ઘણી નવી ટેક્નોલોજી આવી, ત્યારે એવી આશંકા વ્યક્ત થતી રહી છે કે તેનાથી માણસજાત ફોગટિયા ટાઇમપાસમાં ડૂબી જશે અને તેની વિચારશક્તિમાં ઘટાડો થતાં સરવાળે તે ડફોળ બનશે. ઉદાહરણ તરીકે, રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો, ઇન્ટરનેટ વગેરે.
જોવા જેવી વાત એ પણ છે કે આવાં સંશોધનની સાથે (ડફોળપણાની જેમ) મહાન ક્રાંતિની આગાહીઓ પણ થઈ હતી. રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો અને છેલ્લે ઇન્ટરનેટથી શિક્ષણક્ષેત્રે કેવું પરિવર્તન આવશે તેના વરતારા નીકળ્યા હતા. થોડાં વર્ષ પહેલાં, મોટે ભાગે ‘ટાઇમ’ (કે ‘ન્યૂઝવીક’) સાપ્તાહિકમાં એવો લેખ વાંચ્યાનું યાદ છે કે ટૂંક સમયમાં અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં ‘ફ્લિપ્ડ ક્લાસરૂમ’ આવી જશે. એટલે કે, વિદ્યાર્થીઓ અગાઉથી નક્કી થયેલા મુદ્દા વિશે ઘરેથી (યૂટ્યૂબ જેવી વેબસાઇટ પર) વિડીયો સમજૂતી જોઈને ક્લાસમાં આવશે. પછી ક્લાસમાં શિક્ષક તેમને ફક્ત એ જ શીખવશે, જે વિદ્યાર્થીઓને સમજાયું ન હોય. આમ, શિક્ષણના આખા ખ્યાલનું શીર્ષાસન થશે.
પરંતુ હજુ સુધી આવી ક્રાંતિ આવી હોય એવું જાણમાં નથી. ‘ખાન્સ એકેડેમી’ જેવી કેટલીક વેબસાઇટો પર સેંકડો શિક્ષણ વિષયક વિડીયો મોજૂદ છે. તેની લોકપ્રિયતા અને અસરકારકતા ખાસ્સી છે. ‘માઇક્રોસોફ્ટ’ સહિતની મોટી કંપનીઓનો તેને ટેકો છે. છતાં, હજુ પરંપરાગત સ્કૂલ અને શિક્ષણનું સ્થાન તે લઈ શકી નથી. (ગુજરાતની ખાનગી નિશાળોમાં ‘સ્માર્ટ ક્લાસ’ના નામે વધારાના રૂપિયા ખંખેરવાનું અને બદલામાં કમ્પ્યૂટર પર સાવ પ્રાથમિક કક્ષાનું કંઇક બતાવી દેવાની વેપારી તરકીબ વળી બીજો મુદ્દો છે.)
ઉપર જણાવેલી ઘણી શોધોથી વ્યાપક પરિવર્તન ચોક્કસ આવ્યું, પરંતુ ઇન્ટરનેટથી સજ્જ સ્માર્ટ ફોનથી પહેલી વાર વ્યાપક સ્તરે ક્રાંતિ જેવો માહોલ ઊભો થયો છે. ત્યારે વિરોધાભાસી હકીકત એ પણ છે કે માણસની વિચારશક્તિ ઘટી રહી હોવાનો--સાદા શબ્દોમાં કહીએ તો, તેની ડફોળાઈમાં વધારો કરવાનો-- આરોપ બીજી કોઈ પણ શોધ કરતાં વધારે સ્માર્ટ ફોન પર મુકાઈ રહ્યો છે.
રેડિયો-ટીવી જેવી શોધોને સામાન્ય લોકો સુધી પહોંચતાં ઘણો સમય લાગ્યો. વિડીયો કેસેટ પ્લેયર જેવી શોધ એટલો સમય લઈને લોકો સુધી પહોંચે તે પહેલાં જ તે ટેક્નોલોજી લુપ્ત થઈ. પરંતુ મોબાઈલ ફોનમાં કમ્પ્યૂટરની ક્ષમતા અને ઇન્ટરનેટનો મેળાપ થવાથી સ્માર્ટ ફોન નામની જે ચીજ પેદા થઈ, તેની શક્તિઓ જાદુઈ હતી. (આ બાબતમાં ‘જાદુઈ’ અને ‘રાક્ષસી’ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે.) ભારતના વિશાળ બજારમાં સ્માર્ટ ફોન અને હવે ડેટા એટલાં સસ્તાં છે કે સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો પાસે પણ તે જોવા મળે છે. કોઈ શોધ આટલી ઝડપથી છેક છેવાડાના માણસ સુધી પહોંચે તેનો આનંદ જ હોય, પણ એક સવાલ પ્રાથમિકતાનો હતોઃ છેવાડાના માણસની પ્રાથમિકતામાં સ્માર્ટ ફોન આવે? સ્માર્ટ ફોનથી તેના જીવનધોરણ કે રોજગારીની તકોમાં શો નક્કર ફરક પડ્યો? બીજો સવાલ અસરોનો હતો: સ્માર્ટ ફોન અને તેની સાથે સંકળાયેલી સોશિયલ નેટવર્કિંગથી માંડીને બીજી ટાઇમપાસ બલાઓની સામાજિક અસરોનો કંઈક અંદાજ આવે, તે પહેલાં તો તેમનો મોટા પાયે પ્રચારપ્રસાર થઈ ચૂક્યો હતો-બાટલીમાંથી જીન બહાર નીકળી ચૂક્યો હતો.
‘શું ગરીબોને મોંઘા સ્માર્ટ ફોન વસાવવાનો ને તેની પર ગેમો રમી ખાવાનો કે વોટ્સએપ પર ટાઇમ પાસ કરીને મનોરંજન મેળવવાનો અધિકાર નથી?’--એવો અવળો વળ ચઢાવવાને બદલે, એ રીતે વિચારવું પડે કે સામાન્ય લોકોની આર્થિક, સામાજિક અને રોજગારીને લગતી કેટલી પ્રાથમિકતાઓ પર સ્માર્ટ ફોને તરાપ મારી છે? કામધંધો કરવાની ઉંમરે ઓટલે બેસી રહેનારા પહેલાંના જમાનાના નવરાઓ કૂકીઓ કે બાજી રમતા હતા. હવે એ સ્માર્ટ ફોન પર ફક્ત બાજી--ગેમ રમીને બેસી નથી રહેતા. વોટ્સએપ ને બીજી કેટલીક એવી ટાઇમપાસ ચીજો વાપરીને કશા સત્ત્વ વગરનું મનોરંજન મેળવે છે. પણ એનો સ્રોત સ્માર્ટ ફોન છે. એટલે લોકોને એવી છાપ પડે છે કે ‘જોયું? આ લોકો આમ બેકાર છે, પણ તેમને કેટલું બધું આવડે છે? કેવા સ્માર્ટ ફોન મચેડે છે?’ ઘણાં માતાપિતા પોતાનાં બાળકોને ફટાફટ સ્માર્ટ ફોન વાપરતાં જોઈને અેવાં અંજાઈ જાય છે, જાણે એડિસન ને ટેસ્લા જેવા મહાન સંશોધકો પછી હવે તેમનો મોબાઈલ-મચડુ ચિરંજીવી એ હરોળમાં નામ કાઢવાનો હોય.
સ્માર્ટ ફોનની સૌથી મોટી એક મુશ્કેલી આ છેઃ એ ડફોળ બનાવતો નથી (કમ સે કમ, પ્રમાણભૂત અભ્યાસોમાં તો એવાં તારણ ખાતરીપૂર્વક મળ્યાં નથી) પણ તેને વાપરતા ઘણા લોકો ‘સ્માર્ટ’ હોવાનો ભ્રમ તેનાથી ઊભો થાય છે. નિકટ તપાસ પછી એ ભ્રમની અસલિયત ખબર પડે છે, ત્યારે પ્રત્યાઘાત તરીકે એવું માનવાનું મન થાય છે કે ‘નક્કી, સ્માર્ટ ફોને જ આની વિચારશક્તિ હણીને તેને ડફોળ બનાવ્યો (કે બનાવી) લાગે છે.’
આટલું ઓછું હોય તેમ, સત્તાધારી ને વિરોધી પક્ષો પણ એવો ભ્રમ ફેલાવે છે કે યુવાનોને સ્માર્ટ ફોન પકડાવી દઈશું એટલે તેમની રોજગારીથી માંડીને બીજી અનેક સમસ્યાઓનો અંત આવી જશે. પ્રશ્ન સ્માર્ટ ફોનમાં રહેલી શક્યતાઓનો નથી. એ તો અપાર હોઈ શકે, પણ એ શક્યતાઓનો કસ કાઢવા જેટલી વિચારશક્તિ કે મૌલિકતા કેટલા લોકો પાસે હોવાની? અને આવી વિચારશક્તિ ખીલે, એવું શિક્ષણ પણ કેટલા લોકો પાસે હોવાનું?
ઝીણવટભર્યો નહીં તો પણ, અછડતો અંદાજ મેળવવા માટે વિચારી જુઓ: તમે સ્માર્ટ ફોન ધરાવતા કેટલા લોકોને તેની પર ગેમ, વોટ્સએપ-ફેસબુક, પાઇરેટેડ ફિલ્મો, સટરપટર વિડીયો સિવાયની બીજી કોઈ બાબત સાથે ગૂંથાયેલા જોયા? કેટલા લોકોને તમે સ્માર્ટ ફોન પર કંઇક ફોરવર્ડિયું રાજકીય, ધાર્મિક કે બીજા પ્રકારનું અનિષ્ટ ન હોય એવું, સાત્ત્વિક ને જ્ઞાનવર્ધક વાચન કરતા જોયા? કેટલા લોકોને સ્માર્ટ ફોનની પ્રચંડ ક્ષમતાનો કસ કાઢતા કે તેનો એ રીતે ઉપયોગ કરતા જોયા? વોટ્સએપ પર ડીઝાઈન કે સેમ્પલ કે બિલ મોકલવાં, એ પ્રકારનો ઉપયોગ એ સુવિધા છે, પણ તેમાં કશી વધારાની સ્માર્ટનેસ નથી. ભારત સાથે સંકળાયેલા ને વધુ પડતા ચગાવાયેલા ‘જુગાડ’નો જ તે એક પ્રકાર છે. તેમાં ખોટું કશું નથી, તેમ કોલર ઊંચા કરવા જેવું પણ કશું નથી. માનસિકતા જૂનવાણી રહે ને શિક્ષણ પછાત, ત્યારે સ્માર્ટ ફોનના ઉપયોગ કરતાં દુરુપયોગની સંભાવના ઘણી વધી જાય છે (જેનો આપણને પૂરતો અનુભવ છે)
સ્માર્ટ એટલે કેવું? વિચારશક્તિ ઉત્તેજે એવું? કે મગજનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા દે એવું? આ સવાલનો તમારો જવાબ શો છે? તેના આધારે સ્માર્ટ ફોનના વાપરનારને ‘સ્માર્ટ’ ગણવા કે નહીં, તે નક્કી કરી શકાય.