(Courtesy : Fortune) |
પ્લસીબો ઇફેક્ટ દવાઓમાં તો હોઈ શકે, પણ ઑપરેશન ઉર્ફે શસ્ત્રક્રિયામાં તેની કોઈ શક્યતા ખરી? પહેલી નજરે તો ન લાગે. કારણ કે, ઑપરેશનમાં દર્દીના શરીરની વાઢકાપ કરવાની હોય છે. દવાની ગોળીને બદલે સાદી ગોળી ગળાવી દેવાય, પણ ઑપરેશનમાં 'ખાલી ખાલી'કેવી રીતે થઈ શકે? બ્રિટનના પ્રતિષ્ઠિત મૅડિકલ જર્નલ 'લાન્સેટ’ (The Lancet)માં ગયા વર્ષે નવેમ્બરમાં એક અભ્યાસ પ્રકાશિત થયો. તેમાં ઑપરેશન કરવાને બદલે દર્દીઓને ફક્ત ઑપરેશન કર્યાનો માનસિક આભાસ આપવામાં આવે તો શું થાય, તેનાં પરિણામ જાહેર થયાં હતાં--અને તે આશ્ચર્ય પમાડે એવાં હતાં.
અભ્યાસ માટે જેમની ધમની (સાદી ભાષામાં 'નળીઓ’) બ્લૉક હોય એવા બસો દર્દીઓને પસંદ કરવામાં આવ્યા. તેમાંથી અડસટ્ટે અમુક લોકોને અૅન્જિઓપ્લાસ્ટીનું ઑપરેશન કરીને, (બ્લૉક થયેલી નળી પહોળી કરવા માટેના) સ્ટૅન્ટ મૂકવામાં આવ્યા, જ્યારે જૂથના બીજા લોકોનું ઑપરેશન તો થયું, પણ તેમની બ્લૉક થયેલી નળીમાં સ્ટૅન્ટ મૂકાયા નહી. દર્દીઓને એમ જ હતું કે તેમની સર્જરી થઈ ગઈ. દર્દીઓ અને ડૉક્ટર કોઈને ખબર ન હતી કે કયા દર્દીઓ સ્ટૅન્ટ ધરાવે છે અને કયા સ્ટૅન્ટ વગરના છે. તબીબી પ્રયોગની પરિભાષામાં આ રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ ટ્રાયલ હતો, જેનાં પરિણામ આદર્શ ગણાય. કેમ કે, આગોતરી માહિતી ન હોવાને કારણે, પરિણામોમાં પૂર્વગ્રહ ભળવાની શક્યતા ન રહે.
ઑપરેશનનાં છ અઠવાડિયાં પછી દર્દીઓની તપાસ કરવામાં આવી ત્યારે, બધાને એકસરખું સારું લાગતું હતું. જેમને સ્ટૅન્ટ મૂક્યા હતા અને જેમનું દેખાડા પૂરતું ઑપરેશન કર્યું હતું, એ બધા દર્દીઓને દુઃખાવામાં ઘટાડો લાગતો હતો. એટલું જ નહીં, નક્કર કહેવાય એવા ટ્રેડ મિલ પરના ટેસ્ટમાં પણ બંને પ્રકારના દર્દીઓની તબિયતમાં સુધારો જણાયો.
આ અભ્યાસના પગલે ભારે ચર્ચા જાગી. કેમ કે, અૅન્જિઓપ્લાસ્ટીની અસરકારકતા સામે મૂળભૂત સવાલ ઉભો થયો હતો. 'સાયન્ટિફિક અમેરિકન'ના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, અૅન્જિઓપ્લાસ્ટીથી હાર્ટ અૅટેકનો કે તેનાથી ઉભા થતા જાનના જોખમનો ખતરો ઓછો થતો નથી, એ અનેક અભ્યાસોમાં સિદ્ધ થઈ ચૂકેલી હકીકત છે. આ સર્જરીની તરફેણમાં અપાતું મુખ્ય કારણ એ હતું કે તેનાથી એન્જાઇના એટલે કે દુખાવામાં અને શ્વાસમાં તકલીફ પડતી હોય તો રાહત મળે છે. પરંતુ 'લાન્સેટ’માં જે અભ્યાસની વાત કરવામાં આવી હતી, તેમાં અમુક દવાઓ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાથી, સ્ટૅન્ટ ધરાવતા અને નહીં ધરાવતા બધા દર્દીઓને એકસરખી રાહત લાગી હતી.
આ પ્રકારનાં પરિણામ એકથી વધારે અભ્યાસોમાં આવવા લાગે, તો ભવિષ્યમાં અૅન્જિઓપ્લાસ્ટી (અને તેના નામે ચાલતો ધમધોકાર ધંધો) બંધ થાય, એવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. અલબત્ત, એ વિશે એકદમ ઉતાવળે અભિપ્રાય બાંધી લેવાની જરૂર નથી, પણ આ સર્જરી ચાર દાયકાથી ચાલે છે એટલે સાચી (જરૂરી)--એવું પણ માની લેવું નહીં. તબીબી ક્ષેત્રે આવાં 'મૅડિકલ રીવર્સલ'પણ થતાં હોય છે, જેમાં વર્ષો સુધી એક રસ્તે ચાલ્યા પછી એ રસ્તાની મર્યાદાઓનું કે નિરર્થકતાનું ભાન થતાં તેને છોડી દેવો પડે. આ વિષય અંગે અમેરિકાની યુનિવર્સિટી ઑફ શિકાગોના ડૉ.વિનાયક પ્રસાદ અને ડૉ. આદમ સિફુએ 2015માં એક પુસ્તક લખ્યું હતું, જેનું નામ હતું, 'અૅન્ડિંગ મૅડિકલ રીવર્સલઃ ઇમ્પ્રુવિંગ આઉટકમ્સ, સેવિંગ લાઇવ્ઝ'.
વણજોઈતી કે શંકાસ્પદ ઉપયોગીતા ધરાવતી સર્જરીના બીજા પણ નમૂના છે. યુનિવર્સિટી ઑફ સધર્ન ડૅન્માર્કના જોનસ થોર્લન્ડે તેમના અભ્યાસમાં એવું તારણ રજૂ કર્યું હતું કે સર્જરી જેટલી વધારે ઇન્વેઝીવ (જેમાં શરીરની વાઢકાપ થતી હોય), એટલી જ પ્લસીબો ઇફેક્ટ વધારે મજબૂત. ઑર્થોપેડિક સર્જરીના ઘણા કિસ્સામાં પણ પ્લસીબો ઇફેક્ટ મહત્ત્વનો ભાગ ભજવતી હોવાનું ઘણા અભ્યાસોમાં નોંધાયું છે. યુનિવર્સિટી ઑફ મિનીસોટા (અમેરિકા)નાં ડૉ. જુલી સ્વિટ્ઝર જેવાં અભ્યાસીઓ માને છે કે સાંધા કે પીઠ કે ઘુંટણના દર્દનાં બધાં કારણ અૅક્સ-રે કે MRI થકી જાણી શકાતાં નથી. પરંતુ દર્દીઓ સમક્ષ આ 'પુરાવા’ મૂકવામાં આવે, તેમાં દેખીતી રીતે કશુંક તૂટેલું-ફાટેલું કે આઘુંપાછું દેખાતું હોય, એટલે દર્દી માની લે કે આ જ તેના દુખાવાનું મૂળ કારણ છે. અને સર્જરી પછી એ કારણ ન દેખાય, એટલે તેને મનોમન વધારે સારું લાગવા માંડે.
વર્ષ 2007માં અગીયાર સંશોધકોએ ઘૂંટણને થયેલા નુકસાન અને ઘૂંટણમાં થતા દુઃખાવાને શો સંબંધ છે, તેનો અભ્યાસ રજૂ કર્યો હતો. પ્રચલિત માન્યતા પ્રમાણે તો આપણને સીધો સંબંધ લાગે, પરંતુ 50 વર્ષની ઉંમર ધરાવતા 3,026લોકોનો પંદર મહિના સુધી અભ્યાસ કર્યા પછી હકીકત થોડી જુદી નીકળી. અમેરિકન કૉલેજ ઑફ રુમેટોલૉજીના જર્નલમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસના પરિણામમાં જણાવાયું હતું કે મૅન્સિકલ ડૅમેજ ('ગાદી'ને થયેલા નુકસાન) અને ઘૂંટણના દુઃખાવા વચ્ચે સીધો સંબંધ નથી. પરંતુ આ બંને બાબતો સરવાળે ઑસ્ટિઓ-આર્થરાઇટિસ સાથે જોડાયેલી છે. એક અન્ય અહેવાલમાં બીજા અભ્યાસને ટાંકીને આ જ હકીકત સિદ્ધ કરવામાં આવી હતી. તેના તારણ તરીકે જણાવાયું હતું કે મૅન્સિકલ ટીઅર/ગાદીમાં થોડું નુકસાન હોવા છતાં, માણસ સ્વસ્થ હોઈ શકે. 'ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઑફ મૅડિસીન'માં પીઠના દુખાવાને લગતો 98 લોકો પર થયેલો આવો એક અભ્યાસ 1994માં પ્રગટ થયો હતો. તેનો સાર પણ એ જ હતો કે પીઠનો દુખાવો મણકો ખસી જવાને કારણે કે ત્યાં સોજો આવવાને કારણે હોય એવું બિલકુલ જરૂરી નથી અને દુખાવો ઘણી વાર 'કોઇન્સીડેન્ટલ’ (આકસ્મિક) હોઈ શકે છે.
સર્જરી કરવાનું કહીને તે કરવામાં ન આવે, તો એ પણ છેતરપીંડી કહેવાય—એવી દલીલ ઘણી વાર થાય છે. એ તર્કની રીતે સાચી હોવા છતાં, તેનો મોટો આધાર આવું કરનારના ઇરાદા પર રહે છે. જો તેનો ઇરાદો દર્દીના રૂપિયા વેડફાતા અટકાવીને, તેમના શરીરમાં છેડછાડ કર્યા વિના, તેમને શક્ય એટલા સાજા કરવાનો હોય, તો આવી બનાવટી/sham સર્જરી પ્રયોગાત્મક અને સરવાળે આશીર્વાદરૂપ બની રહે છે. એવી સર્જરી ન થઈ હોત તો લાન્સેટમાં પ્રગટ થયો છે, તે અભ્યાસ શક્ય બન્યો હોત?
(નોંધઃ આ લેખમાં સર્જરીની તરફેણ કે વિરોધમાં છેવટનો કહેવાય એવો કોઈ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો નથી. એ બાબતે કોઈ પણ અભિપ્રાય બાંધતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.)
No comments:
Post a Comment