(તંત્રીલેખ, ૧૫-૧૦-૧૬)
કેટલીક ચર્ચાઓ જોખમી હોય છે. કારણ કે તેના મૂળમાં રહેલો મુદ્દો બિનધાર્મિક હોય છે, પણ જેવી ચર્ચા શરૂ થાય કે તરત તેને ધાર્મિક રંગ આપી દેવાય છે. ત્યાર પછીની દલીલો મુદ્દા વિશે નહીં, પણ ધર્મ વિશેની થઇ જાય છે અને બન્ને પક્ષો એમાં હોંશે હોંશે ધર્મયોદ્ધા તરીકે પ્રગટ થાય છે. મુસ્લિમોમાં ત્રણ વાર તલાક બોલવાથી પત્નીના છૂટાછેડા થઇ જાય એ પ્રકારનો, ટૂંકમાં ‘ટ્રિપલ તલાક’ તરીકે ઓળખાતો રિવાજ વર્ષોથી આ પ્રકારની જોખમી ચર્ચાનો વિષય રહ્યો છે.
આમ જુઓ તો તેમાં કશું અટપટું નથી : ભારત દેશમાં સૌ કોઇને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે અને સરકાર તેમાં દખલ ન કરે એવું તેમાં નિહિત છે. પરંતુ આ સ્વતંત્રતા અમર્યાદ નથી. ભારત લોકશાહી અને પ્રજાસત્તાક દેશ છે. તેના બંધારણમાં ‘સેક્યુલર’ વિશેષણ ન ઉમેરાયું હોત તો પણ બંધારણનું હાર્દ એ જ છે કે ધાર્મિક રિવાજ અને નાગરિક અધિકારો વચ્ચે ટકરાવ થાય ત્યારે પલ્લું નાગરિક અધિકારો ભણી નમવું જોઇએ. ટ્રિપલ તલાકનો મામલો અદાલતમાં પહોંચેલો છે અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ જેવી મુસ્લિમોની પ્રતિનિધિ સંસ્થાએ ભારપૂર્વક ટ્રિપલ તલાકનો બચાવ કર્યો છે. બૉર્ડ જેવી સંસ્થાઓને અને ઘણા ધર્મગુરુઓને આ કાયદો ધર્મના આદેશ જેવો અને તેથી અફર લાગે છે. બીજી તરફ મુસ્લિમોમાં રહેલા કેટલાક પ્રગતિશીલ અવાજો અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને આ રિવાજ સામે વાંધો પડે છે. કારણ કે, તે મહિલાઓ માટે અન્યાયકારી છે.
આવી કોઇ પણ ચર્ચા થાય, એટલે તે બીજી જ મિનીટે ધર્મગ્રંથમાં ખરેખર શું લખ્યું છે તેની પર આવીને અટકી જાય છે. પરંતુ વર્તમાન સમયમાં ધર્મનાં અનેક અર્થઘટનો અને અનર્થઘટનોને કારણે આગળની ચર્ચા નિરર્થક બની જાય છે. લખાયેલા શબ્દ (લેટર) કરતાં હાર્દ (સ્પિરિટ)નું મહત્ત્વ કાયદાની જેમ (બલ્કે કાયદાથી પણ વધારે) ધર્મમાં અગત્યનું છે. અને કોઇ પણ પ્રકારની વિદ્વત્તાભરી ચર્ચામાં ઉતર્યા વિના કે દાખલાદલીલો ટાંક્યા વિના એટલું તો સૌ કોઇ કબૂલશે કે સ્ત્રીઓને અન્યાય થાય એવું કોઇ પણ ધર્મમાં લખ્યું ન હોય. તેમ છતાં, કેટલીક સ્ત્રીઓ આ અન્યાય સામે અવાજ ઉઠાવે, ત્યારે બીજા ધર્મના લોકોએ નહીં, પણ ઇસ્લામના વિદ્વાનોએ વિચારવાનું રહે છે કે આવું કેમ બન્યું? અને તે જેને ધર્મનો આદેશ માનીને ચુસ્તીથી (કે જડતાથી) વળગી રહ્યા છે, તે મૂલ્ય વર્તમાન સમયમાં, લોકશાહીના માળખામાં ટકી શકે એમ છે?
જો ધર્મના નામે ચાલતો રીવાજ નાગરિક અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય કે તેમને જોખમાવતો હોય, તો એવા રીવાજને બદલવામાં ધર્મનું હિત અને ધર્મની મોટાઇ છે. રાજસ્થાનમાં રૂપકુંવર સતી થઇ ત્યારે ઘણા પુરાતનવાદીઓ સતીપ્રથાનો મહીમા કરતા હતા અને રૂપકુંવરની સમાધિનાં દર્શન માટે ટોળાં ઉમટતાં હતાં. તેના કારણે સતીપ્રથા માન્ય ન બની જાય. ગમે તેટલા હિંદુઓની લાગણી દુભાવવાની હોય તો પણ સતીપ્રથાને કાયદાવિરોધી જ ઠરાવવી પડે. એવી જ રીતે ઇસ્લામના નામે ચાલતા અન્યાય, ભેદભાવ અને અસમાનતાને ફક્ત કાયદા ખાતર નહીં, ઇસ્લામના માન ખાતર, તેને ઉજળો બનાવવા ખાતર પણ અટકાવવા રહ્યા. શાહબાનો ચુકાદા વખતે રાજીવ ગાંધીની સરકારે મુસ્લિમ મતબેન્કની લ્હાયમાં એ તક ખોઇ દીધી અને સર્વોચ્ચ અદાલતના પ્રગતિશીલ ચુકાદાને ઉથલાવી દીધો.
સામા પક્ષે ભાજપ અને સંઘ પરિવારનાં સંગઠનો છે, જેમનો મુસ્લિમદ્વેષ હિંદુપ્રેમ કરતાં વધારે જાણીતો છે. બલ્કે તેમનો હિંદુપ્રેમ અને દેશપ્રેમ ઘણી વાર મુસ્લિમદ્વેષ તરીકે પ્રગટ થતો હોય છે. ખરું જોતાં, મુસ્લિમો આ દેશના બરાબરીયા નાગરિક બની રહે એવા હેતુથી, ટ્રીપલ તલાક અને સમાન નાગરિક ધારાનો આગ્રહ સેવાવો જોઇએ. પણ હિંદુત્વના ખેલાડીઓ માટે ટ્રીપલ તલાક કે સમાન નાગરિક ધારો મુખ્યત્વે રાજકારણનાં સાધનમાત્ર હોય છે. મુસ્લિમ રૂઢિચુસ્તો ટ્રીપલ તલાક જેવી પ્રથાનું સમર્થન કરીને આવા રાજકારણના સહભાગી બને છે.

No comments:
Post a Comment