એવું લાગે કે ગાંધીજી ગુજરાતમાં ન
જન્મ્યા હોત અથવા ભારતના જાહેર જીવનમાં ન આવ્યા હોત, તો ગુજરાતમાં દારૂબંધી ન હોત.
ગુજરાતની દારૂબંધી માટે હંમેશાં ગાંધીજીને આગળ કરવામાં આવ છે--દારુબંધીના તરફીઓ
પોતાના આગ્રહની ઢાલ તરીકે ગાંધીજીને આગળ ધરે છે અને વિરોધીઓ મશ્કરી-ટીકા કરવા
માટે. બન્ને પક્ષો પાસે પોતપોતાની દલીલો છે અને તેમાંથી કોઇની દલીલોમાં તથ્યના અંશ
છે.
પરંતુ ગુજરાતમાં--અને ત્યાર પહેલાંના
મુંબઇ પ્રાંતમાં દારૂબંધી અમલમાં આવી, તે પહેલાં અમેરિકામાં એકાદ દાયકા માટે દારૂ પર
પ્રતિબંધનો પ્રયોગ થઇ ચૂક્યો હતો. ભારતમાં દારૂબંધી કદી રાષ્ટ્રીય સ્તરે આવી નથી, જ્યારે
અમેરિકામાં ગાંધીજી જેવી કોઇ એક વ્યક્તિના પ્રભાવ વિના, એક દાયકાથી પણ વધારે સમય માટે
(૧૯૨૦-૧૯૩૩) તેનો રાષ્ટ્રવ્યાપી અમલ કરવામાં આવ્યો. દારૂ સામે ગાંધીજીના વિરોધનું મુખ્ય કારણ
સામાજિક હતું (ભારત જેવા ગરીબ દેશમાં દારૂના નશાને કારણે બરબાદ થતાં પરિવારો અને
માણસનું ‘નૈતિક અધઃપતન’), જ્યારે એક સદી પહેલાંના અમેરિકામાં દારૂના વિરોધનો મુખ્ય ધક્કો ધાર્મિક અને
નૈતિક સંગઠનોમાંથી આવ્યો. અમેરિકાના કેટલાક સમુદાયોમાં ધાર્મિક જોશને કારણે
શરાબવિરોધી ઝુંબેશ ચાલતી હતી. રાજ્ય કે શહેરના સ્તરે તેના અમલના નિષ્ફળ પ્રયાસ થયા
હતા. બીજી તરફ યંત્રોના ઉપયોગથી જથ્થાબંધ ઉત્પાદનની સુવિધાઓ વધતાં, કંપનીઓને
દારૂનું બજાર વિસ્તારવાની જરૂર પડી. ઠેકઠેકાણે ‘સલુન’ તરીકે ઓળખાતાં પીઠાં કે બાર ખુલી
ગયા. તેમાં સ્ત્રી-પુરૂષ,
ખાસ કરીને યુવાન વર્ગને આકર્ષવા માટે અવનવા તુક્કા
અપનાવાયા. પીવા આવનારને અન્ય ‘સુવિધાઓ’ અપાવા લાગી. સરકારને આ અંગે કશું કહેવાનું ન હતું.
કારણ કે કંપનીઓના દારૂના ધંધામાંથી સરકારને અઢળક આવક થતી હતી. કેટલાંક રાજ્યોની
આવકમાં માત્ર દારૂની આવકનો હિસ્સો અડધાથી પણ વધારે હતો.
દારૂના પ્રચારપ્રસારે હદ વટાવી, એટલે
ઘણા સમયથી ધીમી ધારે ચાલતી વિરોધીઝુંબેશ તેજ બની. અમેરિકાના રાજકારણમાં ડેમોક્રેટિક
અને રીપબ્લિકન ઉપરાંત પ્રોહિબિશનિસ્ટ તરીકે ઓળખાતો પક્ષ અસ્તિત્ત્વમાં આવ્યો અને
રાજકારણમાં તેણે ઠીક ઠીક કાઠું કાઢ્યું. દારૂનો વિરોધ કરતા લોકો ફક્ત એ પક્ષ
પૂરતા કેન્દ્રીત ન હતા. બાકીના બન્ને પક્ષોમાં પણ દારૂબંધીનું સમર્થન કરનારા નેતાઓ
હતા. તેમના પ્રતાપે અમેરિકાના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહેવાય એવી દારૂબંધી લાદવામાં
આવી. ૧૯૨૦માં અમેરિકાની કેન્દ્ર સરકારે અને તેનાં બે તૃતિયાંશથી વધુ રાજ્યોએ
દારૂબંધીનો કાયદો આણી દીધો.
અમેરિકા અને ગુજરાત-ભારત વચ્ચે મોટો
સાંસ્કૃતિક તફાવત હોવા છતાં, ‘પછી શું થયું?’ના કેટલાક જવાબ સરખા નીકળ્યા.
સત્તાવાર રીતે દારૂ મળતો બંધ થયો, એટલે અમેરિકાના પાડોશી દેશો કે ટાપુઓ પરથી ગેરકાયદે
દારૂની દાણચોરી થવા લાગી. કેટલાક ઉત્સાહી ધંધાદારીઓએ તો અમેરિકાની જળસીમા પૂરી થઇ
જતી હોય, એવી જગ્યાએ પોતાના અડ્ડા ઉભા કર્યા. પરિણામે, જેમ્સ બોન્ડની કે પછી સિત્તેરના
દાયકાની હિંદી ફિલ્મોની જેમ, દરિયામાં દાણચોરો અને પોલીસ વચ્ચેની પકડાપકડી શરૂ થઇ, જેમાં
શરૂઆતના તબક્કે દાણચોરો તેમની ઝડપી યાંત્રિક બોટના જોરે પોલીસને હંફાવતા રહ્યા.
કાયદાની બારીકીની વાત કરીએ તો, અમેરિકા
અને ગુજરાતની દારૂબંધી વચ્ચે મોટો તફાવત એ હતો કે ઘરે ‘ખપજોગું ગાળી લેવા’ વિશે
અમેરિકાનો કાયદો મૌન હતો. તેના કારણે કેટલાક ભેજાબાજોએ દ્રાક્ષાસવ તૈયાર કરવાની
કિટ વેચવાનું શરૂ કર્યું. અલબત્ત, ‘આમ
કરવાથી દ્રાક્ષાસવ તૈયાર થશે’ એને બદલે, ‘જો તમે આટલું ઘ્યાન નહીં રાખો તો પછી દ્રાક્ષમાં આથો
આવવા માંડશે અને તેમાંથી દ્રાક્ષાસવ બની જશે’ એવી મૌલિક રીતે રેસિપી આપવામાં
આવતી હતી. ઘણી દવાઓમાં અને બીજાં ઉત્પાદનોમાં અન્ય રસાયણોની સાથે આલ્કોહોલ
ભેળવવામાં આવતો હતો. તેમાંથી શુદ્ધતા કે ગુણવત્તાનું ઘ્યાન રાખ્યા વિના, બીજાં
નુકસાનકારક રસાયણોની ભેળસેળ ધરાવતો આલ્કોહોલ છૂટો પાડવાનું ચાલુ થયું. અમેરિકામાં
દવા તરીકે દારૂ (વ્હીસ્કી) મળે એવી જોગવાઇ હતી. દારૂબંધી અમલમાં આવ્યા પછી થોડા
સમયમાં દવાની દુકાનોની સંખ્યા વધી ગઇ. ધાર્મિક સ્થળો અને વિધિમાં વાઇનના ઉપયોગ
માટે કાયદેસર પરવાનગી હતી. એટલે જાતે બની બેઠેલા ને ધાર્મિક વિધીઓ માટે ઉત્સાહી એવા
‘ધર્મગુરુઓ’ની સંખ્યા વધવા લાગી.
પરંતુ (સરકારને બંધ થયેલી આવક સિવાયની)
સૌથી ગંભીર અસર એ થઇ કે દારૂના બેનંબરી ધંધાને ‘સુવ્યવસ્થિત’ રીતે
ચલાવવા માટે અને તેનું નેટવર્ક ગોઠવવા માટે ટોળકીઓ અસ્તિત્ત્વમાં આવી. એવી જુદી
જુદી ગેંગની અમેરિકાનાં શહેરોમાં હાક વાગવા લાગી. દારૂબંધીના અમલ માટે અમસ્તું પણ
સંખ્યાબળ અપૂરતું હતું. એમાં ભ્રષ્ટાચારનું તત્ત્વ ભળ્યું. એટલે, દારૂબંધી
ફક્ત કહેવા પૂરતી રહી ગઇ. અલબત્ત, એ સમયના કેટલાક અભ્યાસીઓને લાગતું હતું કે દારૂબંધી
સાવ નિષ્ફળ ગઇ ન હતી અને દારૂ પીનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.
એક તરફ દારૂનો ગેરકાયદે ધંધો કરતા
બુટલેગરોની ગેંગનાં નેટવર્ક, તેમાંથી ઉભરેલાં અલ કેપોન સહિતનાં કેટલાક કુખ્યાત
નામો, તેમનાં ચરિત્રો ને ધંધા પરથી બનવા ફિલ્મો અને અમલીકરણના તંત્રમાં વ્યાપેલો
ભ્રષ્ટાચાર, તો બીજી તરફ દારૂબંધી વિભાગના જોશીલા વડા ઇલિયટ નેસ પાસે કેટલાક ઉસાહી અફસરો
પણ હતા, જેમણે દારૂના ધંધા પર અને ધંધો કરનારા પર તડાપીટ બોલાવી. લાંચ ન લેતા હોવાથી ‘અનટચેબલ્સ’ તરીકે
ઓળખાયેલા આ અફસરો અડ્ડાઓ પર રેડ પાડવા ઉપરાંત હોટેલોમાં જઇને સ્ટિંગ ઓપરેશન પણ
કરતા હતા. ત્યાં જઇને એ લોકો રીઢા ગ્રાહકના અંદાજમાં દારૂનો ઓર્ડર આપે અને દારૂ
પીરસાય, એટલે તેને લઇને હોટેલવાળા સામે કેસ કરે. સમય જતાં દારૂને લગતા કેસ એટલા વધી
પડ્યા કે અમેરિકાનું ન્યાયતંત્ર તેના બોજ તળે દબાવા લાગ્યું. એ દબાણ અસહ્ય બનતાં, ન્યાયાધીશોએ
દારૂને લગતા આરોપીઓ એવી નીતિ અપનાવી કે ગુનાનો એકરાર કરી દે તેને મામુલી દંડ કરીને
છોડી મૂકવા. આ રીતે સાગમટે એકરારનામાં લેવાતાં થયાં. એટલે સજાનો ભય જતો રહ્યો.
દારૂબંધીથી રાજી અને દુઃખી લોકોની વચ્ચે
પણ તેને રાજકીય ટેકો ચાલુ રહેતાં આ નીતિ ૧૯૩૩ સુધી અમલમાં રહી. પરંતુ ૧૯૨૯માં
અમેરિકાના શેરબજારમાં આવેલી મહામંદી પછી સરકારની હાલત કફોડી થઇ. સરકાર ભારે
નાણાંભીડ અનુભવતી હોય,
ત્યારે એક તો દારૂના સત્તાવાર વેચાણમાંથી મળતી વેરાની અઢળક
આવક જવા દેવી અને ઉપરથી દારૂબંધીના અમલનું તંત્ર નિભાવવા માટે ખર્ચ કરવો, એ
બેવડો ફટકો લાગતો હતો. આમ,
દારૂબંધી આણવા માટે નૈતિક-ધાર્મિક કારણ મુખ્ય હતું, તો
તેની વિદાય માટે આર્થિક કારણ મુખ્ય બન્યું. અમેરિકામાં દારૂબંધી નિષ્ફળ ગઇ છે, એ
ગાંધીજી જાણતા હતા. પરંતુ એની તેમને પરવા ન હતી. તેમણે કહ્યું હતું, ‘ભારત
અમેરિકા નથી. અમેરિકાનો દાખલો આપણા માટે મદદરૂપ નહીં, અડચણરૂપ છે. અમેરિકામાં દારૂ
પીવો એ શરમજનક ગણાતું નથી. ત્યાં એ ફેશન છે. અમેરિકાની દારૂબંધી વાસ્તવમાં ત્યાંની
દૃઢનિશ્ચયી લઘુમતીના નૈતિક બળ અને નૈતિક વજનને આભારી છે--ભલે તે થોડા સમય સુધી જ
અમલમાં રહી હોય. હું એ પ્રયોગને નિષ્ફળ ગણતો નથી...દારૂબંધીનો અમલ ભારતમાં જેટલો
આસાન છે, એટલો દુનિયાના કોઇ દેશમાં સહેલો નથી. આપણે ત્યાં દારૂ પીનારા લઘુમતીમાં છે.
દારૂ પીવો સામાન્ય રીતે ખરાબ લેખાય છે અને મારા હિસાબે એવા લાખો લોકો છે, જેમણે
કદી દારૂ ચાખ્યો પણ નથી.’
અમેરિકાની સરખામણીએ ગુજરાતમાં દારૂબંધી
દીર્ઘજીવી નીવડી છે, પણ તેના અમલના પ્રશ્નો ઘણી હદે અમેરિકાના પ્રયોગની યાદ અપાવે એવા છે.
No comments:
Post a Comment