વડાપ્રધાનની સોશ્યલ મિડીયા સેના અને તેમના આત્યંતિક ટીકાકારો-- આ બન્ને છેડા
વડાપ્રધાનની અમેરિકા-મુલાકાતની ફળશ્રુતિ વિશે જાણવા માટે કામ લાગે એમ નથી. સંસદના
સંયુક્ત ઉદ્બોધન દરમિયાન વડાપ્રધાને મેળવેલો પ્રતિસાદ ભક્તોને ભક્તિના મહાસાગરમાં
હિલોળા લેવા માટે અને ‘વિશ્વવિજય’ના ઘેલા ખ્યાલ સેવવા માટે પૂરતો લાગે છે. તેનાથી સાવ બીજા
છેડે રહેલા લોકો કેટલાક વાસ્તવિક મુદ્દા આગળ કરીને તેમની ઉપલબ્ધિઓ નજરઅંદાજ કરે
છે. આ બન્ને લાગણીથી છેટે રહીને, વિવિધ અહેવાલોને
સામાન્ય સમજની એરણે ચડાવતાં શું દેખાય છે?
-
‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ જેવા એકંદરે મોદીવિરોધી અને નીતિવિષયક બાબતોમાં ક્યારેક ભારતવિરોધી વલણ ધરાવતા
અખબારે તેના પહેલા પાને, અમેરિકાના સાંસદો ભારતીય
વડાપ્રધાનના હસ્તાક્ષર માગતા હોય, એવી તસવીર
પ્રકાશિત કરી. સંસદનાં બન્ને ગૃહોને કરેલા સંબોધનમાં વડાપ્રધાને તેમની વક્તૃત્વ-અભિનય
કળાનો પરિચય આપ્યો અને સાંસદોને મુગ્ધ કરી દીધા. તેમના ભાષણમાં આદર્શોની, દુનિયાની બે મહાન લોકશાહીઓ અને તેમના ભાવિ સંબંધો વિશેની, પાકિસ્તાન-ચીન અંગેની વાતો ઉપરાંત શિષ્ટ રમૂજની છાંટ પણ
દેખાઇ. આ ભાષણ બીજાએ લખી આપેલું હતું કે તેમણે ટેલીપ્રોમ્પ્ટર પરથી વાંચ્યું હતું
કે તેમનું અંગ્રેજી બરાબર ન હતું-- એવી દલીલો જાતને છેતરવા જેવી છે. સાદી વાત એટલી
હતી કે વડાપ્રધાન વક્તવ્યમાં છવાઇ ગયા. એ પરીક્ષામાં તેમના સોમાંથી સો માર્ક.
પરંતુ વક્તવ્યની (એટલે કે તેમાં મળેલાં સ્ટૅન્ડિંગ
ઓવેશનની-તાળીઓની) ‘અભૂતપૂર્વતા’ને કારણેે દેશપ્રેમની-ગૌરવની હેલી ચઢી હોય, ‘જોયું બોસ? કેવો વટ્ટ પાડી
દીધો...ગમે તે કહો, પણ માણસ દાદો છે’ આવું જેમને લાગ્યું, એ સૌએ શાંત ચિત્તે સ્વ-મૂલ્યાંકન કરવા જેવું ખરું. કારણ કે આ મામલો
પર્ફોર્મન્સ કહેતાં કામગીરીનો નહીં, ‘પર્ફોર્મન્સ’ કહેતાં
અભિનય-વક્તૃત્વનો હતો. આ એક ‘પેપર’ના માર્કના આધારે બીજાં બધાં ‘પેપરો’માં પણ અહોભાવથી
માર્ક આપવામાં આવે, તો સાચું મૂલ્યાંકન ન
મળે.
-
અમેરિકાના પ્રમુખે ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપ (NSG)માં ભારતના પ્રવેશને સમર્થન આપ્યું. આ પણ વડાપ્રધાન મોદીના ઓબામા સાથેના
સમીકરણને કારણે અને બન્ને દેશો વચ્ચેના દૃઢ થયેલા સંબંધોને આભારી છે. બાકી, વડાપ્રધાનની અમેરિકા મુલાકાત પહેલાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સે’ એક લેખમાં ભારપૂર્વક ભલામણ કરી હતી કે એનએસજીમાં દાખલ થવા માટે ભારત લાયક નથી.
માટે અમેરિકાએ ભારતના એ માટેના દાવાને સમર્થન ન આપવું જોઇએ.
અલબત્ત, NSGમાં પ્રવેશ માટે ચીનને મનાવવું જરૂરી છે. અમેરિકાના પ્રમુખ
આ બાબતે ચીન સાથે વાતચીત કરશે. ચીન માને છે કે નહીં તેની હવે ખબર પડશે. અત્યારે તો
તેનું વલણ સદંતર વિરોધનું છે. મતલબ, વડાપ્રધાન ચીનમાં
જઇ આવ્યા અને ત્યાં પણ તેમના વાવટા ફરકી ગયાનો પ્રચાર થયો, એ સાચો ન હતો. ભક્ત ન હોય એવા સૌએ થોડો નજીકનો ભૂતકાળ પણ યાદ
કરી લેવો જોઇએ. વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે ભારતે કરેલા પરમાણુ પરીક્ષણ પછી
અમેરિકાએ પરમાણુ ઊર્જાના મામલે ભારત પર અનેક પ્રતિબંધ લાદ્યા. મનમોહન સિંઘના
વડાપ્રધાન બન્યાનાં થોડાં વર્ષમાં, તેમની સરકારના
પ્રયાસો પછી,
પરમાણુશક્તિ મુદ્દે અમેરિકા સાથે સંબંધનો દરવાજો ખુલ્યો.
બન્ને દેશ વચ્ચે કરાર પણ થયા. ભારત ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપનું સભ્ય ન હોવા છતાં
તેને પરમાણુ ઊર્જાને લગતી સામગ્રી ખરીદવાનો હક મળ્યો. એ બાબતે અનેક વાંધા સહિત
ચીનને પણ સંમતિ આપવી પડી હતી.
ભૂતકાળની ઘટના કરતાં
વર્તમાનકાળની ઘટના--અને એ પણ આટલાં ઢોલત્રાંસા સાથે રજૂ થાય ત્યારે-- હોય એના
કરતાં વધારે મહાન લાગતી હોય છે. ભવિષ્યમાં અમેરિકાના દબાણથી ચીન ‘હા’ ભણે અને ભારતને
ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપમાં પ્રવેશ મળે, તો એ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સફળતા ગણાશે. ત્યાં સુધી, તેમની આંશિક સફળતાનો ઇન્કાર કર્યા વિના, યુપીએ સરકારની ઉપલબ્ધિ ભૂંસી શકાય એમ નથી. ગુજરાતની જેમ
કેન્દ્ર સરકારમાં પણ ‘બધું સાહેબે જ કર્યું ને
તેમની પહેલાં બધું અંધારું હતું’ એવી જૂઠી છાપ
ફેલાવવાનું વડાપ્રધાનના ભક્તોએ છોડી દેવું જોઇએ. તેમના જેવા હોદ્દા માટે એ
શોભાસ્પદ નથી.
-
ભારત અને અમેરિકાએ પરસ્પરના અને વિશ્વના ભલા માટે સહયોગના
રસ્તે આગળ વધવું જોઇએ અને ભારત-અમેરિકા દોસ્તી એશિયાથી આફ્રિકા સુધી, હિંદ મહાસાગરથી પ્રશાંત મહાસાગર સુધી શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સ્થાપી શકશે--આવી રાજદ્વારી ‘કવિતાઓ’ સાંભળવામાં બહુ
સારી લાગે છે. વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરેલી આવી ભાવનાને દક્ષિણ-મધ્ય એશિયાનો
હવાલો સંભાળતાં અમેરિકાનાં નાયબ ગૃહમંત્રી નિશા દેસાઇ-બિશ્વાલે ‘મોદી ડૉક્ટ્રિન’ તરીકે ઓળખાવીને તેનું ગૌરવ કર્યું છે. આ પ્રકારના ‘ડૉક્ટ્રિન’ એટલે કે
સિદ્ધાંતમાં મુશ્કેલી અમલીકરણની હોય છે. ‘દરેકે સાચું બોલવું જોઇએ...દેશોએ યુદ્ધ ન કરવું જોઇએ...આતંકવાદનો આપણે સાથે
મળીને મુકાબલો કરવો જોઇએ’-- આવી સાત્ત્વિક
વાતો મોટે ભાગે આચરણના બળ વગરની હોય છે. દ્વિપક્ષીય સંબંધોની વાત આવે ત્યારે
(સ્વાભાવિક રીતે જ) દેશો પોતપોતાનાં હિત
જાળવવા ઇચ્છે અને એમ કરવા જતાં, જેની સાથે
સહયોગની ગળચટ્ટી કવિતા કરી હોય તેનું અહિત થાય તો પણ પરવા ન કરે. સામેવાળાને ઓળઘોળ
કરીને પોતાનું ધાર્યું કરાવી લેવું, એ ડિપ્લોમસીનું
મુખ્ય કામ છે.
મનમોહન સિંઘે અમેરિકા
સાથે પરમાણુ ઊર્જાને લગતા કરાર કર્યા ત્યારે, અમેરિકી કંપનીઓના સહયોગથી સ્થપાયેલા પરમાણુ વીજળી મથકોમાં અકસ્માત થાય, તો તેના માટે જવાબદારી કોની--એ મુદ્દો આડખીલીરૂપ બન્યો. ડૉ.સિંઘે
એ મુદ્દે નમતું જોખ્યું નહીં. વડાપ્રધાન મોદી અમેરિકાની કંપનીઓને આ જવાબદારી
સ્વીકારવાની ફરજ પાડે અને એ શરતે તેમને ભારતમાં લઇ આવી શકે, તો એ તેમની રાજદ્વારી કુનેહની જીત ગણાય. રાજદ્વારી ક્ષેત્રે
થતી બધી સમજૂતીઓમાં, ફાઇન પ્રિન્ટ (વિગતવાર
શરતો) જાણવા ન મળે, ત્યાં સુધી માપસરના રાજી
થવું,
પણ જયજયકારની મુદ્રામાં આવી જવું નહીં. એવું અત્યાર સુધીના
બોધપાઠ કહે છે. વડાપ્રધાનની અમેરિકા-મુલાકાત નિમિત્તે થયેલી જાહેરાતો તેમાં અપવાદ
નથી.
-
સંસદ સમક્ષ વક્તવ્યમાં વડાપ્રધાને ભારતના વૈવિધ્યની અને
વાણી-ધર્મની સ્વતંત્રતાની વાતો પણ કરી છે. વડાપ્રધાને કહ્યું કે ‘ભારતીયો ભયથી સદંતર મુક્તિ અનુભવી રહ્યા છે.’ આ વાક્ય દાવો હોય તો એ જૂઠાણું છે અને વાયદો હોય તો એ આવકારદાયક
છે. માટે એ સાંભળીને આનંદ થાય. સાથોસાથ એવી પણ અપેક્ષા રહે કે તે આ ભાવના
પરદેશોમાં આપવાનાં ભાષણોમાં નહીં, દેશમાં કરવાના
વ્યવહારમાં અમલમાં મૂકી બતાવે. તેમના શાસનના બે વર્ષના ટૂંકા ઇતિહાસમાં, તેમનું અને તેમની સરકારનું વર્તન અમેરિકાની સંસદમાં તેમણે
વ્યક્ત કરેલી ભાવનાને અનુરૂપ જણાયું નથી.
An honest attempt of analysis of news .Although it seems more weightage is given to the anti Modi sentiments. It's appreciable since Mr Urvish Kothari is known for his anti-Modi,anti-govt views . Good one .
ReplyDeleteAnti Mody will say like this.
ReplyDelete//મતલબ, વડાપ્રધાન ચીનમાં જઇ આવ્યા અને ત્યાં પણ તેમના વાવટા ફરકી ગયાનો પ્રચાર થયો, એ સાચો ન હતો.//
ReplyDeleteમોદીની ચીન મુલાકાતનો હેતુ એનએસજીમાં પ્રવેશ પુરતો માર્યાદિત ન્હોતો. એક પાસામાં પીછેહટ થવાથી બાકીની બાબતોએ મળેલ સકારાત્મક પરિણામો માટે ભક્તોને વાવટા ફરકાવવાનો પૂરો હક છે જ.
Today's news clip on India:
ReplyDeleteUS Senate has failed to recognise India as a “global strategic and defence partner” of the US after a key amendment necessary to modify its export control regulations could not be passed.
A day after Prime Minister Narendra Modi’s recent address to a joint session of Congress, top Republican senator John McCain had moved an amendment to the National Defence Authorisation Act (NDAA-17) which if passed would have recognised India as a global strategic and defence partner.
1950 થી સોશીયલ મીડીયાની શરૂઆત થઈ હોત તો, નાગરીકોની સમજ અને દેશની હાલત જરૂર. અલગ હોત.
ReplyDeleteNeutral analysis of PM visit of USA Thanks for bringing reality.We must not fofget real issues our country like poverty,unemployment, communal disharmony and illiteracy
ReplyDeleteUnless the account of purchase of arms, defense equipment, nuclear reactors, which would cross billion ofrupees, NSG Membership myth can not be understood, ab initially. Future would tell whether chess politics of marketing of arms and NSG membership a story Urvish readers needs to understand.
ReplyDelete