાં અડધો દાટ પંડિતોએ વાળ્યો છે. મારી એવી સાદી સમજ છે કે હું મહેમદાવાદમાં રહું અને ત્યાં દાયકાઓથી અમે એકબીજા સાથે શાંતિથી રહીએ. હિંદુમુસલમાન ને બીજા બધા. બધાાના બે-ત્રણ પેઢીના સંબંધ. અહીં જ્ઞાતિના ભેદભાવની વાત નથી કરતો. એ તો આપણું રાષ્ટ્રીય દૂષણ છે. પણ સામાન્ય હિંદુમુસલમાનની વાત કરું તો, અમે શાંતિથી જોડે રહેવા માટે ટેવાયેલા. અમારી વચ્ચે પેઢીઓનો સંબંધ. એટલે મારી જે કંઈ અન્ડરસ્ટેન્ડિંગ અને મારું જે કંઈ સ્ટેન્ડિંગ છે એ મહેમદાવાદની જમીન પર ઉભા રહીને જોતા માણસનું છે. મહેમદાવાદ અથવા એવાં નાનાં ગામની જે વૈચારિક સંકુચિતતા હોય, એ બહુ બધા મિત્રોને કારણે નીકળી શકી છે-હજુ કાઢી રહ્યો છું. અને મૂળીયાં સતત મજબૂત થયાં છે.
મને કોઈ રાજકીય વિશ્લેષક કહે ત્યારે હસવું આવે છે...હું એ ઓળખાણને કદી અપનાવી શક્યો નથી. કારણ કે મને કદી એવું લાગ્યું જ નથી કે હું રાજકારણનો માણસ છું. હું એક દુઃખી નાગરિક છું અને મને લાગે છે કે એટલું પૂરતું છે. મને તો મારા લમણે કોણ લખાયું છે એમાં રસ છે. અને એ કેમ લખાયા છે એમાં રસ છે અને એ કેવી રીતે બદલવા જોઈએ અને એમાં હું શું કરી શકું ને તમે શું કરી શકો, એમાં રસ છે. મને ઉમાશંકર જોષીનો પ્રયોગ બહુ ગમે છેઃ પબ્લિક અફેર્સ. મને એ અભિવ્યક્તિ નહોતી મળતી, તે એમનામાંથી મળી. મને જે અડે છે તે પબ્લિક અફેર્સ છે. મને બહુ સ્પષ્ટ સમજાય છે કે આવું થાય અને આવું ન થાય. પછી આપણા જેટલા કે આપણાથી વધુ સજ્જ લોકો સાથે ઉઠીએબેસીએ ત્યારે આપણામાં અનેક સ્પષ્ટતાઓ થતી હોય છે અને મૂલ્યો દૃઢ થતાં હોય છે.
કોઈ પણ પત્રકારત્વના એવોર્ડમાં પરિવારનો હિસ્સો મોટો હોય છે. એ કરવા દે, ત્યારે જ સારું પત્રકારત્વ થઈ શકતું હોય છે. મારાં મમ્મી સ્મિતા કોઠારી, પત્ની સોનલ કોઠારીને એનો જશ જાય છે. મારે પૈસા પાછળ નહીં દોડવું એ મારી પ્રકૃતિ છે-એમની હોવી જરૂરી નથી. એ મને ધંધે લગાડે કે તું ગાડી લાવ, પછી મોટી ગાડી લાવ, પછી બીજી ગાડી લાવ, પછી બીજી મોટી લાવ...તો હું જિંદગીમાં કદી ઉંચો જ ન આવું. પણ મારો સંતોષ છે એ ફક્ત મારો નથી, અમારો બધાનો સહિયારો છે.
બીજું નામ છેઃ મારો ભાઈ બીરેન કોઠારી. મારું બધું જ છે--લખવાનું, વાંચવાનું, બહુ જ વ્યાપક અર્થમાં કહીએ તો સંસ્કાર—એ બધું જ એનું છે. મારા ઘણા ગુરુજનો છે. ઘણાને મારા ગુરુજનોની રેન્જ જોઈને ઘણાને નવાઈ લાગે છે. પણ એ તો દરેકની ક્ષમતાનો વિષય છે. એ બધા ગુરુઓ પાસેથી ઘણું પામ્યો છું. તેમનાં નામ આપું તો, રજનીકુમાર પંડ્યા. તેમની પાસેથી હું સાહિત્ય અને જીવનના ઘણા પાઠ શીખ્યો છું. વિનોદ ભટ્ટ, અશ્વિની ભટ્ટ, નગેન્દ્ર વિજય. પત્રકારત્વમાં આવ્યો ત્યારે મને બે જ વસ્તુ લખતાં આવડતી હતીઃ જૂના ફિલ્મસંગીત વિશે અને પ્રોફાઇલ (શબ્દચિત્રો). એમાંથી મને પત્રકારત્વના કેટકેટલા વિષયો કેવી રીતે લખાય તેનું પ્રત્યક્ષ જ્ઞાન નગેન્દ્રભાઈ પાસેથી મળ્યું. હર્ષલ પુષ્કર્ણા અને તેની પત્ની ફાલ્ગુની--હર્ષલ પાસેથી હું શીખ્યો છું, એ બંને મિત્રો છે અને મિત્રોથી પણ ઘણાં વધારે છે. તારક મહેતા અને રતિલાલ બોરીસાગર પણ ગુરુજનો છે.
પબ્લિક અફેર્સવાળી વાત ૨૦૦૨માં શરૂ થઈ, તે પહેલાં હું માર્ટિનભાઈ મેકવાનના પરિચયમાં આવ્યો અને 'નવસર્જન' સાથે પત્રકાર તરીકે સંકળાયો. પછી ચંદુભાઈનો અને પ્રકાશભાઈનો પરિચય થયો. આ ત્રણ જણે જાહેર જીવનને લગતા મારા વિચારોના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. આ બાબતમાં મારા વિચારોનાં ધરી, ધડો અને ધાર ઘણે અંશે આ ત્રણેને આભારી છે.
મિત્રો મેળવવાની બાબતમાં હું બહુ સમૃદ્ધ છું. મને મારા દુઃખે દુઃખી અને મારા સુખે સુખી થાય એવા અઢળક સારા મિત્રો મળ્યા છે. છેલ્લાં પચીસેક વર્ષથી દર વર્ષે ઓછામાં ઓછો એક સારો, આજીવન ટકી શકે એવો, મિત્ર મળે છે અને એ સિલસિલો હજુ ચાલુ છે. એ બધા પ્રિય મિત્રો છે. તેમનાં બધાનાં નામ લેવાનો સમય નથી. પણ પત્રકારત્વ સંદર્ભે બે મિત્રોને ખાસ યાદ કરું છું. એક છેઃ પ્રશાંત દયાળ. આ સન્માન પચાસ વર્ષથી નીચેના પત્રકારને આપવાનો નિયમ ન હોત, તો મેં પહેલા વર્ષના સન્માન માટે મારે બદલે પ્રશાંતનું નામ સૂચવ્યું હોત. જે નિર્ભીકતાથી, જીવનું જોખમ ખેડીને છતાં શહીદીના વાઘા પહેર્યા વિના તે પત્રકારત્વ કરી રહ્યો છે, તેની કોઈ જોડ નથી. અમારો બાવીસ-ત્રેવીસ વર્ષનો સાથ છે. એવી બીજી મિત્ર છે પૂર્વી ગજ્જર. બિનીત મોદી પત્રકારત્વથી પણ પહેલાંનો મિત્ર છે. જીવનના તમામ વળાંકે તેની હાજરી અને હૂંફ રહ્યાં છે.
હું ઘણુંબધું સારું કરી શક્યો તે મારામાં રહેલી ખીજને કારણે. મારાં ઘણાં કામની શરૂઆત ખીજમાંથી થાય છે. કોઈ બાબત જોઉં એટલે મને થાય કે આવું કેવી રીતે ચાલે? પહેલાં ફક્ત ખીજ ચઢતી હતી. પછી આવું ન ચાલે તો શું ચાલે, તેના વિકલ્પની દિશામાં જવાનું થયું. પત્રકારત્વનું શિક્ષણ કેવી રીતે અપાવું જોઈએ, એવો એક ખ્યાલ હતો. નડિયાદની મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતા સાથે એ વિશે અનેક વાર વાત થઈ હશે. છેવટે એ ખ્યાલ સાકાર કરવાની તક મળી અને બે વર્ષ પહેલાં નડિયાદમાં હસિત મહેતા, કેતન રૂપેરા, પારસ જ્હા અને પારુલ પટેલ સાથે પત્રકારત્વનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ થઈ શક્યો છે. એવી જ રીતે, આપણાં ગમતાં પ્રકાશન થઈ શકે એવી એક પ્રકાશનસંસ્થા હોવી જોઈએ, એવું ઘણા સમયથી લાગતું હતું. તેમાંથી દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ જેવા મિત્રોની સાથે 'સાર્થક પ્રકાશન' અસ્તિત્ત્વમાં આવ્યું. આ એપ્રિલમાં સાર્થકને પાંચ વર્ષ પૂરાં થશે. કાર્તિકભાઈના પ્રતાપે કારણે સાર્થક પ્રકાશન સારી રીતે ટકી શક્યું છે. તેનું છ માસિક સામયિક સાર્થક જલસો અમારું ગમતું મેગેઝીન કેવું હોય, તેના અમારા ખ્યાલનું સાકાર સ્વરૂપ છે.
૨૦૦૨ પછી મારે જે કંઈ લખવાનું થયું, તે મને હેલિકોપ્ટરમાંથી બીજ વેરવા જેવું લાગ્યું હતુંઃ આપણે બીજ વેરીને આગળ વધી જવાનું. ક્યાં શું ઉગ્યું તેની આપણને ખબર ન પડે. એક વાર અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો. નામઃ કેતન પટેલ. ચરોતરના. વ્યવસાયે ડેન્ટિસ્ટ. થોડી દોસ્તી થયા પછી તેમણે કહ્યું કે ૨૦૦૨ પછી હું પણ અમુક રીતે વિચારતો થઈ ગયો હતો, પણ તમારા લેખ વાંચ્યા પછી ધીમે ધીમે મને સમજાયું કે એ રીતે વિચારવા જેવું છે. પછી મારો અભિપ્રાય બદલાયો. કેતનભાઈએ જે કહ્યું, એ કહેવામાં હિંમત જોઈએ. આવી હિંમતવાળા વધારે લોકોની જરૂર છે.
પત્રકારત્વમાં આવ્યો ત્યારે મારા ઘણા મિત્રો ૭૦ વર્ષની સરેરાશ વયના હતા. પાંચ વર્ષ પહેલાં પત્રકારત્વની માસ્ટર્સ ડિગ્રી માટે ભણવા ગયો, તેમાં મારાથી વીસબાવીસ વર્ષ નાનાં મિત્રો મળ્યાં. શૈલી ભટ્ટ, નિશા પરીખ, આરતી નાયર જેવાં મારાથી એક પેઢી નાનાં મિત્રોને કહી રાખ્યું છે કે અત્યારે તો મારું ઠેકાણે છે. પણ જ્યારે તમને લાગે કે ઠેકાણે નથી રહ્યું, ત્યારે મહેરબાની કરીને કહી દેજો. લખવાનું બંધ કરીશ અને બોલવાનું તો પહેલી તકે બંધ કરીશ. કારણ કે જાહેર જીવનમાં મોટી ઉંમરના ઘણા લોકોને જોઈએ છે. તે એક સમયે સરસ હોય છે. પણ પછી તે બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે, લખ્યા જ કરે છે, લખ્યા જ કરે છે. આમન્યાને કારણે કોઈ એમને કહેતું નથી, પણ એ જાય ત્યારે પોતાની આબરૂનો મોટો હિસ્સો પોતાના જ હાથે ભૂંસીને જાય છે. એમની આબરુ તો બહુ હશે, એટલે એમને પોસાતું હશે. મારી એટલી બધી નથી. એટલે મને એ ન પોસાય.
હવે છાપાંની ઓફિસમાં જવાનું નથી. પણ લખવાનું ચાલુ જ રહેશે. ફ્રીલાન્સ લેખન ઉપરાંત લખવાનાં ઘણાં કામ રાહ જુએ છે. ગાંધીજી વિશેનાં એક-બે લાંબાં કામ, જ્યોતીન્દ્ર દવેના જીવન અને અગ્રંથસ્થ સાહિત્ય વિશે દોઢેક દાયકાથી ચાલતું કામ અને એ બધાથી પહેલાં, આવતા મહિને પીએચ.ડી.નો મહાનિબંધ જમા કરાવી દેવાનો છે. કામ કરવામાં હું બહુ ઉત્સાહી અને ઝડપી છું. ઘરનો મોરચો મજબૂત હોય—આર્થિક નહીં, માનસિક રીતે-તો દુનિયા જોડે પહોંચી વળાય છે. એટલે એની ચિંતા નથી.
નીરુભાઈ દેસાઈના નામ સાથે સંકળાયેલા આ સન્માનની શરૂઆત માટે મારી પર વિશ્વાસ મુકવા બદલ અને મારી પસંદગી કરવા બદલ આભાર.
(સ્વીકાર પ્રવચનનો સંપાદિત પાઠ, 'નિરીક્ષક'માંથી)
તા. ૨૫-૩-૨૦૧૮, અમદાવાદ
એક પરંપરા ગુજરાતી ભાષાના પત્રકારત્વની રહી છે જે નિડર, બિનપક્ષપાતિ, વિશદ હોય. અભિવ્યક્તિને સાહિત્યિક સ્પર્શ હોય. સંસ્કાર ને સમૃધ્ધ કરવાની સાથે સાથે વિચારવાન બનાવે. એ પરંપરાની એક કડી તરીકે ઘણાં સમયથી તમને પામવાનું થયેલું ત્યારે નર્યો આનંદ અનુભવેલો. અભિનંદન.
ReplyDeleteDost Urvish Very happy to read your speech-verbatim. Your gratitude expressed towards all those ( media houses, patrakar friends, friends ) who have contributed in your career growth is wonderful to know of. Your parents and your elder brother Biren Kothari biren bhai have been pivotal in shaping your values, which are driving force in your life now & which reflects in your work ethics too. You wife too is a major force, a true humsafar to propel your journey/career. Your SANTOSH is your biggest asset, for without it no progress-worldly or inner is possible ever. So almighty(existence) has endowed you with such boons, just say thank you/love you jindagi. Your work is praiseworthy for its clarity, analysis, research and most-importantly for being fearless. A person who would not bow down before any mighty force and compromise with his work is your greatest strength. And its wonderful to know you are not influenced/diluted or polluted by any ism/ vaad except Mehmdavad. Carry on with freelancing journalist and academic journey. Wishing you many more milestones and laurels. You are truly blessed to be Urvish; and you are truly RICH for the love you get from so many people. Love and blessings.
ReplyDeleteYour autobiographical account was simply wonderful,honest and heart touching because every world did seem to come from heart and not brain. Many a time I have felt that your opinion,though very well written, were one dimensional but were very honest. Ireally admired them if not agreed with contents. I wish more and more power to your facile pen.
ReplyDeleteનીરૂભાઈ દેસાઈ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવવાં એ નરી ઔપચારિકતા છે તે જાણવા છતાં પણ એ ઔપચારિકતા નિભાવીને આ બાબતે થયેલા આનંદનું પહેલું દર્શન કરવા કરાવવાની બીજી કોઈ રીત હોય તો પણ તે અપનાવી શકાય તેવા સંજોગ કે સંબંધ નથી, એટલે શરૂઆત તો ત્યાંથી કરી લેવી પડી છે.
ReplyDeleteસ્વભાવગત એન્ટી-એસ્ટાબ્લીશમેન્ટ હોવું એ સમજી શકાય, પણ આવા પ્રાકૃતિક વિચારોને તમે જે તાર્કિક સુસંગતતાથી રજૂ કરતા રહ્યા છો તે તમારા વિચારોની સ્પષ્ટતા અને લેખનીની સબળતાનો નિર્દેશ કરે છે. દરેક ઘટના માટે તમારૂં વિશ્લેષણ સચોટ રહ્યું છે.
શબ્દ ચિત્રોના વિષયોનાં વૈવિધ્યમાં તમારી સંશોધકવૃતિની તાજગી પણ નોંધપાત્ર છે. ટોપીકલ વિષયો પરના લેખમાં 'ગેલેરી'ને પણ ઉદ્દેશવાનો આંશિક ઉપક્રમ જાણ્યેઅજાણ્યે ભળી જાય એ સ્વાભાવિક છે. પણ શબ્દચિત્રો જો મનની ઊંડાઈમાંથી ન આવે તો તે એટલાં બેસ્વાદ બને કે થોડાં વાક્યો વાંચ્યા પછી નજર બીજે જતી રહે. તમે લખેલાં શબ્દચિત્રો મને આખેઆખાં વાંચવા ગમ્યાં છે એટલું જ નહીં પણ અન્ય વાચનમાંથી તેમને સૌથી પહેલાં વાંચવાની ઉત્સુકતા પણ રહી છે.
તમે જે કંઈ માત્ર પુસ્તક સ્વરૂપે લખ્યું છે તે વાંચવાની તક હજૂ મળી નથી, એટલે એ બાબતે હું કંઈ પણ નહીં કહી શકું.
પોતાની સમજ અને પોતાનાં ઝમીરની નજરે દુનિયા જોવામાં દૃષ્ટિ અને વિચારોમાં સંકુચિતતા ન આવે તો આપણું એ 'વાદી' હોવું કદાચ અજુગતું ન કહેવાય.. જો તેને કારણે સંકુચિતતા આવી હોય તો તમારાં શુભચિંતકોએ તમને છેલ્લાં ૨૩ વર્ષમાં તમને એ વિષે જરૂરથી કહ્યું હોત. ભવિષ્યમાં તમે જે કંઈ કરવા ધારો છો તે કરવામાં તે નડવાનું ન હોય તો આપણી એ સીધી પહેચાનને બદલવાની કદાચ જરૂર પણ ન પડે..
'હું જે છું તે છું' એવાં વ્યક્તિત્વવાળી વ્યક્તિ જો સ્પષ્ટ વકતા પણ હોય તો એવી વ્યક્તિની સ્વીકૃતિ તેના 'મિત્ર' અને 'વિરોધીઓ'માં પ્રતિબિંબીત થતી રહે છે એવો મારો અંગત અનુભવ છે. આ પરિસ્થિતિ વ્યક્તિનાં સંપોષિત બની રહેવા માટે ફાયદાકારક છે કે નહીં તે હું મારા પૂરતું તો નક્કી નથી કરી શકયો. ક્યાંક તેને કારણે નુકસાન કદાચ થયું હશે તો પણ તે બહુ મોંધું નથી પડ્યું એટલો હું નસીબદાર. આવા હિસાબ માંડવા માટે તમે હજૂ બહુ નાના છો એટલે તમારી વાતની વાત કરતાં કરતાં મારી વાત કહેવાઈ ગઈ તે દરગુજર કરજો.
ભવિષ્ય માટે તમે કલ્પેલ તમારાં દરેક સ્વપ્નો, અને વણકલ્પેલ સંભાવનાઓ, પણ તમે સિધ્ધ કરો એવી હાર્દિક શુભેચ્છાઓ.
Two words shined bright from your address: Contentment and Clarity in life/profession. I am struggling with the former but somewhat comfortable with the later. Please continue with your blog...
ReplyDeleteBest pen and ink to admire, who had eagle eyes for providing a clear cut view in social and political arenas.
ReplyDelete