(તંત્રીલેખ, દિવ્ય ભાસ્કર, 13-2-2018)
વિરોધાભાસો તો અનેક છે: છૂપી કે પ્રગટ સરમુખત્યારશાહી માટે જાણીતા પાકિસ્તાનમાં માનવ અધિકારની અણથક-અવિરત લડાઈ લડનાર કોઈ પાકે--અને એ પણ એક સ્ત્રી, એક એવી સ્ત્રી જે રૂઢિચુસ્ત-કટ્ટરપંથી તત્ત્વોની બોલબાલા ધરાવતા સમાજમાં માથું ઊંચું કરીને જીવે, લડે, વેઠે, છતાં હાર્યા-થાક્યા વિના લડત ચાલુ રાખે. વૈશ્વિક સ્તરે પાકિસ્તાનના ચોપડે બોલતા જૂજ હકારાત્મક ઉલ્લેખોમાં તેમનો સમાવેશ થતો હોય, છતાં પાકિસ્તાનમાં તેમની ગણતરી ‘પાકિસ્તાનવિરોધી’ તરીકે થાય, પાકિસ્તાનના ત્રીજા અને બીજા ક્રમનાં સર્વોચ્ચ નાગરિક સન્માન તેમને મળ્યાં હોય, છતાં તેમની કામગીરીથી અસુખ અનુભવના(રા પાકિસ્તાનીઓની સંખ્યા મોટી હોય, 14મી-15મી ઑગસ્ટે ભારતીય પત્રકાર કુલદીપ નાયર સાથે મળીને ભારત-પાકિસ્તાન સરહદે મીણબત્તી લઈને ઊભા રહેવામાં તે આગળ હોય અને સરકારી કે લશ્કરી કે સામાજિક અત્યાચારોનો ભોગ બનેલા માટે સડકો પર ઊતરવામાં પણ તે આગળ હોય... આવાં વ્યક્તિત્વો કોઈ પણ દેશ માટે દુર્લભ હોય છે--પાકિસ્તાન જેવા દેશ માટે તો વિશેષ. એટલે જ અસ્મા જહાંગીરનો મહિમા અને તેમના અવસાનનો ખાલીપો વિશેષ હોય.
66 વર્ષનાં અસ્મા જહાંગીરે હૃદયરોગના હુમલામાં વિદાય લીધી, તે પહેલાં પાકિસ્તાનના અને દુનિયાભરના કર્મશીલોને દર્શાવી આપ્યું કે વિપરીત પરિસ્થિતિમાં પણ કેવી રીતે કામ ચાલુ રખાય. ખૂનની ધમકીઓ તેમને છાશવારે મળતી, તેમની હત્યાનો એક પ્રયાસ તો અમેરિકાના એક અખબારે ખુલ્લો પાડ્યો હતો. ત્યાર પછી પણ અસ્મા સડકો પર ઊતરતાં અચકાતાં નહીં. રૂઢિચુસ્ત મૂલ્યો, સ્ત્રીવિરોધી કાયદા, સરકારી-લશ્કરી કાર્યવાહીમાં ‘ગુમ’ થઈ જતા પાકિસ્તાની નાગરિકો, બાળમજૂરી, ઈશનિંદા (બ્લાસ્ફેમી)ના કાયદાનો ભોગ બનેલા લોકો... આ બધા માટે અસ્મા જહાંગીરની લડાઈ ચાલુ રહી.
અભ્યાસે તો એ વકીલ હતાં. સમૃદ્ધ પરિવારમાં જન્મેલાં ને કૉન્વેન્ટ સ્કૂલમાં ભણેલાં. ધાર્યું હોત તો નિરાંતે વકીલાત કરીને એશોઆરામમાં જીવી શક્યાં હોત. પણ તેમણે પીડિતો-વંચિતો-અન્યાયનો ભોગ બનેલા લોકો માટે જીવવાનું નક્કી કર્યું. એ માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેવું પદ પણ સહજતાથી જતું કર્યું. અઢળક ભંડોળ મળી ગયા પછી સુંવાળા થઈ જતા સગવડીયા અને વહીવટીયા કર્મશીલો કરતાં અસ્મા ઘણાં જુદાં હતાં. સંઘર્ષ તેમના જીવનકાર્યમાં કેન્દ્રસ્થાને રહ્યો. તેમની ઑફિસ પણ પીડિતો માટેનું આશ્રયસ્થાન બની રહી.
તેમને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ હતો. ભ્રષ્ટાચારના બહાને લશ્કરી અફસરો ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી દે, તેનાં એ વિરોધી હતાં. એટલે જુદા જુદા પ્રસંગે તેમણે ચૂંટાયેલી સરકારોની બરતરફીની માગણી કરતા વિપક્ષોને સહકાર ન આપ્યો. તેમને લાગતું હતું કે એમ કરનારા ઇચ્છા-અનિચ્છાએ પાકિસ્તાની લશ્કરની કઠપૂતળી બની રહ્યા છે. કોઈ પાકિસ્તાની સ્ત્રી અમેરિકા-ઇંગ્લેન્ડમાં નહીં, પાકિસ્તાનમાં રહીને પાકિસ્તાની સત્તાસ્થાનોની છડેચોક ટીકા કરે, તે સ્વાભાવિક રીતે જ ભારતીયોને બહુ ભાવે એવી વાત હતી, પરંતુ અસ્મા જહાંગીરની માનવ અધિકારો સામેની અને માનવતા માટેની નિસબત વૈશ્વિક હતી. એટલે તે કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્વારા થતી કડક લશ્કરી કાર્યવાહીને કે પેલેટ ગનના ઉપયોગ જેવી બાબતોને પણ લાગુ પડતી. આવી કંઈક વાત કરે ત્યારે અસ્મા ઘણા ભારતીયો માટે ‘પાકિસ્તાની એજન્ટ’ બની જતાં હતાં અને બાકીના સમયમાં ઘણા પાકિસ્તાનીઓ તેમને ‘ભારતનાં (કે અમેરિકાનાં) એજન્ટ’ તરીકે ખપાવવાની કોશિશ કરતા. અસ્મા જહાંગીરનું જીવનકાર્ય અને તેમણે વેઠેલી કઠણાઈ ધ્યાનમાં લેતાં એ પણ વિચારવા જેવું છે કે પાકિસ્તાનને ધિક્કારતાં ધિક્કારતાં ભારત-ભારતીયો માનવ અધિકારોના મુદ્દે પાકિસ્તાન જેવા ન બની જાય.
Asma Jahangir/ અસ્મા જહાંગીર |

આટલો સમય એ જીવતાં રહ્યાં એ ચમત્કાર જેવું જ કંઈક ગણી શકાય. નિરપેક્ષ સત્ય બોલનારાં વૈશ્વિક હોય છે, એમને માટેના લોકોના ગમા/અણગમા/તિરસ્કાર સાપેક્ષ અને સગવડિયા જ હોવાના.
ReplyDelete