|
S H Manto / સઆદત હસન મંટો |
જાન્યુઆરી, ૧૮, ૧૯૫૫. ભારતના ભાગલાની પ્રચંડ
કારુણીને આઠ વર્ષ પણ થયાં- ન થયાં, અને ઉર્દુ વાર્તાકાર સઆદત હસન મંટો મૃત્યુ પામ્યા.
મંટો ગયા, પણ તેમની પાછળ રહી ગયેલી તેમની વાર્તાઓ હજુ પણ પીછો છોડતી નથી. કારણ કે એ
માનવમનના વણખેડાયેલાં કે ઘણું ખરું
અંધકારમાં રહેલાં પાસાં પર નિષ્ઠુરતાથી પ્રકાશ ફેંકે છે--જાણે કાંઠલો પકડીને
વાચકને એ બતાવતા હોય,
‘જુઓ, જુઓ, આ માણસ. આ પણ માણસ. સભ્યતાનાં પૂંછડાં થઇને ફરનારા
દંભીઓ, જુઓ, આ તમારું અસલી રૂપ અને જુઓ, આ એવા માણસોનું માણસાઇભર્યું પાસું, જેને ધુત્કારતાં-
તુચ્છકારતાં તમે થાકતા નથી.’ માણસની મૂળભૂત કહેવાય એવી જાતીય વૃત્તિ, તેનાં
ગલગલિયાં કરાવે એવાં નહીં,
પણ હચમચાવે એવાં વર્ણન, માણસની હેવાનિયત અને હેવાનિયતે
ચડેલા માણસમાં ક્યાંક ટમટમતી ઇન્સાનિયત--આવી કંઇક અકળાવનારી, ઝકઝોરનારી
વાર્તાઓનો સર્જક એટલે એક મંટો.
આ મંટો હજુ જીવે છે, અંગ્રેજી
સહિતની અનેક ભાષાઓમાં અનુવાદ પામે છે અને નવા નવા વાચકો-અભ્યાસીઓને ફીદા કરતો રહે
છે. (મંટો જેવા મહાન સર્જક માટે માનાર્થે બહુવચન વાપરવું જોઇએ, પરંતુ
માનાર્થે આત્મીયતાર્થે એકવચનની પણ જોગવાઇ હોય છે.)
બીજો મંટો એટલે ‘ગંજે
ફરિશ્તે’ (હિંદીમાં ‘મીનાબજાર’ તરીકે અનુવાદિત)નો લેખક. તેમાં ૧૯૪૦ના દાયકાની ઘણી જાણીતી હસ્તીઓ વિશે મંટોએ
મસાલેદાર લખ્યું. પ્રકારની રીતે એ વ્યક્તિચિત્રો કહેવાય, પણ એવાં કે જેમાં મંટોએ
શીર્ષકમાં જ સ્પષ્ટ કર્યું છે તેમ, ભલભલાને મુંડી નખાયા હોય--ખાસ્સા મૈત્રીભાવે, થોડા
અંગત ભાવે, થોડા તોર ને તોફાનમાં. તેમાં નૂરજહાં, અશોકકુમાર, હીરો
શ્યામ, કુલદીપકૌર, ગુજરાતી હાસ્યકલાકાર વી.એચ.દેસાઇ, ગાયક-સંગીતકાર રફીક ગઝનવી, મસાલેદાર ફિલ્મમાસિક ‘ફિલ્મ
ઇન્ડિયા’ના માલિક બાબુરાવ પટેલ (જેમના ઉર્દુ સામયિકમાં મંટોએ થોડો સમય નોકરી કરી
હતી)...આ કોઇને છોલવામાં મંટોએ કશી કચાશ નથી રાખી.તેની પ્રેમ કરવાની રીત પણ એકદમ
તોફાની કૉલેજિયન છોકરા જેવી છે.
આ ચરિત્રો ઉપરાંત મંટોએ કેટલાક અંગત
પ્રસંગો પણ લખ્યા છે. એમાંથી ઉપસતું મંટોનું ચરિત્ર વિદ્રોહી, લાગણીસભર, બિનગણતરીબાજ, કહેવાતા
સભ્ય સમાજ દ્વારા સતત સતાવાયેલા, ઇચ્છે તો ધૂમ સફળતા મેળવી શકે એટલા પ્રતિભાશાળી, પણ
વ્યાવસાયિક રીતે ઘણુંખરું નિષ્ફળ રહેલા, આજીવન સંઘર્ષરત, કોમી વિખવાદ-ભાગલાથી હાલી ગયેલા, પાક્કા
શરાબી, પરિવાર તરફ ધ્યાન નહીં આપનારા એક જિનિયસનું છે. એ સાચું છે, પણ
સંપૂર્ણ નથી. ન જ હોઇ શકે. કારણ કે મંટો કે સાહિર પ્રકારના ઉચ્ચ કોટિના
લેખકો-શાયરો પોતાની કૃતિઓમાં જે લાગણી વ્યક્ત કરતા હોય, તેવા અંગત જીવનમાં પણ હોય, એ
બિલકુલ જરૂરી નથી. દરેક માણસની જેમ મંટોની પણ અનેક બાજુઓ છે, જેમાંથી
સમય વીત્યે કેટલીક જ ટકી છે ને બાકીની લગભગ ભૂલાઇ ગઇ છે. મંટોની એવી કેટલીક બાજુઓ
ઉજાગર કરતું પુસ્તક એટલે ઉપેન્દ્રનાથ ‘અશ્ક’નું ‘મંટો : મેરા દુશ્મન’.
|
Upendranath 'Ashk' / ઉપેન્દ્રનાથ 'અશ્ક' |
પોકેટ બુક સાઇઝનાં ૧૧૬ પાનાં (લેખકનાં
નિવેદન સહિતનાં) ધરાવતા આ પુસ્તકનું ‘અર્પણ’ મંટોના સમકાલીન, તેમની સાથે નજીકથી કામ કરનાર
વિખ્યાત લેખક ઉપેન્દ્રનાથ ‘અશ્કે’ આમ લખ્યું છે : ઉન ‘બુદ્ધિમાનોંકે નામ, જિન્હોંને
ઇસ સંસ્મરણકો મંટોકે ખિલાફ સમઝા.’ ઉઘડતા પાને તેમણે સાહિત્યનું નૉબેલ સન્માન મેળવનાર
ફ્રેન્ચ લેખક ઑંદ્રે જિદેનું એક અવતરણ ટાંક્યું છે : ‘ના, બીજા કોઇને દુઃખી કરવા માટે હલકા
થવાની જરૂર નથી. અને તેની સૌથી કરૂણ બાબત પણ એ જ છે : એકબીજાને પ્રેમ કરતા સારા
માણસો દુનિયાભરની સારપ છતાં એકબીજાને પીડા અને વેદના આપી શકે છે.’
આ બન્ને વિધાનો પુસ્તક વાંચતી વખતે યાદ
ન રહે તો કોઇને એવું લાગી શકે કે ‘અશ્કે’ મંટો સામેનું વેર વાળ્યું. જે દંભ મંટોને આજીવન
નડ્યો, એ તેમના મૃત્યુ સાથે મરી પરવાર્યો ન હતો. ‘અશ્કે’ આ પુસ્તક અંગેની પોતાની કેફિયત (‘સંસ્મરણકા
સંસ્મરણ’)માં નોંધ્યું છે કે,
જે દરવાજા જીવતા મંટો માટે બંધ હતા, એ બધા તેના મૃત્યુ પછી ખુલી ગયા.
મંટોના અકાળે (૪૩ વર્ષે) થયેલા મૃત્યુ પછી તેના માટે બધાને જાણે પ્રેમ ઉભરાઇ
આવ્યો. જે પાકિસ્તાન રેડિયો પર મંટોની કથાઓનું પ્રસારણ પ્રતિબંધિત હતું, એ જ
રેડિયો સ્ટેશન પર મંટોની યાદમાં અડધા કલાકનો કાર્યક્રમ પ્રસારિત થયો.
‘મંટો : મેરા દુશ્મન’
વિશે જાતજાતની વાતો થઇ, પણ બે પ્રતિભાવ બહુ મહત્ત્વના
છે. એક, મંટો-‘અશ્ક’ના સમકાલીન-મિત્ર રાજિન્દરસિંઘ બેદીનો. તેમણે લખ્યું, ‘(તારો લેખ વાંચીને થયું કે)
મંટોના કહેવાતા દોસ્તો કરતાં તું દુશ્મન હોવા છતાં એનાથી કેટલો નજીક હતો.’ મંટોનાં
પત્ની સફિયા મંટોએ પાકિસ્તાનમાં બે હપ્તામાં છપાયેલો લેખ વાંચીને રાજીપો વ્યક્ત
કર્યો. પહેલા હપ્તા વિશે તેમણે લખ્યું,‘અગરચે સઆદતસાહબકી બહનકો તો પસન્દ નહીં આયા, લેકિન
મુઝે બડા અચ્છા લગા. આપને સબ બાતેં સચ્ચી-સચ્ચી લિખી હૈં.’ બીજો હપ્તો વાંચ્યા પછીનો તેમનો
પત્ર, ‘...દૂસરા હિસ્સા હમ સબને સાથ મિલકર પઢા. બહુત અચ્છા લગા. બહનકી આંખોંમેં તો આંસૂ
આ ગયે.’
મંટો-‘અશ્ક’ના સંબંધોનો (ખરેખર તો કોઇ પણ
સંબંધનો) તાગ ફક્ત કાળા-ધોળા એમ બે રંગમાં પામી શકાય નહીં. ‘અશ્કે’ લખ્યું
છે કે અમારા પરિચયની શરૂઆત જ દુશ્મનીથી ન થઇ હોત, તો અમે બહુ સારા મિત્રો હોત. અને
મંટો? એણે પોતે ‘અશ્ક’ને દિલ્હીથી મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા બોલાવ્યા. એ વાતને માંડ
બે-ત્રણ દિવસ થયા હશે. બન્ને જણા ઘોડાગાડીમાં બેસીને ક્યાંક જતા હતા અને અચાનક
મંટોએ ‘અશ્ક’ને અંગ્રેજીમાં કહ્યું,‘આઇ લાઇક યુ, ધો આઇ હેટ યુ.’ (હું
તને ધીક્કારું છું, છતાં તું મને ગમું છું.)
બન્ને વચ્ચે ‘દુશ્મની’નો આરંભ ૧૯૪૦માં દિલ્હી રેડિયો
સ્ટેશનની નોકરીથી થયો. મંટો ત્યાં પહેલેથી કામ કરતો હતો. તેની એક વાર્તા ‘ખુશીયા’ ‘અશ્ક’ને
અવાસ્તવિક લાગી. એટલે મિત્ર રાજિન્દરસિંઘ બેદી સાથે વાતવાતમાં ‘અશ્કે’ એના
વિશે કહ્યું,‘બે બદામની વાર્તા છે.’ બેદીએ આ અભિપ્રાય મંટો સુધી
પહોંચાડ્યો. મંટોને ચાટી ગઇ, પણ ત્યારે ‘અશ્ક’ રેડિયોમાં કામ કરવા આવ્યા ન હતા.
તેમને અંદાજ પણ ન હતો કે આ ટીપ્પણી જીવનભરની દુશ્મનીનાં મૂળીયાં નાખશે.
કૃષ્ણચંદ્રના બોલાવ્યા ‘અશ્ક’ દિલ્હી રેડિયોમાં પહોંચ્યા. ત્યાં તો મંટોનો દબદબો હતો. અને થોડા લોકો એવું પણ
વિચારનારા હતા કે ‘હવે મંટોને બરાબર જવાબ મળશે.’
‘અશ્ક’ હિંદી વિભાગના સલાહકાર તરીકે નીમાયા હતા. તે વિવાદથી બચવા ઇચ્છતા હતા. એટલે ‘ખુશિયા’ વિશે
ચર્ચા કરવાના મંટોના પ્રયાસની શરૂઆતમાં તેમણે મંટોને વારી જોયો. કહ્યું કે ‘આપણે
લડીશું ને લોકોને તમાશો થશે. આપણે તમાશો નથી બનવું.’ પણ મંટોએ જીદ ન છોડી. છેવટે
બન્ને વચ્ચે ગરમાગરમી થઇ. ‘અશ્કે’ કહ્યું કે તારી વાર્તામાં આવતો દલાલ જેવી રીતે
વિચારે છે, એવું કોઇ ભણેલોગણેલો લેખક-કવિ વિચારી શકે--અભણ દલાલ નહીં.’ એટલે
ક્ષણભર ચૂપ રહ્યા પછી મંટોએ તમતમીને કહ્યું,‘હા, હા, હું એ દલાલ છું. મંટો જ એ દલાલ
છે. તમને વાર્તા લખતાં આવડે છે ખરું? તું પોતે શું લખે છે?’
બસ, ‘દુશ્મની’ના ધૂમધડાકા શરૂ થઇ ગયા.
***
મંટોનો એક શબ્દપ્રયોગ તેના પ્રેમીઓને
યાદ હશે. એક પાત્ર વિશે તેણે લખ્યું હતું, ‘વો રણછોડ કિસ્મકે આદમી થે.’ ગુજરાતી
ફિલ્મનિર્માતાઓના સંપર્કને કારણે મંટોને ‘રણછોડ’ શબ્દનો પરિચય થયો હશે, પણ
તેણે એને જરા જુદા સંદર્ભમાં--શબ્દાર્થમાં-- રણમેદાન છોડી જનાર વ્યક્તિ માટે
પ્રયોજ્યો. આ જ પ્રયોગ ‘અશ્કે’ મંટો માટે વાપર્યો છે અને કહ્યું છે કે મંટોને લડવાનું કે બીજા વિશે કટુ
મશ્કરી કરવાનું બહુ જોર હતું, પણ કોઇ એની આવી મશ્કરી કરે અથવા એને કોઇ માથાનું મળે
ત્યારે એ જોરદાર લડત આપવાને બદલે, ‘રણછોડ’ બની જતો હતો.
‘અશ્કે’ તેનાં બે મોટાં ઉદાહરણ આપ્યાં છે : દિલ્હી રેડિયો સ્ટેશનમાં મંટોને તેમની અને
બીજા અધિકારીઓની સાથે ખટરાગ થયો અને મંટોને લાગ્યું કે તેનું ધાર્યું નહીં થાય, ત્યારે
એ દિલ્હી છોડીને બીજી નોકરીની વ્યવસ્થા કર્યા વિના, પત્નીને દિલ્હી મૂકીને મુંબઇ જતો
રહ્યો. ત્યાં ગયા પછી ફિલ્મકંપનીમાં સંવાદલેખક તરીકે નોકરી કરી, બીજા
લેખકોનાં પત્તાં કાપ્યાં,
પરંતુ થોડા વખતમાં ત્યાં પણ એવી નોબત આવી કે તેણે જેને
કઢાવ્યા હોય એવા લેખકોની વાર્તાઓ પસંદ થાય ને તેની વાર્તા પસંદ ન થાય. એ સ્થિતિ
સહન ન થતાં, તેણે વહાલું મુંબઇ છોડીને પાકિસ્તાન જતા રહેવાનું પસંદ કર્યું. આ બન્ને વાતો ‘અશ્કે’ વિગતે
આલેખી છે.
‘અશ્ક’ મંટોના દુશ્મન ન હતા,
તો મંટોને પણ અશ્ક માટે લગાવ હતો. એક તો બન્ને વચ્ચેનો
પ્રકૃતિભેદ અને પછી સંજોગો એવા પેદા થયા કે બન્ને એકબીજાના જિગરી બની શક્યા નહીં.
છતાં ‘અશ્ક’ મંટોની વાર્તાકલાના મરમી પ્રેમી હતા. તેમને ચીઢ ચડતી મંટોની દેખાડાબાજી પર, તેના
પ્રચંડ અહમ્ પર અને તેનાથી દોરવાઇને થતી મંટોની વર્તણૂંક પર. તેમનું લખાણ વાંચતાં
મંટો પ્રત્યેનો દ્વેષ ક્યાંય અનુભવાતો નથી. પોતાની મર્યાદાઓ પણ ‘અશ્કે’ બરાબર
નોંધી છે. છતાં, એ વાંચ્યા પછી લેખક મંટો નહીં, પણ વ્યક્તિ મંટો વિશે ઊભી થયેલી દૈવી છબી જરા વધુ
માનવીય- વધુ માનવા યોગ્ય લાગે છે. મંટો પ્રત્યેના ભાવમાં જરાય ઘટાડો થતો નથી, પરંતુ
તેનું વ્યક્તિત્વ વધારે વાસ્તવિક લાગે છે.
‘અશ્કે’ એવા પણ કિસ્સા નોંઘ્યા છે, જ્યારે ખુદ્દારીની છાપ ધરાવતા મંટોએ પોતાનો દબદબો
ટકી રહે એ માટે ઉપરીઓને રાજી કરવાના પેંતરા કર્યા હોય. દિલ્હી રેડિયો સ્ટેશન પર
પ્રોગ્રામ ડાયરેક્ટર સુરેન્દ્ર ચોપડાને ખુશ કરવા તેમની વર્ષગાંઠે મંટોએ તેમને
મોંઘો સૂટ ભેટમાં આપ્યો હતો. મંટોની સળીનો એ જ પદ્ધતિથી જવાબ આપવા માટે ‘અશ્કે’ મંટોના
રેડિયોનાટકમાં મોટા પાયે સુધારા કર્યા અને મંટો પ્રત્યે ખાર ધરાવતા પ્રોગ્રામ
ડાયરેક્ટરે એ સુધારા મંજૂર રાખ્યા, ત્યારે મંટોએ માહિતી પ્રસારણ ખાતાના સચિવની લાગવગ
લગાડીને, તેમની પાસે ફોન કરાવ્યો હતો અને પોતાનું નાટક કોઇ પણ જાતના ફેરફાર વગર જ રજૂ
કરાવ્યું હતું. કારણ કે વાત નાટકની નહીં, અહમ્ની હતી. એ બનાવ પછી દિલ્હીમાં પોતાનો વટ નહીં
ચાલે એવું લાગતાં, થોડા જ દિવસમાં મંટોએ મુંબઇની વાટ લીધી.
મુંબઇમાં ‘ફિલ્મીસ્તાન’ના
માલિક (અશોકકુમારના બનેવી) એસ.મુખર્જીને ખુશ રાખવા માટે મંટો તેમને ગાલિબના શેરથી
માંડીને છીછરી રમૂજો પણ સંભળાવતો હતો. મુખર્જી પોતાના કામમાં માહેર હોવા છતાં, ગાલિબ
સાથે તેમને નહાવાનીચોવવાનો સંબંધ ન હતો. ‘અશ્કે’ નોંધ્યું છે તેમ, બંગાળી
મુખર્જીને બંગાળનો મામુલી કવિ પણ ગાલિબથી મોટો લાગતો હતો. છતાં, ફિલ્મીસ્તાનના
લેખનવિભાગમાં પોતાની હાક વાગતી રહે, એ માટે તે શેઠિયાઓની નજીક રહેતો હતો-- શેઠિયાઓ વિશે
તેનો અભિપ્રાય એકદમ નીચો હોવા છતાં. ફિલ્મીસ્તાનમાં નજીર અજમેરી, પી.એસ.(પ્યારેલાલ)
સંતોષી, શાહિદ લતીફ જેવા લેખકો સંવાદ લખે, પછી મંટો તેમના સંવાદ વાંચે, તેમને નાપાસ કરે અને પોતે સંવાદ
લખે, જે સ્વાભાવિક રીતે જ ફાઇનલ હોય. આ લોકોએ ‘ફિલ્મીસ્તાન’ છોડવું
પડ્યું, તેમાં મંટોનો ફાળો હોવાનું ‘અશ્કે’ જણાવ્યું છે.
આ લોકોના ગયા પછી, દિલ્હીમાં
‘અશ્ક’ સાથે તકરારો થઇ હોવા છતાં, મંટોએ ‘અશ્ક’ને મુંબઇ ‘ફિલ્મીસ્તાન’માં લેખક તરીકે જોડાવા
આગ્રહપૂર્વક બોલાવ્યા. ‘આઇ લાઇક યુ, ધો આઇ હેટ યુ.’ (હું તને ધીક્કારું છું, છતાં તું મને ગમું છું) એવું પણ કહ્યું. ‘ફિલ્મીસ્તાન’ ની ‘આઠ
દિન’ ફિલ્મમાં ‘અશ્ક’ અને ‘મંટો’ બન્નેએ નાની ભૂમિકાઓ કરી હતી. તેમાં ‘અશ્ક’ના ભાગે પંડિત તોતારામનો રોલ
આવ્યો હતો. તેમાં મંટોના સંવાદો ‘અશ્ક’ પોતાની
રીતે વધારી દેતા હતા, તેણે એક સીન લખ્યો હોય તો બે સીન કરી દેતા હતા. તેમાં પંડિતના ભાગે ‘ઝખ
મારવા’ એવો શબ્દપ્રયોગ આવ્યો, એટલે ‘અશ્ક’ ને
મસ્તી સૂઝી. તેમણે અશોકકુમારને કહ્યું,‘આ હિંસક પ્રયોગ છે. પંડિત આવું ન બોલે.’
|
'8 days' booklet : Read Manto's and Ashk's credit with other actors |
પોતાના લખેલામાં ફેરફારની વાત આવે એટલે
મંટો ઉકળી ઉઠે. એણે કહ્યું, ‘આ મુહાવરો (શબ્દપ્રયોગ) છે. અને એનો અર્થ પણ હિંસક
નથી.’
એટલે ‘અશ્કે’ મસ્તી ચાલુ રાખી. ‘ઝખ એટલે શું? માછલી. એ મારવી, એ હિંસા નથી?’ વાત આગળ વધી, એટલે ‘અશ્કે’ કહ્યું, ‘ચોરીમાં બેઠેલો બ્રાહ્મણ આવું ન
બોલે.’
મંટોએ કહ્યું,‘હુંય બ્રાહ્મણ છું.’
‘અશ્કે’ ફટકો માર્યો,‘બ્રાહ્મણ
તારા વડવા હશે. અત્યારે તો તું અહીં ઝખ મારી રહ્યો છું.’
પછી તો વાત એટલી વધી કે અશોકકુમારે
શૂટિંગ મોકૂફ રાખીને સમાધાન કરાવવું પડ્યું. મંટોએ ‘અશ્ક’નો હાથ દાબીને ખેદ વ્યક્ત કર્યો
અને ‘અશ્ક’ ઝખ મારવાવાળી લાઇન બોલ્યા.
‘અશ્ક’ અને મંટો વચ્ચે મામુલી બાબતોને લઇને દુર્ભાવ પેદા થવાના પ્રસંગ બન્યા કરતા
હતા. તેમાં સૂટનું મોંઘું કપડું ખરીદવાથી માંડીને કાગળને બદલે સીધું ટાઇપરાઇટર પર
લખવા જેવી બાબતમાં લોકો ‘અશ્ક’ ને મંટોના હરીફ તરીકે,
તેમનો એકાધિકાર સમાપ્ત કરનાર જણ તરીકે રજૂ કરતા હતા.
અછાંદસ કવિતા લખતા ‘રાશિદ’
સામે મંટોને એટલો વાંધો હતો કે તેમણે એક નાટકમાં ‘રાશિદ’ની
કવિતા અને તેમની ઉપમાઓની ઠેકડી ઉડાડી. કમનસીબે, એ જ ‘રાશિદ’ થોડા વખત પછી દિલ્હી રેડિયોમાં સાહેબ તરીકે આવ્યા. એક દિવસ મંટોએ રેડિયો નાટક
લખીને ‘રાશિદ’ ને વાંચવા આપ્યું. તેમણે એ વાંચીને મંટોને પાછું આપ્યું.
‘કેવું છે?’ મંટોએ પૂછ્યું.
‘રાશિદે’ સલુકાઇથી કહ્યું,‘નિહાયત અચ્છા ટાઇપ હુઆ હૈ. (એકદમ સરસ ટાઇપ થયું છે.)’
એટલે મંટો એટલો ખફા થયો કે ત્યાર પછી
દિવસો સુધી તેણે ‘રાશિદ’ અને એની નઝમોને ગાળો દીધી અને
કોઇ દોસ્ત પાસે ‘રાશિદ’ ની કવિતા વિરુદ્ધ લેખ પણ લખાવ્યો.
મંટોએ ‘ગંજે ફરિશ્તે’ પુસ્તકમાં
ફિલ્મી જીવનના ઘણા સમકાલીનો વિશે દિલથી લખ્યું છે અને દિલથી તેમની ફિલમ પણ ઉતારી
છે. પરંતુ એ શ્રેણીમાં મંટોનું પોતાનું મુંડન બાકી રહ્યું હતું. એ કામ ‘અશ્કે’ પ્રેમથી અને પ્રામાણિકતાથી ‘મંટો : મેરા દુશ્મન’ માં
પૂરું કર્યું. દોસ્તી-દુશ્મનીના ઉત્તમ
દસ્તાવેજ જેવું આ પુસ્તક મંટોના ચાહકોએ અચૂક વાંચવું રહ્યું.