સભાસ્થળનો દેખાવ દેવોને પણ હર્ષ ઉપજાવે એવો હતો. ચોતરફ અનામત વિશે જુદાં જુદાં સૂત્રો લખેલાં હતાં. ક્યાંક તરફેણ કરતાં, તો ક્યાંક વિરોધ કરતાં પણ ખરાં. અંબારામે સમજાવી રાખેલું કે અનામતની માગણી અનામતના વિરોધનો જ આધુનિક પ્રકાર છે. એટલે ભદ્રંભદ્ર વિચલિત થયા વિના, છટાભેર આગળ વધતા રહ્યા. પ્રાચીન કાળમાં ક્ષત્રિય યોદ્ધાઓે છાતી કાઢીને રણમેદાને સિધાવતા હતા, કિંતુ ભદ્રંભદ્ર માટે છાતીનો અધોભાગ (પેટ) કાઢીને ચાલવાનું સહજ હતું. બન્નેથી પેદા થતો પ્રભાવ શત્રુઓને ડારનારો હોવા વિશે અંબારામને તો ઠીક, ભદ્રંભદ્રને પણ શંકા ન હતી.
ભદ્રંભદ્રનો વિશિષ્ટ (કેટલાકના મતે વિચિત્ર) દેખાવ જોઇને આજુબાજુવાળા તેમને જગ્યા આપી દેતા હતા. અમુક લોકો સમજ્યા કે મંચ પર યજ્ઞાદિ કરાવવા માટે મહારાજને બોલાવ્યા હશે. એટલે પણ ભદ્રંભદ્રની જગ્યા થઇ જતી હતી. મંચની સામે અને મંચની ઉપર ઠઠ જામી હતી. વચ્ચે વચ્ચે સૂત્રોચ્ચાર ચાલતા હતા,‘અમારો મત, અમારી મમત...અનામત, અનામત’, ‘લે...કે રહેંગે, અનામત, અનામત’, ‘મત જોઇએ તો આપો અનામત’. વચ્ચે વળી કોઇ ‘અનામત, હાય હાય’ એવું પણ બોલાવી દેતું હતું. વિશાળ શ્રોતાગણ જોઇને ભદ્રંભદ્રના ચિત્તમાં એવો ભાવ ઉપજ્યો, જેવો ઘેટાંનું ટોળું જોઇને સિંહના મનમાં ઉપજે. તેમણે કહ્યું,‘અંબારામ, ઘોર કલિયુગમાં પણ સનાતન ધર્મની પરંપરાના રક્ષણ કાજે અપાર જનસમુદાય ઉમટેલો જોઇને આર્યધર્મના ભાવિ વિશેના મારા સંશયો નિર્મૂલ થયા છે. એમ ન ધારતો કે એ સંશયોએ મને લેશમાત્ર દુર્બલ બનાવ્યો હતો. કિંતુ તેમના નિર્મૂલન થકી હું વિશેષ શક્તિનો અનુભવ કરું છું.’
અંબારામે અંબારામ બનીને કહ્યું,‘નિઃશંક, મહારાજ. આપની મનોસ્થિતિમાં મને જરાય વિરોધાભાસનાં દર્શન થતાં નથી. મહાપુરૂષો જેવી વિચારશક્તિ ખીલવવાનું અસંભવ હોય છે, તો તેમના વિચારામૃતને પચાવવું પણ ઓછું દુષ્કર નથી. આપના સહવાસના પ્રતાપે મને એ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે, તેમાં મારા અંબારામપણાની સાર્થકતા જોઇને હું ધન્ય થાઉં છું અને આપ પ્રત્યે નિત્ય પૂજ્યભાવ સેવું છું.’
અંબારામની પૂજ્યભાવપ્રેરિત કૃતજ્ઞતાનો યથાયોગ્ય જવાબ વાળતાં અને મંચ પરથી આરક્ષણવિચ્છેદની વિજયઘોષણા કરવાની પૂર્વતૈયારીરૂપે ભદ્રંભદ્રે કહ્યું,‘હે અંબારામ, તારાં વચનોથી હું પ્રસન્ન થયો છું. તું જાણ કે આરક્ષણઉચ્છેદનના આ ધર્મયુદ્ધમાં હું જ શ્રીકૃષ્ણ છું ને હું જ અર્જુન છું, હું જ ભીમ છું ને દુર્યોધન પણ હું છું, હું આરક્ષણઉચ્છેદક છું ને આરક્ષણ પણ હું જ છું, હું ધ્વનિ છું ને ધ્વનિવર્ધક યંત્ર પણ હું જ છું, વક્તા હું છું ને શ્રોતા પણ હું જ છું.’
‘નિઃશંક, મહારાજ’ અંબારામે જરા વધુ પડતા ઉત્સાહથી કહ્યું, એટલે ભદ્રંભદ્રને ક્ષણાર્ધ માટે લાગ્યું કે અંબારામે બીજી સરખામણીઓમાં નહીં, પણ વક્તા-શ્રોતાવાળી વાતમાં આટલા ઉત્સાહથી હાજિયો પુરાવ્યો. પરંતુ મહાપુરૂષને શોભે એવી ત્યાગવૃત્તિથી તેમણે એ શંકાનો ત્યાગ કર્યો અને કહ્યું, ‘અંબારામ, તને ધન્ય છે અને જેમની પાસેથી તને આવી જ્ઞાનપ્રાપ્તિ થઇ તેને પણ ધન્ય છે.’ભદ્રંભદ્રનું ચાલ્યું હોત તો ત્યાં જ એમણે પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવીને અંબારામને ધન્ય કર્યા હોત. પરંતુ ભીડ એટલી હતી કે તેમના સાદા સ્વરૂપની માંડ માંડ જગ્યા થઇ હતી.
મંચ પરથી પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવીને સુધારાવાળાનાં ગાત્રો શિથિલ કરવા આતુર ભદ્રંભદ્ર મંચની નજીક પહોંચ્યા, ત્યારે અગાઉના વક્તાનું ભાષણ પૂરું થયું અને નવા વક્તાએ માઇક સંભાળ્યું. ભદ્રંભદ્ર મંચની નીચે એક ખૂણે ઊભા રહ્યા. અનિવાર્ય સંજોગો આવે એવું અનિવાર્ય લાગતું હોવાથી અંબારામ પણ તેમની સાથે જ હતા. તેમણે ભદ્રંભદ્રની ગતિ મંચ ભણી પ્રેરવાનો --એટલે કે તેમને મંચ પર ધકેલવાનો--પ્રયાસ કર્યો, પરંતુ ભદ્રંભદ્ર સમા મહાનુભાવને વૈચારિક તો ઠીક, શારીરિક પ્રેરણા આપવાનું પણ અસંભવ હતું. એટલે પોતાના પ્રયાસ પડતા મૂકીને અંબારામ ભદ્રંભદ્રના વારાની રાહ જોતાં ઊભા રહ્યા.
મંચ પરના વક્તાએ માઇકને એવી રીતે ટકોરા માર્યા, જાણે એ માઇક નહીં, માટલું હોય. પછી રામદેવપીરનો હેલો ગાવાનો હોય એમ સાંકડા ઉચ્ચારો સાથે ‘હેલો..હેલો..’ એવું કર્યું. બધું બરાબર છે અને માઇક પોતાની વાણી ઝીલવા તેમ જ પ્રસારવા સજ્જ છે એની ખાતરી થયા પછી તેમણે ભાષણની શરૂઆત કરી,‘ભાઇઓ, બહેનો અને મંચ પર બેઠેલા મહાનુભાવો..’
એ સાથે જ શ્રોતાઓમાં હસાહસ થઇ. ભદ્રંભદ્ર મૂંઝાયા. તેમણે અંબારામને પૂછ્યું,‘આ સંબોધનમાં હાસ્યનિષ્પત્તિને શો અવકાશ છે?’
અંબારામે કહ્યું,‘મહારાજ, શ્રોતાઓમાં સઘળા આપ સરખા સુજ્ઞ કે લક્ષ્યકેન્દ્રી નથી હોતા. કેટલાક મનોરંજનવાંચ્છુક પણ હોય છે. તેમણે એવો અર્થ તારવ્યો કે મંચ પર બેઠેલાઓનો સમાવેશ સ્ત્રી કે પુરુષ એમ એકેય જાતિમાં થતો નથી.’
ભદ્રંભદ્ર એકદમ ટટાર થઇ ગયા અને કહ્યું,‘અપશોચ, અંબારામ, અપશોચ. કેવી હીન અવધારણા.’ પછી વિચારીને કહ્યું,‘આપણે મંચગામી હોવા છતાં, હજુ સુધી મંચગમન કર્યું ન હોવાથી, દુષ્ટમતિ શ્રોતાઓની હીનોપમા આપણા માટે અસ્પર્શ્ય છે. તથાપિ હું તેમના અજ્ઞાનને ક્ષમા કરું છું. કિંતુ મારી જાતિ વિશે કોઇ અનૌચિત્યપૂર્ણ ટીપ્પણી કરશે તો...’
‘એવો વારો નહીં આવે, મહારાજ. આપનું પૌરુષત્વ સ્વયંસ્પષ્ટ અને સૂર્ય જેટલું જ સ્વયંપ્રકાશ્ય છે.’ અંબારામે ભદ્રંભદ્રની મૂછો ભણી જોઇને કહ્યું. તેનાથી પ્રસન્ન -- પ્રસન્ન કરતાં પણ વધારે આશ્વસ્ત--થયેલા ભદ્રંભદ્રે વક્તવ્ય સાંભળવામાં ધ્યાન પરોવ્યું. વક્તા હાથ લાંબા કરીને જોશપૂર્વક ભાષણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું,‘મેં મનુસ્મૃતિ વાંચ્યું છે, મેં તૈતરીય ઉપનિષદ વાંચ્યું છે, મેં ચરકસંહિતા વાંચી છે, મેં આર્યભિષેક પણ વાંચ્યો છે ને બત્રીસ પૂતળીઓની વાર્તા પણ વાંચી છે. તેમાં ક્યાંય પેલા લોકોને અનામત મળવી જોઇએ એવું લખ્યું નથી અને આપણને અનામત ન મળવી જોઇએ, એવું પણ લખ્યું નથી. આ વિશે હું ગમે તેવા ધુરંધર પંડિત કે અંગ્રેજી જ્ઞાનનો વહેમ ધરાવનારા સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું. આથી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આપણી અનામતની માગણીને શાસ્ત્રોનું સમર્થન છે અને શુદ્રોની અનામત શાસ્ત્રપ્રણિત નથી.’
એ સાંભળીને તાળીઓનો ગડગડાટ અને સૂત્રોચ્ચારોનો મારો થયો. ભદ્રંભદ્રે અંબારામને કહ્યું,‘હળાહળ કલિયુગમાં શાસ્ત્રોલ્લેખ સાંભળીને અપાર કર્ણસુખ પ્રાપ્ત થયું છે, તે બદલ આ મહાત્માનો ધન્યવાદ કરવો ઘટે. અંબારામ, એમના પ્રવચનની સમાપ્તિ પછી તું એમનો સંપર્ક પ્રાપ્ત કર, જેથી મને તેમના અને તેમને મારા સરખા મહાનુભાવોના દર્શનનું પરસ્પર સૌભાગ્ય સાંપડે તથા અમારી યુતિમાંથી સનાતન ધર્મનો જયજયકાર વ્યાપી રહે.’
(ક્રમશઃ)
No comments:
Post a Comment