પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીએ કોંગ્રેસ
વિશે કેટલાંક જૂનાં સત્યો તાજાં અને નવાં સત્યો ઉજાગર કરી આપ્યાં.
જેમ કે, કોંગ્રેસ શીતનિદ્રામાં સરી ગયેલો
પક્ષ છે. શીતનિદ્રામાં જનારાં પ્રાણીઓ શિયાળો પૂરો થયે ફરી જીવતાં થવાની તક હોય
છે, પણ એ જીવતાં થાય જ એ અનિવાર્ય નથી. છેલ્લાં બે વર્ષમાં કોંગ્રેસની વર્તણૂંક
જોતાં તે ફરી ચેતનવંતી થશે કે કેમ, એ વિશે ગંભીર શંકાઓ જાગી હતી. ચૂંટણીનાં પરિણામ
એ શંકાને ટેકો કરી રહ્યાં છે. આંકડાપ્રેમીઓએ કહ્યું છે તેમ, હવે ભારતના માંડ છ ટકા
ભૌગોલિક હિસ્સા પર કોંગ્રેસશાસિત સરકાર બચી છે. નવાઇ એની પણ નથી. સૃષ્ટિની જેમ
રાજકારણમાં આવી ઉથલપાથલો થયા કરે. પરંતુ કોંગ્રેસની બોધપાઠ નહીં લેવાની વૃત્તિ નોંધપાત્ર
છે.
લોકસભાની ચૂંટણીમાં બેઠકસંખ્યાની રીતે બે
આંકડામાં આવી ગયેલી અને સંખ્યાત્મક રીતે વિરોધપક્ષના નેતાનો દરજ્જો પણ ન મળે, એટલી
હદે કોકડું થઇ ગયેલી કોંગ્રેસ માટે એ પણ એક તક હતી. કેટલીક વાર સાદી સારવાર કામ ન
લાગે, ત્યારે શોક થેરપી કામ કરતી હોય છે. એ ન્યાયે લોકસભામાં પછડાટ પછી કોંગ્રેસ
નવેસરથી મોટું મશીન ચાલુ કરવાની કવાયત આદરી શકી હોત. રાજકારણમાં કશું અશક્ય કે
કાયમી નથી હોતું. પરંતુ રાહુલ ગાંધી-સોનિયા ગાંધીનો સતત બચાવ કરવાની, તેમને કોઇ
દોષ નહીં આપવાની અને જે કંઇ સારું થાય તે બધાનું શ્રેય એમને જ આપવાની વૃત્તિથી
કોંગ્રેસ શાહમૃગ અને ડાયનોસોરનું વિચિત્ર સંયોજન બની ગઇ છે. વિધાનસભાની ચૂંટણીઓમાં
કોઇ એક જ પક્ષ નિર્વિવાદપણે પરાજિત તરીકે ઉભર્યો હોય તો એ કોંગ્રેસ છે. પરંતુ હજુ
એ પાંચ ચૂંટણીઓના સરવાળામાં પોતાની બેઠકો વધારે છે, એવાં આશ્વાસનો લીધા કરશે તો
તેનું રહ્યુંસહ્યું ડૂબવાનું પણ નક્કી છે.
કોંગ્રેસે એ સ્વીકારી લેવાની જરૂર છે કે
તેની સીધી સ્પર્ધા હવે ભાજપ સાથે નથી. કારણ કે કોંગ્રેસ હવે રાષ્ટ્રિય પક્ષ રહ્યો
નથી. યુપીએના જમાનાની રાજસી માનસિકતામાંથી બહાર આવીને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી
અને તેમના સલાહકાર મંડળે હવે ઇંચ-ઇંચ જમીન માટે, ખરું જોતાં અસ્તિત્ત્વ માટે
સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે. અને તેમાં જવાહરલાલ નેહરુની મહાનતા કે ઇંદિરા
ગાંધીની કાબાગીરી કોઇ કામ આવે તેમ નથી. સોનિયા ગાંધીએ રાજકારણમાં કેળવેલી અને
દર્શાવેલી રાજકીય ચતુરાઇ પણ સંઘર્ષ કરીને નવેસરથી બેઠા થવાની પ્રક્રિયામાં કેટલી
કામ આવે એ સવાલ છે. માટે, કોંગ્રેસ ભવ્ય ભૂતકાળના મિથ્યાભિમાનમાંથી જેટલી વહેલી
બહાર આવે અને જમીની કામધંધે લાગે, એટલું એનું ભલું છે.
બીજા અનેક લાયક ઉમેદવારો મૂકીને રાહુલ
ગાંધીને વડાપ્રધાનપદ માટે રજૂ કરવાનું જોખમ કોંગ્રેસે લીધું અને તેનું પરિણામ પણ
ભોગવ્યું. ઠીક છે. પણ એક દાયકા સુધી રાહુલ ગાંધીને દૂધપાક ખેલાડી તરીકે રમાડીને
અને વાસ્તવિક સત્તાથી-જવાબદારીથી-ઉત્તરદાયિત્વથી દૂર રાખીને એક રીતે કોંગ્રેસે
પોતાનું અને રાહુલ ગાંધીનું મોટું નુકસાન કર્યું છે. ‘લોકો
બીજા બધાથી કંટાળીને જ્યાં સુધી રાહુલ ગાંધીને વડાપ્રધાન નહીં બનાવે ત્યાં સુધી
અમે રાહ જોવા તૈયાર છીએ’ એવી વૃત્તિને
વફાદારી નહીં, આત્મઘાત કહેવાય અને આવું માનનાર હિતેચ્છુ નહીં, હિતશત્રુ ગણાય. ધારો
કે રાહુલ ગાંધી અત્યંત સજ્જન હોય, તો પણ આ ક્ષેત્રમાં તે નિષ્ફળ ગયા છે તેનો
સ્વીકાર જેટલો ઝડપથી થાય, એટલો કોંગ્રેસના અને દેશના ફાયદામાં છે.
કોંગ્રેસ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે
તેની તાકાત ગણાતું તેનું વૈવિધ્ય ગાંધી પરિવારની ધરી ન હોય તો વેરવિખેર થઇ શકે છે.
જુદા જુદા ક્ષેત્રીય નેતાઓની ભારી ગાંધી પરિવારનું દોરડું ન હોય તો છૂટી પડી જાય.
બીજી તરફ, એ દોરડું જ એટલું મજબૂત રહ્યું નથી કે તે ભારીને એકજૂટ રાખીને મુકામ
સુધી પહોંચાડી શકે. આ સંજોગોમાં દોરડું બદલાય અથવા ભારી છૂટી પડે. આસામમાં ત્રણ
મુદતથી મુખ્ય મંત્રી રહેલા કોંગ્રેસી તરુણ ગોગોઇ પુત્રપ્રેમમાં પોતાના સમર્થ સાથી
હિમંતાવિશ્વ શર્માની ઉપેક્ષા કરતા રહ્યા. ચૂંટણી જીતાડવામાં મહત્ત્વના ખેલાડી
ગણાતા શર્મા છેવટે નારાજ થઇને ભાજપમાં જોડાઇ ગયા અને આસામમાંથી કોંગ્રેસનું શાસન
ઉખાડવામાં મહત્ત્વનું પરિબળ બની રહ્યા. પુત્રપ્રેમ અને રાજકીય ભવિષ્ય—બન્ને સાથે
લાંબા સમય સુધી ફળદાયી બની શકતાં નથી. ગોગોઇ હોય કે ગાંધી, માવતરોએ આ વાત સમજવાની
હોય છે. પરંતુ સાહેબને (કે મેડમને) કોણ કહે કે તમારું મોં પક્ષપાતથી ગંધાય છે?
ભાજપ ભલે ગમે તેવા દાવા કરે, આસામમાં તેનો
વિજય મહદ્ અંશે ભાજપની ‘નીતિવિષયક બાબતો’ થકી નહીં, કોંગ્રેસથી અસંતુષ્ટ નેતાઓ ભાજપમાં ભળ્યા અને તેમની મદદથી
(તથા કેન્દ્રના હાઇકમાન્ડની દખલગીરી વિના) સ્થાનિક સ્તરે અસરકારક વ્યૂહરચનાઓ
ગોઠવાઇ, તેના કારણે થયો છે. બાકી, ભાજપી રાજકારણના સ્વીકારનો જ મામલો હોત તો
પશ્ચિમ બંગાળમાં ભાજપી નેતાગીરીએ કઇ વાતે કસર છોડી હતી? પરંતુ
પક્ષપ્રમુખ અમિત શાહની કહેવાતી જાદુગરી હવામાં ઓગળી ગઇ અને બંગાળમાં ભાજપને
પરાજયનો કડવો ઘૂંટડો પીવો પડ્યો.
કોંગ્રેસની મુશ્કેલી એ છે કે તેણે હવે
ફક્ત ભાજપ સામે નહીં, બીજા અનેક વ્યક્તિકેન્દ્રી ક્ષેત્રિય પક્ષોના મુખિયા સાથે
પનારો પાડવાનો થશે—અને એ પણ પોતે સિંહાસન પર બેસીને અને એ લોકોને દરબારી તરીકે
ગણીને નહીં. તેમને સરખેસરખા અને હકીકતમાં તો પોતાના કરતાં વધારે સત્તા ધરાવતા
નેતાઓ તરીકે સ્વીકારીને. કારણ કે એ નેતાઓ પાસે કંઇ નહીં તો છેવટે એક રાજ્ય તો એવું
છે, જ્યાં તેમનો દબદબો હોય અને તેમના પક્ષની સરકાર હોય. કોંગ્રેસ પાસે કર્ણાટકના
અપવાદને બાદ કરતાં એવું એકેય મોટું રાજ્ય બચ્યું નથી. એટલે કોંગ્રેસ માટે સૌથી
પહેલું કામ રાષ્ટ્રિય સ્તરે ભાજપને ટક્કર આપવાનું નહીં, થોડાં કે એકાદ રાજ્યમાં પણ
નવેસરથી પોતાનો પાયો ઊભો કરવાનું છે. એ કામ હાઇકમાન્ડના રીમોટ કન્ટ્રોલથી નહીં,
સ્થાનિક નેતાગીરીના સ્વીકારથી ને તેમને મોકળાશ આપવાથી શક્ય બને છે.
હજુ કોંગ્રેસ અને કોંગ્રેસીઓ એવી આશા
સેવતાં હશે કે ‘રાહુલ ગાંધી ભલે ન ચાલ્યા, પ્રિયંકા ગાંધી
આવશે અને કોંગ્રેસનો ઉદ્ધાર કરી નાખશે’ તો
ગાંધીપરિવારના ભક્તો તેને વિજેતા વ્યૂહરચના તરીકે ભલે વધાવી લે, પણ કોંગ્રેસ માટે
એ નાલેશી ગણાશે. પ્રિયંકા ગાંધી જીતાડે કે નહીં એ મુદ્દો જ નથી. કોંગ્રેસ કારમી
પછડાટો ખાધા પછી બેઠા થવાની ક્ષમતા ગુમાવી ચૂકી હોય અને પ્રિયંકા ગાંધી જેવા
શોર્ટકટ ઉપર હજુ પણ તેનો આધાર હોય, તો એ ગાફેલિયતની-પરિવારભક્તિની હદ ગણાય.
સોનિયા ગાંધી માટે સવાલ ભલે તેમના પુત્રની
કારકિર્દીનો કે પક્ષના શાસનનો હોય, નાગરિકો માટે રાષ્ટ્રિય સ્તરના અસરકારક
વિપક્ષનું હોવું એ લોકશાહીની તંદુરસ્તીનો પ્રશ્ન છે.
How Mamata Didi n Jaya Amma won the elections n maintain their legacy is also wonderful lessons to learn for all
ReplyDelete