Harshal Pushkarna at Siachen with Jawans/ સિઆચેનમાં જવાનો સાથે હર્ષલ પુષ્કર્ણા |
આપણા ગૌરવનું એવું છે. કોઈ ટોણો મારે ત્યારે યાદ આવે કે પછી કોઈ ચગડોળે ચડાવે ત્યારે. બાકી, એક ગુજરાતી પત્રકાર, હર્ષલ પુષ્કર્ણા, વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર એવા સિઆચેનની એકલપંડે મુલાકાત લે, સિઆચેન બેઝ કૅમ્પથી ઉપર, 19 હજાર ફીટથી પણ વધુની ઊંચાઈએ આવેલી કેટલીક ચોકીઓનો હૅલિકોપ્ટરમાં બેસીને આંટો મારી આવવાને બદલે, ટ્રેકિંગ કરીને જાય (અને એમ કરનાર સંભવતઃ પહેલા ભારતીય પત્રકાર બને), આખી સાહસયાત્રા તે સૈન્યના હિસાબે ને જોખમે-તેમની પર બોજ બનીને પાર પાડવાને બદલે, ગાંઠના ખર્ચે સંપન્ન કરે, તે માટે જીવનું જોખમ ખેડે, શારીરિક સજ્જતા કેળવે, આકરી શારીરિક-માનસિક કસોટીઓમાંથી પાર ઉતરે--અને ગુજરાતી જ નહીં, રાષ્ટ્રીય પત્રકારત્વમાં વીરલ કહેવાય એવા અા અનુભવ પર ગુજરાતીમાં એક પુસ્તક લખે, આ અનુભવ પછી જવાનો વિશે લોકોમાં સંવેદના કેળવવા માટે ઠેર ઠેર પોતાની ઉલટથી કાર્યક્રમો કરે..
...અને ગુજરાત વિશે ગૌરવ ધરાવતા આપણામાંથી મોટા ભાગના લોકોને એ વિશે ખ્યાલ પણ ન હોય.
હા, માહિતીના વિસ્ફોટના યુગમાં, સોશ્યલ નેટવર્કિંગનાં ઉભરાતાં સ્ટેટસ વચ્ચે, આવું પણ બને. હર્ષલ પુષ્કર્ણાનું નામ જ્ઞાનવિજ્ઞાનના માસિક ‘સફારી’ના સંપાદક તરીકે ગુજરાતી વાચકોમાં જાણીતું છે. છેલ્લા બે દાયકાથી થતી યુવા પત્રકારો-લેખકોની ગણતરીમાં તેમનું નામ ક્યારેક જ દેખાયું હોય, તો એ પ્રશ્ન ગણતરી કરનારનો છે. બાકી, હકીકત એ છે કે ગુજરાતીને જ્ઞાનભાષા તરીકે યુવા પેઢી સુધી પહોંચાડવામાં પ્રતાપી પત્રકાર- પિતા નગેન્દ્ર વિજયની સાથે હર્ષલ પુષ્કર્ણાનો પણ મોટો ફાળો રહ્યો છે. દાયકાઓના અવિરત જ્ઞાનયજ્ઞ પછી હર્ષલે કરેલી સિઆચેનની સફર માત્ર તેમની કે 'સફારી’ની જ નહીં, ગુજરાતી વાચકોની ક્ષિતિજો વિસ્તારે એવી છે. તેમનું 232 પાનાંનું પુસ્તક ‘આ છે સિઆચેન’ અજાણી-ઓછી જાણીતી માહિતી, વિશ્લેષણ અને દુર્લભ-રંગીન તસવીરોથી ઠાંસોઠાંસ ભરેલું છે.
સિઆચેન વિશેનું ગુજરાતીમાં આ પહેલું પુસ્તક છે, પરંતુ તેમાં કેટલીક વિગતો અને ઘણી તસવીરો એવી છે, જે અંગ્રેજી સહિત બીજી કોઈ ભારતીય ભાષાના પુસ્તકોમાં જોવા નથી મળતી. સત્તર પ્રકરણમાં વહેંચાયેલું આ પુસ્તક સિઆચેન સમસ્યાનાં ઇતિહાસ-ભૂગોળ-સરહદી વિવાદ અને કાતિલ હવામાનની તલસ્પર્શી જાણકારી આપ્યા પછી વાચકને બર્ફીલા પહાડ, થીજાવી દેતી ઠંડી અને તેની વચ્ચે જલતી માનવસંવેદનાની જ્યોતથી જાણે રૂબરૂ કરાવે છે. માઇનસ પચીસ-ત્રીસ ડિગ્રીની ઠંડી જ્યાં સામાન્ય ગણાય, તે સિઆચેનને સરહદ આંકતી વખતે રેઢું મૂકી દેવાયું હતું. પણ જતે દિવસે તેનું એવું વ્યૂહાત્મક મહત્ત્વ થયું કે ભારે ખુવારી વેઠીને પણ એ પ્રદેશ પર સૈન્ય તહેનાત રાખવું પડે. જો ભારત સહેજ ઢીલું મૂકે તો એ પ્રદેશ પર પાકિસ્તાન કબજો જમાવી દે. (કારગીલમાં પાકિસ્તાને આવો વિશ્વાસઘાત કર્યા પછી તેની પર આ બાબતે બિલકુલ ભરોસો મૂકી ન શકાય.)
સિઆચેન ભારતનું છે તેની પ્રતીતિ સતત થતી રહે એ માટે ભારતીય સૈન્ય દર વર્ષે થોડા નાગરિકોને સિઆચેન લઈ જાય છે. તેમાં અમુકથી ઓછી ઉંમર અને શારીરિક સજ્જતા જરૂરી છે. એ ટુકડીમાં કેટલાક પત્રકારો પણ સામેલ હોય છે, જેમના અહેવાલોમાં ઘણી વાર કેન્દ્રસ્થાને સિઆચેન અને તેના જવાનો નહીં, પણ 'જુઓ, જુઓ, અમે છેક સિઆચેન પહોંચી ગયા’ એવું હોય છે. વયમર્યાદાને હર્ષલને એ વાર્ષિક આયોજનમાં તક ન મળી. એટલે વ્યક્તિગત મુલાકાત માટે તેમને સજ્જતા ઉપરાંત ભારે ખંત-ધીરજથી કામ લેવું પડ્યું. પરંતુ તેના પરિણામસ્વરૂપે મળેલા પુસ્તક ‘આ છે સિઆચેન’ના કેન્દ્રમાં સિઆચેન અને તેના જવાનો છે. વાત લેખકની સફરની હોવા છતાં, તેમણે સૈનિકોની બહાદુરી ને તેમની મક્કમતા ઉપરાંત તેમની સંવેદનાને પુસ્તકના મુખ્ય વિષયવસ્તુ તરીકે રાખી છે.
પુસ્તકમાં નોંધ્યા પ્રમાણે, સિઆચેન મોરચે જવાનો ઉપરાંત ત્રણ આધારસ્તંભ છેઃ હૅપ્ટર્સ (હૅલિકોપ્ટર્સ), ડૉક્ટર્સ અને પોર્ટર્સ. લેખકે ચોકી ઉપરના જવાનોથી માંડીને બેઝકૅમ્પમાં તહેનાત તબીબો, લદ્દાખી હમાલો અને રસોડામાં કામ કરનારા માણસો સાથે રસોઈ બનાવનારા સાથે પણ વિગતે વાત કરી છે. પોતાના સાથીદારોને આંખ સામે ગુમાવવાની અને ત્યાર પછી પણ સ્વસ્થતા ટકાવી રાખવાની કસોટી કેવી આકરી હોય છે? હિમડંખના પરિણામે શરીરનાં અંગો ગુમાવવાં પડે એવી સ્થિતિ સતત માથે ઝળુંબતી હોવા છતાં, જવાનો કઈ તાકાતથી ટકી રહે છે? જ્યાં એક-એક મિનીટ એક દિવસ જેવી લાંબી લાગે ત્યાં કઈ રીતે આ જવાનો ત્રણ-ત્રણ મહિના સરહદનું રક્ષણ કરતાં વીતાવે છે? આત્યંતિક સંજોગો સામે રક્ષણ મેળવવા માટે કેટકેટલી સામગ્રી ઉપલબ્ધ છે? તે કેટલી મોંઘી છે? છતાં કુદરતની રૌદ્રતા સામે કેટલી અપૂરતી નીવડે છે? આવા સંખ્યાબંધ સવાલોના ઉભડક નહીં, ઊંડાણભર્યા જવાબ હર્ષલે ચાર દિવસ તેમની સાથે વીતાવીને મેળવ્યા છે.
Harshal Pushkarna at Siachen post with Jawans/ સિઆચેનની ચોકી પર જવાનો સાથે હર્ષલ પુષ્કર્ણા |
નવેમ્બરમાં સિઆચેન મુલાકાત પછી માંડ દોઢેક મહિના જેટલા ટૂંકા ગાળામાં હર્ષલ પુષ્કર્ણાએ પુસ્તક લખ્યું, તેનું ડીઝાઇનિંગ પણ કર્યું, ગુપ્તતાનો ભંગ ન થાય તેની ચીવટ રાખીને અઢળક દુર્લભ તસવીરો મૂકી અને 26મી જાન્યુઆરી, 2017ના રોજ 'આ છે સિઆચેન'અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમમાં પ્રકાશિત થયું. સિઆચેનમાં શહીદ થયેલા અમદાવાદના કેપ્ટન નીલેશ સોનીના મોટા ભાઈ જગદીશ સોની આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
પુસ્તક પ્રકાશિત થયા પછી પણ હર્ષલ પુષ્કર્ણાનું મિશન સિઆચેન પૂરું થયું નથી. તેમને લાગે છે કે સિઆચેનના જવાનોની વાસ્તવિકતા, તેમની સંવેદના અને જવાનો પ્રત્યે માનની-કૃતજ્ઞતાની લાગણી નાગરિકોમાં જગાડવી જોઈએ. એ આશયથી તેમણે 'સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ'ઉપાડી છે. તેમાં લગભગ દોઢ-બે કલાકની દૃશ્ય-શ્રાવ્ય રજૂઆત અને ત્યાર પછી પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. ગુજરાતમાં અને ગુજરાતબહાર યોજાઈ આવા દસ કાર્યક્રમ યોજાઈ ગયા. તેમાં હર્ષલની સરળ છતાં સોંસરવી, સાદગીપૂર્ણ છતાં જકડી રાખે એવી રજૂઆત પછી શ્રોતાઓમાંથી આવતા સવાલો આ ઝુંબેશની જરૂરિયાત, ઉપયોગીતા અને સાર્થકતા સિદ્ધ કરી આપનારા હોય છે. યુદ્ધખોરી પોષ્યા વિના જવાનોને-સૈન્યને શી રીતે બિરદાવી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ છે આ ઝુંબેશ.
ગુજરાતે શહીદો આપ્યા છે કે નહીં, એ વિશે સોશ્યલ નેટવર્ક પર ધડબડાટી બોલાવવી, તે દેશપ્રેમનો-ગુજરાતપ્રેમનો એક પ્રકાર છે અને સિઆચેન જેવા વિષય વિશે ગુજરાતીમાં આટલું અધિકૃત પુસ્તક આવ્યું હોય- ગુજરાતી ભાષામાં જ સિઆચેન વિશેની જનજાગૃતિ ઝુંબેશ ચાલતી હોય, તેની કદર કરવી એ બીજો પ્રકાર છે. જેવી તમારી પસંદગી.
હર્ષલ પુષ્કર્ણાની સિઆચીનનું મુલાકાતનું વર્ણન 'સફારી' માં વાંચ્યું હતું. ઉર્વીશભાઈ, આપે તેમના આ અંગેના પુસ્તક વિષે માહિતી આપી, તેથી ઘણો જ આનંદ થયો.
ReplyDeleteHappy and proud to read about the trips and book by Harshal Pushkarna. You also deserve hearty congratulations on providing the information. Please indicate where to obtain his book.
ReplyDeleteCaptain Nilesh Soni sacrifices his life at Siachen in Operation MEghdoot
ReplyDeleteHarshal in you I can see a great writer of Gujarat. You are from only family of Authots of Science & GK in Gujarati language. Keep it up. All the best wishes 🕉️
ReplyDeleteઉર્વીશ ભાઈ કોઠારી, શ્રી હર્ષલ પુષ્કર્ણા વિશેનો સીઓચીનનો લેખ વાંચ્યો.ગુજરાતનાં વૈજ્ઞાનિક/સાહસ ધોરણે લખાયેલા સાહિત્યમાં જેમનું નામ અમર રહેશે તેવા શ્રી વિજયગુપ્ત મૌર્ય ના પૌત્ર શ્રી હર્ષલ પુષ્કર્ણાને શુભેચ્છા પાઠવતા તેમની સફળતાના પગથિયાં પર ઉત્તરોતર પ્રગતિ થાય.
ReplyDeleteશ્રી વિજયગુપ્ત મૌર્ય 'અખંડ આનંદ, જન્મભૂમિ પ્રવાસી'માં પણ લેખો લખતા અને બહુજ લોકપ્રિય રહ્યા હતા.