દુનિયાના મોટા ભાગના લોકો રાજકીય ગુલામીમાંથી આઝાદ થઈ ચૂક્યા છે, પણ તેમાંથી ઘણા ધર્મસસ્થાઓની ‘ગુલામી’માંથી મુક્ત થઈ શક્યા નથી. ‘ગુલામી’ શબ્દ પહેલી નજરે બંધબેસતો કે સાચો ન લાગે. કેમ કે, દેખીતી રીતે લોકો સ્વેચ્છાએ ધર્મ-સંપ્રદાયની સંસ્થાઓમાં કે ધર્મગુરુના શરણે જતા હોય છે. આદર્શ રીતે ધર્મ-અધ્યાત્મનો માર્ગ મુક્તિ આપનારો ગણાય છે, પણ અઢળક દાખલા પરથી કહી શકાય કે મોટા ભાગના લોકો માટે તે બંધનકર્તા બની રહે છે.
પરદેશી શાસનના સ્વરૂપમાં આવતી રાજકીય ગુલામી કરતાં પણ ધાર્મિક ગુલામી વધારે આકરી હોય છે. કારણ કે તે ‘પોતાના લોકો’ દ્વારા લાદવામા આવે છે અને તેનો બાહ્ય દેખાવ સાવ વિપરીત-–એટલે કે ઉદ્ધારનો-- હોય છે. ભારતનું અનહદ આર્થિક શોષણ કરનારા અંગ્રેજ રાજકર્તાઓમાંથી ઘણાનો દાવો હતો કે તે ‘અસંસ્કૃત’ ભારતને ‘સુધરેલુંં’ બનાવી રહ્યા છે--તેનો ઉદ્ધાર કરી રહ્યા છે. ઘણા ધર્મગુરુઓ પણ આ બાબતમાં જુદા નથી હોતા. નજીકના ભૂતકાળનો દાખલો લઈએ તો, ડેરા સચ્ચા સૌદાના હવે જેલવાસી ગુરમીત રામરહીમનો દાવો હતો કે તે મનોરંજન અને સંગીતની મદદથી યુવાનોને આડા રસ્તે જતા અટકાવે છે. અદાલતે વીસ વર્ષની સખત જેલની સજા કરી ત્યારે પણ ગુરમીત તરફથી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓનો હવાલો આપીને, સજા ઘટાડવાની વિનંતી કરવામાં આવી હતી.
એ તો અદાલત હતી ને વીસ વર્ષની સજા થઈ ચૂકેલી, એટલે વિનંતી. બાકી, ‘એરણની ચોરી ને સોયનુ દાન’ ના ધોરણે કરાતી સેવાપ્રવૃત્તિઓ ધાર્મિક ગુરુઓ બધાં પાપ સંતાડવા માટે હાથવગી હોય છે. એટલું જ નહીં, સેવાપ્રવૃત્તિની લાકડીથી ટીકાકારને ઝૂડી કાઢવાનું પણ સહેલું છે.
‘શોલે’મા ગબ્બરસિંઘ રામગઢના લોકોને કહે છે, ‘મારા તાપથી તમારું રક્ષણ કરવાના બદલામાં મારા માણસો તમારી જોડેથી થોડું અનાજ લઈ જાય, એ કંઈ જુલમ કહેવાય?’ શોષણ કરતા ધર્મગુરુઓ પણ આવું ‘ગબ્બર-લૉજિક’ વાપરે છે. (હકીકતમાં એમ કહેવુ જોઈએ કે ગબ્બરે આવા ધર્મગુરુઓનું લૉજિક વાપર્યું) ‘અમે તમારો ઉદ્ધાર કરીએ, સમાજની સેવા કરીએ ને બદલામાં તમારાં સંપત્તિ કે શરીરનો ઉપભોગ કરીએ, તેમાં આટલો બધો કકળાટ શો?’
--અને આ દલીલ તો ભક્તોમાંથી કોઈ સામે થવા જેટલી હિંમત બતાવે તેના માટે. બાકીના ટીકાકારોને ‘એ મારો ને મારા ભક્તો વચ્ચેનો મામલો છે. તેમાં સવાલ કરનારા તમે કોણ?’ એટલું કહીને ચૂપ કરી દેવાય છે.
સવાલ એ છે કે બહુમતી લોકોએ ગુલામી સ્વીકારી લીધી હોય ને કેટલાકને તો એમાં સુખભ્રાંતિ પણ થતી હોય, એટલે આઝાદીની વાત પડતી મૂકી દેવાની? કે બાકીના ગુલામોને તેમની ગુલામીનું ભાન કરાવવાનું? ગુરમીતના કિસ્સામાં જોવા મળ્યું તેમ, મહિલાનું શોષણ થતું હોય અને તેનાં ઘરનાં સભ્યો જ એ શોષણને છાવરતાં હોય--તેની ફરિયાદ પર ભરોસો ન મૂકતાં હોય એવું પણ બને. આવા સંજોગોમાં લડત ઓર કપરી બની જાય છેઃ અનુયાયીઓનાં ટોળાં સામે લડવાનું અને ઘરનાં લોકો સામે પણ લડવાનું. ધર્મના નામે સ્ત્રીનુંું તેની કે તેના કુટુંબીજનોની મરજીથી શોષણ નર્મદ-કરસનદાસ મૂળજીના જમાનાથી પણ જૂનું છે. છતાં તે ભૂતકાળ બન્યું નથી એ શરમજનક છે.
ક્યારેક ગુરમીત કે આસારામ જેવા કિસ્સામાં પાઘડીનો વળ છેડે આવે અને તેમને જેલભેગા થવાનો વારો આવે ત્યારે કુદરતી ન્યાયનો આનંદ થાય, પણ એ આશ્વાસનથી વિશેષ કંઈ હોતું નથી. કારણ કે આવી બાબતોમાં કુદરતી ન્યાય કામ કરતો નથી. ન્યાયનો પ્રયાસ માણસે જ કરવો પડે છે. અનુયાયીઓનાં ઝુંડ તથા આર્થિક-સામાજિક-રાજકીય વગની સામે પડીને ન્યાય મેળવવા કરતાં પણ વધારે અઘરું શું? એ કામ છે આવા કિસ્સા બનતા અટકાવવાનું. કેમ કે, તેમાં દુષ્ટ ધર્મગુરુઓ સામે નહીં, સમાજના લોકોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને કથિત ધાર્મિક લાગણી સામે લડવાનું આવે છે.
આસારામ કે ગુરમીત જેવાના જેલયોગના કિસ્સા થાય ત્યારે હંમેશાં એ જાણવામા રસ પડે--અને ભાગ્યે જ જાણવા મળે--કે પછી તેમના અનુયાયીઓનું શું થયું? ઘણા અનુયાયીઓ પર કશી અસર થતી નથી અને એ પોતાની ભક્તિ ચાલુ રાખે છે, જ્યારે બીજા કેટલાકને આવા કોઈ ટેકાનો ખપ હોય છે. એટલે એ કોઈ બીજો ‘થડો’ શોધી કાઢે છે. અનુયાયીઓમાંથી ઘણા તો પ્રખ્યાત અને જાહેર જીવનનાં મોટાં નામ હોય છે, જે પોતપોતાની અસલામતીથી કે મહત્ત્વાકાંક્ષાઓથી ગ્રસ્ત હોય છે. એ લાગણી તેમને આવા લોકોના શરણે જાય છે. નેતાઓ તો તેમાં સૌથી પહેલા. ભાજપના નેતાઓને મુસ્લિમ રૂઢિચુસ્તતાની સગવડીયા ટીકા કરવામાં એવી ‘કીક’ આવી જાય કે હિંદુ ધર્મને વગોવતા ને તેના નામે પાખંડ-દુરાચાર ચલાવતા લોકો દેખાય જ નહીં--અને દેખાય તો તે હિંદુ ધર્મના પ્રતિનિધિ લાગે. એટલે એવા લોકોની ટીકામાં તેમને ‘હિંદુ ધર્મને બદનામ કરવાનું કાવતરું’ દેખાય. કૉંગ્રેસ અને બીજા પક્ષો વાતો સૅક્યુલરિઝમની કરે, પણ મુસ્લિમોની રૂઢિચુસ્ત ધાર્મિકતા સામે તેમને વાંધો ન પડે અને વખત આવ્યે બીજા ધર્મના પાખંડી આગેવાનોનું શરણું લેતાં પણ તેમને જરાય સંકોચ ન થાય.
પોલીસ સ્ટેશનોમાં ઇષ્ટ દેવો ને અનિષ્ટ ધર્મગુરુઓના ફોટા હોય એટલું જ નહીં, આખેઆખા પોલીસ સ્ટેશનનના મકાનના પ્રાયોજક તરીકે કોઈ સંપ્રદાયનું કે ધર્મસ્થાનનું નામ લખેલું પણ જોવા મળે. (સરકાર પાસે પોલીસ સ્ટેશનો બાંધવાના પણ રૂપિયા નહીં હોય?) મંટોની એક લઘુકથામાં આવતું હતું કે સર ગંગારામના પૂતળાને જૂતાંનો હાર પહેરાવનાર ઘાયલ થાય ત્યારે તેને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ઘણી વાર એવો વિચાર આવે કે અમુક ધર્મસંસ્થાનું નામ ધરાવતા પોલીસ સ્ટેશનમાં એ જ સંપ્રદાયના કોઈની ધરપકડ કરવાનો વારો આવે તો?
ઘણાં ધર્મસંસ્થાનો સંપત્તિ અને પ્રભાવની રીતે કૉર્પોરેટનાં પણ દાદા જેવાં હોય છે. તેમની વ્યવસ્થા, ભપકો, ટેકનોલોજીનો ઉપયોગ વગેરે જોઈને સામાન્ય માણસ અંજાઈ જાય છે અને એ અંજાવાને ભક્તિ કે શ્રદ્ધા ગણી બેસે છે. આવાં જૂથો ફક્ત સ્થાનિક નહીં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે પણ વ્યાપ ધરાવતાં હોવાથી, ઘણી વાર તે બિઝનેસ ક્લબ અને ઍમ્પ્લોયમૅન્ટ ઍક્સચેન્જનું કામ પણ કરે છે. બદલામાં અનુયાયીઓએ કૉમન સૅન્સ લખી આપવી પડે છે. તેનાથી ધાર્મિક અને આર્થિક એમ બન્ને જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળતી હોય અથવા એવી આશા ઊભી થતી હોય અને કેટલાક કિસ્સામાં સામાજિક દરજ્જો પણ મળતો હોય, તો શો વાંધો?
ધર્મ-અધ્યાત્મના નામે નીતાંત ભૌતિક સામ્રાજ્યો ઊભાં કરનારા, ગુંડાગીરી કરનારા કે તેને પોષનારા ભારતના આધ્યાત્મિક વારસાના પ્રતિનિધિ નહીં, ભારત માટે ધબ્બારૂપ છે. આવા ‘ધબ્બા’ને ધર્મ ગણનારાને શું કહેવું?

No comments:
Post a Comment