રવિશંકર રાવળ / Ravishankar Raval |
‘શ્રી રવિશંકર રાવળને કોઇ શિક્ષિત ગુજરાતી ઓળખતો
ન હોય એ બનવાજોગ નથી.’ એવું ડો. સુમંત મહેતાએ ૧૯૫૫માં રવિભાઇના
ચીનપ્રવાસ વિશના પુસ્તક ‘દીઠાં મેં નવાં માનવી’ની પ્રસ્તાવનામાં
ખાતરીપૂર્વક લખ્યું હતું. ત્યાર પછીનાં ૬૦ વર્ષમાં ગુજરાતના શિક્ષણ અને શિક્ષિતોની
‘પ્રગતિ‘ જોતાં હવે એવું કહી શકાય
નહીં. વર્તમાન સમયમાં તો સૌથી પહેલાં ચોખવટ કરવી પડે કે બે વાર ‘શ્રી’ લગાડતા દાઢીવાળા
રવિશંકરભાઇની કે દેશવિદેશમાં વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરની નહીં, કળાગુરૂ રવિશંકર
રાવળની વાત થાય છે.
‘રવિભાઇ’ અને ‘રમરા’ જેવાં આત્મીય
સંબોધનોથી ઓળખાતા રવિશંકર રાવળે વીસમી સદીના ગુજરાતમાં કળાને સંસ્કાર જીવન અને
જાહેર જીવનનું અંગ બનાવવા માટે ભગીરથ પ્રયાસ કર્યો. સાત-આઠ દાયકા પહેલાં ગુજરાતમાં
‘કળાગુરુ’ તરીકે સ્થાપિત થવું એ
રણમાં વહાણ ચલાવવા જેવું કામ હતું. એટલે એન્જિનિયરિંગ કોલેજના પારસી આચાર્ય
સંજાણાની સલાહથી તે મુંબઇની પ્રખ્યાત જે.જે.સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણવા ગયા, ત્યારે તેમના
પિતાએ દુઃખી થઇને લખ્યું હતું, ‘તમારો નિર્ણય જાણીને ઘણો
ખેદ પામ્યો છું. મારી દૃષ્ટિએ તમે અંધારામાં કૂદકો મારો છો. તે ક્ષેત્રમાં કોઇને
પ્રતિષ્ઠા કે પૈસો મેળવતા જોયા નથી. તમારું ભાવિ કેવું થશે તેની જ ચિંતા મને
હંમેશાં રહેશે.’
રવિભાઇએ ચિંતા ખોટી પાડી એ જુદી વાત છે. બાકી તેમના પિતાની
ચિંતા સાચી હતી. એ વખતે લોકો ચિત્રનું રસદર્શન નહીં, પણ ‘કસદર્શન’ કરતા હતા : ‘ચિત્ર દોરવામાં
વળી કેટલું ખરચ? આ કાગળિયાના તે કેટલા પૈસા આલ્યા? પાંચ પૈસા એના મૂક.
પીંછીના બે પૈસા મૂક અને તેં એની પાછળ કંઇક ગદ્ધાવૈતરું કર્યું હશે. વીસ પૈસા એના
મૂકું તો પણ તારું ચિત્ર રૂપિયાનું થયું.’ આવી એ વખતની પ્રચલિત ‘સમજ’ હતી. પરંતુ
ગુજરાતના સદ્નસીબે, રવિભાઇએ વ્યવહારુ બનીને સલામત રસ્તે ચાલવાને
બદલે કલાનો પંથ અને તેની સાથે સંકળાયેલું જોખમ વહોરી લીધાં.
મુંબઇમાં હાજી મહમ્મદ અલ્લારખિયા શિવજી સાથે
થયેલો પરિચય ફક્ત રવિભાઇ માટે જ નહીં, વીસમી સદીના ગુજરાતના
સાહિત્ય અને સંસ્કારજીવનમાં મહત્ત્વની ઘટના સાબીત થયો. હાજી ગુજરાતી ભાષાનું
પહેલું સચિત્ર માસિક ‘વીસમી સદી’ કાઢવાની વેતરણમાં
હતા. દૃષ્ટિવંત હાજીને યુવાન વિદ્યાર્થી રવિશંકરની પીંછીનો લાભ મળતાં ‘વીસમી સદી’ને અભૂતપૂર્વ
રૂપરંગ આપવાનું તેમનું સ્વપ્ન સાકાર થયું. દર અંકે પ્રગટ થતી (કનૈયાલાલ મુનશીની)
નવલકથા તથા બીજી કૃતિઓ-કવિતાઓ સાથે ચિત્રો મૂકવાનો રિવાજ ગુજરાતીમાં ‘વીસમી સદી’થી શરૂ થયો. એ સામયિકની
પ્રતિષ્ઠા એવી જામી કે ફક્ત અંગ્રેજી પ્રકાશનો વેચતા મેસર્સ વ્હીલરને રેલવે
સ્ટેશનના સ્ટોલ પર ‘વીસમી સદી’ રાખવાની ફરજ પડી.
(‘વીસમી સદી’ના અંકો ડિજિટલ સ્વરૂપે gujarativisamisadi.com પર જોઇ શકાય
છે.)
‘વીસમી સદી’ પાછળ ખુવાર થયેલા
હાજીની ધગશમાંથી પ્રેરણા લઇને રવિભાઇએ અમદાવાદથી ‘કુમાર’ જેવું અનોખું
માસિક શરૂ કર્યું. તેમાં ગંભીર વિષયો ઉપરાંત એ જમાનામાં ‘પ્રકીર્ણ’
(પરચૂરણ) ગણાતા
વિજ્ઞાન-સાહસ-પ્રવાસ-વિશ્વદર્શન-ફોટોગ્રાફી જેવા આધુનિક વિષયોનો પણ સમાવેશ કરવામાં
આવ્યો. દર પૂનમે પ્રગટ થતા ‘કુમાર’ દ્વારા ગુજરાતી વાચકોમાં
જ્ઞાનનો ઉજાસ ફેલાવવાનો રવિભાઇ અને તેમના સહાયક બચુભાઇ રાવતનો હેતુ સફળ થયો. (‘કુમાર’ના તમામ અંકો ઘણા
સમયથી ડીવીડીના સેટ સ્વરૂપે ઉપલબ્ધ બન્યા છે.)
રવિભાઇના માર્ગદર્શન હેઠળ ‘કુમાર’ કાર્યાલય ફક્ત
લેખકોનું જ નહીં, ઉગતા ચિત્રકારો અને કલાકારો માટેનું ગુરૂકુળ
હતું. વિખ્યાત તસવીરકાર જગન મહેતા, ચિત્રકાર કનુ દેસાઇ,
છગનલાલ જાદવ, ચંદ્રશંકર રાવળ જેવા અનેક પ્રતાપી શિષ્યો તૈયાર
કરીને રવિશંકર રાવળ ‘કળાગુરૂ’નું બિરુદ
પામ્યા. વયમાં ઘણા નાના વૃંદાવન સોલંકીને છેક વિદ્યાર્થી અવસ્થાથી
પોસ્ટકાર્ડ અને પત્રો દ્વારા વયોવૃદ્ધ રવિભાઇએ આપેલું માર્ગદર્શન આધુનિક સમયમાં
ગુરૂ-શિષ્ય પરંપરાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ચિત્રકાર ઉપરાંત ફિલ્મઉદ્યોગમાં
(‘બૈજુ બાવરા’, ‘નવરંગ’, ‘ઝનક ઝનક પાયલ
બાજે’ જેવી ફિલ્મોમાં) કળાનિર્દેશક તરીકે ખ્યાતિ પામેલા કનુ દેસાઇ
રવિભાઇના પટ્ટશિષ્ય હતા. તેમના નામ પરથી રવિભાઇના સૌથી નાના પુત્રનું નામ કનુ
રખાયું (જે આગળ જતાં ‘કનક’ થયું.) કનુ દેસાઇ શક્ય
હોય ત્યાં લગી તેમના દરેક ચિત્રની પહેલી રેખા રવિભાઇના હાથે દોરાવીને તેમના આશીર્વાદ
મેળવતા હતા.
ગાંધીજી જેવું બહોળું શિષ્યવૃંદ ધરાવતા
રવિભાઇને ગાંધીજીના સ્કેચ કરવાની અમૂલ્ય તક મળી હતી. સ્વામી આનંદની સાથે ગયેલા
રવિભાઇને ગાંધીજીએ તેમની સ્વાભાવિક ઠંડકથી કહ્યું હતું,‘આવો રવિશંકરભાઇ,
તમારા વિશે મેં ઘણું સાંભળ્યું છે. પણ જુઓ, હું તમારા માટે
ખાસ બેઠક નહીં આપી શકું. મારું કામ ચાલુ રહેશે. તમે તમારો લાગ શોધી લેજો.’ બીજા પ્રસંગ
ગાંધીજી પર અમદાવાદની અદાલતમાં રાજદ્રોહનો મુકદ્દમો ચાલ્યો ત્યારે અદાલતમાં તસવીર
લેવાની મનાઇ હતી. એ વખતે હાજર રવિભાઇએ આખી ઘટનાનો સ્કેચ બનાવીને, પાછળથી તેના
આધારે ચિત્ર તૈયાર કર્યું હતું, જે ઐતિહાસિક પ્રસંગની
એકમાત્ર દૃશ્ય યાદગીરી બની રહ્યું છે. કળા સાથે સંબંધ ન હોવાની છાપ ધરાવતા
ગાંધીજીએ ૧૯૩૬માં અમદાવાદમાં રવિભાઇનાં ચિત્રોનું પ્રદર્શન જોયા પછી કહ્યું હતું,‘આજે તેનું
પ્રદર્શન જોઇને મારી છાતી ઊછળી...’
‘પૃથ્વી થિયેટર્સ’ના પૃથ્વીરાજ
કપૂર તેમની નાટકમંડળી સાથે અમદાવાદ આવ્યા, ત્યારે તે રવિભાઇના
મહેમાન થયા હતા. એ સમયે યુવાન રાજ કપૂર પોતાની પહેલી ફિલ્મ ‘આગ’ બનાવવાની
વેતરણમાં હતો. તેણે રવિભાઇને ફિલ્મના મૂહૂર્ત માટે એક ચિત્ર કરી આપવાની વિનંતી
કરતાં, રવિભાઇએ લસરકાસ્વરૂપે થોડી કલાપ્રસાદી આપી હતી. (પાછળથી કનુ
દેસાઇએ રાજ કપૂરને આખું ચિત્ર પૂરું કરી આપ્યું હતું.) ‘ચિત્રકૂટ’
નામ ધરાવતા રવિભાઇના બંગલામાં પંડિત ઓમકારનાથ ઠાકુર, એમ. એસ.
સુબલક્ષ્મી, વિખ્યાત નર્તક ઉદયશંકર અને તેમના સિતારવાદક ભાઇ
રવિશંકર, રશિયન ચિત્રકાર પિતા-પુત્ર નિકોલાઇ અને સ્વાતોસ્લાવ રોરિક
જેવા અનેક મહાનુભાવો મહેમાન બની ચૂક્યા હતા.
રવિભાઇનાં રસરૂચિ ફક્ત ચિત્રકામ પૂરતાં
મર્યાદિત ન હતાં. તેમના અમેરિકાનિવાસી પુત્ર કનકભાઇ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું
કે ‘બાળમંદિર’ જેવો પ્રચલિત શબ્દ
રવિભાઇની દેન હતો. રવિભાઇના મિત્ર ગીજુભાઇ બધેકા મોન્ટેસરીની શિક્ષણ પદ્ધતિ
પ્રમાણે બાળૅકોના અભ્યાસનું આયોજન કરતા હતા. તેની ચર્ચા કરતાં ગીજુભાઇએ કહ્યું,‘મારે મન બાળકો
ભગવાન છે. એ લોકો જ્યાં ભણતાં હોય તેને આપણે શું કહીશું?’ રવિભાઇએ તરત
કહ્યું,‘બાળકો ભગવાન છે એવું તમે કહ્યું. તો બાળકો ભણે એ જગ્યા
બાળમંદિર.’
સાહિત્ય ક્ષેત્રે નરસિંહ-મીરાં-પ્રેમાનંદ જેવા
મઘ્યયુગના સર્જકોનાં ચિત્રો અને કવિતા-નવલકથાનાં વર્ણનોના આધારે તેનાં પાત્રોનાં
ચિત્રો તૈયાર કરવાનું રવિભાઇનું પ્રદાન અનોખું ગણી શકાય. સાહિત્યકારો સાથે તેમને
એવો નાતો હતો કે બ..ક.ઠાકોરે રવિભાઇના બંગલાના વાસ્તુ નિમિત્તે એક સોનેટ લખી
મોકલ્યું હતું. ઝવેરચંદ મેઘાણી-ધુમકેતુ પણ રવિભાઇના ‘ચિત્રકૂટ’ના નિયમિત
મુલાકાતીઓ હતા. એ રીતે રવિભાઇ સાહિત્ય અને કળા વચ્ચેની કડી બની રહ્યા. તેમની દળદાર,
સચિત્ર આત્મકથા ‘ગુજરાતમાં કલાનાં પગરણ’ વીસમી સદીના
આરંભના ગુજરાત અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો વિશેનો કિમતી દસ્તાવેજ છે, જેમાં રવિભાઇએ
કરેલા અસંખ્ય સ્કેચ પણ સમાવવામાં આવ્યા છે. ઇન્ટરનેટના જમાનામાં ravishankarmraval.org જેવી વેબસાઇટ પરથી પણ
તેમના જીવન-કાર્યનો ખાસ્સો પરિચય મળી શકે છે. બસ, ગુજરાતગૌરવ અને
ગુજરાતની અસ્મિતામાં આ બધી બાબતોનો સમાવેશ થાય એટલી વાર.
ગૂંચવણ વધારી શકે વધુ ચોખવટની જરૂર પડે એવા બીજા બે નામો: રવિશંકર મહારાજ અને હાલના એક મંત્રી રવિશંકર પ્રસાદ. :)
ReplyDeleteGreat article, Urvish. I did not know some of the facts specially his encounters with Gandhiji. I also didn't know his involvement with legendary Kumar magazine. Thanks for sharing....
ReplyDeleteSP