ભદ્રંભદ્ર સાથેની
વાતચીતમાં ગૂંચવાયેલા રીપોર્ટરે સભાસ્થળ ભણી ચાલતાં નવેસરથી વાત શરૂ કરી, ‘તમે એમ કહેવા માગો છો કે
આપણા ૠષિમુનિઓએ જ બધી શોધો કરેલી, બરાબર?’
‘નિઃશંક. નિઃસંશય. નિશ્ચિત. નિર્વિવાદ. નિરપવાદ.’ ભદ્રંભદ્રે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું .
‘એમણે બધું શોધ્યું, પણ ફોટોકોપીનું મશીન શોધવાનું ભૂલી ગયા હશે. નહીંતર તેમની બધી શોધો સચવાઇ હોત
અને તમારે એ સાબીત કરવા આટલી મહેનત ન કરવી પડત.’
રીપોર્ટરની દલીલમાં
રહેલા કટાક્ષ છતાં મહાપુરષને છાજે એવી સ્વસ્થતાથી ભદ્રંભદ્રે કહ્યું,‘મહાભારતના યુદ્ધપૂર્વે કિંકર્તવ્યમૂઢ બનેલા અર્જુનને જેમ
શ્રીકૃષ્ણે સઘળા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા, એવી જ રીતે,
માનપમાન કે કટાક્ષઉપાલંભ પ્રતિ દુર્લક્ષ સેવીને તવ પ્રશ્નનો
ઉત્તર આપવો એ મમ કર્તવ્ય છે. સનાતન ધર્મનું ખરું રહસ્ય એ છે કે આવિષ્કારોનો દુરિત
હેતુ અર્થે પ્રયોગ ન થાય, એ માટે તપસ્વીઓએ
પ્રતિલિપીયંત્રનો આવિષ્કાર અનુચિત ગણ્યો. ’
‘શોધોનો મિઝયુઝ ન થાય એટલે કોપીમશીન ન શોઘ્યું, એમ જ ને?’ રીપોર્ટરે ચોખવટ
કરી.
ભદ્રંભદ્રે હકારમાં
ડોકું ધુણાવ્યું,
એટલે રીપોર્ટરે પૂછ્યું,‘ઓકે,
એ કહો કે એમણે કરેલી શોધો સામાન્ય માણસને કંઇ કામ લાગતી હતી? આઇ મીન, કોઇને સામાજિક કે
બિઝનેસના કામે અયોઘ્યાથી ચિત્રકૂટ જવું હોય, તો એને પુષ્પક વિમાનનો ઉપયોગ કરવા મળે? કોઇ પણ માણસ ઇચ્છે તો ઘેરબેઠાં પોતાની વાત દૂર રહેતા બીજા માણસ સુધી પહોંચાડી
શકે?’
‘અસંભવ. વર્ષોની તપશ્ચર્યા પછી પ્રાપ્ત થયેલી એ સિદ્ધિઓ પામર
મનુષ્યોને અપ્રાપ્ય જ રહેવી જોઇએ. કેવળ યોગબળ ધરાવતા મહાનુભાવો જ તેને પ્રયોજી
શકે.’
‘તો એવી શોધોથી સામાન્ય માણસને શો ફાયદો? લાઇટ, મોબાઇલ કે
ઇન્ટરનેટનો લાભ મેળવવા માટે યોગશક્તિની જરૂર નથી. સામાન્ય માણસ એ વાપરી શકે છે...’
‘યવનસંસ્કૃતિમોહગ્રસ્ત આ પ્રશ્ન અજ્ઞાનનો દ્યોતક અને
કુતર્કનો કારક છે.’ ભદ્રંભદ્ર
ન્યાયાધીશમુદ્રામાં બોલ્યા,‘પ્રાચીન કાલમાં
સઘળા આવિષ્કાર આર્યભૂમિમાં થયા હોવાથી, સર્વ આર્યજનો તેના વિશે ગૌરવ લઇ શકતા હતા. સામાન્ય આર્યજનો માટે એ લાભ
પર્યાપ્ત નથી?’
‘ગૌરવલાભ?’ રીપોર્ટર મોટેથી
હસ્યો. ‘તમે અત્યારના નેતાઓ જેવી દલીલ કરી. ગૌરવને ખાવાનું કે
પીવાનું?
ઓઢવાનું કે પાથરવાનું?’
તેનો જવાબ આપ્યા વિના
ભદ્રંભદ્રે કહ્યું,‘બહુમતી જનસમુદાય તે
વિદ્યાઓના ઉપયોગ માટે અધિકારી ન હોવાથી, તેમનું એ સિદ્ધિઓથી વંચિત રહેવું સર્વથા ઉચિત હતું. શુદ્રાદિ તેનો ઉપભોગ કરે
તો વર્ણાશ્રમનો હ્રાસ થાય અને યોગસિદ્ધિ નષ્ટ થાય.’
‘પણ આ સિદ્ધિઓ ક્યાં ટકી? નષ્ટ થઇ જ ને?’
‘સિદ્ધ પુરૂષો વિદેહ થયા, એટલે સિદ્ધિઓ પણ નષ્ટ થઇ, જેથી કુપાત્રો
તેને હસ્તગત કરી ન શકે.’ ભદ્રંભદ્રે જ્ઞાન આપતાં
કહ્યું.
‘આ તો એવી વાત છે
કે સ્ટીવ જોબ્સ ગયો, એટલે એની પાછળ આઇ-ફોન પણ
બંધ થઇ જાય....ઠીક છે, પણ ભારતના સુવર્ણયુગનો
અંત વિદેશી આક્રમણખોરોને લીધે આવ્યો એવું કહેવાય છે તે સાચું?’
ભદ્રંભદ્રે હકારમાં
ડોકું હલાવ્યું. એટલે રીપોર્ટરે કહ્યું,‘તો આટલા બધા સિદ્ધપુરૂષો હોવા છતાં, પોતાની મહાન સંસ્કૃતિના રક્ષણ માટે તે કશું કરી ન શક્યા?’
ભદ્રંભદ્ર ગૂંચવાયા,‘એ તો તપસ્વી હતા. સિદ્ધપુરૂષો...દુન્યવી બાબતોમાં...’
રીપોર્ટરે કહ્યું,‘એમની શોધો ન સામાન્ય માણસને કામ લાગે, ન વિદેશી હુમલા સામે રક્ષણમાં કામ લાગે. તો પછી એનો અર્થ શો?’
‘એ સિદ્ધિઓ અને આવિષ્કારો પ્રતિપાદિત કરે છે કે યવનો
અંધકારમાં અટવાતા હતા, ત્યારે આર્ય સંસ્કૃતિ
શીખરે હતી.’
‘અને એ જ અંધકારમાં અથડાતા યવનોએ આર્ય સંસ્કૃતિના
સુવર્ણયુગનો અંત આણી દીધો હોય, તો પછી
વધારે મહાન કોણ?’
ભદ્રંભદ્રના ચહેરા પરનો
ગુંચવાડો ધૂંધવાટ અને રોષમાં ફેરવાતો હોય એવું લાગતું હતું. અંબારામે તેનું એવું
અર્થઘટન કર્યું કે સભાસ્થળ નજીક આવી રહ્યું હોવાથી, આરક્ષણનાબૂદીના ઉત્સાહને કારણે ભદ્રંભદ્રના મુખ પર ઉત્તેજના વ્યાપી છે.
રીપોર્ટરને થયું કે મહારાજ ગૂંચવાયા છે ને જવાબ જડતો નથી. એટલે તેણે વઘુ એક સવાલ
ફેંક્યો,‘મેં સાંભળ્યું છે કે એ જમાનામાં ફક્ત ક્ષત્રિયો જ લડતા.
શુદ્રોને લડવાનો અધિકાર ન હતો. એમને ભણવાનો અધિકાર પણ ન હતો...’
હોમ પીચ આવી એટલે
ભદ્રંભદ્રના ચહેરા પર પુનઃ તેજ પ્રગટ્યું. ‘આર્યધર્મ પશુબલથી નહીં, મનોબલથી અને
તપોબલથી યશોજ્જવલ છે. તેમાં સંખ્યાનું કે સંખ્યાલક્ષી આરક્ષણનું નહીં, ગુણવત્તાનું માહત્મ્ય છે. સનાતન ધર્મ પ્રમાણે શસ્ત્ર ધારણ
કરવાં એ કેવળ ક્ષાત્રધર્મ છે ને જ્ઞાનપ્રાપ્તિ કેવળ બ્રાહ્મણોનો અધિકાર છે. એ
સિવાયના વર્ણો માટે તે કેવલ નિષિદ્ધ જ નહીં, દંડનીય અપરાધ છે. સનાતન ધર્મની હાનિ થવાથી જ કલિયુગનો આરંભ થયો અને અંતે મારા
જેવાએ આરક્ષણઉચ્છેદન જેવા યુગકાર્યાર્થે અવતાર ધારણ કરવો પડ્યો છે.’
‘એટલે તમે એમ કહેવા માગો છો કે બ્રાહ્મણ સિવાયના લોકો ભણતા
થયા ને ક્ષત્રિય સિવાયના લોકો લડતા થયા, એટલે ભારતનો દાટ વળી ગયો?’ રીપોર્ટરે પૂછ્યું,‘તમે કદી એવું વિચાર્યું છે કે ક્ષત્રિય સિવાયના બહુસંખ્યક
શુદ્રો વિદેશી આક્રમણખોરો સામેની લડાઇમાં ઉતર્યા હોય તો આક્રમણખોરો હારી જાત?’
‘એમ થયું હોત તો પણ આર્યધર્મ ગુમાવીને આર્યાવર્ત જાળવી
રાખવાનો શો લાભ?
એના કરતાં આપણા શાણા પૂર્વજોએ આર્યાવર્ત ગુમાવીને આર્યધર્મ
જાળવી રાખવાનું શ્રેયસ્કર ગણ્યું.’ ભદ્રંભદ્રે
પેચીદા સવાલનું સંતોષકારી સમાધાન મળી ગયાની હાશ સાથે કહ્યું.
‘ઓકે. તો તમારા કહેવા પ્રમાણે, સનાતન ધર્મ પ્રમાણે ભણવાનો અધિકાર ફક્ત બ્રાહ્મણોનો જ ગણાય, બરાબર?’
‘એવું શાસ્ત્રો કહે છે અને તેનો નિષેધ એટલે દેવાજ્ઞાની
અવગણના,
જે હું કદાપિ સાંખી શકું નહીં.’ ભદ્રંભદ્રે નિશ્ચયપૂર્વક કહ્યું.
‘તેનો અર્થ એ થયો કે સદીઓ સુધી શિક્ષણમાં બ્રાહ્મણો માટે સો
ટકા અનામત હતી અને એનો તમને વાંધો નથી. એ તમને સંસ્કૃતિ ને સનાતન ધર્મ લાગે છે. પણ
ચાલીસ-પચાસ વર્ષથી એેસસી-એસટી-ઓબીસીને અનામત મળે તેને નાબૂદ કરવા માટે તમારે
સ્પેશ્યલ અવતાર લેવો પડે છે.’
હવે ભદ્રંભદ્રની
સહનશક્તિની હદ આવી. તેમણે કહ્યું,‘હે અંબારામ, આ ભ્રષ્ટબુદ્ધિ તર્કાસુરની દલીલોનો પ્રત્યુત્તર આપવામાં પણ
આર્યધર્મને હાનિ પહોંચતી હોય એમ ભાસે છે. હું એની સાથે વ્યર્થ વિતંડામાં ઉતરીને, મારી શક્તિનો વ્યય કરવા ઇચ્છુક નથી. આરક્ષણઉચ્છેદનનું
અવતારકાર્ય મારી પ્રતીક્ષા કરી રહ્યું છે.’ એવામાં સભાસ્થળ સાવ નજીક આવી ગયું, એટલે રીપોર્ટરે છૂટાં પડતાં અંબારામને કહ્યું, ‘પેલો મોબાઇલ ફોન બરાબર સાચવજો. સભા પૂરી થયા પછી આપણે મળીએ છીએ.’ અને ભદ્રંભદ્રને કહ્યું,‘ઑલ ધ બેસ્ટ,
મહારાજ.’
આપ ઘણી ઉત્તમ રીતે ભદ્રંભદ્ર ના પાત્રને જીવંત રાખ્યું છે. ખરેખર તાર્કિક ગમ્મત મા તમારો જવાબ નથી.
ReplyDeleteજેને પોતાનો વર્તમાન હીણપત્ ભર્યો લાગતો હોય તેને માટે બે વિકલ્પો હોય છે, be competent and achieve greatness અથવા વાર્તાની ચોપડીઓ વાંચી ને આપના પૂર્વજો કેટલા મહાન હતા તેનો ખોટો ગર્વ લેવો. જો બધી શોધો ભારતમાં થઇ હતી તો નક્કી આપણે તેમના પૂર્વજો નથી, નહીતો વારસા મા બધું મુકતા જાત ને. સેફ્ટીપીન થી લય ને સાયકલ સુધી અને વાશિંગ મશીન થી લય ને વિમાન સુધી દરેક શોધો પશ્ચિમ મા થયી છે. તેમનામાંથી Critical thinking નો ગુણ શીખવા ને બદલે અમુક લોકો તેમની અજ્ઞાનતાને સંસ્કૃતિના વાઘા પહેરાવવા મથે છે. આપની એરફોર્સના બધા Ground Attack aircraft વર્ષ 2020મા રીટાયર થવાના છે; અત્યારથી પ્રોસેસ ચાલુ કરો તો 2020/21 મા કઈક મેળ પડે (Sukhoi planes are not meant for this. Dedicated attack crafts have look down shoot down radar, software,electronic warfare and countermeasures and special armaments etc.), મિસાઇલો એ ફાયટર વિમાનો નો વિકલ્પ હોઈ શકે પણ એટેક વિમાનો નો નહિ, પણ બધા રાફેલ ની પાછળ પડ્યા છે, everybody is after glamour, including air-force procurement officers. વર્તમાન અને ભવિષ્ય કરતા ભૂતકાળ મા અભિમાન ગોતતા ડફોળો ને આ બધું કોણ સમજાવે?
અને રહી વાત અનામત ની તો કહેવાતા અનામત તરફી અને વિરોધીઓ અને મીડિયા એ એક વાત અત્યંત ખોટી રીતે લોકોના મનમાં ઠસાવી દીધી છે કે આ એક Welfare Program છે.
ખરેખર તો;Reservation is an insurance against oppressor caste's non-inclusion policy, it gives a right to inclusion.
આ વિચાર ને નબળો પાડવા માટે OBC ને રિઝર્વેશનમા દાખલ તો કરી પણ Creamy-layer (નાણાકીય સધ્ધરતા) ની સીમા મુકી ને રિઝર્વેશન ના આખા હેતુની જ વ્યૂહાત્મક હત્યા કરી નાખવામાં આવી, નાણાકીય સધ્ધરતા અને રિઝર્વેશનને શું લેવા દેવા? આ તો એવી વાત થઇ કે "તમને રમત મા ભાગ લેવાનો પુરો અધિકાર પણ શરત એટલીજ કે તમારામાના નબળા ખેલાડીને જ રમત રમવા દેવામાં આવશે."
હશે ભાઈ કઈ પાંચ હજાર વર્ષોથી બીજાના ખભે બંદુકો ફોડી કઈ એમનામ જ રાજ થોડું કર્યું હશે અમુક ગણ્યા ગાઠયા લોકોએ.