મામુલી લાગતા કેટલાક મતભેદ વાસ્તવમાં વિશ્વયુદ્ધ પ્રેરી શકે
એવા હોય છે : રફી પ્રિય કે કિશોર?
લતાના ચાહક કે
આશાના? પૂર્વ શ્રેષ્ઠ કે પશ્ચિમ? એવો એક સળગતો નહીં, પણ ‘સળગાવતો’ સવાલ ગુજરાતી સ્વાદપ્રેમીઓ માટે છે : પાણીપોચાં
ખમણ ભાવે કે વાટી દાળનાં?
જેને હિંદી ફિલમવાળા ‘ઢોકલા’ કહીને પોતાના ગુજરાત
વિશેના સામાન્ય જ્ઞાનથી પોરસાય છે,
એ ખમણ ફરસાણ છે.
પરંતુ બીજાં ફરસાણોની જેમ તે ‘ચરબીવાળું’ નથી. (અહીં રેસિપીની નહીં, પ્રકૃતિની વાત થાય છે) ઘણા સાહેબલોકો ‘ગરમ’ થાય ત્યારે જ સાહેબ જેવા લાગે છે,
તેમ મોટા ભાગનાં
ફરસાણ ગરમાગરમ હોય તો જ તે ફરસાણ તરીકે શોભે છે. ખમણ તેમાં સુખદ અપવાદરૂપ છે. ‘લાઇવ ક્રિકેટ’, ‘લાઇવ શપથ સમારંભ’ અને ‘લાઇવ સંસદ’નો રેલો ‘લાઇવ ઢોકળાં’ સુધી પહોંચી ગયો છે, પણ હજુ સુધી ક્યાંય ‘લાઇવ ખમણ ’ સાંભળ્યાં નથી. કારણ સાફ છે : સામાન્ય તાપમાને પણ ખમણ ‘ડેડ’ થતાં નથી. એટલે, ખમણને પોતાનો
મહિમા સિદ્ધ કરવા માટે ‘લાઇવ’ કે ‘ગરમાગરમ’ જેવાં લટકણિયાંની
જરૂર નથી. તેનું હોવું જ તેની મહત્તાનું સૂચક છે.
‘પ્રાગટ્ય એ જ
પુરસ્કાર’ના જૂના ગુજરાતી રિવાજની
જેમ, ‘અસ્તિત્ત્વ એ જ ઉત્સવ’ એ ખમણ-સત્ય છે. અલબત્ત, તેનો અર્થ એવો નથી કે ખમણ શણગાર સજતાં નથી કે
તેને શણગાર શોભતા નથી. તપેલામાંથી (કે કૂકરમાંથી) ઉતરેલી ખમણની થાળીની પીળાશ
ચિત્રકળાના પ્રેમીઓને વાન ગોગની અને તેમણે દોરેલાં સુરજમુખીની યાદ અપાવી શકે છે.
(વાન ગોગ ગુજરાતી હોત તો તેમણે સુરજમુખીનાં ખેતરને બદલે ખમણની થાળીનાં ને ખમણની
ઢગલીઓનાં ચિત્રો દોર્યાં હોત?) સ્વરૂપની દૃષ્ટિએ
વિચારીએ તો, ખમણ એટલે ચણાના
લોટની (બેસનની) અસ્મિતાનું વિરાટ સ્વરૂપ. કદાચ એટલે જ, અસ્મિતાની જેમ ખમણ માટે પણ આથો અનિવાર્ય છે.
તપેલા કે કૂકરમાંથી ઉતારેલી મોટી થાળીમાં પથરાયેલા બેસનના
ફુલેલા, જાડા થરમાં અનેક શક્યતાઓ
છુપાયેલી હોય છે. તેનો અંદાજ ખમણની અખંડ સપાટી જોનારને ભાગ્યે જ આવી શકે. થાળી
બરાબર ન ઉતરી હોય--એટલે કે એમાં કંઇક ‘લોચો’ પડ્યો હોય, તો ક્રિયાને જ નામ બનાવીને, ખમણને ‘લોચો’ તરીકે વેચી શકાય. (ખમણની
જેમ અસ્મિતામાં પણ ‘લોચો’ બહુ લોકપ્રિય નીવડેલો છે.) તેનો ભૂકો કરીને
તેમાં કાજુ-દ્રાક્ષ ભેળવવાથી લિંગપરિવર્તન થાય છે . આ રીતે બનતી ‘ખમણી’ને ચટણી-સેવ સાથે વેચી શકાય છે. ફક્ત બફાઇને બહાર આવેલી ખમણની થાળી ગાંધીવાદી
મહિલા કાર્યકર્તા જેવી લાગી શકે છે,
પરંતુ ખમણના થર
પર વઘારની રાઇ, મરચાંના ટુકડા, ધાણા અને કોપરાના છીણનો છંટકાવ થયા અને તેના
ટુકડા પડ્યા પછી પછી તે સંસ્કૃત કાવ્યોમાં વર્ણવેલી રસિક નાયિકા જેવી લાગવા માંડે
છે. (અમદાવાદમાં ખમણ પર કોપરાના છીણને બદલે ચીઝનું છીણ ને ધાણા-મરચાંની સાથે
કાજુ-દ્રાક્ષ નાખવાનો રિવાજ હજુ સુધી જાણમાં આવ્યો નથી, એટલું ગનીમત.)
ખમણનું જૂનું અને જાણીતું સ્વરૂપ પાણીપોચા પ્રકારનું છે.
ખમણના સંદર્ભમાં ‘પાણીપોચું’ એ નકારાત્મક કે નબળાઇસૂચક નહીં, પણ રસદર્શક વિશેષણ છે. વધારે રસિક લોકો
પાણીપોચાં ખમણને ‘રસઝરતાં’ પણ કહે છે. આવાં ખમણનું આંતરિક પોત એટલું
જાળીદાર હોય છે કે રામનામે તરતા પથરાની જેમ, એવાં ખમણને પાણીમાં તરતાં મૂકવામાં આવે તો એ કદાચ તરી જાય. ખમણને પાણીમાં
તરતાં શા માટે મૂકવાં જોઇએ, એવો સવાલ અસ્થાને
છે. મહાન સંશોધકો પોતાનાં સંશોધનોની ખરાઇ કરવા માટે બીજું કોઇ ન મળે, તો જાત પર અખતરા કરતા હતા. ખમણની જાળીદાર
રચનાની પ્રશંસા કરનારા તેની વૈજ્ઞાનિક ખરાઇ માટે આટલું પણ ન કરી શકે?
ખમણ ગમે તેટલાં પાણીપોચાં હોય, પણ તેમનું વર્ગીકરણ ઘન પદાર્થ તરીકે થાય છે.
જાળી સરખી ન પડી હોય, તો ઘણી વાર ખમણ ‘ઘન’ને બદલે ‘ઘણ’ જેવાં પણ લાગે. એવાં ખમણ ગળે ઉતારતી વખતે
ઊંજણની જરૂર પડે છે. એ માટે ચટણીની શોધ થઇ હશે. પછી તે ખમણ સાથે જરૂરી ગણાવા લાગી.
બહુ ઓછાં ફરસાણ પાણીપોચાં ખમણ જેટલાં ફેશનેબલ હોય છે, જેમનું પોતાનું નામ ‘નાયલોન’ હોય ને તેમની ચટણી મેચિંગ રંગની હોય.
ફેશનનો એક આશય અસહ્યને સહ્ય બનાવવાનો છે. એ જ સિદ્ધાંત ઘણી વાર ‘કઢી’માં લાગુ પડે છે. શહેરીને બદલે લોકપરંપરાની નાયિકા ગાઇ શકે છે : ‘આજ રે સપનામાં મેં તો ખમણનો ડુંગર દીઠો રે, ચટણીની નદીયું રે સાહેલી મારા સપનામાં.’
નાયલોન ખમણ ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા છે. પરંતુ સમજ્યા
વિના, કેવળ નવીનતાના ઉત્સાહમાં
પરંપરા ફગાવી દેવાની ચેષ્ટા સદીઓથી ચિંતાનો વિષય રહી છે. આધુનિક દેખાવા ઇચ્છતા ઘણા
લોકો નાયલોન ખમણના ઉલ્લેખમાત્રથી એવી રીતે મોં બગાડે છે, જાણે તેમને પ્યાલાને બદલે ખોબા વડે પાણી
પીવાનું કહ્યું હોય. ખાનારા તો ઠીક,
કેટલાક બનાવનારા
પણ ખમણના સ્વરૂપભેદને પોતાની અસ્મિતાનો મુદ્દો બનાવી કાઢે છે. એવી દુકાને જઇને
નાયલોન ખમણ માગતાં, દુકાનદાર એવું
મોં કરે છે, જાણે ખરેખર
નાયલોનનાં બનેલાં ખમણ માગ્યાં હોય. ‘આવા ને આવા
ક્યાંથી હાલ્યા આવે છે’ની મુદ્રામાં, ગુસ્સા અને ગૌરવના મિશ્રણ સાથે એ કહે છે,‘નાયલોન ખમણ અમે નથી બનાવતા.’
‘કેમ?’
‘એવાં ખમણ તો ગમે
તેને આવડે. અમારે એ બનાવવાની શી જરૂર?’
તો આમ વાત છે. મામલો સ્વાદનો નહીં, આગવી ઓળખનો છે. ઓળખની વાત આવે અને અણી ન
નીકળેલી હોય એવું કેમ બને?
નાયલોનને બદલે વાટી દાળનાં ખમણ બનાવનારા પોતાનું મહત્ત્વ
સ્થાપિત કરવા માટે ખમણને, તેના ખાનારને અને
સરવાળે તેના બનાવનારને ‘જરા હટકે’ તરીકે રજૂ કરે છે. એ ખમણની મોભાવૃદ્ધિ માટે
તેને દહીંમાં કે ટમટમના ભૂકા સાથે વઘારીને ‘ટમટમ ખમણ’ કે ‘દહીં ખમણ’ જેવા નવા અવતારમાં રજૂ કરવામાં આવે છે. આશય એ જ હોય છે કે નાયલોન ખમણને
ગ્રામ્ય જીવનની મજબૂરી તથા આવાં ખમણને ‘શહેરીજીવનનું આકર્ષણ’ તરીકે રજૂ કરવાં.
તેમાં ખમણકારોને ઘણી હદે સફળતા મળી હોય એમ લાગે છે.
જાહેર જીવન પર નજર નાખતાં સમજાશે કે મોટા ભાગના લોકોને
પોતાના અભિપ્રાય જેવું કંઇ હોતું નથી. કોઇ જોરથી કહે કે આમ, તો આમ ને બીજું કોઇ વધારે જોરથી કહે કે તેમ, તો તેમ.
પ્રાણપ્રશ્નોમાં આ સ્થિતિ હોય,
તો ખમણ-પસંદગીના
જિહ્વાપ્રશ્ને તેમની પાસેથી શી અપેક્ષા રાખી શકાય? ઘણા લોકો કહી દે છે, ‘આપણે તો પીળાં
એટલાં ખમણ. જે હોય તે ચાલશે.’
એમને કોણ સમજાવે કે ‘ચાલશે’એ દેશનો કેવો દાટ વાળ્યો
છે. સહિષ્ણુતા-સાદગીના ભાગરૂપે ‘ચાલશે’ કહેવું એ સદ્ગુણ હોઇ શકે છે, પણ સમજના કે સ્પષ્ટતાના અભાવે ‘ચાલશે’ કહેનારા સત્તાનાં સુકાન ભળતાસળતા લોકોને સોંપી દે છે. એ રીતે વિચારતાં કહી
શકાય કે નાગરિકઘડતરની જટિલ પ્રક્રિયાનો આરંભ ખમણની પસંદગી દ્વારા કરી શકાય. ‘એકવીસમી સદીમાં પશ્ચિમ ભારતના નાગરિકોના
ઘડતરમાં પાણીપોચાં ખમણની ભૂમિકા’ અથવા ‘નાગરિક ઘડતરમાં નાયલોન ખમણ અને વાટી દાળનાં
ખમણની ભૂમિકાનું તુલનાત્મક અઘ્યયન’
એ વિશે મહાનિબંધ
તૈયાર થઇ શકે. પીએચ.ડી.ના મહાનિબંધોના ઘણા વિષયો ધ્યાનમાં રાખતાં, (ખમણ ભલે પોચાં હોય પણ) એ વિષય નક્કર લાગે એવો
છે.
રાતે નવ વાગ્યે ભોજનથી પરવારી ચૂકેલાઓએ આ લેખ વાંચવો નહીં, ન (ખમણ ખાવાની લાલચ)સહેવાય અને ન (કોઈને તાત્કાલિક ધોરણે બનાવવા કે લઈ આવવા) કહેવાય એવી હાલત થશે. અનુભવીની વાણી.
ReplyDeleteનાયલોન ખમણની ફેક્ટરી હોય છે. ત્યાંથી મારુતી વાનમાં તેની ડીલીવરી બધી લારીઓ અને દુકાનોમાં થતી હોય. એટલે સ્પેશ્યાલીસ્ટ ખમણવાળા આવા લોકો પાસેથી ખરીદે પણ નહીં અને બનાવે પણ નહીં.
ReplyDelete'Dhokla' is also used by non-gujrati NRIs for Khaman. We tried to clarify the difference many times but failed and had to give up on the explanation-recipe. But the article is so deep it tastes like written by Surati not a person from Mahemdavad. Good one...
ReplyDelete👌👌😂😂 હું નવ વાગ્યાના ભોજનથી પરવારીને વાંચી રહ્યો છું.રંગત આવી ગઈ.વધેલો ઠંડો લોચો પાછો ખમણ થતો હશે.ઉર્વીશભાઈ જોખમ લેવાં તૈયાર થતાં હોય તો સુરત ચોકબજાર પાસે 'રસાવાળા ખમણ'ખવડાવીશ.મેઁ ફક્ત એક જ વાર સાહસ કરેલું!ફરી હિંમત નથી થતી!પણ મારા જેવા નબળાં કરતાં ત્યાં હિંમતવાળા લોકોનું સલામ કરવી પડે એટલું મોટું ટોળું હોય!
ReplyDeleteEnjoyed the ખમણભ્રમણ :D
ReplyDeleteવાહ ! ખમણ જેવો સ્વાદિષ્ટ લેખ. મજા આવી ગઈ. ખમણના નામ થી મોઢામાં પાણી આવી ગયું !
ReplyDelete