ગુજરાતમાં
પાટીદારોની અનામતમાગણીનું હજુ ઠેકાણું પડતું નથી ત્યારે, સિવિલ સર્વિસની દેશવ્યાપી પરીક્ષામાં એક દલિત
વિદ્યાર્થીનીનો (વગર અનામતે) પહેલો નંબર આવે, ઘટના અનામતની ચર્ચાને ઘણી રીતે નવા વળાંક આપી શકે છે.
યાદ કરી લઇએ કે પાટીદાર આંદોલનની એક માગણી 'અમને અનામત અથવા કોઇને નહીં' પ્રકારની પણ હતી. આવી માગણી કે રજૂઆત પાછળ એવો ખ્યાલ
જવાબદાર હોય છે કે અનામત મૅરિટની વિરોધી છે અથવા અનામત સબળી ગુણવત્તાના ભોગે નબળી
ગુણવત્તાને પોષે છે. પોતાની મૅરિટપ્રિયતાથી જાતે અભિભૂત એવા ઘણા ઉત્સાહીઓ અનામતના
લાભાર્થીઓને 'અનામતીયા' કહેવાની હદે પણ જતા હોય છે. એમ કરીને તે
મૅરિટપ્રેમ કરતાં પોતાના મનમાં રહેલો જ્ઞાતિદ્વેષ અથવા સંવેદનશીલતાનો અભાવ વધારે
છતો કરે છે.
UPSCની
પરીક્ષામાં પહેલો નંબર લાવનાર ટીના પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની છે, જે શાખાના એક ચર્ચાસ્પદ વિદ્યાર્થી આજકાલ
દેશના વડાપ્રધાન છે અને જેમની ગ્રેજ્યુએશન અને માસ્ટર્સની ડિગ્રી વિશે ઘણી શંકાઓ
થઇ. સાચી છે કે નહીં, એના કરતાં
વડાપ્રધાન વિશેની આવી શંકા લોકોને સાચી લાગી શકે છે, વધારે અગત્યનું ગણાવું જોઇએ. વડાપ્રધાન બનતાં
પહેલાંનાં 'પ્રેરક પ્રવચનો'ની શ્રેણીમાં નરેન્દ્ર મોદી જ્યાં ભાષણ કરી
આવ્યા હતા, લેડી શ્રીરામ
કૉલેજમાંથી ટીનાએ ગ્રેજ્યુએશન કર્યું. માતાપિતા બન્ને ભણેલાં, નોકરી કરતાં હતાં. તેમણે ટીનાને પહેલેથી સાનુકૂળ
વાતાવરણ આપ્યું. એટલે, તેજસ્વી
ટીનાને ભેદભાવમુક્ત અને પૂરતી તકોવાળું મોકળું મેદાન-- જ્ઞાતિની દૃષ્ટિએ ખરા
અર્થમાં 'લેવલ પ્લેયિંગ ફિલ્ડ'
મળ્યું.
દલિતોને યોગ્ય તક
મળે તો આગળ આવી શકે છે, એવું
અલગથી પુરવાર કરવાની જરૂર નથી. ઉચ્ચતમ રાજકીય (રાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ) અને બિનરાજકીય (સર્વોચ્ચ અદાલતના
મુખ્ય ન્યાયાધીશ, યુજીસીના
અધ્યક્ષ) હોદ્દા પર દલિતો રહી ચૂક્યા છે વાત કરીએ તો પણ, વેપારઉદ્યોગથી માંડીને લેખન જેવાં ક્ષેત્રોમાં યોગ્ય
તક મળી ત્યારે--અને ઘણી વાર તો તક મળી હોવા છતાં-- દલિતોએ નામ કાઢ્યું છે. 'દલિત કરોડપતિ' હવે વદતોવ્યાઘાત (પરસ્પર વિરોધી શબ્દપ્રયોગ) ગણાતો
નથી. તેમ છતાં, બિનદલિતોનો એક
નોંધપાત્ર વર્ગ દલિતોને મૅરિટ સાથે સાંકળવામાં મુશ્કેલી અનુભવે છે.
અનામતની અને
દલિતોની વાત આવે એટલે તરત તેમની પાસે ઑપરેશન દરમિયાન પેટમાં કાતર ભૂલી ગયેલા દલિત
ડૉક્ટરની કથા હાથવગી હોય છે. આવી કથા (અથવા તો આશંકા) વખત પહેલાં ક્યાંક સાંભળી
હોય તો પણ મનમાં જ્ઞાતિ સાથે, બલ્કે
જ્ઞાતિને લીધે, બરાબર ચોંટી ગઇ
હોય છે. બીજી જ્ઞાતિના ડૉક્ટરોની અણઆવડતની કે અપલક્ષણોની વાત આવે ત્યારે વ્યક્તિની
ખાસિયત તરીકે મનમાં નોંધાય છે--તેના આધારે આખી જ્ઞાતિનાં પ્રમાણપત્રો ફાડવામાં
આવતાં નથી. આવા ઉત્સાહીઓ પાસે 'અનામતવાળા
સાહેબો'ની ભ્રષ્ટાચારની કથાઓ
હાથવગી હોય છે. ભ્રષ્ટાચાર જેવી બાબત જ્ઞાતિની નહીં, પણ મનુષ્યના સ્વભાવની લાક્ષણિકતા છે, આટલી સાદી વાત પણ ઘણી વાર જ્ઞાતિદ્વેષથી
પ્રેરિત ઉત્સાહમાં ચૂકી જવાય છે.
તેમની તકલીફ
સમજાય એવી છે. કારણ કે તેમની મૅરિટની વ્યાખ્યામાં ગરબડ છે. તેમના માટે મૅરિટ એટલે
માર્કશીટમાં મેળવેલા માર્ક, જે
વ્યક્તિની આવડત કે પ્રતિભા કે ગુણવત્તાનું એકમાત્ર પ્રમાણ છે. દલિત કે આદિવાસી
ઉમેદવારના ટકા ઓછા એટલે ઓછો ગુણવત્તાવાળો અને તેમની સરખામણીમાં વધારે ટકા લાવનારા
કહેવાતા ઉજળીયાત ઉમેદવારો ચડિયાતી ગુણવત્તાવાળા--આવું સાદું સમીકરણ તે બેસાડે છે.
પરંતુ વિદ્યાર્થીના માર્ક પાછળ કેટકેટલાં બીજાં પરિબળ કામ કરે છે, સમજવાની ભાગ્યે કોઇને જરૂર કે ફુરસદ લાગે છે.
આ પરિબળોમાંથી
ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી તકો અને ગરીબીને કારણે સંસાધનોના અભાવ જેવી બાબતો
જ્ઞાતિથી પર છે. તે કોઇ પણ જ્ઞાતિના વિદ્યાર્થીને એકસરખી નડી શકે છે. પરંતુ દલિત
હોવાનો સામાજિક ધબ્બો અને તેના કારણે રોજબરોજના જીવનમાં વેઠવાની આવતી અસમાનતા
વ્યક્તિના આત્મવિશ્વાસના મૂળમાં ઘા કરનારી નીવડી શકે છે.
જ્ઞાતિઆધારિત
ભેદભાવોનું પોટલું માથે લઇને દોડતા અને પોટલાના બોજ વગરના લોકો વચ્ચે દોડની
સ્પર્ધા હોય અને તેમાં'હું તો
વીર મૅરિટવાળો. હું બીજું કશું જાણું. મારે તો જે પહેલા ત્રણ લાઇન પાર કરે તેમને વિજેતા જાહેર કરવા પડે. મૅરિટ સાથે હું કશી બાંધછોડ કરી શકું'-- આવું વલણ વ્યક્ત કરવામાં આવે, તો 'મૅરિટ'ના ખ્યાલ વિશે શું
કહેવું?
ભણતર, અનામતને કારણે મળેલી થોડીઘણી નોકરીઓ અને
કેટલીક સંસ્થાઓના પ્રયાસોથી આવેલી કાયદાકીય જાગૃતિના પરિણામે દલિતોની નવી પેઢી
માથું ઊંચું કરતી થઇ છે. સંઘર્ષના પ્રસંગો પણ બને છે. આવા થોડા કિસ્સામાં, દલિતોની નવી પેઢી પાસે (બીજી કોઇ પણ જ્ઞાતિની
નવી પેઢીની જેમ) તકો મર્યાદિત છે, જે
તેમને ઘણા કિસ્સામાં આસપાસના સમાજ સાથે સંઘર્ષ કરતાં કરતાં મેળવવાની રહે છે.
દલિત યુવતી UPSCની પરીક્ષામાં પહેલા નંબરે આવે કે મૅરિટ
લીસ્ટમાં જનરલ- SCના કટ ઑફ માર્ક
(પ્રવેશ માટે જરૂરી લઘુતમ માર્ક) વચ્ચેનો તફાવત ઓછો થતો જાય, એની હવે નવાઇ નથી. જનરલ- SCના કટ ઑફ માર્ક એક સરખા થઇ જાય, પણ બહુ દૂરની વાત લાગતી નથી. તેનો શો અર્થ થાય?
એક અર્થ એવો કે દલિતોમાં થોડા
વિદ્યાર્થીઓને તેજસ્વીતા ઉપરાંત આર્થિક-સામાજિક દૃષ્ટિએ (કોઇ મોટા) ભેદભાવ વગરનું 'લેવલ પ્લેયિંગ ફિલ્ડ' મળવા લાગ્યું છે. એટલે તેમની ટકાવારી જનરલ કૅટેગરીની
હારોહાર આવી ગઇ છે. વાતને એવી રીતે પણ ઘટાવી શકાય કે આવા દલિત વિદ્યાર્થીઓને
અનામતની જરૂર રહી નથી અને તેમણે લાભ એવા દલિત વિદ્યાર્થીઓ માટે રહેવા દેવો જોઇએ,
જેમને હજુ ભેદભાવનાં પોટલાં માથે લઇને
દોડવાનું છે. જે દલિતો અનામતના પ્રખર સમર્થક હોય તેમણે દલિતોમાં સૌથી જરૂરતમંદ
સુધી અનામતનો લાભ પહોંચે અને પૈસાદાર દલિતોનાં, સામાજિક ભેદભાવનો નહીંવત્ અનુભવ કરનારાં સંતાનો
અનામતના લાભ લઇ જાય, તે માટે
જાગૃતિઝુંબેશ ઉપાડવી જોઇએ.
અનામત થકી
દલિતો-આદિવાસીઓનું શિક્ષણ-નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ થઇ જાય, તો ડૉ.આંબેડકરનું એક સ્વપ્ન સાકાર થયું ગણાય.
પરંતુ ગાંધીનું સ્વપ્ન ત્યાર પછી પણ બાકી રહે છે. કારણ કે તેમાં ફક્ત આંકડાકીય
પ્રતિનિધિત્વની નહીં, 'હૃદયનાં
કમાડ ઉઘાડવાની' વાત છે. કાયદાથી
કોઇનું અપમાન કરવા કહી શકાય ને માનનારને દંડિત કરી શકાય, પણ બીજાની સાથે માણસ જેવા માણસ જેવો વ્યવહાર કરવાનું
સામાજિક જાગૃતિ-સભાનતા-સંવેદનશીલતા થકી શક્ય બને.
Shared on my wall
ReplyDelete"બેચારા દલિત" એ હાલની એક પ્રચલિત ગાળ છે જે સભ્ય સમાજનાં લોકો અભાવ કે કુભાવથી પીડાતા પોતાનાં મિત્રો કે પરિવારનાં સભ્યોને તેમનાં સ્વદોષથી માહિતગાર કરવામાં વાપરે છે. બિનગુજરાતી સમાજ સાથેનાં મારા ઘરોબાને કારણે મને લાગ્યું કે ગુજરાત દલિતો માટેની અસમાનતા અને ભેદભાવમાં પણ વેજીટેરીયન જ છે જ્યારે પ્રાદેશિક ભારતિયો આ બાબતમાં નોનવેજીટેરીયન છે. સરવાળે આ રોગને આપણે માત્ર ઉપરછલ્લાં સ્તરે સારવાર આપી રહ્યાં છીએ.
ReplyDeleteમોટાભાગની વસતી દલિતોને અનામતથી ઓળખે છે નહીં કે જ્ઞાતિઆધારિત ભેદભાવોથી શોષિત પ્રજા તરીકે. એટલે દલિતો અનામતને કારણે સમાંતર થવા કરતાં વધારેને વધારે અરખામણાં બનવા લાગ્યા છે. આપણે ઝાડનાં મૂળને બદલે તેનાં પર ઉગેલા સફરજનોનું સમાનતા હેઠળ બ્રાન્ડિંગ કરી રહ્યા છીએ જે બ્રાન્ડીંગ જ તેમને ભારે પડી રહ્યું છે.