ફિલ્મઉદ્યોગના આરંભથી સાહિત્યકારોનો
તેની સાથે નાતો રહ્યો છે. કનૈયાલાલ મુનશી જેવા સાહિત્યકારો માટે ફિલ્મી દુનિયા
પોતાના મુખ્ય વ્યવસાય (વકીલાત) સિવાયની, શોખ પોષવાની પ્રવૃત્તિ હતી, જ્યારે બે સર્વકાલીન મહાન
વાર્તાકાર મંટો અને પ્રેમચંદના જીવનમાં થોડા સમય પૂરતી ફિલ્મોએ મુખ્ય રોજગારી પૂરી
પાડી. ૧૯૩૧માં બોલતી ફિલ્મો શરૂ થઇ ત્યારે નવલકથાકાર તરીકે મુન્શી પ્રેમચંદની
ખ્યાતિ જામી ચૂકી હતી. તેનાથી પ્રેરાઇને સૌથી પહેલાં ગુજરાતી ફિલ્મનિર્માતા નાનુભાઇ
વકીલે પ્રેમચંદનો સંપર્ક કર્યો અને તેમની નવલકથા ‘સેવાસદન’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી
કર્યું. તેના માટે પ્રેમચંદને રૂ.૭૫૦ ચૂકવવામાં આવ્યા.
|
Munshi Premchand/મુન્શી પ્રેમચંદ |
પાંચમી ફેબ્રુઆરી, ૧૯૩૪ના
રોજ લીલાવતી મુનશીની ઉપસ્થિતિમાં ‘સેવાસદન’ ફિલ્મનું મૂહુર્ત થયું. એ પ્રસંગે ૫૪ વર્ષના મુન્શી પ્રેમચંદ
(સંભવતઃ પહેલી વાર) મુંબઇ ગયા અને ત્યાં બાર દિવસ રહ્યા. ફિલ્મના મુહૂર્ત વખતે
તેમણે નાનકડું પ્રવચન આપ્યું હતું, જેનું શૂટિંગ કરીને એટલો હિસ્સો ફિલ્મના આરંભે જોડી
દેવામાં આવ્યો. ફિલ્મના ટાઇટલમાં તેમનું નામ ‘કથા-સંવાદલેખક’ તરીકે
મુકવામાં આવ્યું હતું.
ત્યાં સુધી બનારસમાં રહીને સાહિત્યસર્જન
કરતા મુન્શી પ્રેમચંદના મનમાં ફિલ્મલાઇન સાથે જોડાવાનો કે તેના માટે મુંબઇ જવાનો
કોઇ ખ્યાલ ન હતો. પણ ‘હંસ’ અને ‘જાગરણ’ જેવાં તેમનાં સામયિકો તથા તેમની માલિકીનું ‘સરસ્વતી પ્રેસ’ સતત
ખોટ કરતાં હતાં. એવા વખતે ફિલ્મકંપનીનો આગ્રહ તે ટાળી શક્યા નહીં. ૩૦મી એપ્રિલ,૧૯૩૪ના
પત્રમાં તેમણે લખ્યું હતું,‘મુંબઇની એક ફિલ્મકંપની મને બોલાવે છે. પગારની વાત
નથી, પણ કોન્ટ્રાક્ટ થાય એમ છે. વર્ષના રૂ.૮,૦૦૦. હું એવા તબક્કે પહોંચી ગયો
છું, જ્યાં મુંબઇ ગયા સિવાય મારા માટે બે જ વિકલ્પ રહ્યા છે : મુંબઇ જતો રહું અથવા
મારી નવલકથાઓ બજારમાં વેચું...કંપનીવાળા હાજરીનો આગ્રહ રાખતા નથી. મને મનમાં આવે
તે લખું, મન થાય ત્યાં લખું,
તેમના માટે ચાર-પાંચ સીનારીયો લખી આપું. મને થાય છે કે જઇ
આવું. ત્યાં એકાદ વર્ષ રહ્યા પછી એવો કંઇક કોન્ટ્રાક્ટ કરી દઇશ કે હું અહીં
(કાશીમાં) બેસીને (વર્ષે) ત્રણ-ચાર વાર્તાઓ લખી આપું અને ચાર-પાંચ હજાર રૂપિયા
મળતા રહે. તેમાંથી ‘જાગરણ’ અને ‘હંસ’ બન્ને સામયિકો સરસ રીતે ચાલતાં રહે અને રૂપિયાની તંગી દૂર થાય.’
જયશંકર પ્રસાદ જેવા મિત્ર તેમને મુંબઇ ન જવા
માટે સમજાવતા હતા, ત્યારે તેમણે જૈનેન્દ્રકુમાર જૈનને લખ્યું હતું,‘મહિને સાતસો-આઠસો રૂપિયા પગાર
મળતો હોય તો મુંબઇ જવામાં મને કશો વાંધો નથી. એકાદ-બે વર્ષ એવી રીતે ખેંચીને આવતો
રહીશ. હજુ સુધી મેં જવાબ આપ્યો નથી. કંપનીના બે તાર આવી ગયા છે. પ્રસાદજી (જયશંકર
પ્રસાદ)ની સલાહ છે કે મારે મુંબઇ ન જવું. તું પણ એવું માનતો હોઉં કે મારે ન જવું
જોઇએ, તો હું નહીં જઉં. જૌહરીજી કહે છે કે જવું જ જોઇએ અને ચિરસંગિની ગરીબી પણ કહે
છે, ચાલો.’
મુન્શી પ્રેમચંદને મુંબઇ બોલાવનાર ફિલ્મ
કંપની હતી ‘અજંતા સિનેટોન’. તેના માલિક મોહન ભાવનાની જર્મનીમાં રહ્યા હતા. તેમનો કેટલોક સ્ટાફ પણ જર્મન
હતો. સ્ટુડિયોનું ઘણું કામ હિંદી કે ઉર્દુને બદલે અંગ્રેજીમાં જ ચલાવવું પડતું.
ત્યાં જોડાવામાટે મુન્શી પ્રેમચંદ ૧લી જૂન, ૧૯૩૪ના રોજ મુંબઇ પહોંચી ગયા.
સ્ટુડિયો પરેલમાં આવ્યો હતો, એટલે પ્રેમચંદે સ્ટુડિયોથી નજીક દાદરમાં ઘર
રાખ્યું.(૧૮૬, સરસ્વતી સદન, દાદર, મુંબઇ-૧૪) પંદર દિવસ મુંબઇની હવા ખાધા પછી તેમણે લખ્યું હતું, ‘મકાન લઇ લીધું છે , દાદર
હોટેલમાં જમું છું અને પડી રહું છું. આ જુદી દુનિયા છે. અહીંની કસોટી પણ જુદી છે.
હજુ તો સમજવાની કોશિશ કરું છું.’ ઓગષ્ટ સુધીમાં તેમણે બે વાર્તાઓ લખી કાઢી, પણ
તેમને સંતોષ ન થયો. ૩જી ઓગષ્ટના પત્રમાં તેમણે લખ્યું હતું,‘સિનેમા
માટે વાર્તાઓ લખવાનું અઘરું પડી રહ્યું છે. એવી વાર્તાઓની જરૂર છે, જેને
ભજવી શકાય અને જેને ભજવનારા એક્ટરો મળી રહે. ગમે તેટલી સારી વાર્તા હોય, પણ
યોગ્ય પાત્ર ન મળે તો અભિનય કોણ કરે? અદ્ભૂત (વાર્તાઓ)ની જરૂર હોય એવું મને લાગતું નથી.
મારી બન્ને વાર્તાઓ સાધારણ છે.’
સપ્ટેમ્બરમાં તેમની મુલાકાત ‘બોમ્બે
ટોકીઝ’ના માલિક હિમાંશુ રાય સાથે થઇ. તેમણે પૌરાણિક અથવા સામાજિક સ્ટોરી માટે માગણી
કરી હતી. પ્રેમચંદ ‘અજંતા સિનેટોન’ સાથે કરારબદ્ધ હોવાથી તેમણે પોતાના સાહિત્યકાર મિત્રો સમક્ષ હિમાંશુ રાયની ઓફર
જણાવી હતી અને કોઇ વાર્તા હોય તો મોકલી આપવા કહ્યું હતું.
|
The Mill |
'અજંતા સિનેટોન’માં તેમની વાર્તા પરથી બનેલી પહેલી ફિલ્મ હતી ‘ધ મિલ’ (ઉર્ફે ‘મજદૂર’). જયરાજ, બિબ્બો અને નાયમપલ્લીનો અભિનય ધરાવતી આ ફિલ્મ સામે મુંબઇના
સેન્સર બોર્ડને વાંધો પડ્યો. ‘બોલ્ડ’ દૃશ્યો પ્રત્યે ઉદાર ભાવ રાખતું અંગ્રેજ સેન્સરબોર્ડ
રાષ્ટ્રભક્તિથી માંડીને મજૂરએકતા અને સામ્યવાદ જેવા વિષયો પરત્વે બહુ સંવેદનશીલ
હતું. મુંબઇમાં અટવાઇ ગયેલી ‘ધ મિલ’ને લાહોરના સેન્સર બોર્ડે પાસ
કરતાં ફિલ્મ ત્યાં રજૂ થઇ શકી. દરમિયાન, પ્રેમચંદની નિરાશા વધતી જતી હતી. ૨૮મી નવેમ્બરના એક પત્રમાં
તેમણે લખ્યું,‘આ પ્રોડ્યુસરો જે જાતની સ્ટોરી
બનાવતા આવ્યા છે, તેમાંથી જરાય ચસકવા માગતા નથી. વલ્ગારીટીને આ લોકો ‘એન્ટરટેનમેન્ટ વેલ્યુ’ કહે છે. તેમને અદ્ભૂત જ ફાવે છે. રાજા-રાણી, તેમના મંત્રીઓનાં કાવતરાં, નકલી લડાઇ, ચૂમાચાટી આ તેમનાં મુખ્ય સાધનો છે. મેં શિક્ષિત સમાજને જોવાનું
મન થાય એવી સામાજિક કથાઓ લખી છે, પણ તેની પરથી ફિલ્મ બનાવતાં આ લોકોને અવઢવ થાય છે કે ફિલ્મ ન
ચાલે તો? એક વર્ષ તો પૂરું કરવું જ છે. દેવાદાર થઇ ગયો હતો. દેવું ઉતારી
દઇશ. પણ બીજો કોઇ ફાયદો નથી...અહીંથી ક્યારે છૂટીને જૂના અડ્ડે જતો રહું એવું થાય
છે. ત્યાં રૂપિયા નથી, પણ સંતોષ છે. અહીં તો લાગે છે કે જીવન વેડફી રહ્યો છું.’ ૨૩મી ડિસેમ્બરના એક પત્ર-ઇન્ટરવ્યુમાં સિનેમા વિશેના સવાલનો
જવાબ આપતાં તેમણે લખ્યું,‘સિનેમામાં સાહિત્યિક વ્યક્તિ માટે કોઇ જગ્યા નથી. હું આ લાઇનમાં એ વિચારે
આવ્યો હતો કે આર્થિક રીતે સ્વતંત્ર થવાનો મોકો મળશે, પણ હવે મને સમજાયું છે કે એ મારો ભ્રમ હતો.
‘ધ મિલ’ જોઇને જૈનેન્દ્રકુમાર જૈન નિરાશ થયા અને તેમણે પોતાનો પ્રામાણિક અભિપ્રાય
પ્રેમચંદને લખ્યો. તેના જવાબમાં ૭મી ફેબ્રુઆરી, ૧૯૩૫ના રોજ તેમણે લખ્યું,‘ફિલ્મોમાં
મને સંતોષ મળ્યો નહીં. સંતોષ તો ડાયરેક્ટરોને પણ મળતો નથી, છતાં એ બીજું કંઇ કરી શકતા નથી
એટલે જખ મારીને પડી રહ્યા છે. હું બીજું કંઇક કરી શકું છું- મજૂરી પણ કરી શકું છું, એટલે
હું ત્યાંથી નીકળી રહ્યો છું. હું જે પ્લોટ વિચારું છું તેમાં આદર્શવાદ ઘૂસી જાય
છે અને મને કહેવામાં આવે છે કે તેમાં ‘એન્ટરટેનમેન્ટ વેલ્યુ’ નથી. એમની વાત હું માનું છું.
મને માણસો પણ એવા મળ્યા,
જે નથી હિંદી જાણતા, નથી ઉર્દુ. અંગ્રેજીમાં અનુવાદ
કરીને તેમને કથાનો મર્મ સમજાવવો પડે છે. એવી રીતે કામ થતું નથી. મારા માટે જૂની
લાઇન જ બરાબર છે. જે લખવાનું મન થયું તે લખ્યું.’
આખરે, પોતાનો મે, ૧૯૩૫
સુધીનો કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં, ૨૫મી માર્ચના રોજ મુન્શી પ્રેમચંદ ફિલ્મી દુનિયા અને
મુંબઇ છોડીને પાછા બનારસ આવી ગયા અને
૧૯૩૬માં માંડ ૫૬ વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લીધી.