પ્રતિષ્ઠિત હિંદી સાહિત્યકાર અશોક વાજપેયીએ ગઇ કાલે રામલાલ પરીખ સ્મૃતિવ્યાખાન આપ્યું. તેની વિગતો હવે પછી. પણ તે પહેલાં, થોડા લોકો સમક્ષ તેમણે કરેલી વાતચીતના કેટલાક મહત્ત્વના મુદ્દા.
- ‘સત્યમેવ જયતે’ હંમેશાં સાચું પડતું નથી. ઘણી
વાર જૂઠાણાની જીત થાય છે. ઇરાક પર અમેરિકાએ આક્રમણ કર્યું ત્યારે અમેરિકાના
રાષ્ટ્રપતિ ને વિદેશપ્રધાન જૂઠું બોલતા હતા. પણ છેવટે શું થયું? ઇરાક બરબાદ થઇ ગયું. પરંતુ
એનો અર્થ એવો નથી કે સત્ય છોડી દેવું. જૂઠાણાના જોરે ઝગમગતા ચહેરાઓથી પ્રભાવિત
થવાને બદલે સત્યના રસ્તે ચાલીને હાર ખમનારા લોકોનો મહિમા કરતાં આપણે શીખવું અને
શીખવવું પડશે.’
Ashok Vajpeyi / અશોક વાજપેયી |
- ‘સત્યના રસ્તે ચાલનાર
માણસ ઘણી વાર એકલો પડી જાય છે. અત્યારે પણ ઘણા લોકો એકલતા મહેસૂસ કરે છે. ગુજરાતમાં આ બધું
કહેવાની ખરેખર તો જરૂર ન હોય. કારણ કે સત્યના રસ્તે ચાલતાં એકલતા અનુભવનાર એક મહાન
માણસ મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાતી હતા. દેશના ભાગલા પડ્યા અને કોમી હિંસા થઇ
ત્યારે ગાંધીજી સૌથી ભયંકર એકલતા અનુભવી રહ્યા હતા.’
- ‘સાહિત્યકારનું કામ જ પોતાને
સાચું લાગે તે કહેવાનું છે. સાથોસાથ, એ પોતાના સત્યને અંતિમ સત્ય માનતો નથી. રાજનેતાઓ કે ધર્મગુરુઓ પોતાનું સત્ય
આખરી ગણે છે, જ્યારે સાહિત્યકાર
પોતાના સત્ય વિશે સંશય સેવે છે. પરંતુ એ સંશયને કારણે તો પોતાને સાચું લાગે તે
કહેતાં ખચકાતો નથી.’
- મધ્ય પ્રદેશમાં સરકારી અફસર તરીકે નિવૃત્ત થયેલા વાજપેયીએ
બાળપણનાં સંભારણાં યાદ કરતાં કહ્યું કે ‘અમારી સ્કૂલમાં એક શિક્ષક ગુજરાતી હતા. તેમની બદલી થઇ ત્યારે અમે બધા બહુ
ભાવુક થઇ ગયા. એ વખતે તેમણે મને કહ્યું હતું, તારા કુટુંબમાં સિવિલ સર્વિસની પરંપરા છે. માટે તું અફસર
બનજે, પણ મરજે કવિ તરીકે.’ ચૌદ વરસના છોકરાએ મૃત્યુ
વિશે શું વિચાર્યું હોય?
મને નવાઇ લાગી. મેં એમને પૂછ્યું કે તમે આવી સલાહ કેમ આપી?’ એમનો જવાબ હતો,‘અફસરને નિવૃત્તિ પછી લોકો
ભૂલી જશે, પણ કવિને લોકો યાદ
રાખે છે.’
- બિહારચૂંટણી પછી એવોર્ડવાપસી બંધ થઇ ગઇ, એવા આરોપનો ઉલ્લેખ કરીને
તેમણે કહ્યું કે ‘આ વાત ખોટી છે.
ત્યાર પછી પણ જયંત મહાપાત્ર જેવા લેખકોએ એવોર્ડ પાછા આપ્યા છે. વધારે અગત્યની વાત
એ છે કે એવોર્ડવાપસી એ હેતુ ન હતો. એ તો ધ્યાન દોરવા માટેનું નાટકીય પગલું હતું. એ
પહેલાં અમે એંસી લોકોએ આપેલા સંયુક્ત નિવેદનમાંથી અખબારોએ એક લીટી પણ છાપી નહીં.
પરંતુ એવોર્ડવાપસીના પગલા પછી આખો મુદ્દો ચર્ચામાં આવ્યો. ખુદ રાષ્ટ્રપતિએ અમારી
સાથેની મુલાકાતમાં કહ્યું કે એવોર્ડવાપસી અસરકારક નીવડી છે અને આ મુદ્દો રાષ્ટ્રિય
સ્તરે ચર્ચામાં લાવવાનો તમારો આશય સફળ થયો છે.’
- સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે અસહિષ્ણુતા અંગેની ચર્ચા
રાજકીય ગણાવીને ‘સર્વોચ્ચ અદાલત બેઠી
છે ત્યાં સુધી ચિંતાની જરૂર નથી’ એમ કહ્યું છે. એ વિશે વાજપેયીએ કહ્યું કે ‘આ ચર્ચા રાજકીય છે, એમ કહેવું એ પણ રાજકીય નિવેદન છે. બધી મર્યાદાઓ પછી પણ
ન્યાયતંત્ર પણ આપણને શ્રદ્ધા છે. પરંતુ કેટલા લોકો ન્યાય મેળવવા માટે સર્વોચ્ચ
અદાલતમાં જઇ શકવાના? અને કેટલા લોકોને
ન્યાય મળવાનો? ગુજરાતમાં આટલા લોકો
માર્યા ગયા. એમાંથી કેટલા ગુનેગારોને સજા થઇ?’
- આપણા ધર્મ અને
સંસ્કૃતિનું સાંકડું-સંકુચિત અર્થઘટન, ખોટી વ્યાખ્યા કોઇ રીતે ચલાવી લેવાય નહીં. યુરોપમાં થોડા
દાયકાથી મલ્ટિકલ્ચરલિઝમની વાત ચાલે છે, જ્યારે ભારતની સંસ્કૃતિમાં તો સદીઓથી બહુસંસ્કૃતિવાદની બોલબાલા છે. આ પરંપરાને
કોઇ રીતે જોખમાવા દઇ શકાય નહીં. તેનો પ્રતિકાર કરવો જ રહ્યો. એવોર્ડવાપસી એ
પ્રતિકારની એક રીત હતી.
No comments:
Post a Comment