તરણા ઓથે ડુંગર—એ કહેવતની યાદ અપાવતો એક અભ્યાસ જિઓલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાના જર્નલ GSA Todayના માર્ચ-એપ્રિલ
2017ના અંકમાં પ્રસિદ્ધ થયો છે. તેનો સાર એ
છે કે ન્યુઝીલેન્ડનો ટચુકડો ટાપુસમુહ વાસ્તવમાં એક તોતિંગ પોપડાનો હિસ્સો છે—એવો પોપડો,
જેનો 94 ટકા હિસ્સો પાણીમાં ગરક થયેલો છે. જળસમાધિ લેનાર એ
પોપડાનું ક્ષેત્રફળ આશરે 49 લાખ ચોરસ કિલોમીટર છે. આથી તેને ખંડનો દરજ્જો આપીએ, તો પૃથ્વીનો સૌથી નાનો ખંડ ગણી શકાય. તેને નામ અપાયું છે ઝીલેન્ડિઆ.
અહીં જે પોપડાની વાત કરી છે, તેનું વૈજ્ઞાનિક નામ કોન્ટીનેન્ટલ ક્રસ્ટ—એટલે કે જમીનનો એવો હિસ્સો જેનાથી પૃથ્વીની ઉપરની સપાટી બનેલી છે. આશરે પચાસ કરોડ પહેલાં પૃથ્વીની જમીન જુદા જુદા ભાગોમાં વહેંચાઈ ન
હતી. એ સળંગ, વન પીસ જમીની હિસ્સો ગોંદવાના તરીકે ઓળખાતો હતો. પૃથ્વીની જમીની સપાટી (કોન્ટીનેન્ટલ ક્રસ્ટ) અને દરિયાનું તળીયું (ઓશનિક ક્રસ્ટ) એમ બધો પથારો સાત મોટા અને બીજા નાના વિભાગમાં વહેંચાયેલો છે. આ વિભાગો ‘પ્લેટ’ તરીકે ઓળખાય છે. પૃથ્વીના નીચલા સ્તરમાં થતી વિવિધ હલચલોને કારણે આ બધી પ્લેટ અત્યંત ધીમી ગતિએ સરકે છે અને એકબીજાથી દૂર જાય છે.
આશરે 18.5
કરોડ વર્ષ પહેલાં એક તબક્કો એવો આવ્યો, જ્યારે પ્લેટોની ધીમી પણ મક્કમ ગતિને લીધે પૃથ્વીની સળંગ જમીની સપાટીના ટુકડા થવા લાગ્યા અને એ ટુકડા એકબીજાથી અલગ દિશામાં આગળ વધ્યા. કલ્પના કરોઃ એક ટાપુને જુદી જુદી દિશામાં ધીમી ગતિ કરતાં સાત જહાજો સાથે દોરડે બાંધી દીધો હોય તો શું થાય? શરૂઆતમાં એ ટાપુ ચોતરફથી આવતા દબાણની ઝીંક ઝીલે, પરંતુ જહાજોનું દબાણ સતત ચાલુ રહે, એટલે એ ટાપુ બટકે અને તેના ટુકડા થાય. કંઇક એવું જ
પૃથ્વીના જમીની ટુકડાનું થયું.
ચોકલેટનો બાર આખો અને સળંગ હોવા છતાં, તે આંકા ધરાવતા ટુકડામાં વહેંચાયેલો હોય છે. તેને હાથથી દબાણ આપીએ ત્યારે સૌથી પહેલાં તે આંકામાંથી બટકે છે ને ક્યારેક આડોઅવળો પણ તૂટે છે. પૃથ્વીની જમીની સપાટી અને દરિયાઈ સપાટી પણ આવા સાત મુખ્ય અને બીજા નાના, બટકવાપાત્ર આંકામાં વહેંચાયેલી છે. એ આંકા સંબંધિત પ્લેટની સરહદ સૂચવે છે. પ્લેટોની ધીમી છતાં સતત ગતિથી પૃથ્વીની જમીની સપાટી ચોકલેટબારની જેમ, આંકામાંથી બટકવા લાગી. ફરક એટલો કે એ
આંકા ચોકલેટબાર પર હોય એવા સુરેખ નહીં, પણ વાંકાચૂકા-આડાઅવળા હતા.
તેમની બટકામણીથી પૃથ્વીની ભૂમિના સાત મોટા ટુકડા (ખંડ) પડ્યા અને સમય જતાં આજનો નકશો અસ્તિત્ત્વમાં આવ્યો.
કરોડો વર્ષ ચાલેલી આ
પ્રક્રિયા દરમિયાન સાત મોટા ખંડની સાથોસાથ કેટલાક નાનામોટા ટુકડા પણ અલગ પડ્યા હતા, જે વખત જતાં જમીની સપાટી પરથી અદૃશ્ય બન્યા. આશરે
6 કરોડથી 8.5 કરોડ વર્ષ પહેલાંના અરસામાં ગોંદવાનામાંથી એવો એક (સાત ખંડ સિવાયનો) વિશાળ ટુકડો છૂટો પડ્યો અને તેણે જળસમાધિ લીધી. એ ટુકડો એટલે જ
ઝીલેન્ડિઆ. હાલમાં તેને ઓસ્ટ્રેલયા ખંડનો હિસ્સો ગણવામાં આવે છે, પણ તેને અલગ ખંડનો દરજ્જો આપવા માગ કરવામાં આવી છે.
આ ટુકડાને ઝીલેન્ડિઆ તરીકેની અલગ ઓળખ 1995માં એક અમેરિકન વિજ્ઞાનીએ આપી હતી. ન્યુઝીલેન્ડના ઉત્તરી અને દક્ષિણી ટાપુઓ દરિયામાં ગરક થયેલા ઝીલેન્ડિઆના સૌથી ઊંચા પર્વતી વિસ્તારો છે. ઉપરાંત, ન્યૂ કેલેડોનિઆ સહિતના બીજા કેટલાક નાના ટાપુઓ પણ બહારથી ભલે એકબીજા કરતાં અલગ દેખાતા હોય, પણ દરિયાઈ સપાટીની નીચે તે ઝીલેન્ડિઆના જ ભાગ છે. તેંના વિશે GSA Todayમાં પ્રગટ થયેલો તાજો અભ્યાસ ન્યૂઝીલેન્ડના ત્રણ સહિત કુલ પાંચ વિજ્ઞાનીઓના સંશોધનનું પરિણામ છે. તેમણે ચોખવટ કરી છે કે ન્યુઝીલેન્ડના ટાપુઓની નીચે રહેલા ભૂભાગને ખંડનો દરજ્જો આપવાની માગણી ન્યૂઝીલેન્ડના ગૌરવનો મામલો નથી, પણ પૃથ્વીની ભૂગોળ અને ખંડોની સર્જનપ્રક્રિયા સમજવામાં તે ઉપયોગી નીવડી શકે છે.
ન્યુઝીલેન્ડ અને આસપાસના ટાપુઓના તળીયે પથરાઈને પડેલા ઝીલેન્ડિઆની ચર્ચા ઠીક ઠીક સમયથી થાય છે. તેની સરખામણીમાં મોરિશિઆની ભાળ થોડા સમય પહેલાં જ મળી. હિંદ મહાસાગરમાં મોરિશિયસ ટાપુઓ નીચે ખંડોના સર્જન વખતનો છૂટો પડેલો એકાદ પોપડો સંતાયેલો હોવાનો સંશોધન અહેવાલ વિખ્યાત વિજ્ઞાન સામયિક 'નેચર'ના જાન્યુઆરી
31,2017ના અંકમાં પ્રગટ થયો. તેનો ટૂંકસાર એ
હતો કે હિંદ મહાસાગરમાં આવેલા ટચુકડા ટાપુ-દેશ મોરેશિયસની નીચે કોન્ટીનેન્ટલ ક્રસ્ટનો ટુકડો ધરબાયેલો છે. તેનો વિસ્તાર કેટલો છે એ નક્કી થઈ શક્યું નથી, પણ તેમાં રહેલા જ્વાળામુખીમાંથી સતત લાવા નીકળવાના કારણે અને એ
લાવા ઠરવાના કારણે, ઉપર મોરેશિયસ ટાપુઓ બની ગયા અને તેની નીચે ગોંદવાનાના હિસ્સા જેવા ભૂભાગ મોરિશિઆનું અસ્તિત્ત્વ ઢંકાઈ ગયું.
અભ્યાસલેખ પ્રમાણે, ૯૦ લાખ વર્ષ પહેલાં મોરિશિઆની ઉપર લાવા ઠરવાનું શરૂ થયું. પછી ત્યાં ટાપુ બન્યા અને ઝાડપાન ધરાવતી સૃષ્ટિ પાંગરી. પરંતુ અભ્યાસીઓએ મોરેશિયિસમાં પાંચ જુદાં જુદાં ઠેકાણેથી લીધેલાં સેમ્પલની ઝીણવટભરી તપાસમાં ઝિર્કોન ધાતુના અંશ મળી આવ્યા. આવરદાની માહિતી મેળવવામાં ઝિર્કોન અત્યંત ઉપયોગી પુરવાર થાય છે. તેમના વિશ્લેષણ થકી ખબર પડી કે એ
ઝિર્કોન તો કરોડો વર્ષ જૂના છે. મતલબ, તે મોરિશિઆનો હિસ્સો હશે અને તેમાંથી જ્વાળામુખીના લાવા સ્વરૂપે તે નવા સર્જાયેલા મોરેશિયસનો હિસ્સો બન્યા. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, આશરે ૧૨ કરોડ વર્ષ પહેલાં અખંડ ગોંદવાનામાંથી ભારતનો હિસ્સો છૂટો પડ્યો હશે ત્યારે ભારત અને ગોંદવાના વચ્ચેનો કેટલોક ભાગ બટકાઈને દરિયામાં ગયો હશે.
માંડ બે હજાર ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા મોરેશિયસની નીચે કંઇક ગરબડ છે, એવું વિજ્ઞાનીઓને ઘણા વર્ષથી લાગતું હતું. કારણ કે પૃથ્વી પર જુદાં જુદાં સ્થળોએ ગુરુત્વાકર્ષણમાં વધઘટ જોવા મળે છે. તેનું કારણ છેઃ જમીની પોપડાનો જથ્થો અને તેની ઘનતા. જ્યાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં પોપડો જામ્યો હોય એવા હિસ્સા માસ કોન્સન્ટ્રેશન (માસકોન) તરીકે ઓળખાય છે. મોરેશિયસમાં ગુરુત્વાકર્ષણનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે હોવાથી તેની નીચે પણ આવો જથ્થો હોવાની અને એ
જથ્થો ભૂતકાળમાં ખોવાયેલો ગોંદવાનાનો ટુકડો હોવાની સંભાવના સંશોધક લુઇસ અેશ્વલે રજુ કરી હતી. ઝિર્કોનના અંશોની ઉંમર પરથી તેમની થિયરીને સમર્થન મળ્યું છે.
મોરિશિઆ અને ઝીલેન્ડિઆ એવા ખંડ નથી કે જ્યાં જઈને નવાં સાહસ ખેડી શકાય, પણ તેમની શોધ થકી પૃથ્વીના ભૂતકાળ અને ગોંદવાનાના વિસર્જન-ખંડોના સર્જન વિશેની સમજમાં ઘણો ઉમેરો થાય એમ છે. એ દૃષ્ટિએ સંશોધકો માટે આ
બન્ને ખંડોની શોધ પણ ઓછી રોમાંચક નથી.
નોંધઃ મૂળ લેખમાં મોરિશિઆને બદલે સરતચૂકથી મોરિશિઆના લખાયું હતું, તે અહીં સુધાર્યું છે. સરતચૂક બદલ દિલગીરી.
No comments:
Post a Comment