અઢળક દેવું કરીને અપાર
મોજમઝા કરવી ને મોટાઇ અનુભવવી, એ ભલે વિજય
માલ્યાયુગનું લક્ષણ લાગતું હોય, પણ સવાસો-દોઢસો
વર્ષ પહેલાંના સુરતમાં દેવું કરવાની બોલબાલા વિશે જાણ્યા પછી એવું જ લાગે કે સમયના
ચક્રનો આખો આંટો પૂરો થયો છે. જુઓ આ વર્ણન :
‘હશે તેને જ કોઇ ધીરશે’ એવો ખ્યાલ લોકોમાં પ્રચલિત. એટલે ‘જેને બારણે શેઠનો મહેતો (ઉઘરાણી કરવા) ફરક્યો નહીં તે અમીર નહિ, હૈસિયતદાર નહિ. કન્યા તેને કોઇ આપે નહીં... હજાર રૂપિયાના
માસિક પગારે અરદેશર કોટવાલને પાંચ લાખનું દેવું! હજારો વાર જપ્તી આવે. માલમતા
મિત્રોને ત્યાં સંતાડાય. તે જ્યારે પાછી આવે ત્યારે અડધી જ!’ આ અરદેશર કોટવાલ પર કામ ચાલ્યું ને એ નિર્દોષ ઠર્યા ત્યારે, ઘરે પાછા જતી વખતે તેમણે દસ દસ હજાર રૂપિયાની બે મોટી થેલી
સામે મૂકેલી અને તેમાંથી મુઠ્ઠેમુઠ્ઠા રૂપિયા ચારો તરફ વેરેલા.
આ હકીકત વિનાયક મહેતાએ
તેમના પિતા નંદશંકર તુળજાશંકર મહેતાના ‘જીવનચિત્ર’માં નોંધી છે. નંદશંકરની વાત પર આવતાં પહેલાં, એ જમાનાની એક ઓર તાસીર :
‘તે વેળા જે જમાનો અસ્ત પામતો હતો, તે અદ્ભૂત હતો. નવાબી પડી પડી પણ ઉજાસ મારી રહી
હતી...ફારસીનો પ્રચાર ઝાઝો હતો..શાસ્ત્રીઓની દક્ષિણા કમી થયેલી, એટલે નિષ્કામ સંસ્કૃતનો અભ્યાસ છૂટ્યો...આ ફારસીની ગાંડાઇ
એટલે લગી ચાલેલી કે મુત્સદીઓમાં એક્કા કહેવડાવતા રાયજી કુટુંબમાં તો નામ પણ બદલાઇ ‘મિજલસરાય’, ‘સાહેબરાય’ નામ રખાયાં. સાહેબરાય તો સંધ્યા પણ ફારસીમાં બોલે ને કાળને
અનુસરી આ ક્રોધી પુરુષના કુળગોરને પણ ફારસી બોલવું પડતું.’
આ સુરતમાં જન્મેલા ત્રણ ‘ન’એ નવો જમાનો
ઘડવામાં--લોકોને નવો રસ્તો ચીંધવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું : નર્મદ (જન્મ :
૧૮૩૩),
નંદશંકર મહેતા (૧૮૩૫) અને નવલરામ (૧૯૩૬). ત્રણેનાં કાર્યક્ષેત્રો
એકબીજામાં ભળતાં,
છતાં આમ ઘણાં જુદાં. નંદશંકર મહેતા ગુજરાતી ભાષામાં પહેલી
સંપૂર્ણ મૌલિક નવલકથા ‘કરણઘેલો’ લખીને અમરત્વ પામ્યા.
Karan Ghelo by Nandshankar Mehta |
જતે દિવસે નંદશંકર મોટે ભાગે ફક્ત ‘કરણઘેલો’ના લેખક તરીકે
--અને સામાન્ય જ્ઞાનના એક માર્કના સવાલ તરીકે -- યાદ કરાતા રહ્યા. આ વર્ષે
(૨૦૧૬માં) ‘કરણઘેલો’નો અંગ્રેજી
અનુવાદ ‘પૅંગ્વિન’ જેવા મોટા
અંગ્રેજી પ્રકાશને પ્રગટ કર્યો. તેના ઐતિહાસિક મહત્ત્વને અવગણ્યા વિના, વર્તમાન વાચકોને જુદી રીતે રસ પડે એવી કૃતિ છે ‘નંદશંકરનું જીવનચિત્ર’, જે તેમના પુત્ર વિનાયક મહેતાએ લખ્યું હતું. પહેલી વાર ૧૯૧૬માં પ્રગટ થયેલા એ ‘ચિત્ર’ (ચરિત્ર)નું આ
શતાબ્દિ વર્ષ છે.
ચરિત્ર લખનાર વિનાયક
મહેતા પિતા નંદશંકરની જેમ વિદ્વાન હતા. પિતાએ કારકિર્દી ગુજરાતી હેડમાસ્તર તરીકે
શરૂ કરેલી અને કલેક્ટરપદું તથા રજવાડાના વહીવટ સંભાળ્યા. પુત્ર વિનાયક મહેતા બ્રિટનમાં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને
ભારત આવ્યા. નંદશંકરના પરિવારમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતાં ઘણાં પ્રતાપી નામ વાંચવા
મળે છે : વડોદરાના દીવાન સર મનુભાઇ મહેતા
નંદશંકરના પુત્ર,
ગુજરાતના જાહેર જીવનમાં પ્રતિષ્ઠા ધરાવતા ડૉક્ટર સુમંત
મહેતા નંદશંકરના દૌહિત્ર થાય. નંદશંકરનાં પૌત્રી (મનુભાઇ મહેતાનાં પુત્રી) હંસા
મહેતા સામાજિક કાર્યકર-લેખિકા, તો સાંસ્કૃતિક
ક્ષેત્રે કાર્યરત અને ઇંદિરા ગાંધીનાં પરમ સખી પુપુલ જયકર પણ નંદશંકરનાં પૌત્રી
(વિનાયક મહેતાનાં પુત્રી). પુસ્તકના લેખક વિનાયક મહેતાનાં એક પુત્રી અમરગંગા
(અમરુ). તેમના પુત્ર આનંદ મહેતાનાં પુત્રી અંજલિ મહેતા, જે સચિન તેંડુલકર સાથે લગ્ન પછી અંજલિ તેંડુલકર બન્યાં.
વિનાયક મહેતાએ ‘નંદશંકરનું જીવનચિત્ર’માં પિતૃકથા અને કુટુંબકથા ઉપરાંત સમયકથાનો પણ ખ્યાલ રાખ્યો. તેથી એ જમાનો
સમજવામાં ઉપયોગી થાય એવી ઘણી વિગતો પુસ્તકમાં આવી. કસ્ટમ્સમાં કામ કરતા દાદા
તુળજાશંકર વિશે વિનાયક મહેતાએ લખ્યું છે,‘પાંચ રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી, અવસાન સમયે પંદર રૂપિયાના દરજ્જે ચઢ્યા હતા. તે જમાનામાં પગાર ઉપરાંત દસ્તૂરી
(લાંચ) ઠીક મળતી. આ એક જાતનો હક્ક જ સમજવામાં આવતો. એની માગણી કરવાની જરૂર
જ પડતી નહિ. જો કોઇ ન લે તો ધન્યવાદ તો ઘેર ગયો, પણ ઓલિયા યા ધૂનીમાં ખપે. આ જમાનામાં સારાંનરસાંનો ખ્યાલ એવો તો હલકો થઇ ગયો
હતો કે આવી જાતની દસ્તૂરી મળે તો તે અયોગ્ય છે એમ કોઇ સમજતું નહિ... સામાન્ય ખ્યાલ
તો એવો જ હતો કે જોરજુલમ થાય કે અધિકારી વર્ગ પાસેથી વધારે મંગાય તો જ શિક્ષાપાત્ર
થવાય. બાકી તો થતું આવ્યું છે તેમ થવા દેવામાં કોઇ દોષ નહિ સમજાતો. આ કારણથી જ તે
સમયમાં પગાર ઓછો રાખવામાં આવતો.’
ઓછા પગાર પાછળનો આ તર્ક
તપાસનો વિષય છે,
પરંતુ જૂના વખતમાં સતયુગ હતો ને મૂલ્યનિષ્ઠાની બોલબાલા હતી, એવું માનનારા માટે આવી તો સાચું ચિત્ર આપતી ઘણી વાતો
પુસ્તકમાં નોંધાયેલી છે. અંગ્રેજોના ન્યાય પર ઘણા દેશી લોકોને બહુ ભરોસો હતો.
પરંતુ ન્યાય કેવી રીતે વેચાતો તેનું પણ વર્ણન પુસ્તકમાંથી મળે છે. ભ્રષ્ટ
અધિકારીને લાંચ તરીકે ભાવતાં ભોજન અપાય અને તેમાં વાદી-પ્રતિવાદી વચ્ચે હરીફાઇ
થાય. ‘એકબીજા ઉપર સરસાઇ કરવામાં ઠેઠ ચટણી લગી વાત જતી. હાકેમ પસંદ
આવતાં મિષ્ટાન્નની તારીફ કરતો ને મુકર્દમાનો ફેંસલો તે મુજબ આવતો.’
લાંચની બોલી પણ ખુલ્લેઆમ
અને બેશરમીપૂર્વક બોલાવવામાં આવતી. ‘દુનિયામાં એક
ઇશ્વર છે તેના ઉપર મારો ભરોસો છે, એમ કહી વાદી ‘એક’ આંગળી ઊંચી કરે, તો તેના જવાબમાં પ્રતિવાદી કહે, ‘નારે, હું તો
ત્રિપુટીમાં માનું છું.’ શિરસ્તેદાર ધીરે રહી કહે,‘ભાઇઓ, કળજુગમાં તો ‘પંચાયત’નાં જ ફળ આપે જો.’
અત્યારે લોકો વાહનો
આડેધડ હંકારે છે,
તો એ વખતે બળદગાડાં પૂરપાટ ચલાવવાની ફૅશન હતી. વિનાયક
મહેતાએ નંદશંકરના નાના વિશે લખ્યું છે,‘(તેમને) જુવાનીમાં બળદની ગાડી હાંકવાનો ભારે શોખ હતો. એ તો જગજાહેર છે કે ગાડી
હાંકવાનો શોખ થયો તો કયા સુરતવાસીએ ગાડી ધીરી હાંકેલી સાંભળી? એક વાર ગાડી ઊંધી વળી જવાથી તેમનો હાથ ભાંગ્યો હતો. છતાં
બેલગાડી હાથે હાંકવાની ને તે પણ ધમધોકાર હાંકવાની કુટેવ ગઇ નહિ.’
૧૮૫૭ના સંગ્રામમાં દેશી
રાજાઓ હાર્યા,
ત્યારે એ સમયના ઘણા સુધારકોએ હાશકારો વ્યક્ત કર્યો હતો.
નંદશંકરનો પણ એવો જ મત હતો,‘પરરાજ્ય તો પરરાજ્ય, પણ સડેલા મોગલો અને લુંટારા મરાઠા કરતાં તેના (અંગ્રેજના)
રાજ્યમાં હજાર ગણું વધારે સુખ હતું. આથી નવી કેળવણી પામેલામાંથી તો સોએ પંચાણું
ટકા બળવાખોરોની વિરુદ્ધ રહ્યા.’ અલબત્ત, એ વખતે એવા લોકો પણ હતા, જે નાનાસાહેબનું રાજ પાછું આવશે, એમ માનીને મરાઠી
શીખવા લાગ્યા હતા.
(અંગ્રેજી રાજમાં સૌથી મોટું પરિવર્તન ઝીલનારાં
ક્ષેત્રોમાનું એક હતું : કેળવણી. તેની વાત આવતા સપ્તાહે)
Good article; it takes the reader to the history lane with all the side snaps and surroundings of Gujarati lives. Side Note: Currently I am compiling a list of gujarati words (with an Iranian friend) derived from Persian and Arabic.
ReplyDeleteઆપને જણાવતાં આનંદ થાય છે કે વિકિસ્ત્રોત પર 'કરણ ઘેલો'નું શબ્દાંકનનું સહકાર્ય - https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%98%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B- તાજેતરમાં જ શરૂ થયેલ છે.
ReplyDeleteUrvishbhai,
ReplyDeleteThank you very much. Never read Karan Ghelo, but now you encourage, so I will try to find it out. How can I get " Nandshankar nu Jivancharitr"? please reply.
Thanks,
Manhar Sutaria
This comment has been removed by the author.
Deleteઅમદાવાદમાં સાહિત્ય પરિષદમાં આવેલા ગ્રંથવિહાર સ્ટોરમાંથી મળી જશે.
ReplyDelete