નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે વિભાજક મુદ્દો કયો? એવા સવાલનો જવાબ સામાન્યપણે અઘરો લાગે, પણ એક વાર, ફક્ત એક વાર, જમતી વખતે પાણી
પીવા વિશે જેમણે ચર્ચા કરી હશે, એવા લોકો જાણે છે
કે આ મુદ્દો વડીલો-યુવાનો, મિત્ર-મિત્ર, પતિ-પત્ની, કોઇની પણ વચ્ચે ભાગલા પડાવી શકે છે. આવા વિભાજનની ગંભીરતા ભલે મોદીપ્રેરિત
વિભાજન જેટલી ન હોય, પણ તેની વ્યાપકતા
જરાય ઓછી નથી.
આરોગ્યના મામલે સભાનતા અને જ્ઞાન વચ્ચે મોટા ભાગના લોકો ભેદ
પાડવાની જરૂર જોતા નથી. એ લોકો સભાનતાને જ જ્ઞાન અને જ્ઞાનને શક્તિ ધારી લે છે.
તેમને લાગે છે કે બીજા પામર જીવો દુનિયાદારીની ક્ષુલ્લક બાબતોમાં અટવાયેલા હતા, ત્યારે પોતે છાપાંની આરોગ્યપૂર્તિઓ-આરોગ્યલક્ષી
કૉલમો, મેગેઝીનમાં આવતી
તંદુરસ્તીની ટીપ્સ, ઓળખીતા કે
ઓળખીતાના ઓળખીતા કે ઓળખીતાના ઓળખીતાના સાળાના ખાસ મિત્ર એવા વૈદ્યો-ડૉક્ટરોના
અભિપ્રાય જેવા બહુવિધ સ્રોત દ્વારા જહેમતપૂર્વક જ્ઞાનસંચય કર્યો છે. આરોગ્યને
લગતું આ જ્ઞાન ૠષિઓના તપના પરિપાક સમાન ગણાય. તેને વ્યક્તિગત કે કૌટુંબિક માલિકી
પૂરતું સીમિત ન રાખી શકાય. તેનો લાભ જનતાજનાર્દનને- વિશાળ જનસમુદાયને આપવો જ
રહ્યો. એ આપવાની આપણી ફરજ છે ને લેવાનો એમનો હક.
જનતાને તેના બીજા અધિકાર અપાવવાનો જોગ ન હોય, ત્યારે કમ સે કમ આ એક અધિકાર તો આપીએે-- એમ
વિચારીને તે પોતાના આરોગ્યવિષયક જ્ઞાનના પ્રસાર માટે ઉત્સુક રહે છે. પરંતુ થોડા
સમય પછી એવું લાગે છે, જાણે આરોગ્યનું
જ્ઞાન આપવાનો તેમનો અધિકાર હોય અને એ લેવાની જનતાની ફરજ. વાળ કપાવવા જઇએ ત્યારે
કેશકર્તનકલાકાર જે રીતે એક બૉટલમાંથી ફુસ ફુસ કરીને જળનો છંટકાવ કરે છે, કંઇક એવી જ રીતે, જ્ઞાનીજનો અજ્ઞાનીઓ પર આરોગ્યજ્ઞાનજળ છાંટવા તત્પર હોય છે.
આરોગ્યશાસ્ત્ર-વૈદક કે ઍલોપથીનાં થોથાંનો અભ્યાસ કરવા માટે
બધા નવરા હોતા નથી. તેમને (આ લેખ વાંચવા જેવાં) બીજાં ઘણાં મહત્ત્વનાં કામ હોય છે.
છતાં, જનસેવાની-આરોગ્યસેવાની
પ્રબળ ભાવનાથી પ્રેરાઇને એ લોકો જમતાં પહેલાં, પછી કે જમતી વખતે પાણી પીવાના મુદ્દે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે.
હકીકતમાં આ પસંદગી તેમનો માસ્ટર સ્ટ્રોક છે. ગાંધીજીએ ક્ષુલ્લક લાગતા મીઠાવેરાને
મુદ્દો બનાવીને રાષ્ટ્રવ્યાપી આંદોલન ઊભું કર્યું હતું, તેમ આ લોકો પાણી અને ભોજનના સંબંધોની ચર્ચા
ઉપાડે છે. મીઠાવેરાની જેમ આ મુદ્દો ગરીબ-અમીર સૌને સ્પર્શે છે. એટલે તેના માટેનો
શ્રોતાગણ શોધવામાં જરાય મુશ્કેલી પડતી નથી. પાણી જમતાં પહેલાં પીવું, જમતી વખતે પીવું કે જમ્યા પછી અને ખાસ તો, પાણી ક્યારે ક્યારે ન પીવું--એ પાણીપતના મેદાન
જેવો ખુલ્લો મુદ્દો છે. તેની પર ગમે તેટલાં યુદ્ધ લડી શકાય છે.
ક્યાંક જમવાનું હોય અને એવા વખતે કોઇ જળ-શાસ્ત્રીનો ભેટો
થાય, એટલે એ તરત તેમના જ્ઞાનજળની
વર્ચ્યુઅલ (કાલ્પનિક) બૉટલ કાઢીને તેમાંથી છંટકાવ શરૂ કરી દે છે. કેટલાક વઘુ
ઉત્સાહી જળવિદો કેશકર્તનકારની બૉટલમાંથી છંટકાવને બદલે મ્યુનિસિપાલિટીના ટૅન્કર
જેવા ભંડારમાંથી જ્ઞાનધધુડા પાડતા હોય એવું પણ લાગે છે. વિધીનો ભૂલાવ્યો કોઇ માણસ
તેમની સાથે જમવા બેસે અને જમતાં પહેલાં પાણીના ઘૂંટ- બે ઘૂંટ ભરે, એટલે જળજ્ઞાની બે ઘડી તેની સામે જોઇ રહે છે--
જાણે નજરથી તેની નાડીના ધબકાર તપાસતા હોય અથવા પાણી અન્નનળીમાંથી ઉતરીને અંદર
ક્યાં ગયું અને તેનું શું થયું, એ દિવ્ય ઍક્સ-રે
દૃષ્ટિથી જોતા હોય. પછી એ ભારઝલ્લો સવાલ કરે છે,‘તમે કાયમ જમતાં પહેલાં પાણી પીઓ છો?’
પાણી પીનારને ખબર નથી હોતી કે આ સવાલ એકે હજારા છે. એટલે
કે, તેનો એક જવાબ આપવાથી હજાર
સવાલ ઊભા થવાના છે. એ નિર્દોષતાથી અને ‘ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી
હૈ’ જેવા આત્મવિશ્વાસથી ‘હા’ કહે છે. એ સાથે જ જળર્ષિના મુખમાંથી ૠષિવાણીનો ઉદ્ઘોષ થાય છે,‘બહુ ખરાબ...જમવાના અડધા કલાક પહેલાં પાણી
બિલકુલ ન પીવાય.’
‘કેમ? શું થાય? પાણી અંદર જઇને ફુટે?’ પાણી પીનાર કંઇક
ટીખળ અને જિજ્ઞાસાના મિશ્રણથી પૂછે છે.
આ ઉડાઉપણા અને અજ્ઞાનથી ક્ષુબ્ધ જળર્ષિ એની સામે તાકી રહે
છે--જાણે વિચારતા હોય કે ‘આ પામર જીવ શો
અપરાધ કરી રહ્યો છે, તેની તેને ખબર
નથી. પ્રભુ તેને સાફ ન કરે--માફ કરે.’
પછી અવાજમાં શક્ય
એટલી સહિષ્ણુતા અને થોડી અનુકંપા ભેળવીને એ કહે છે,‘અત્યારે તમને મશ્કરી સૂઝે છે,
પણ પાણી ફૂટશે
ત્યારે તમને ખબરેય નહીં પડી. રૂંવે રૂંવે ફૂટી નીકળશે. સમજ્યા? જળવેદમાં સ્પષ્ટ કહ્યું છે કે ભોજનપૂર્વે અને
ભોજનપશ્ચાત્ જલપાન વિષપાન સમકક્ષ છે. તે પેટમાં ઉદ્ભવતા પાચકરસોને મંદ કરી નાખે
છે, જેનાથી અપચો થાય છે અને
અપચો સર્વ રોગોનું મૂળ છે.’
‘એઇડ્સનું પણ?’ આવો સવાલ પૂછવાનું મન થાય છે, પણ જળર્ષિની ધીરગંભીર મુદ્રા જોઇને હિંમત ચાલતી
નથી. તેમના મુખભાવ જોઇને એ પૂછવાનું પણ મન થતું નથી કે ‘જળવેદ’ શું છે ને એ કોણે લખ્યો. તેમ છતાં, ધીમા સ્વરે તે એટલું તો ગણગણે છે કે ‘હું આટલા વર્ષથી જમતાં પહેલાં અડધો લીટર પાણી પીઉં છું ને જમ્યા પછી પણ લગભગ
એટલું જ. છતાં, આજ સુધી મને કશું
થયું નથી. તાવ-શરદી સુદ્ધાં નહીં.’
આમ કહેતી વખતે એ ભૂલી જાય છે કે તેમની ગાડી આરોગ્યનો પાટો
બદલીને હવે (અ)શ્રદ્ધાના પાટે ચડી ગઇ છે. તેમની દલીલ સાંભળીને જળર્ષિ તાડુકે છે, ‘તો તમને એવું લાગે છે કે જળવેદ બોગસ છે? ને આપણા ૠષિમુનિઓને કશી સમજ પડતી ન હતી? અને તમે જ સાચા?’ આ સવાલ પૂછતી વખતે તેમનો ચહેરો અપચાથી પીડિત લાગી શકે છે. પણ ૠષિમુનિઓના
વાંકમાં આવેલા માણસ પાસે આગળ વધવાની હિંમત રહેતી નથી. છેવટે તેણે કબૂલવું પડે છે
કે તેનો કેસ અપવાદરૂપ હોઇ શકે છે. બાકી નિયમ તો એ જ છે કે જમ્યાના કલાક પહેલાં ને
કલાક પછી પાણી ન પીવાય. જે આ ન સ્વીકારે અને સામી દલીલો કરે, તે ભારતની પ્રાચિન સંસ્કૃતિના અપમાનનો ગુનેગાર.
કેટલાક જળચિકિત્સકો કહે છે કે જમતાં જમતાં વચ્ચે પાણી ન
પીવાય, તો બીજા કેટલાક કહે છે કે
જમતાં જમતાં પાણી પીવું બહુ ગુણકારી છે. આ બન્ને જૂથોમાંથી કોનો અભિપ્રાય સાચો ગણવો? પસંદગી બહુ સહેલી છે : વચ્ચે પાણી ન પીનારા
પહેલો અભિપ્રાય સાચો માને છે ને વચ્ચે અઢળક પાણી પીનારા બીજા જૂથનો ‘વચ્ચે પાણી પીવું બહુ સારું’ એ અભિપ્રાય ગ્રાહ્ય ગણીને રાજી થાય છે. આ
મુદ્દે તીવ્ર મતભેદો જોતાં આરોગ્યક્ષેત્રે MBBS પછી એકાદ
સુપર-સ્પેશ્યલ કોર્સ શરૂ કરી શકાય,
જેનું નામ DWC (ડૉક્ટર ઑફ વૉટર
કન્ઝમપ્શન) જેવું કંઇ હોઇ શકે. વધારે વ્યવહારુ વિકલ્પ એ છે કે ડૉક્ટર ઑફ લિટરેચર (D.Lit.)ની જેમ DWCને પણ માનદ્ ડિગ્રી તરીકે આપવી જોઇએ. તેનાથી
દેશના આરોગ્યને જ નહીં, શિક્ષણને પણ
ફાયદો થશે. કારણ કે દરેક ઘરમાં એકાદ ડી.ડબલ્યુ.સી. તો મળી જ આવશે.
No comments:
Post a Comment