ઇન્ટરનેટની પ્રચંડ લોકપ્રિયતા અને મહાન સંભાવનાઓ છતાં, તેના વિશે એક ફરિયાદ કાયમી રહે છેઃ તેની મોટી કંપનીઓએ માનવજાતનું વાસ્તવિક કલ્યાણ ઓછું ને પોતાના માટે સત્તા-સંપત્તિનું સર્જન મોટા પાયે કર્યું છે. ગુગલ સર્ચના વ્યવહારુ ઉપયોગ ઘણા છે. પરંતુ ફેસબુક (અને વોટ્સઅેપ), ટ્વીટર જેવાં સોશિયલ નેટવર્ક અને ગુગલની સર્ચ સિવાયની ઘણી સેવાઓથી સરવાળે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ કંપનીઓ કોઈ દેશ જેવો પ્રચંડ અને વાસ્તવિક છતાં અદૃશ્ય પ્રભાવ પાડી રહી છે. તેમની ઘણીખરી નવી સેવાઓ અને નવા આઇડીયા માનવજાતના ભલા માટે નહીં, પોતાનું સામ્રાજ્ય કેમ ટકે અને વિસ્તરે, એ ધ્યાનમાં રાખીને આવે છે.
આ બધા આઇટી-સમ્રાટોની વચ્ચે એક એન્જિનિયર છે, જેને અઢળક રૂપિયા કમાવા અને ખર્ચવા જેટલો જ કે એથી પણ વધારે રસ માનવજાતની આવતી કાલ સુધારવામાં પડે છે. તેનું નામ છે ઇલન મસ્ક / Elon Musk. તેમને સિલિકોન વેલીના અબજપતિ તરીકે ખતવી કઢાય તેમ નથી. તેમની મહત્ત્વાકાંક્ષા બહુ ભારે છે અને તેના કેન્દ્રસ્થાને છે માનવજાતની (રોટી-કપડાં-મકાન પછીના ક્રમે આવતી) સમસ્યાઓ.
જેમ કે, મસ્કને ચિંતા છે પેટ્રોલિયમ બળતણોથી થયેલા નુકસાનની. તેને વાળી તો શકાય એમ નથી, પણ તેના ઉકેલ માટે તેની કંપની 'ટેસ્લા' ઇલેક્ટ્રિક કાર બનાવે છે--એવી કાર, જે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર સમકક્ષ અને કેટલીક બાબતોમાં ચડિયાતી હોય, જેમાં 'પર્યાવરણની રક્ષા ખાતર કારની ક્ષમતા સાથે સમાધાન'નું તત્ત્વ ન હોય. આવી કારનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યા પછી મસ્કને થયું કે સડક પર ચાલતી ટ્રકોનું પ્રમાણ ભલે કારની સરખામણીમાં ઓછું હોય, પણ પ્રદૂષણમાં તેમનો ફાળો ઘણો મોટો હોય છે. એટલે તેમની ટીમે ટ્રકની પરંપરાગત ડીઝાઈન ફગાવીને નવેસરથી, બેટરીથી ચાલતી ટ્રક પર કામ શરૂ કર્યું.
ગયા અઠવાડિયે 'ટેસ્લા'ની ટ્રકનું મોડેલ મસ્કે જાહેરમાં બતાવ્યું અને તે સમાચારમાં છવાયેલું રહ્યું. કેમ કે, તેમાં ટ્રકની ડીઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. ડ્રાઇવરની કેબિન ટ્રકની છેક આગળ નહીં, પણ વચ્ચોવચ રખાઈ છે. તેની બેઠક અત્યંત આરામદાયક અને સ્ટીયરિંગની બંને બાજુ એક-એક ટચસ્ક્રીનથી સજ્જ છે. બેટરીના એક ચાર્જિંગથી ટ્રક 500 માઇલ (800 કિલોમીટર) ચાલશે અને બેટરીનું ચાર્જિંગ પણ અડધા કલાકમાં કરી શકાશે, એવો 'ટેસ્લા'નો દાવો છે. ઉપરાંત, હાઈ વે પર આ ટ્રક પોતાની મેળે (ડ્રાઇવર વિના) ચાલી શકે એવી પણ ટેકનોલોજી તેમાં સમાવિષ્ટ છે.
મસ્કને બીજી ચિંતા છે કોઈ કુદરતી કે માનવસર્જિત આફતમાં માણસજાત ખતમ થઈ જવાની. તેને લાગે છે કે માણસે પૃથ્વી સિવાય બીજું ઠેકાણું શોધવું જોઈએ, જેથી ભવિષ્યમાં માણસોની ગતિ ડાયનોસોર જેવી ન થાય. એ માટે તેમણે સ્પેસએક્સ (સ્પેસ એક્સ્પ્લોરેશન) નામે કંપની શરૂ કરી. તેનો આશય ચંદ્ર અને મંગળ પર માનવ વસાહતો સ્થાપવાનો અને માણસોને ત્યાં લાવવા-લઈ જવાનો છે. અવકાશગમન જેવી અત્યંત પેચીદી ટેકનોલોજીમાં સપનાં જોવાં સહેલાં છે, પણ મસ્કે સપનાંને સાકાર કરવાની દિશામાં નક્કર પ્રગતિ (ભલે જરા વિલંબ સાથે) બતાવી છે. તેમની કંપનીનાં રોકેટ સફળતાપૂર્વક અવકાશમાં જઈને પાછાં આવ્યાં છે. (રોકેટમાંથી નીકળતા ધુમાડા પર્યાવરણ માટે હાનિકારક નહીં હોય. બાકી, મસ્કે તેના પણ રસ્તા વિચારવાનું શરૂ કરી દીધું હોત.)
આ જ કંપની હવે પૃથ્વી પરનાં બે દૂરનાં શહેરો વચ્ચે રોકેટસેવા શરૂ કરવાના ઘોડા ઘડી રહી છે. તેમાં સફળતા મળે તો એક છેડાના શહેરથી બીજા છેડાના શહેરમાં એકાદ કલાકમાં પહોંચી જવાય. બાકીનાં ઘણાં શહેરોમાં અડધા કલાકમાં. ક્યાંથી ક્યાં કેટલા ઓછા સમયમાં પહોંચાય, તેના આંંકડા વેબસાઈટ પર આપ્યા છે. અલબત્ત, એ પ્રવાસનો વાસ્તવિક સમય છે. જહાજ દરિયામાં જઈને રોકેટને રવાના કરે, તે માટે રોકેટમાં બેસતાં પહેલાંનો અને ઉતર્યા પછીનો સમય પણ ગણતરીમાં લેવો પડે.
બીજું કોઈ આવા આઇડીયા વહેતા મૂકતું હોત, તો તે તરંગતુક્કામાં ખપી જાત. પણ મસ્કની વાત જુદી છે. એ સુપરમેન નથી, તેમ એક સફળતા મેળવીને બેસી ગયેલો અબજપતિ પણ નથી. સૌથી પહેલાં તેણે કમ્પ્યુટર પર શહેરોના નકશા અને માર્ગદર્શન આપતી સર્વિસ Zip2 ચાલુ કરી. તેની સફળતા પછી એ સર્વિસ વેચીને મસ્કે 'પેપાલ' (PayPal) નામે ઓનલાઈન પેમેન્ટની સર્વિસ ચાલુ કરી. ઓનલાઈન ચૂકવણીના બીજા વિકલ્પ ન હતા ત્યારે તે અત્યંત સફળ નીકળી. Ebay કંપનીએ 2002માં 1.8 અબજ ડોલરમાં 'પેપાલ' ખરીદી લીધી. એટલે મસ્ક પાસે અઢળક નાણાં આવ્યાં. એમાંથી તેણે માનવજાતના ભવિષ્યને ઉજળું બનાવવાના પ્રોજેક્ટ શરૂ કર્યા અને કંપનીઓ ખોલીઃ અશ્મિજન્ય (રમુજમાં 'ડાયનોસોર જ્યુસ' તરીકે ઓળખાતાં) બળતણને બદલે ઇલેક્ટ્રિક બેટરીનો ઉપયોગ કરીને વાહનો બનાવવા માટે ટેસ્લા અને અંતરિક્ષને ખેડવા-મંગળ પર માનવવસાહત સ્થાપવા સ્પેસએક્સ. બેટરીથી ચાલતી, સાવ નવી ડીઝાઈનની ટ્રકના મોડેલ દ્વારા મસ્કે ટ્રક વિશેનો આખો ખ્યાલ બદલી નાખ્યો, એવું જ આ પહેલાં તેણે બે શહેરો વચ્ચેનું અંતર ઘટાડવાના મામલે કર્યું. હાલમાં મોજુદ વિકલ્પોમાં સુધારાવધારા કરવાને બદલે, તેણે હાઇપરલૂપના નામે ઓળખાતી ક્રાંતિકારી ટેકનોલોજીનો વિચાર કર્યો, જેમાં બે શહેરો વચ્ચે એક મોટી, પહોળી પાઇપ ઉભી કરવામાં આવે અને પાઇપમાં રહેલા શૂન્યાવકાશમાં નાના-નાના નળાકાર એક હજાર કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે ઝડપે ગતિ કરે. વાહનવ્યવહારનું આ કદી નહીં વિચારાયેલું સ્વરૂપ છે, પણ મસ્કની કંપની તેમાં પ્રગતિ કરી રહી છે. હાઇપરલૂપનો એક રુટ આંધ્રપ્રદેશમાં પણ નખાવાનો છે. હજુ મસ્કની કંપની ખુદ આ ટેકનોલોજીની ચકાસણી અને તેના પ્રયોગ કરી રહી છે. પરંતુ તેની સફળતા વિશે મસ્ક કે તેમના ઇજનેરોના મનમાં કશી અવઢવ નથી.
જમીન અને આકાશ-અવકાશ જેવા બે લોકમાં ક્રાંતિકારી સંશોધનો આદર્યા પછી મસ્કે હવે 'પાતાળ' તરફ મીટ માંડી છે. તેમને લાગે છે કે રસ્તા ગમે તેટલા પહોળા કરવામાં આવે, પણ ટ્રાફિકની સમસ્યા ઉકલશે નહીં અને લોકોનો અઢળક સમય તેમાં બગડતો રહેશે. (ઉલટું એવું જોવામાં આવ્યું છે કે રસ્તા પહોળા કરવાથી સરવાળે ટ્રાફિક પણ વધે છે અને વધારે ગીચ બને છે.) એટલે મસ્કનો વિચાર છે કે જમીનની નીચે ટનલનાં 30-40 સ્તર બનાવવાં, ટૂંકાં અંતરની ટનલમાં પાટા નાખવા, જેથી ગાડીઓ તેની પર સડસડાટ (400 કિ.મી. પ્રતિ કલાક જેવી ઝડપે) દોડી શકે અને ટ્રાફિકની સમસ્યા ઉકલી જાય. વિજ્ઞાનકથા જેવા લાગતા આ પ્રોજેક્ટ માટે થોડા સમય પહેલાં જ સ્થાનિક કાઉન્સિલે મસ્કની કંપનીને પરવાનગી આપી છે. એટલે તેમની સ્પેસએક્સની ઓફિસના ખુલ્લા ભાગમાં પ્રાયોગિક ટનલ બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.
બાળપણમાં આઇઝેક અાસિમોવ સહિત ઘણા લેખકોની વિજ્ઞાનકથાઓથી પ્રભાવિત મસ્ક હવે વિજ્ઞાનકથા જેવી કલ્પનાઓને સાકાર કરવામાં વ્યસ્ત છે. પડકાર ઘણા છે, પણ તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ, કાબેલિયત, વિચારવાની રીત જેવી બાબતો તેમને બીજા અબજોપતિઓથી જુદા પાડે છે અને તેમના પ્રયાસોની સફળતા માટે આશા ઉભી કરે છે.
આ બધા આઇટી-સમ્રાટોની વચ્ચે એક એન્જિનિયર છે, જેને અઢળક રૂપિયા કમાવા અને ખર્ચવા જેટલો જ કે એથી પણ વધારે રસ માનવજાતની આવતી કાલ સુધારવામાં પડે છે. તેનું નામ છે ઇલન મસ્ક / Elon Musk. તેમને સિલિકોન વેલીના અબજપતિ તરીકે ખતવી કઢાય તેમ નથી. તેમની મહત્ત્વાકાંક્ષા બહુ ભારે છે અને તેના કેન્દ્રસ્થાને છે માનવજાતની (રોટી-કપડાં-મકાન પછીના ક્રમે આવતી) સમસ્યાઓ.
Elon Musk / ઇલન મસ્ક |

Wonderful. Facilitating humanity projects.
ReplyDelete